પાંચ વીઘા જમીનમાં ૭ હજાર વૃક્ષો વચ્ચે ૨૦૦૦થી વધુ પંખીઓ અને જીવજંતુઓ તેમના નિસર્ગ નિકેતનમાં નિર્ભય થઈને ફરે છે
દિનેશ ઠાકર અને તેમનાં પત્ની દેવિન્દ્રા ઠાકર તેમણે જાતે ઊભા કરેલા નિસર્ગ નિકેતનમાં
ઉત્તર ગુજરાતના શંખેશ્વર-બહુચરાજી હાઇવે પર ધનોરા ગામ પાસે ૭૫ વર્ષના દિનેશ ઠાકર અને ૭૧ વર્ષનાં પત્ની દેવિન્દ્રા ઠાકરે નિવૃત્તિમાં પ્રકૃતિના જતન અને જીવોના રક્ષણ માટે સુંદર અભયારણ્ય બનાવ્યું છે. પાંચ વીઘા જમીનમાં ૭ હજાર વૃક્ષો વચ્ચે ૨૦૦૦થી વધુ પંખીઓ અને જીવજંતુઓ તેમના નિસર્ગ નિકેતનમાં નિર્ભય થઈને ફરે છે. જે જંતુઓને જોતાં આપણે એનાથી દૂર ભાગીએ એને જાણે દત્તક લીધાં હોય એવો પ્રેમ પ્રસરાવતા આ યુગલના પ્રકૃતિપ્રેમને સો-સો સલામ
ઉત્તર ગુજરાતના શંખેશ્વર બહુચરાજી હાઇવે પર આવેલું ધનોરા ગામ. આ ગામ પાસેથી પસાર થતાં તમને ક્યાંક કોયલનો મીઠો ટહુકો કે પછી મોરના ગહેકા સહિત પંખીઓનો કલરવ સાંભળવા મળશે. હવે બહુ જવલ્લે જ જોવા મળતાં કે જોવા માટે દુર્લભ થઈ ગયેલાં સુગ્રીવ, હોલો, બુલબુલ, ચીબરી, દેવચકલી, દરજીડો, કુંભારિયો જેવાં પંખીઓ નજરે પડી જાય કે પછી ક્યાંક તમને સાપ નીકળતો જોવા મળે કે નોળિયો જોવા મળી જાય. આજની પેઢીએ કદાચ નામ પણ ન સાંભળ્યાં હોય એવાં ભંફોડી, એરુ, ઘો, કાનખજૂરો જેવાં જીવજંતુઓ જોવા મળી જાય તો નવાઈ પામતા નહીં; કેમ કે આવાં તો અસંખ્ય પંખીઓ અને જીવજંતુઓના રક્ષણ માટે અને તેઓ મુક્ત રીતે વિહરી શકે એ માટે, એમના ખાવાના પ્રબંધ માટે, એમના રહેવા માટેની સેવા કરવા વર્ષોથી ધૂણી ધખાવીને બેઠા છે ૭૫ વર્ષના દિનેશ ઠાકર અને ૭૧ વર્ષનાં તેમનાં પત્ની દેવિન્દ્રા ઠાકર.
ADVERTISEMENT
૧૯૮૭માં ગુજરાતમાં પડેલા દુકાળમાં પર્યાવરણની બદતર સ્થિતિ અને જીવજંતુઓની દયનીય હાલત જોઈને જેમનું હૃદય દ્રવી ઊઠ્યું હતું અને બીજી તરફ પ્રકૃતિ લૂંટાતાં, વૃક્ષો કપાતાં પંખીઓ અને જીવજંતુઓનાં ઘર છીનવાયાં; તેઓ જે ખોરાક ખાય એ છીનવાયો ત્યારે એ જીવોની વેદનાને અનુભવીને અને સમજીને એમનું પાછું આપવાનો સ્તુત્ય પ્રયાસ આ દંપતી સુપેરે કરી રહ્યું છે. આ દંપતીએ સાથે મળીને પ્રકૃતિના જતન અને જીવોના રક્ષણ માટે ધનોરા પાસે નિસર્ગ નિકેતન ખોલ્યું છે. ધીમે-ધીમે તેમણે આ જગ્યામાં સાતેક હજાર વૃક્ષો વાવીને જાણે આખું જંગલ ઊભું કરી દીધું છે. લગભગ બે હજાર જેટલાં પંખીઓ અને જીવજંતુઓ જેમના આંગણે નિર્ભય બનીને કિલ્લોલ કરે છે એવા આ સિનિયર સિટિઝન દંપતીના સરાહનીય અને ઉદાહરણીય સદ્કાર્યની વાત જાણીએ જે આપણા માટે પણ પ્રેરણાદાયી અને સમજવા જેવી બની રહેશે.
