પહેલી વાર વિસર્જનના ૪૮ કલાકમાં પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિના વધેલા અવશેષોને રીસાઇક્લિંગ પ્લાન્ટમાં લઈ જઈને વૈજ્ઞાનિક ઢબે એનો નિકાલ કરવાના મુંબઈ મહાનગરપાલિકાના પ્લાનમાં પંક્ચર પડ્યા
બીચ ક્લીન અપના કામ સાથે વર્ષોથી સંકળાયેલા ઍક્ટિવિસ્ટ ચીનુ કવાત્રા વિસર્જન પછી દરિયાકાંઠે તણાઈ આવેલી બાપ્પાની ખંડિત મૂર્તિઓ સાથે.
આ વર્ષે પહેલી વાર વિસર્જનના ૪૮ કલાકમાં પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિના વધેલા અવશેષોને રીસાઇક્લિંગ પ્લાન્ટમાં લઈ જઈને વૈજ્ઞાનિક ઢબે એનો નિકાલ કરવાના મુંબઈ મહાનગરપાલિકાના પ્લાનમાં પંક્ચર પડ્યા પછી હવે એ માટે નવી જગ્યા પસંદ કરી છે ત્યારે જાણી લો કે મુંબઈના દરિયાને સાફ રાખવા માટે પ્રયાસ કરી રહેલા ઍક્ટિવિસ્ટો આ વિશે શું માને છે
આપણી મજા કોઈ પણ માટે સજા ન બને એ રીતે જીવવું એ જ સાચું સેલિબ્રેશન છે. ૧૧ દિવસ ભક્તિભાવ સાથે રંગેચંગે બાપ્પાની પધરામણી કર્યા પછી મૂર્તિના વિસર્જન બાદ પ્રકૃતિને થતા નુકસાન પર છેલ્લાં થોડાંક વર્ષોથી ગંભીર ચર્ચાઓ શરૂ થઈ છે. ગણેશ-વિસર્જનના ૪૮ કલાકની અંદર કૃત્રિમ તળાવ કે પ્રાકૃતિક પાણીના સ્રોતમાં વિસર્જિત થયેલી પ્લાસ્ટર ઑફ પૅરિસથી બનેલી બાપ્પાની મૂર્તિના અવશેષોને વૈજ્ઞાનિક ઢબથી ટ્રીટ કરવામાં આવે જેથી એ પાણીમાં પ્રદૂષણ ન થાય અને એ PoP સાથે કલર વગેરેમાં રહેલાં ઝેરી કેમિકલ્સ દરિયાઈ જીવોને નુકસાન ન પહોંચાડે એ માટેનાં ઉચિત પગલાં લેવાની તાકીદ આ વર્ષે બોમ્બે હાઈ કોર્ટે મુંબઈ મહાનગરપાલિકાને કરી હતી. આ વર્ષે મુંબઈ મહાનગરપાલિકાએ એના માટે વિશેષ પ્રોવિઝન પણ કર્યું અને થાણે જિલ્લાના દાઈઘર નામના ગામમાં વિસર્જિત થયેલી મૂર્તિઓના વ્યવસ્થાપન માટે એક રીસાઇક્લિંગ પ્લાન્ટ તૈયાર કર્યો. જોકે બાપ્પાની મૂર્તિના અવશેષોનું આ રીતે રીસાઇક્લિંગ થવું એ અમારી ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા બરાબર છે એમ કહીને વિસર્જિત મૂર્તિઓના અવશેષો લઈને આવેલી ત્રીસ ટ્રકોને ગામજનોએ વિરોધ કરીને પાછી મોકલાવી. મુંબઈ મહાનગરપાલિકાએ એ પછી મુલુંડમાં આવી વ્યવસ્થા ઊભી કરી છે.
ADVERTISEMENT
રાજ્ય સરકાર અને કોર્ટના આદેશ મુજબ તમામ મૂર્તિઓનું વિસર્જન થયા પછી ૨૪થી ૪૮ કલાકમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી રીસાઇક્લિંગ કરવું ફરજિયાત છે. મહારાષ્ટ્ર સરકારે મૂર્તિ નિર્માતાઓને પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની મૂર્તિઓ પર લાલ વર્તુળનું નિશાન કરવાનું ફરજિયાત કર્યું છે જેથી સરળતાથી ઓળખી શકાય. દરિયાકિનારા અને કૃત્રિમ તળાવો પરથી PoPની વિસર્જિત થયેલી મૂર્તિઓના અવશેષો એકત્ર કરવા માટે BMCએ ૫૦૦થી વધુ સ્ટાફને તહેનાત કર્યો છે. ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં મુંબઈ મહાનગરપાલિકાના સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કિરણ દિઘાવકર કહે છે, ‘આ વર્ષે ઘણાંબધાં રિસર્ચ પછી દરિયામાં વિસર્જિત થયેલી બાપ્પાની મૂર્તિઓના અવશેષોને રીસાઇકલ કરવાના પ્લાનને કન્ટિન્યુ જ કર્યો છે અને એનું રીસાઇક્લિંગ થઈ રહ્યું છે અને વિસર્જન પછી પણ મોટા પાયે આ ડ્રાઇવ ચાલુ જ રહેશે. બેશક, લોકલાગણીને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ધારિત કર્યું છે કે એક વાર કાર્ય પૂર્ણ થયા પછી જ એની અન્ય વિગતો બહાર પાડવામાં આવશે. એને લગતો તમામ ડેટા યોગ્ય સમયે અમે જનતા સમક્ષ મૂકીશું. આ વખતે મોટા ભાગના દરેક નિયમનું કડકાઈ સાથે પાલન અમે કર્યું છે.’

