હવે સીસીટીવી કૅમેરા સહજ થઈ ગયા છે અને સાવ સરળ કે મામૂલી કહેવાય એવી કિંમતમાં ઘરમાં ઇન્સ્ટૉલ થાય છે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
બે દિવસ પહેલાં મોરબીમાં એક વૉચમૅન દરવાજો ખોલવા ગયો અને તેને મૅસિવ હાર્ટ-અટૅક આવતાં ત્યાં જ તેનું મૃત્યુ થયું. ગઈ કાલે કલકત્તામાં એક રિક્ષા-ડ્રાઇવરને રિક્ષા ચલાવતાં-ચલાવતાં હાર્ટ-અટૅક આવ્યો અને તેનું ચાલતી રિક્ષામાં મૃત્યુ થયું. થૅન્ક ગૉડ કે રિક્ષામાં કોઈ પૅસેન્જર નહોતું. અગાઉ પણ આવા કિસ્સા બન્યા છે અને જ્યારે પણ આ પ્રકારના મૅસિવ હાર્ટ-અટૅકના કિસ્સા બને છે ત્યારે દિલની બેચાર ધડકન ચૂકી જવાય છે. તમારી સાથે પણ એવું થતું હોય તો રખેને એવું માનતા કે આ પ્રકારની તકલીફો વધી રહી છે. અફકોર્સ, પહેલાં કરતાં તો આવી ઘટનાઓ વધારે બને જ છે, પણ પહેલાં કરતાં એટલે કે દસ-વીસ વર્ષ પહેલાં. બે-ચાર વર્ષમાં આવી ઘટનાઓ વધવા માંડી એવું ધારવું કે માનવું એ ભૂલભર્યું છે.
હકીકત એ છે કે આવું અગાઉ પણ થતું હતું. ઓછી માત્રામાં પણ આ સાવ જ કંઈ અવકાશીય ઘટના નથી બનવા માંડી. અગાઉ કહ્યું એમ, માત્રા એની વધી છે, પણ ઓછી માત્રામાં તો આવી ઘટનાઓ પહેલાં પણ બનતી હતી અને લોકો આ જ પ્રકારે સેકન્ડના છઠ્ઠા ભાગમાં જીવ છોડી દેતા હતા, પણ એ વાત લોકોની આંખ સામે નહોતી આવતી. આવે પણ ક્યાંથી, એ સમયે ટેક્નૉલૉજી એવી હતી નહીં કે લોકો એ જોઈ કે એકબીજાને દેખાડી શકે. આજે એવું બની શકે છે, કારણ કે આ સમયે ટેક્નૉલૉજી છે અને ટેક્નૉલૉજીના આ સમયમાં તમે કોઈનું મૃત્યુ નરી આંખે જોઈ પણ શકો છો.
ADVERTISEMENT
ટેક્નૉલૉજીનો ગ્રોથ થયો છે અને સાથોસાથ ટેક્નૉલૉજી સામાન્ય લોકો સુધી પહોંચી પણ છે. એક સમય હતો કે સીસીટીવી કૅમેરા લક્ઝરી કહેવાતા, પણ હવે એવું રહ્યું નથી. હવે સીસીટીવી કૅમેરા સહજ થઈ ગયા છે અને સાવ સરળ કે મામૂલી કહેવાય એવી કિંમતમાં ઘરમાં ઇન્સ્ટૉલ થાય છે. પરિવાર નાના થયા છે એટલે લોકો માટે આ સીસીટીવી કૅમેરા ઉપયોગી પણ બન્યા છે.
આ પણ વાંચો : હૅપી બર્થ-ડે સચિન : આ ગ્રૅન્ડ માસ્ટર પાસેથી આપણે શું શીખવાનું બાકી રહી ગયું છે?
સીસીટીવી કૅમેરાને લીધે અનેક ક્રાઇમ કેસ પણ ઉકેલાયા છે એ પણ આપણે ભૂલી ન શકીએ. કહેવાનો મતલબ એ છે કે ટેક્નૉલૉજી આગળ વધી છે એટલે આપણા માટે ગેરહાજરીનાં દૃશ્યો પણ તાદૃશ થયાં છે. તાદૃશ થયેલાં આ દૃશ્યોમાં જો કંઈ સહજ હોય તો એ જોવામાં કોઈને ઇન્ટરેસ્ટ નથી, પણ જો અસહજ દૃશ્ય આંખ સામે બની જાય તો એ તરત જ જોવામાં સૌકોઈને રસ જાગે છે અને રસ જાગ્યા પછી એ બીજાને દેખાડવાની માનસિકતા પણ ફટાક દઈને બહાર આવે છે. હવે તમે જ જરા વિચારો કે એ માનસિકતાને લીધે આજે એવું બને છે કે આ પ્રકારના મૅસિવ હાર્ટ-અટૅક અત્યંત ખતરનાક રીતે લોકોની સામે આવવાનું શરૂ થઈ ગયું છે અને લોકોએ પણ સહજ માનસિકતા સાથે એવું વિચારવાનું શરૂ કરી દીધું છે કે આવું હવે જ બનવાનું શરૂ થયું છે.
આ આખી વાત કહેવાનો કે પછી અહીં તમારી સમક્ષ મૂકવાનો મેઇન હેતુ એ જ કે એક ચોક્કસ વર્ગ છે એ એવું કહેવા માંડ્યો છે કે આ બધી વૅક્સિનની આડઅસર છે. ધતૂરાનાં ફૂલ આડઅસર. શું મનમાં આવે એ ભસ-ભસ કરવાનું?
સામાન્ય બુદ્ધિનો અને સામાન્ય જ્ઞાનનો ઉપયોગ કરશો તો ખરેખર આ જીવન જીવવા યોગ્ય રહેશે.