વેદનાથી સંવેદના સુધીની સફર
તમે જાણે કે જૂનાગઢના જંગલમાં હો એવી અનુભૂતિ કરાવતું નિસર્ગ નિકેતન બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો એ વિશે વાત કરતાં દિનેશ ઠાકર કહે છે, ‘નાના રણને અડીને આવેલા શંખેશ્વરની શંખેશ્વર હાયર સેકન્ડરી સ્કૂલમાં હું આચાર્ય તરીકે કાર્યરત હતો. મારી વાઇફ દેવિન્દ્રા આ શાળામાં ઉપઆચાર્ય હતી. ૧૯૮૭માં ગુજરાતમાં દુકાળ પડ્યો ત્યારે પર્યાવરણની સ્થિતિ અમે જોઈ કે વગડામાં વૃક્ષ નહીં, પાણી નહીં, જીવોને રહેવાની જગ્યા નહીં, પક્ષીઓને સ્થળાંતર કરતાં જોયાં, પક્ષીઓ તેમ જ નાનાં જીવજંતુઓને મરી જતાં પણ જોયાં. એ સમયે થયું કે આ જીવો માટે અને પર્યાવરણ માટે કંઈક કરવું જોઈએ. સ્કૂલમાં સર્વિસ ચાલુ હતી એટલે શરૂઆતમાં વૃક્ષ-ઉછેરની પ્રવૃત્તિ શરૂ કરી. આ દરમ્યાન અમે એક સારી જગ્યા શોધતા હતા. એમાં અમને નિવૃત્તિ બાદ ૧૯૯૯માં ધનોરા ગામ પાસે રોડ પર પાંચ વીઘાં જમીન મળી. મેં અને મારી પત્નીએ ધરતીમાતાનું પૂજન કરીને ત્યાં ધીરે-ધીરે વૃક્ષ-ઉછેર શરૂ કર્યો. વર્ષો સુધી એક જ જગ્યાએ બેસીને વૃક્ષો વાવ્યાં, પંખીઓ અને જીવજંતુઓ માટે ખોરાક-પાણીની વ્યવસ્થા કરી, તેમને કુદરતી રીતે ઘર મળી રહે અને મુક્ત રીતે વિહરી શકે એ માટેની જગ્યા કરી આપી. આ વાતને આજે ૨૩ વર્ષ થઈ ગયાં. અત્યાર સુધીમાં લગભગ એક કરોડ રૂપિયા જેટલું તો ચણ નાખ્યું છે અને ૭૦ લાખ રૂપિયા આ જીવોના રક્ષણ, પાણી તેમ જ અન્ય વ્યવસ્થા પાછળ વપરાયા છે. ઍક્ચ્યુઅલી, અમારું જીવન અધ્યાત્મવાળું છે. હું કોણ છું? હું કોના માટે છું? હવે હું શા માટે છું? આવા બધા પ્રશ્નોનું જીવનમાં સંશોધન કર્યું અને નિઃસ્વાર્થભાવે કોઈ પણ આડંબર વગર સરકારી ગ્રાન્ટ લીધા સિવાય મૌન રહીને કામ કરવું એને જીવનનું લક્ષ્ય બનાવ્યું અને કામ કરતા ગયાં. આજે અમારા નિસર્ગ નિકેતનમાં ૭૦૦૦ જેટલાં નાનાં-મોટાં વૃક્ષો લહેરાય છે.’
