વેવિશાળથી લગ્ન સુધીના સમયગાળામાં તે આરોહીના અંતરમાં વસી ગયો. આરોહીની સંગીતામા કહે છે એમ મારી દીકરીનું સાસરિયું તો સોનાની ખાણ જેવું છે!
ઇલસ્ટ્રેશન
કોયલ બોલી...
દૂર ક્યાંક ગુંજતા લતાના ગીતે તેના હોઠ મલકી ગયા. આત્મનનું આ પ્રિય ગીત!
ADVERTISEMENT
‘તમને જૂનાં ગીતો ગમે છે?’
લગ્ન માટે આરોહીને જોવા આવેલા આત્મને પૂછેલું.
બે દિવસ માટે પિયર આવેલી આરોહી તેની રૂમની બાલ્કનીના હીંચકે ઝૂલતી સાંભરી રહી:
બે સંતાનમાં નાની દીકરી ગ્રૅજ્યુએટ થઈ રહી એટલે માબાપે મુરતિયા તરાશવા માંડેલા એમાં દોઢેક વરસ અગાઉ ખારના આત્મન સાથે મેળ જામી ગયો. એક તો પિયર જેવી જ આર્થિક સધ્ધરતા. સી.એ. થઈને પોતાની પ્રાઇવેટ પ્રૅક્ટિસમાં જામી ગયેલો આત્મન અત્યંત સોહામણો તો હતો જ, પહેલી જ મુલાકાતમાં જીવનસાથીને સુખમાં તરબોળ રાખવાની તેની સ્વપ્નિલતા પરખાઈ ગઈ પછી ઇનકારની ગુંજાઇશ જ ક્યાં રહી? જૂનાં ગીતો વિશેના સવાલના એક જવાબમાં આરોહીએ પોતાની મરજી ઉઘાડી કરી દીધી : જે હૈયાને ગમે તેનું ગમતું બધું જ ગમતીલું લાગવાનું!
સાંભળીને આત્મન કેવો મહોરી ઊઠેલો!
વેવિશાળથી લગ્ન સુધીના સમયગાળામાં તે આરોહીના અંતરમાં વસી ગયો. આરોહીની સંગીતામા કહે છે એમ મારી દીકરીનું સાસરિયું તો સોનાની ખાણ જેવું છે!
અત્યારે પણ આની મગરૂરી અનુભવતી આરોહીનું મોં વળતી પળે કટાણું થયું : મારું સાસરું સોનાની ખાણ ખરું, પણ એમાં એક લોઢાની મેખ પણ છે! મારી નણંદ, આત્મનની નાની બહેન સોનલ!
ના, પરણીને ‘જૉઇન્ટ’ ફૅમિલીમાં રહેવાનું છે એની તો આત્મન માટેની વાતચીત ચાલતી હતી ત્યારનું સ્પષ્ટ હતું. રિશ્તામાં મધ્યસ્થી કરનારાં આરોહીનાં દૂરનાં માસીએ કહી દીધેલું : છોકરો ફૅમિલી-ઓરિયેન્ટેડ છે. પરિવારમાં માબાપ અને નાની બહેન છે જે કૉલેજમાં ભણે છે. આત્મનના ફાધર દિવાકરભાઈ બૅન્કમાં મૅનેજર છે, હજી રિટાયરમેન્ટમાં વાર છે. માતા માલવિકાબહેન ગૃહિણી છે. સૌ હેતાવળા છે. ખારમાં તેમના ઉપર-નીચેના બે ફ્લૅટ છે, જેને અંદરથી સીડી મુકાવીને એક કર્યા છે. એન્ટ્રન્સ નીચેના ફ્લૅટમાં રાખ્યું છે. રસોડું, હૉલ બધું નીચે. ત્યાંના બે બેડરૂમ માબાપ અને બહેન વાપરે છે એટલે દીકરા-વહુને ઉપરના ફ્લૅટમાં પૂરતી પ્રાઇવસી પણ મળી રહે એવી માવતરની દીર્ઘદૃષ્ટિ વખાણવા જેવી જ ગણાયને! આજકાલની છોકરીઓને ખાલી વર જ જોઈતો હોય છે, એવી કન્યા સાથે આત્મનનું નહીં જામે એ પહેલેથી જ કહી રાખું...
