વેવિશાળથી લગ્ન સુધીમાં રિયા પામી ગઈ હતી કે સાસરિયાં ભોળાં છે ને વિરાજ જરૂર કરતાં વધારે સીધો. શયનખંડમાં પતિને તરબોળ કરી રિયાએ મિશન આરંભ્યું.
ઇલસ્ટ્રેશન
‘ગુડ મૉર્નિંગ!’
ડાઇનિંગ ટેબલ પર ગોઠવાતી આરોહીએ ટહુકો કર્યો.
ADVERTISEMENT
‘ઊંઘ આવી હતી બરાબર?’ રિયાએ કાળજીભર્યા સ્વરમાં પૂછી ઉમેર્યું, ‘સાચું કહું તો લગ્નનાં પાંચ વર્ષ પછી પણ મલાડના પિયર જાઉં તો મને નથી ફાવતું. એટલે મા બબડે તોય હું પિયર રોકાવા જતી જ નથી.’
ભાભીના વેણનો ગર્ભિત અર્થ ન સમજાય એટલી નાદાન તો આરોહી નહોતી જ રહી, બલકે પરિણીત સ્ત્રીને સુલભ હોય એવી વાક્પટુતા પણ કેળવાઈ ગયેલી. તેણે પણ એવા જ લહેકામાં સંભળાવ્યું, ‘તમે તો ખરાં વરણાગી! બિચારા મારા ભાઈને એક રાતનીયે આઝાદી નહીં!’ પછી રિયાને બોલવાનો મોકો આપ્યા વિના વાત બદલી, ‘મમ્મી, વીરામાસીને કેવું છે હવે?’
મા-દીકરી સામાજિક વાતે વળગ્યાં એ જોઈ બળતા જીવે રિયા વાગોળી રહી:
એકની એક દીકરી તરીકે લાડકોડમાં ઊછરેલી રિયાને પરણીને સંયુક્ત કુટુંબમાં રહેવાના અભરખા ક્યારેય નહોતા. એ હિસાબે તેણે વિરાજના પ્રસ્તાવને નકારવાનો જ હોય, પણ એમ તો પોતાનો સ્વાર્થ જોવામાંય રિયા ઉસ્તાદ હતી : છોકરાએ ભલે સાથે રહેવાનું કહ્યું, પરણીને જુદા ક્યાં નથી થવાતું! વિરાજ રૂપાળો છે, વેલ-સેટલ્ડ છે ને મારા રૂપથી મોહિત થવાનું તો દેખીતું છે... તેને પલોટી અલગ થવામાં કેટલી વાર!
એ માટે કજિયા-કંકાસ પણ શું કામ કરવા! વેવિશાળથી લગ્ન સુધીમાં રિયા પામી ગઈ હતી કે સાસરિયાં ભોળાં છે ને વિરાજ જરૂર કરતાં વધારે સીધો. શયનખંડમાં પતિને તરબોળ કરી રિયાએ મિશન આરંભ્યું.
શરૂઆત શૉપિંગથી થઈ. સેલમાંથી જાણીજોઈને બધું પોતાના માટે જ ખરીદ્યું ને પછી રિટર્ન થતી વેળા અચાનક સાંભરતું હોય એમ બોલી : હાય-હાય વિરાજ, આપણે મા કે આરોહી માટે તો કંઈ લીધું જ નહીં! જોજોને મમ્મીને દીકરીનું પહેલાં દાઝવાનું. કહેતાં તેની આંખમાં આંસુ પણ આવી ગયાં : મારે ઘરમાં ઝઘડો નથી જોઈતો એટલે હું કઈ કહેતી નથી, બાકી માને તો તેમની આરોહી જ ગુણવંતી!