કુદરતનું ઘર નિસર્ગ નિકેતન
નિસર્ગ નિકેતનમાં લીલી હરિયાળી જોઈને પંખીઓ અને જીવજંતુઓનો આવરોજાવરો થવા લાગ્યો એ વિશે વાત કરતાં દિનેશ ઠાકર કહે છે, ‘મારે ત્યાં અત્યારે ૨૫૦ જેટલા મોર છે. ટીટોડી, સુગ્રીવ, પોપટ, હોલા, લૈલા, બુલબુલ, કોયલ, ચીબરી, કાબર, કાગડા, ફૂલસૂંઘણી, દેવચકલી, દરજીડો, કુંભારિયો જેવાં કંઈકેટલાંય પક્ષીઓ આવે છે. આ ઉપરાંત શિયાળામાં વિદેશથી પંખીઓનાં ઝુંડ ઊતરી આવે છે. સાપ, નોળિયા, ઘો, કાચબા, કાચીંડા, ગરોળી, કાનખજૂરા, વીંછી, કાંટાવાળા શેરા, સાંડા (કાચીંડાનો એક પ્રકાર), ભંફોડી, એરુ, કોબ્રા પણ આવે છે. નિસર્ગ એટલે કુદરત અને નિકેતન એટલે ઘર. એટલે આ કુદરતનું ઘર છે જ્યાં આ બધા જીવો રહે છે. એક પ્રકારે ગિરનાર જંગલ સમજી લો એવું વાતાવરણ અહીંનું છે.’
પક્ષીઓ માટે મનગમતાં વૃક્ષો
જે પક્ષીને જે વૃક્ષ ગમતું હોય એવાં વૃક્ષો પણ વાવ્યાં છે એની વાત કરતાં તેઓ કહે છે, ‘મારે ત્યાં જે પક્ષીને જે વૃક્ષ ગમે ત્યાં બેસે અને રહે અને પક્ષીઓ જે ખાતાં હોય એ વૃક્ષો વાવ્યાં છે. પોપટને ગોરસઆમલીનું વૃક્ષ ગમે તો એ વૃક્ષો વાવ્યાં છે. લીંબોળી પાકે એટલે કોયલ આવે છે. ખીજડાના વૃક્ષ પર હોલો અને કાગડા માળા બાંધે છે. કરંજનું વૃક્ષ દરજીડા માટે છે, કેમ કે એને મોટું પાન જોઈએ.
સોનમોર અને ગુલમહોરનાં વૃક્ષો પર ભમરા બેસે છે, ભમ્મરિયું મધ બેસે છે તેમ જ ગુલમહોરના વૃક્ષનાં ફૂલો વાંદરાઓ બહુ ખાય છે એટલે એમના માટે આ વૃક્ષો વાવ્યાં છે.
વડ અને પીપળાના ટેટા કોયલ, મોર, કુંભારિયો સહિતનાં પક્ષીઓ ખાય છે. આ ઉપરાંત અમે બકુલ વૃક્ષ, આમલી, રાયણ, દેશી ગૂંદી, પિલુડા, ખાટી આમલી, ફાલસા, સેતૂર, અર્જુન, સાદડ, સિસમ, બામ્બુ સહિતનાં આશરે ૧૫૦ પ્રકારનાં વૃક્ષો વાવ્યાં છે તેમ જ જાતભાતનાં ફૂલ-છોડ વાવ્યાં છે. નિસર્ગ નિકેતનમાં અંદાજે ૨૦૦૦ જેટલાં પંખીઓ તેમ જ જીવજંતુઓ રહે છે તેમ જ આસપાસના બે કિલોમીટરના વિસ્તારમાંથી પણ પક્ષીઓ આવે છે, ચણે છે, પાણી પીએ છે અને જતાં રહે છે.’
કોઈ જીવજંતુ પાળેલાં નથી
સાપ અને વીંછી સહિતનાં ઝેરી જીવજંતુઓ નિસર્ગ નિકેતનમાં નિર્ભય થઈને ફરતાં હોવા છતાં ક્યારેય કોઈને ડંખ મારવાનો બનાવ બન્યો નથી એ વિશે વાત કરતાં દિનેશ ઠાકર કહે છે, ‘ઈશ્વરની દયા છે કે અમે બે માણસ ૨૩ વર્ષથી કામ કરીએ છીએ. અમારી સાથે બીજા બે માણસો કામ કરે છે, પરંતુ ક્યારેય કોઈને સાપે ફૂંફાડો નથી માર્યો કે વીંછીએ ડંખ પણ માર્યો નથી. એક વખત એવું બન્યું કે અમે ખાડો ખોદી રહ્યા હતા ત્યારે ખોદતી વખતે જમીનમાંથી વીંછીનાં ઘણાંબધાં બચ્ચાં નીકળ્યાં હતાં, પરંતુ એમણે કોઈને પણ ટચ કર્યો નહીં. અમારી પાસે તો સાપ આવીને બેસે છે. સાપ માટે અમે મંદિર પણ બનાવ્યું છે એટલે એમની કૃપા છે. બીજી વાત એ કે સાપ દિવસમાં ઘણુંબધું ચાલતો હોય છે એટલે અમે કોટ બનાવ્યો છે એની નીચે જગ્યા રાખી છે જેથી ત્યાંથી સાપ તેમ જ અન્ય જીવજંતુઓ અવરજવર કરે છે. મારે ત્યાં જે પક્ષીઓ કે નાનાં-મોટાં જીવજંતુઓ આવે છે એ પાળેલાં નથી કે એમને ટ્રેઇન કર્યાં નથી.’