‘ના રે, અમારી આરોહી એવી કોઈ વરણાગી નથી.’ સંગીતાબહેને પોરસ જતાવેલો, ‘જુઓને, અહીં પણ અમારું સંયુક્ત કુટુંબ જ છેને. અમે બે, અમારાં દીકરા-વહુ અને આરોહી પોતે. જુહુના ચાર બેડરૂમના ફ્લૅટમાં અમે સૌ ભેળા જ રહીએ છીએને.’
અમે ભેળા રહી શક્યાં છીએ જતું કરવાના મમ્મી-પપ્પાના સ્વભાવને કારણે...
અત્યારે આરોહીના ચિત્તમાં પડઘો પડ્યો. ઘડીભર સાસરાને ભૂલીને તે પિયરનાં સ્થિતિ-સંજોગ વાગોળી રહી:
નવનીતભાઈ-સંગીતાબહેને દીકરા-દીકરીમાં ભેદ નહોતો રાખ્યો, પણ એક તો આરોહી નાની અને નાનું સંતાન જરા વધુ વહાલું હોય એમ ઘરમાં તેનો પડ્યો બોલ ઝિલાતો. તેનાથી સાત વરસ મોટા વિરાજભાઈને પણ તે એટલી લાડલી. બહેનનું દરેક તોફાન માફ, બહેનની દરેક જીદ આંખ-માથા પર. મોસાળમાં કે પછી ગામના ઘરે બધા કઝિન્સ ભેગા થાય એમાં ભાઈ-બહેનની જોડીને કોઈ રમતમાં કોઈ હરાવી ન શકે. નવનીતભાઈની કટલરીની દુકાન હતી અને આરોહીના પગલે ધંધામાં તેજી આવી એવું તો તે છાશવારે બોલતા હોય. પરિણામે આરોહી જમીનથી અધ્ધર ચાલતી.
તેનો રથ ધરતી પર આણ્યો રિયાભાભીએ.
કચવાતા મને આરોહીએ કડી સાંધી:
કૉલેજમાં ભણતાં-ભણતાં જ વિરાજ પિતા સાથે દુકાનના કામકાજમાં ઘડાતો ગયેલો. બાજુની દુકાનનો બીજો ગાળો લઈને તેણે વેપારવિસ્તારની કુનેહ દાખવી. નવનીતભાઈ બહુ પોરસથી કહેતા : વિરાજમાં તો બાપથી સવાયો પુરવાર થવાનાં લક્ષણો છે!
સ્વાભાવિકપણે માબાપને તેનાં લગ્નની હોંશ હતી. હાઈ સ્કૂલમાં ભણતી આરોહી પણ ઉઘરાણી કરતી : હવે મને ભાભી આણી દોને!
વિરાજ માટે કહેણ આવતાં રહેતાં. એમાં મલાડની રિયા ભાઈને ગમી ગઈ. આરોહીને રિયા બહુ રૂપાળી લાગી. તેને તો વધુ સમજ શું હોય, પણ સંગીતાબહેન જરા ઢચુપચુ હતાં : છોકરીમાં રૂપ છે એ ખરું; પણ માબાપની એકની એક છે અને લાડકોડમાં ઊછરી છે, તેને સંયુક્ત કુટુંબમાં ઍડ્જસ્ટ થવું ફાવશે ખરું?
વિરાજે સામા સવાલથી માના વિરોધનો છેદ ઉડાડી દીધો : નહીં જ ફાવે એવું આપણે શું કામ ધારી લેવું?