નૅચરલી, વિરાજ અપસેટ થઈ ગયો ને ઘરમાં માએ આરોહી માટે કંઈક લાવવાનું કહેતાં જ વિરાજનો આપો તૂટ્યો... પછી તો બળેવ પર આરોહીની ગિફ્ટ સુધીમાં પોતાનું ધાર્યું વિરાજના રસ્તે કરાવવાનું રિયાને મને ફાવી ગયું. જોકે એ સમયે સંગીતામા ‘સપરમે દહાડે મારે કંકાસ નહીં જોઈએ’ એવું એવા તોરમાં બોલી ગયાં કે રિયાની જીભ જ ઝલાઈ ગઈ! જુદું ઘર માંડવાનું સમણું પણ ત્યાં જ સમેટી લેવું પડ્યું : મા બોલવા પર આવ્યાં તો મારો જ એકડો કાઢી નાખશે, એના કરતાં બધાનું રિમોટ તારા હાથમાં છે એનાથી સંતોષ માણને મારી બાઈ!
આરોહીનાં લગ્ન લીધાં - એમાંય વહેવાર તો રિયાની મરજી મુજબનો જ થયો. મમ્મી-પપ્પા પણ સાનમાં સમજી ગયાં હોય એમ હાંસિયામાં ધકેલાયાનું બહાર - ઈવન જમાઈબાબુનેય દેખાડતા નથી. હા, પરણીને સ્માર્ટ થઈ ગઈ હોય એમ આરોહી બેચાર મહિને પિયરમાં આમ રોકાઈ જાય ત્યારે રિયાના ઝાંસામાં નથી આવતી. એ છતાં રિયા વિચારેઃ તે મારા સંસારમાં ચંચુપાત તો નથી કરી શકતીને! બિચારા વિરાજને હજીયે પરખાયું નથી કે હાઉ આઈ કન્ટ્રોલ્ડ એવરીવન!
સાંભરીને અત્યારે સંતોષનો શ્વાસ લેતી રિયાએ વિચારમેળો સમેટી લીધો.
lll
‘પિયર પણ તો મારું ઘર જ ગણાય, આત્મન, તોય ત્યાં જવામાં થોડું મહેમાનપણું લાગે... એવું કેમ?’
પિયરથી સાંજે આવેલી આરોહીથી રાતના એકાંતમાં બોલી જવાયું.
આત્મનને તે ચાહતી. ખાસ તો લગ્ન સુધીમાં તેના સંસ્કાર–સંયમે તે જિતાઈ ગયેલી.
સુહાગરાતે શણગારેલા સોહાગખંડની મઘમઘતી સેજ પર નવો જ આત્મન ઊઘડ્યો. કોઈ કવિ જેવો રસિક. કોઈ ગોતાખોરની જેમ તેણે આરોહીના રૂપસાગરમાં ડૂબકી લગાવી હતી. તેના અધર ભ્રમર બની આરોહીના યૌવનફૂલનું રસપાન કરતા રહ્યા. તેની દરેક પહેલમાં સમંદરનું તોફાન હતું. પરિતૃપ્તિના પરમસુખમાં આરોહીની આંખો મિંચાઈ ત્યારે આભમાં પરોઢ થવાની વેળા હતી.
શિમલાનું હનીમૂન એટલું જ રોમાંચસભર રહ્યું. આરોહીએ એ પણ નોંધ્યું હતું કે આટલી પ્રણયમસ્તી વચ્ચે પણ સવારસાંજ અડધો કલાક આત્મને ઘરે ફોન કરવાનો એટલે કરવાનો. પપ્પાએ ડાયાબિટીઝની દવા લીધી કે નહીં, મમ્મી જિમમાં ગઈ કે નહીં અને સોનલ! તેણે કૉલેજમાં શું ઉકાળ્યુંથી માંડી તેના ફેવરિટ શોની લેટેસ્ટ અપડેટની ચર્ચા વિના ફોન મુકાય નહીં.
