ઘરની બહાર નીકળતો દીકરો બહાર નીકળીને શું કરે છે એ જોવાની ફરજ મા અને બાપની છે જ છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગઈ કાલની વાત વાંચીને ઘણા મિત્રોએ હાશકારો વ્યક્ત કર્યો; પણ ખરેખર તો એ વાત હાશકારાની નહોતી, અગમચેતીની હતી. જો બાળકોને ઘરમાં જ સંસ્કાર આપવામાં આવે તો તેમનો અંતરાત્મા અકબંધ રહે, સતત જાગૃત રહે અને ખોટું કામ કરવાની દિશામાં તેઓ સહેજ પણ ખેંચાય નહીં. જો એવી પરિસ્થિતિ માવતર ઊભી કરી દે તો આ જગતમાં ક્યાંય સીસીટીવી કૅમેરાની જરૂર ન પડે, પણ એ ત્યારે જ શક્ય બને જ્યારે માબાપ પોતાનાં યુવાન થતાં બાળકો પર નજર રાખવા માટે સતેજ બને.
આજે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે મા અને બાપ બન્ને પોતપોતાની જિંદગીમાં એવાં વ્યસ્ત થઈ ગયાં છે કે તેમની પાસે બાળકો તરફ જોવાનો ટાઇમ જ નથી. માબાપની વ્યસ્તતા પણ જો તમે જાણવા જાઓ તો તમને હસવું આવે કે આ તે કેવી વ્યસ્તતા કહેવાય. બાપને પૈસા કમાવાની લાય છે અને માને પોતાની દુનિયામાં વ્યસ્ત રહેવાની લાય છે. બન્ને પોતપોતાના જગતમાં રચ્યાંપચ્યાં રહે છે અને બાળકો બાવળની જેમ ઊગતાં જાય છે. બહુ ખરાબ આ માનસિકતા છે અને બહુ ખરાબ ભવિષ્યની આ નિશાની છે. ઘરની બહાર નીકળતો દીકરો બહાર નીકળીને શું કરે છે એ જોવાની ફરજ મા અને બાપની છે જ છે.
ADVERTISEMENT
દીકરો જેની સાથે ફરે છે તે વ્યક્તિ કેવી છે એ જોવાની પણ માબાપની ફરજ છે તો એ જોવાની પણ માબાપની ફરજ છે કે બહાર મિત્રો સાથે બેઠેલો દીકરો ક્યાંક ભૂલથી કુસંગતને રવાડે તો નથી ચડી ગયોને? માબાપે જાગૃત થવું પડશે અને સમજવું પડશે કે તેમણે જે સંતાન પેદા કર્યું છે એ ક્યાંક ભૂલથી પણ સમાજ પર બોજ બનીને ઊભું ન રહી જાય. સંતાનને આઝાદી આપો, આપવાની જ હોય; પણ એ આઝાદી આપવા જતાં ક્યાંક ભૂલથી પણ એવું ન બને કે તે સ્વચ્છંદ થઈને ઊભું રહી જાય.
દીકરીઓ પર રોકટોક મૂકનારાં માબાપ એ ભૂલી જાય છે કે જો તે પોતાના દીકરાઓને વાજબી સંસ્કારો આપે તો દીકરીઓ પર કોઈ રોકટોક મૂકવાની જરૂર નહીં પડે. દીકરીઓએ દસ વાગ્યા પહેલાં ઘરમાં આવવું શું કામ પડે એ વાતનું ખરું પોસ્ટમૉર્ટમ જો કરો તો સમજાય કે એ જ માબાપના આવારા બની ગયેલા દીકરાઓ બહાર ફરે છે અને તેમનાથી બચવા માટે જ દીકરીઓએ ઘરમાં વહેલા આવવાનું છે.
સીસીટીવીનાં વખાણ કરવાં પડે એવા દિવસો ત્યારે જ આવે જ્યારે માબાપ પોતાની આંખો મીંચી લેતાં હોય. સીસીટીવીના લાભો જોવાનો સમય તો જ આવે જો માબાપે તેમના સંતાનમાં સંસ્કારનું સિચંન ન કર્યું હોય અને સીસીટીવીના ફાયદાઓ ત્યારે જ દેખાવા શરૂ થાય જ્યારે માબાપે દીકરા પર નજર રાખવાનું બંધ કરી દીધું હોય. હજી પણ મોડું નથી થયું અને હજી પણ વધારો નથી થયો. જો તમે તમારા દીકરાના ભવિષ્યની ચિંતા કરતા હો તો તેના પર નજર રાખવાનું શરૂ કરી દો અને તે કોની સાથે ફરે છે અને ફરવાના નામે તે શું કરે છે એના ડિટેક્ટિવ બનો. ભલે એ હરકત સંતાનને ન ગમે, પણ સાહેબ, કેમ ભૂલો છો કે ન ગમતું દરેક કાર્ય ખરાબ નથી હોતું.