નવનીતભાઈએ પણ પત્નીને ટપારી : વિરાજને કન્યા ગમી પછી તું કેમ પાણીમાંથી પોરા કાઢે છે! આપણે દીકરાની ખુશી જોવાની...
પરિણામે સંગીતાબહેન ગમ
ખાઈ ગયાં.
અને વહુનાં લક્ષણો બારણાંમાંથી
તો નહીં, પણ ત્રણ-ચાર મહિનામાં વર્તાવા માંડ્યાં.
‘અરે વાહ!’
રવિની એક બપોરે બહાર નીકળી ગયેલાં વિરાજ-રિયા મોડી સાંજે પરત થયાં ત્યારે બેઉના ચારેય હાથમાં શૉપિંગ બૅગ્સ હતી. એ લોકો સેલમાં જઈ આવ્યાં એ જાણીને સંગીતાબહેને હરખ જતાવ્યો.
‘અરે મા, સેલમાં એટલી ભીડ...’ રિયા ઉત્સાહથી શૉપિંગ બતાવતી હતી. સાડી, ડ્રેસિસ...
‘બહુ સરસ છે...’ આરોહીએ ખુશી જતાવતાં સંગીતાબહેનથી બોલાઈ ગયું, ‘આરોહીને પણ લઈ જવી હતીને. તેનું પણ શૉપિંગ થઈ જાત.’
વહુએ કેવળ પોતાના માટે જ ખરીદી કરી છે, અમારા માટે કંઈ નથી લીધું એ દેખીતું હોવા છતાં એની ટિપ્પણી કરવાનું સંગીતાબહેને ટાળ્યું; પણ દીકરી માટે માનો જીવ બોલી ઊઠ્યો.
એવી જ રિયા-વિરાજની નજર એક થઈ ને દીકરો મા પર તતડી ઊઠ્યો, ‘રિયા સાચું જ કહેતી હતી કે મારા માટે લીધેલું મમ્મીને ગમે કે ન ગમે, દીકરીનું તેમને પહેલાં દાઝશે!’
કહીને ગજવામાંથી પાંચસોની થપ્પી માના ખોળામાં નાખી : અમને અમારી ફરજ ખબર છે. તારી દીકરી કશામાં નહીં રહી જાય! જઈ આવજો કાલે મા-દીકરી શૉપિંગમાં.
બાપ રે. રિયા વિરાજને શાંત પાડતી રૂમમાં લઈ ગઈ ત્યાર પછી પણ હૉલમાં સ્તબ્ધતા છવાઈ રહી. બાકીના ત્રણે પૂતળાં જેવા રહ્યા.
નૅચરલી, રિયાએ પોતાની ખૂબસૂરતીથી વિરાજને બરાબરનો પલોટી લીધેલો. સહેજે બૂરી થયા વિના તે વિરાજને ચાવી આપે ને ભાઈસાહેબ એ પ્રમાણે તાથૈયા કરતા રહે!
નવનીતભાઈ આદતવશ દીકરીનાં પગલાંને વખાણે કે વિરાજભાઈ બધાની વચ્ચે જ પિતાને તોડી પાડે : પપ્પા, આરોહીને વખાણો એનો વાંધો નહીં, પણ પછી રિયાના આવ્યા પછીની બૅલૅન્સશીટ પણ સમાજમાં દેખાડજો.
નવનીતભાઈ બિચારા એવા તો છોભીલા પડી જાય. પરાણે મોં મલકતું રાખીને મલાવો કરવો પડે : હાસ્તો, અમારી રિયાવહુ તો ભારે શુકનવંતી! ધીરે-ધીરે વિરાજભાઈએ તેમને પણ વેપારમાંથી રિટાયર જેવા કરી દીધેલા.
પહેલાં દર રવિવારે આખી ફૅમિલી સાથે આઉટિંગ પર જતી. લગ્ન પછી નવદંપતીને મોકળાશ આપવાની જ હોય, પણ પછી ક્વચિત્ તો માબાપ-બહેનને સાથે લઈ જવાની તેમને પણ હોંશ થવી જોઈએને!