‘બેન જોડે બહુ વાતો કરી!’ આરોહીથી બોલાઈ જતું. આત્મન એને સાચા અર્થમાં જ લેતો: યા, સોનલ બહુ બોલકણી છે, નહીં! તેની વાતો ખૂટે જ નહીં. મારું તો તેને બહુ દાઝે. મને યાદ છે બચપણમાં ક્યારેક કોઈ વાતે પપ્પા મને ઊંચા સાદે બોલે તો એ મારી નાનકડી ઢબૂડી પપ્પા સામે થઈ જતી : મારા ભાઈને વઢશો નહીં! જવાબમાં પપ્પા કડપ વીસરી તેના ગાલે ટપલી મારે : વાહ, તું તારા ભાઈ પર જોહુકમી ચલાવે એ ચાલે ને અમારાથી તેને કશું કહેવાય નહીં.
‘યા...’ આરોહી સ્મિત ઉપજાવે: ભાઈની બેની લાડકી!
‘કેમ નહીં!’ આત્મન બોલી ગયો: તું પણ તારા ભાઈની ક્યાં લાડકી નથી?
‘હેં!’ પોતે અણધારી ઝડપાઈ એથી ચમકતી આરોહી વાળી લેતી: અફકોર્સ, વિરાજભાઈનું મારા પર બહુ વહાલ!
બોલ્યા પછી આરોહીનો જીવ દુખતો: શા માટે મારાથી સચ ન કહેવાયું! પણ શું થાય, મમ્મી-પપ્પાએ સમાજમાં ચિત્ર જ એવું ઊપસાવ્યું છે કે અમે સૌ પ્રેમથી રહીએ છીએ એવી ધારણાનો પડદો ચીરવા માટેની હિંમત ક્યાંથી લાવવી? મારા કહ્યા પછી આત્મનને આમાં છેતરામણી નહીં લાગે? ભાભીનો વાંક કાઢી આત્મનની નજરમાં હું જૂના જમાનાની નણંદ તો નહીં ઠરી જાઉંને!
અને બસ, આરોહીના હોઠ કદી આ મામલે ઊઘડ્યા જ નહીં. હનીમૂન મૂડમાંથી નવદંપતી સંસારમાં પરોવાયું. આત્મને ઑફિસ રિઝ્યુમ કરી. શ્વશુરજી આખો દિવસ બૅન્કની ડ્યુટી પર હોય. સોનલ કૉલેજ ગઈ હોય. ઘરકામ કરતાં-કરતાં સાસુ-વહુના મન મળતાં ગયેલાં. માલવિકાબહેનમાં સરળપણું હતું. આરોહીને તો એ બિલકુલ સંગીતામા જેવાં જ લાગતાં. આત્મન-સોનલને જોઈ વિરાજભાઈને સંભારી લેતી : હું પણ ભાઈની આવી જ લાડકી હતી; પણ ભાભીના આવ્યા પછી ભાઈ બદલાઈ ગયા, મમ્મી-પપ્પાના દિવસો બદલાઈ ગયા, હવામાં અધ્ધર ચાલતી બહેન પટકાઈ.
ભાભીના આવવાથી આટલુંબધું મારા પિયરમાં બદલાતું હોય તો સાસરીમાં કેમ નહીં!
એ ઘડીએ આરોહીમાં એક નવી જ આરોહી જન્મી.
અહીં ઘરનાં સૂત્રો પહેલેથી આત્મનને હસ્તક હતાં. પપ્પા-મમ્મીજી આમેય આત્મનને અનુસરતાં એટલે તેમના તરફ આરોહીને અણખટ નહોતી, ફરી-ફરીને તેનું ધ્યાન સોનલ પર અટકતું.
‘ભાઈ, ચાલો, કૅરમ રમીએ.’
રાતે સૌ ટીવી જોતા હોય એમાં અચાનક ઊભી થઈ સોનલ કૅરમ ગોઠવી દે કે આરોહીના દિમાગમાં રિયારૂપી આરોહી સજીવન થઈ ઊઠે:
‘તમે રમો, મને ઊંઘ આવે છે...’ કહી અમસ્તા જ એકબે બગાસાં ખાઈ તે ઊભી થઈ જાય : તમે પણ જલદી આવજો, આત્મન! સવારે વહેલા ઊઠવાનું છે.