પ્રકૃતિની વેદના સમજાતી નથી
છેલ્લા કેટલાક સમયથી વધતાં જતાં બિલ્ડિંગો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સને કારણે જાણે-અજાણે વૃક્ષોનો ખો નીકળી રહ્યો છે ત્યારે એ વૃક્ષોની સાથે-સાથે અસંખ્ય પંખીઓ તેમ જ જીવજંતુઓનો પણ ખો નીકળી જાય છે અને એમની વેદના આપણે સમજતા નથી એનો આક્રોશ વ્યક્ત કરતાં દિનેશ ઠાકર કહે છે, ‘માનવજાતે પ્રકૃતિને લૂંટી લીધી, આ લોકોનાં એટલે કે પક્ષીઓ અને જીવજંતુઓનાં ઘર લૂંટી લીધાં, આ લોકો જે ખોરાક ખાય છે એના પર ઝેર છાંટવા માંડ્યા ત્યારે આપણી ફરજ એટલી છે કે એમને એમનું પાછું આપીએ. માનવજાતે જે લૂંટી લીધું આ લોકો પાસેથી એ વિશે એ પંખી કે જીવજંતુ બોલે છે, પણ આપણે સમજતા નથી. આ જીવો, આ પક્ષીઓ, આ વૃક્ષો રડે છે અને બોલે છે કે હે માનવ, તમે બધું અમારું લૂંટી લીધું છે. આજે યંત્રયુગ આવ્યો, શેઢા-પાળા બધું કાઢી નાખ્યું, તળાવોમાં વાવેતર કરી દીધું, એમને ખાવા માટેનાં ખેતરોમાં ઝેર છાંટ્યું. તેઓ એમનાં બચ્ચાંને ક્યાં રાખે? આપણે આ વાત સમજતા નથી એટલે એમની વેદનાની અનુભૂતિ નથી કરતા. એ વેદનાની અનુભૂતિ અમે કરી. એમનું લૂંટાયેલું આપણે જેટલું બને એટલું પાછું આપીએ તો ભગવાન આપણને માફ કરે. દુનિયા નૉલેજેબલ છે પણ કશું કરવું નથી, ઇમ્પ્લીમેન્ટ નથી કરવું. ગ્લોબલ વૉર્મિંગ કેમ થયું? ચકલીઓ કેમ મરી ગઈ? આ બધું જાણવાનું, સંશોધન કરવાનું પણ અપ્લાય નહીં કરવાનું.’
૧૦ વૃક્ષ કાપવાં એટલે ૧૦,૦૦૦ જીવોનાં ઘર લૂંટી લેવા બરાબર
અત્યાર સુધીમાં આ દંપતીએ જુદાં-જુદાં સ્થળોએ દોઢ લાખ જેટલાં વૃક્ષો વાવીને મોટાં કર્યાં છે ત્યારે આજના સમયે આડેધડ કપાઈ રહેલાં વૃક્ષોની સાથે-સાથે અનેક અબોલ જીવોની દુનિયા ઊજડી જાય છે એની વેદનાની અનુભૂતિ કરનારા દિનેશ ઠાકર વ્યથિત હૃદયે પરંતુ ડંકાની ચોટ પર કહે છે, ‘પ્રકૃતિના વિનાશના ભોગે વિકાસ સ્વીકાર્ય નથી, નથી અને નથી. ૧૦ વૃક્ષ કાપવાં એટલે ૧૦,૦૦૦ જીવોનાં ઘરને લૂંટી લેવા બરાબર છે. વૃક્ષ એકલું નથી કપાતું. વૃક્ષ કપાય એટલે કીડીથી માંડીને ઘણાબધા જીવોનો ખોરાક લૂંટાઈ ગયો, એમનાં ઘર લૂંટાઈ ગયાં, એમનું રક્ષણ લૂંટાઈ ગયું. વૃક્ષ પર રહેતા અને એની નીચે રહેતા જીવોનાં કુટુંબનું જીવન રોળાઈ ગયું. આ બધું અટકવું જોઈએ. અબોલ જીવો માટે શક્ય એટલું આપણે કરવું જોઈએ.’