ચાર-છ મહિને સંગીતાબહેનથી ન રહેવાયું. દીકરાને કહેવાનો મતલબ નહોતો. તેમણે વહુના કાને વાત નાખી : હમણાં ફલાણું પિક્ચર બહુ સારું આવ્યું છે. તમે જોવા જાઓ ને ભેગી આરોહીને પણ લઈ જાઓ.
‘અફકોર્સ મમ્મી! આપણે બધા સાથે જઈશું.’ રિયા પોતે તો મીઠડી જ રહેતી. બૉમ્બ વિરાજે ફોડ્યો : મા, આરોહી તેના ફ્રેન્ડ્સ જોડે હરવા-ફરવા, પિક્ચર જોવા જતી જ નથી? તો પછી તું રિયાને એવી ગિલ્ટ શું કામ ફીલ કરાવે છે કે અમે તેનું ધ્યાન નથી રાખતાં?’
‘શીશ... વિરાજ, માનો એવો મતલબ નહીં હોય...’ જાહેરમાં પાછી રિયા જ વિરાજને ટાઢો પાડવાનો દેખાવ કરે એથી તો પેલો વધુ ઊંચો થાય, ‘જો, આને તમારી આટલી કદર છે, પણ તમારી આંખે આરોહી સિવાય કોઈ ચડતું જ નથી? ક્યારેય તેં મને કહ્યું કે વહુને પિક્ચર જોવા લઈ જા, તેને હિલસ્ટેશન ફેરવી લાવ?’
સંગીતાબહેનની જીભ ઝલાઈ ગઈ. અમારા કંઈ કહેવાની તમે રાહ જોઈ જ ક્યાં છે? રોજ-રોજ, વારતહેવારે તમે ફરતા જ હો છોને! હોઠો પર આવેલું વાક્ય ગળી ગયાં. વહુની ગણતરી તેમને હવે બરાબર સમજાતી હતી. તે દીકરાને જ મહોરું બનાવીને અમને લડવા ઉશ્કેરે છે જેથી વાત વધે તો છેડો ફાડતાં વાર નહીં!
એ જ ઘડીએ તેમણે માથે બરફ મૂકી દીધો, પતિને પણ સમજાવી દીધા : વિરાજ ભલે ગમે એવું, ગમે એટલું બોલે; આપણે જરાય ઉશ્કેરાવાનું નથી... વહુને તેની કૂટનીતિમાં ફાવવા નહીં દેવાનો આ એકમાત્ર રસ્તો છે!
આરોહી હજી એટલી પરિપક્વ નહોતી, પણ ભાભીના આવ્યા પછી ભાઈ બદલાઈ ગયા છે એટલું તો તે પણ અનુભવી શકતી. ન સાથે કૅરમની એક બાજી રમવાની, ન ગમતા મૂવીની વાતો કરવાની! આજ પહેલાં આ ઘરમાં ઊંચા અવાજે બોલવાની પ્રથા પણ ક્યાં હતી? અને ભાઈ મને પણ વઢી નાખશે એવી દહેશત હોવા છતાં તે ક્યારેક નાદાનીવશ કે જીદવશ અડી જતી ખરી : ભાઈ, આ બળેવ પર મને આઇફોન જોઈએ!
અગાઉ તો બહેન બોલી નથી ને ભાઈ એ ચીજ લાવ્યો નથી! પણ ભાઈનાં લગ્ન પછીની પહેલી રક્ષાબંધનમાં જુદું બન્યું. વિરાજ આઇફોન લાવ્યો ખરો, પણ રિયા માટે. આરોહીને મોંઘો પણ ઍન્ડ્રૉઇડ ફોન આપ્યો.
‘ના...’ આરોહી પણ એમ ક્યાં માને એમ હતી, ‘મને તો આઇફોન જ જોઈએ. મેં તમને આગળથી કહી રાખેલું. ભાભી માટે લાવ્યા તો મને કેમ નહીં?’