જવાબ સોનલ જ આપી દે : તમતમારે સૂઈ જજો ભાભી, અમારી ગેમ તો લાંબી ચાલશે! હેંને ભાઈ?
ચિબાવલી. મોં ફુંગરાવી આરોહી કોપભવનમાં બેઠી હોય એમ બેડરૂમમાં તપતી રહે. મોડેથી આત્મન આવે ત્યારે ઊંઘવાનો ડોળ કરી વધુ તડપતી રહે : ભાઈને બહેન સાથે કૅરમ રમવાનો સમય છે, વહેલા આવી બૈરી જોડે બે ઘડી બેસવાની ફુરસદ નથી! તો રહો તરસ્યા!
આવું બેચાર વાર બન્યા પછી એક બપોરે અચાનક આત્મન ઑફિસથી આવી ચડ્યો. ઘરે આરોહી એકલી હતી. મા જિમમાં ગયેલાં.
‘તમે! અચાનક! તબિયત તો ઠીક છેને?’ આરોહી ચિંતિત બની.
‘તબિયતને શું પથરા પડવાના રાણી, આ તો તમે થોડા દિવસથી ઉપવાસ પર રાખ્યો છે એટલે...’ આત્મન તેને ઊંચકીને પલંગ પર દોરી ગયો.
‘એટલે તમે કૉલેજ બંક કરતા હો એમ ઑફિસ છોડીને આવતા રહ્યા!’ આત્મનની અધીરાઈ પર હસતી, પોરસાતી આરોહીથી બોલાઈ ગયું, ‘એના કરતાં બહેન સાથે કૅરમ રમવાનો ઇનકાર કરી દેતા હો તો!’
શર્ટનાં બટન ખોલતો આત્મન સ્થિર થયો. તેની નજર એક્સરેની જેમ આરોહીનું પડણ તરાશી રહી, ‘એટલે તારા થાક, ઊંઘનું બહાનું હતું, તને ખરેખર સોનલનો વાંધો છે!’
પહેલી વાર આરોહીને આત્મનની બીક લાગી. તેની આંખોમાં તણખો હતો. જરા જો ઝર્યો તો સર્વ કંઈ ભસ્મીભૂત થવાના ભયે પેલી બીજી આરોહી પાતાળમાં ગરકી ગઈ ને મૂળ આરોહીએ પરાણે સ્વસ્થતા કેળવી પળ જાળવી : મેં તમને આપણી પહેલી મુલાકાતમાં જ કહેલું આત્મન કે હૈયાના ગમતાનું ગમતું બધું જ મનગમતું હોય. એટલે આવી કોઈ જ આશંકા, કોઈ જ દ્વિધા રાખશો નહીં!
તણખો બુઝાઈ ગયો. બધું પૂર્વવત્ બન્યાના હાશકારા સાથે સરિતા સાગરને સમર્પિત થઈ રહી.
થોડા દિવસ સખણા ગુજરતા. આરોહી પણ ભાઈ-બહેન જોડે કૅરમ–પત્તાં રમવા બેસી જતી.
શરૂ-શરૂમાં આરોહીએ વિરાજને આત્મન સાથે રૅપો કેળવવા આઉટિંગના પ્રોગ્રામ સજેસ્ટ કર્યા, પણ રિયાના રવાડે ચડેલા વિરાજ પાસે પ્રસ્તાવ ટાળવા બહાનાની કમી નહોતી. પછી તો આરોહીએ પણ પ્રયાસ પડતા મૂક્યા. હા, રિયાને ક્યાં કેમ કહેવાનું એની ફાવટ આપોઆપ કેળવાતી ગઈ.
