શું બન્યું હતું અને કયાં સીસીટીવી ફુટેજ જોવા મળ્યાં એની વાત પહેલાં કરીએ.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગઈ કાલે જ સીસીટીવીની વાત થઈ અને આજે અચાનક જ સીસીટીવી કૅમેરાનાં એવાં ફુટેજ સામે આવ્યાં જે જોઈને થોડી વાર માટે લોહી ઊકળી ઊઠ્યું, પણ એ જ ફુટેજને આધારે પગલાં પણ તરત જ લેવાયાં એ જાણીને રાજીપો પણ થયો.
શું બન્યું હતું અને કયાં સીસીટીવી ફુટેજ જોવા મળ્યાં એની વાત પહેલાં કરીએ.
ADVERTISEMENT
મોરબીમાં ટ્યુશન-ક્લાસ પાસે ઊભેલાં આવારાં તત્ત્વોએ ટ્યુશન-ક્લાસમાં જતી દીકરીઓને રસ્તા પર જ પજવણી કરવાનું શરૂ કર્યું હતું. એ પજવણીની ફરિયાદ થઈ અને ફરિયાદના બચાવમાં તેમણે ખોટું પણ બોલી લીધું કે અમે એવું કાંઈ કર્યું નથી, પણ કૉમ્પ્લેક્સમાં લાગેલાં સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં સ્પષ્ટ દેખાયું કે એ છોકરાઓએ પજવણી કરી છે એટલે તાત્કાલિક ઍક્શન લેવામાં આવી અને છોકરાઓને અરેસ્ટ કરવામાં આવ્યા. પકડાયેલા એ છોકરાઓએ જે જવાબ આપ્યો એ સાંભળીને તમે પણ સીસીટીવીના પ્રેમમાં પડી જશો એ નક્કી છે.
છોકરાઓએ એવું કહ્યું કે અમને ખબર જ નહોતી કે સીસીટીવી કૅમેરા લાગેલા છે, અમે તો અમારી મસ્તીમાં હતા. છોકરાઓએ તેમનાં માબાપ અને પોલીસની હાજરીમાં સ્વીકાર્યું કે હવે પછી જીવનમાં આવું તેઓ ક્યારેય નહીં કરે. સામાન્ય કહેવાય એવા સીસીટીવી નામના ઉપકરણને આધારે આજે એવું બન્યું છે કે એ છોકરાઓ કદાચ ભવિષ્યમાં પોતાની ગર્લફ્રેન્ડની પણ નિર્દોષ મજાક કરતાં ડરશે અને તેની સાથે પણ સભ્યતાથી જ વર્તશે. સીસીટીવી કૅમેરા તેમના મનમાં એવા ખતરનાક રીતે સ્ટોર થઈ ગયા હશે જેની કોઈ કલ્પના ન કરી શકે અને એ જરૂરી પણ છે.
સામાન્ય દેખાતા એવા સીસીટીવી કૅમેરા આજે જીવનને એ સ્તરે સુરક્ષિત બનાવે છે જેની કોઈએ ધારણા પણ ન કરી હોય. આ સીસીટીવી આજના સમયમાં અનિવાર્ય બની ગયાં છે. એવું નથી કે એને કારણે ક્રાઇમ અટકે છે. ના, એવું નથી જ; પણ હા, એવું ચોક્કસ છે કે આ સીસીટીવી કૅમેરાનાં ફુટેજ બહાર આવે છે ત્યારે એ દિશામાં ડગ માંડવા જતાં અનેક નવા ક્રાઇમ કે પછી ક્રિમિનલના હાથ થંભી જાય છે અને આ જે ડર છે એ ડર બહુ જરૂરી છે. ભલે રામગોપાલ વર્માએ કહ્યું કે ડરના મના હૈ. ના, ડરના ઝરુરી હૈ અને આ ડર જ માણસને વધારે પાકટ, વધારે પરિપક્વ બનાવે છે.
આ પણ વાંચો : ડિજિટલ ઇન્ડિયા:જો ફોકસ હવે એ દિશામાં હોય તો એને વધારે સિક્યૉર કરવાનું કામ...
ડર છે એટલે જ માણસ ખોટું કરતાં અચકાય છે અને ડર છે એટલે જ માણસ ખોટી દિશામાં આગળ વધતાં ખચકાય છે. એ વાત જુદી છે કે હવે આપણે સીસીટીવી કૅમેરાથી ડરતા થયા છીએ.
પહેલાં આ ડર અંતરાત્માનો હતો અને ખરા અર્થમાં એ સાચો ડર હતો. પેલા છોકરાઓમાં રહેલો અંતરાત્મા જો જાગ્યો હોત તો સીસીટીવી કૅમેરા વિના પણ તેમણે એવી હરકત ન કરી હોત, પણ આ અંતરાત્મા અંદર હયાત રહે એવું વાતાવરણ પરિવારમાંથી મળવું જોઈતું હતું, જે તેમને મળ્યું નહીં એટલે બાપની, માની ભૂમિકા સીસીટીવી કૅમેરાએ અપનાવી અને તેમને શાણપણ આપ્યું.
તમને પણ એ જ કહેવાનું, સીસીટીવી કૅમેરા તમારી આજુબાજુમાં છે જ. રખેને ખોટું કરો તો તૈયારી રાખજો, ઉપરવાલા સબ દેખતા હૈ.