પ્રકૃતિનું રક્ષણ એ જ અમારું ભજન, એ જ અમારી ભક્તિ
મોટા ભાગે એવું જોવા મળ્યું છે કે મોટી ઉંમરે સિનિયર સિટિઝનો ભજન-કીર્તન કરે, પણ આ દંપતીએ જાણે કે પ્રકૃતિને ખોળે લીધી છે. તેઓ નાના જીવોને અને પંખીઓને દત્તક લીધાં હોય એમ એમના માટે વિશાળ જગ્યા ખોલીને એમનું લાલન-પાલન કરે છે, એમનું ઘર પાછું આપ્યું છે, એમનો ખોરાક પાછો આપ્યો છે અને એમને રક્ષણ પૂરું પાડી રહ્યાં છે. એક શિિક્ષકા તરીકે જીવનભર વિદ્યાર્થીઓને સાક્ષર બનાવનારાં દેવિન્દ્રા ઠાકર કહે છે, ‘આ ઉંમરે આ અમારું ભજન છે, આ અમારી ભક્તિ છે. પંચતત્ત્વની પૂજા કરીએ, પ્રકૃતિની પૂજા કરીએ એ ગુરુની પૂજા કહો કે દેવાધિદેવ ભગવાન શંકરની પૂજા કહો; પણ પ્રકૃતિની પૂજા એ જ પૂજા છે, એ જ ભગવાન છે એવું અમે માનીએ છીએ, કારણ કે પ્રકૃતિમાંથી પેદા થયા છીએ અને પ્રકૃતિમાં મળવાનું છે અને પ્રકૃતિ સાથે જીવવાનું છે. જો આમ થાય તો વિકૃતિ આવે નહીં. આપણામાં ન આવે એટલે આપણું જોઈને સંતાનો શીખે, ભાવિ પેઢી શીખે. આપણને અનુમોદન આપનારાને પણ પ્રેરણા મળે અને પ્રેરક બની રહે.’
હજારો પંખીઓ અને નાનાં જીવજંતુઓને ખોળે લેનારા આ દંપતીની ફૅમિલી સુશિક્ષત છે અને એટલે જ દિનેશભાઈ અને દેવિન્દ્રાબહેનને અત્યાર સુધી કોઈ અડચણ આવી નથી કે કોઈ કાર્ય કરતાં ફૅમિલીએ રોક્યાં નથી. આ વિશે વાત કરતાં દેવિન્દ્રાબહેન કહે છે, ‘મારો મોટો દીકરો આશુતોષ ઠાકર બૅન્કમાં ઉચ્ચ અધિકારી છે; નાનો દીકરો દેવતોષ ઠાકર સ્કૂલમાં પ્રિન્સિપાલ, પર્યાવરણવાદી અને ઍસ્ટ્રોલૉજર છે અને દીકરી હેતલ શિક્ષિકા છે. તેમણે ક્યારેય અમને રોક્યાં નથી. અમારા દીકરાના દીકરાને સાચવવા માટે અમે હવે બહુચરાજી રહીએ છીએ, પણ રોજ સવારે અમે બન્ને નિસર્ગ નિકેતન જઈએ છીએ અને સાંજે પાછા આવીએ છીએ. એટલે પરિવાર પણ સચવાય છે અને નિસર્ગ નિકેતનમાં રહેતા જીવો પણ સચવાય છે. આ ઉંમરે વહેતી નદીની જેમ રહેવાનું, બંધિયાર નહીં રહેવાનું. બંધિયાર થઈ જઈએ તો કટાઈ જઈએ, જીવનને લીલ અને શેવાળ વળી જાય. થાકી ગયા એ શબ્દ જ આવવા દેવાનો નહીં.’