અને કદાચ આવું તો દરેક ઘર-પરિવારમાં રહેતું હશે. કયાં માબાપ ગમ ખાતાં હશે ક્યાં તો વહુ શોષવાતી હશે. શુગર-કોટેડ ફૅમિલી તો ‘હમ આપકે હૈં કૌન?’ જેવી મૂવીમાં જ હોય.
આરોહી મન મનાવવાની કોશિશ કરતી ને એ પળોમાં વળી પેલી મૃતઃપાય બનેલી રિયારૂપી આરોહીને ઑક્સિજન મળી જતો : બીજાનું છોડ, તારા ઘરનું જો. તારા વરને તારી કેટલી વૅલ્યુ છે? એને માટે બહેન વધારે કે બૈરી - ચેક તો કરી જો!
અને વળી આરોહી લપસી જતી. સોનલ એક્સ પિક્ચર જોવાનું કહે તો એ વાય પર મત્તું મારે : ચાલોને આત્મન, મને તો આ પિક્ચર જોવાનું જ મન છે!
‘ઠીક છે, પહેલાં ભાભીનું ગમતું પિક્ચર જોઈએ, પછી મારું.’ સોનલ તરત બોલી ઊઠે. તેનું ડહાપણ પણ આરોહીને ચચરે : આમાં મારું ધાર્યું તો થયું, પણ એ તો સોનલના રસ્તે. આત્મને તો બોલવાનું આવ્યું જ નહીં કે ના, પહેલાં મારી બૈરી કહેશે એમ જ થશે.
એ હિસાબે મારા વિરાજભાઈને જુઓ. ભાભીએ સૂર છેડ્યા નથી ને ભાઈ નાચ્યો નથી!
તો શું તું આત્મનને બીજો વિરાજ બનાવવા માગે છે? મતલબ, તું બીજી રિયા બનવા માગે છે?
કદી રૂમના એકાંતમાં આરોહી પોતાના પ્રતિબિંબને પૂછતી ને અંદરથી બીજી આરોહી સપાટી પર આવી જતી: એમાં ખોટું શું છે? સંસારની કઈ પત્ની પતિને પોતાના ઇશારા પર નાચતો જોવા નથી ઝંખતી?
આરોહી કાને હાથ દાબી દેતી, આંખો બંધ કરી દેતી : બસ આરોહી, બસ! પત્નીનું સાચું સુખ પતિને નચાવવામાં નહીં, તેની સાથે સુખદુઃખના સૂરતાલે ઝૂમવામાં છે. એ જ દામ્પત્ય, એ જ ઐક્ય.
અને વળી થોડા સમય પૂરતી રિયારૂપી આરોહી અદૃશ્ય થઈ જતી. પણ તેનું અસ્તિત્વ ભીતર ક્યાંક છે એ હકીકત મૂળ આરોહીથી છૂપી નહોતી.
આમાં તું આજે આત્મનને આમ બોલી ગઈ એથી તેને તો ભીતરનો અણસાર નહીં આવી જાયને!
અત્યારે વિચારમેળો સમેટતી આરોહીને ફડકો પડ્યો.
lll
‘અટેન્શન એવરીવન!’
બીજી સવારે બ્રેકફાસ્ટ માટે ફૅમિલી ડાઇનિંગ ટેબલ પર ભેગી થતાં સોનલે સૌને સાબદાં કરી ઉત્તેજિત સ્વરમાં ખુશખબર કહ્યા, ‘આજનું ‘મિડ-ડે’ જોયું? એના સ્પેશ્યલ ફીચરમાં આપણી નાતમાં થનારા આગામી કાર્યક્રમની જાહેરાત પ્રમુખશ્રી મહેન્દ્રભાઈએ કરી છે.’
એ કાર્યક્રમના બે ઘરમાં કેવા પડઘા પડવાના છે એની ત્યારે કોઈને ક્યાં ખબર હતી?
(ક્રમશઃ)