એવી જ રિયા વચ્ચે કૂદી, ‘જોયું વિરાજ, મેં કહેલુંને કે આરોહી મારી ગિફ્ટને ઇશ્યુ બનાવશે? મમ્મી-પપ્પાને પણ થશે કે તમે પત્ની-બહેનમાં ભેદ કર્યો! ના બાબા, મને ન જોઈએ આઇફોન, તમારી બેનને આપો.’
‘બસ કર વહુ...’ સંગીતાબહેને મામલો સંભાળ્યો, ‘તને કોઈ કંઈ કહેતું નથી. આરોહી, તું પણ ભાઈ જે આપે એ ખુશીથી લેવાનું રાખ. સપરમા દહાડે મને ક્લેશ નહીં જોઈએ.’
તેમના રણકાએ રિયા પહેલી વાર જરાતરા સહેમી ગઈ, વિરાજે બહેન સમક્ષ કતરાઈ લીધું : આટલી મોટી થઈ તો પણ તારામાં અક્કલ ન આવી આરોહી!
એ પહેલી બળેવ હતી જ્યારે આરોહી માને વળગીને રડી હતી : બળેવ તો ભાઈનો પણ પ્રિય તહેવાર, તો પછી આજે શું થયું? મેં શું ખોટું કર્યું મમ્મી?
‘ખોટું તો કંઈ નહીં બેટા, પણ ભાઈ પરણે પછી વીરપસલીમાં કશું માગવું નહીં એટલું દરેક બહેને યાદ રાખવું ઘટે.’
‘શું તું પણ...’ નવનીતભાઈ રૂમના એકાંતમાં ઊકળી ઊઠ્યા, ‘દીકરો વહુને ભલે આઇફોન અપાવે, બહેન માટે લાવતાં શું પથરા પડતા હતા? આખરે તેણે આપેલો ફોન પણ તો એટલો જ મોંઘો છે?’
‘એ જ તો. સવાલ પૈસાનો છે જ નહીં નવનીત... બહેન માગે એ તો નહીં જ આપવું એવી હલકટ માનસિકતાનો છે.’ વહુનું મન એક્સ-રેની જેમ વાંચી શકતાં સંગીતાબહેન ફિક્કું મલક્યાં, ‘વેવાઈ-વેવાણની તો આવી કેળવણી કે ચડામણી લાગતી નથી. પિયરમાં પોતાની મનમરજીથી જીવેલી વહુ પોતાની જ આવડતે પોતાનું ધાર્યું ધણી પાસે કરાવી રહી છે!’
આવી બૈરી સાથે દીકરાને એકલો છોડાય નહીં એ ગણતરીએ મમ્મી-પપ્પા ગમ ખાઈને બેઠાં છે, સમાજમાં સબસલામતનો મુખવટો ઓઢીને પોતાના જ ઘરમાં સાવ હાંસિયામાં રહીને જીવી રહ્યાં છે.
આ વિચારે અત્યારે પણ આરોહીથી નિ:શ્વાસ નખાઈ ગયો!
lll
‘કેમ છો મહેન્દ્રભાઈ?’
મુંબઈમાં જ્ઞાતિના ઉપરી તરીકે મહેન્દ્રભાઈ ન્યાતીલાઓના માનીતા. હવેલીએ હિંડોળાનાં દેવદર્શને આવ્યા એમાં ઘણાએ તબિયત પૂછીને ઉઘરાણી કરી : હવે નવો પ્રોગ્રામ ક્યારે આપો છો?
જવાબમાં મહેન્દ્રભાઈ મલકતા ને મોઘમ કહેતા : કાર્યક્રમની રૂપરેખા અંતિમ ચરણમાં જ છે... વધુ વિગત માટે જોતા રહો ‘મિડ-ડે!’
(ક્રમશ:)