૭૧ વર્ષની ઉંમરે પણ મોર સહિતનાં પક્ષીઓ અને જીવજંતુઓ માટે રોજ એકલા હાથે જથ્થાબંધ રોટલી બનાવતાં દેવિન્દ્રા ઠાકર કહે છે, ‘આજે પણ હું રોજ પાંચથી સાત કિલો ઘી વગરની રોટલી બનાવીને લઈ જાઉં છું અને મોરને નાખું છું. મોર સહિતનાં પશુ-પંખીઓ રોટલી ખાય છે. આ ઉપરાંત રોજ ચોખા, બાજરી, જુવાર, ઘઉં સહિતનું ચણ નાખીએ છીએ. વૃક્ષોનું ટ્રિમિંગ કરવા
સહિતની જાળવણી કરીએ છીએ તથા પક્ષીઓ અને જીવજંતુઓ માટે કંઈ ને કંઈ કામ કરીએ છીએ. શરૂઆતમાં આ સ્થળે ૪૦૦ લીંબુડી વાવી હતી અને એના સહારે બીજાં વૃક્ષો વાવ્યાં હતાં. આ કામ કરતાં-કરતાં દિવસ પસાર થઈ જાય છે, આત્મસંતોષ થાય છે અને કુદરતના ખોળે રહેવાનો અને જીવવાનો લહાવો મળી રહ્યો છે.’
લોકોની સાથે મળીને પાંચ સ્થળે અત્યાર સુધીમાં દોઢ લાખ વૃક્ષો વાવ્યાં
દિનેશ ઠાકર અને દેવિન્દ્રા ઠાકરના વૃક્ષઉછેરના અભિગમની લોકોએ સરાહના કરી એટલું જ નહીં, મિત્રો સહિતના લોકોની સાથે મળીને આવાં બીજાં પાંચ સ્થળે અત્યાર સુધીમાં દોઢ લાખ જેટલાં વૃક્ષો વાવીને મોટાં કર્યાં છે એની વાત કરતાં દિનેશ ઠાકર કહે છે, ‘નિસર્ગ નિકેતનની જેમ અન્ય પાંચ સ્થળે પણ વૃક્ષો ઉછેર્યાં છે. ખારાઘોડામાં પાંચ હજાર વૃક્ષો વાવ્યાં છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પાસે ગવાડા ગામે એક મિત્રની સાથે મળીને ગયા વર્ષે આઠ હજાર વૃક્ષો વાવ્યાં જ્યાં જીવદયાપ્રેમીઓએ મદદ કરી છે. સમી હારીજ પાસે ઉરોમાળા ગામે પક્ષીધામ બનાવ્યું અને અત્યારે બહુચરાજીની બાજુમાં બરિયમ ગામે વૃક્ષઉછેરનું કામ ચાલે છે. કહેવાનો મતલબ એ છે કે જીવસૃષ્ટિ, પક્ષીસૃષ્ટિ, ઔષધીય વનસ્પતિઓ, આ પ્રદેશની મૂળ વનસ્પતિઓને બચાવવી અને આપણા અંતરાત્માનું સંશોધન કરવું.’
આ દંપતી અનેકવિધ સદ્કાર્યો પણ કરી રહ્યું છે એની વાત કરતાં તેઓ કહે છે, ‘તેજસ્વી દીકરીઓને ફીમાં મદદ કરવી તથા વૃદ્ધો, દિવ્યાંગો, ત્યક્તા બહેનોને મદદ કરવી; નાના રણમાં ઝીંઝુવાડા સાઇડે મીઠું પકવતા અગરિયાઓના પરિવારોને અમારી ટીમ મળીને વર્ષમાં એક વાર બાળકોને અભ્યાસની કિટ આપવી, પાણીનાં ટાંકાં આપવાં, તેમના વ્યવસાય માટે બૂટ-મોજાં, ચશ્માં, દવા, એક મહિનાનું રૅશન આપીએ છીએ. છેલ્લાં ૧૧ વર્ષથી અમે આ કામ કરીએ છીએ. હાલના વડા પ્રધાન અને એ સમયના ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમારી કામગીરીની સરાહના કરી હતી. ગુજરાત સરકાર દ્વારા અમારું સન્માન કરવામાં આવ્યું છે, સણોસરમાં આવેલી લોકભારતી સંસ્થા દ્વારા મોરારીબાપુના હાથે સન્માન થયું છે અને અમારા કામને લગભગ પંદર જેટલા અવૉર્ડ મળ્યા છે.’