શિશિર જોશી, પ્રોજેક્ટ મુંબઈ સંસ્થાના ફાઉન્ડર.
ગ્રાઉન્ડ રિયલિટી
બાપ્પાના આગમનનો જેટલો ઉત્સાહ મુંબઈકરોમાં હોય છે એટલો જ ઉત્સાહ મૂર્તિના વિસર્જનનો અને તેમને ફરી આવતા વર્ષે બોલાવવાનો હોય છે. દર વર્ષે મુંબઈમાં સાર્વજનિક અને વ્યક્તિગત ધોરણે થતી બાપ્પાની પધરામણી અને એના વિસર્જનની સંખ્યા પર એક નજર કરીએ. દર વર્ષે મુંબઈમાં લગભગ અઢી લાખ ઘરગથ્થુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન થાય છે. હાઈ કોર્ટના નિયમ મુજબ છ ફુટ કે તેથી નાની મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ તળાવમાં થવું જોઈએ. આ નિયમને ધ્યાનમાં રાખીને આ વર્ષે મુંબઈ મહાનગરપાલિકાએ ૨૮૮ કૃત્રિમ તળાવ બનાવ્યાં છે. ગયા વર્ષે ૮૫,૩૦૦ મૂર્તિઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન થયું હતું. એ સિવાય મુંબઈમાં લગભગ ૧૧,૦૦૦ જેટલાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળો છે જેઓ પોતાના એરિયામાં બાપ્પાની સ્થાપના કરે છે. એ વાત તો જગજાહેર છે કે PoPની મૂર્તિના વિસર્જન પછી દરિયાઈ જીવો સામે ગંભીર ખતરો ઊભો થાય છે. PoP અને ઝેરી રંગો સૌથી મોટી સમસ્યા છે. PoP ઝડપથી ઓગળતું નથી. એ દરિયાના તળિયે રહી ઝેરી પદાર્થો છોડે છે. સીસું, પારો, કૅડમિયમ જેવી ઝેરી ધાતુઓના કારણે માછલીઓ, કાચબાઓ અને અન્ય પ્રાણીઓ મરી જાય છે. વિસર્જન બાદ પાણીમાં ઑક્સિજનનું સ્તર ઘટે છે. મૂર્તિના ટુકડા, પુષ્પો, થર્મોકૉલ અને પ્લાસ્ટિક દરિયાના તળિયે પરત ઊભી કરે છે જે સમગ્ર ખોરાક-સાંકળને અસર કરે છે. સાત વર્ષ પહેલાં પ્લાસ્ટિક રીસાઇક્લિંગના કન્સેપ્ટ સાથે લોકજાગૃતિ લાવવાના પ્રયાસ શરૂ કરનારા અને આજે મુંબઈમાં સૌથી વધુ વૉલન્ટિયર્સ સાથે બીચ ક્લીન અપ ડ્રાઇવ ચલાવવા બદલ લિમકા બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન પામનારા ‘પ્રોજેક્ટ મુંબઈ’ સંસ્થાના ફાઉન્ડર શિશિર જોશી કહે છે, ‘સાત વર્ષ પહેલાં જ્યારે અમે શરૂ કર્યું ત્યારની અને આજની સ્થિતિમાં ફરક છે અને મુંબઈ મહાનગરપાલિકાએ પહેલની શરૂઆત કરી એ જ બહુ સરસ બાબત છે. લોકોમાં અવેરનેસ આવી છે પરંતુ હજી ગ્રામીણ સ્તર પર અવેરનેસની જરૂર છે. લોકોને સમજાવ્યા વિના જ પાલિકા એક ગામમાં રીસાઇક્લિંગ પ્લાન્ટ શરૂ કરવા ગઈ અને લોકોનો વિરોધ થયો. ધારો કે થાણેના એ ગામના લોકોને પહેલાં સમજાવાયા હોત, ત્યાંના સરપંચ સાથે વાત કરી હોત તો આવું ન થાત. જોકે હું ખુશ છું કે શરૂઆત થઈ છે અને આટલા મોટા શહેરમાં આવી શરૂઆત જ એક બહુ મોટી બાબત હોય છે.’

કિરણ દિઘાવકર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ વિભાગ).
ધાર્મિક ભાવનાનું શું?
ગણપતિબાપ્પાની મૂર્તિના અવશેષોને રીસાઇકલ કરવામાં શ્રદ્ધાળુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી શકે છે એવું માનનારો એક વર્ગ છે, પરંતુ જ્યારે મૂર્તિનું વિસર્જન કર્યા પછી દરિયાકિનારે હાથ, પગ, સૂંઢ તૂટી ગયાં હોય એવી મૂર્તિઓ ખેંચાઈને આવે ત્યારે એ હાલતમાં બાપ્પાને તમે જોઈ શકશો? પોતાના ઘરે છેલ્લાં ૩૩ વર્ષથી બાપ્પાની પધરામણી કરતો અને આઠ વર્ષથી ખુશિયાં ફાઉન્ડેશન અંતર્ગત બીચ ક્લીન અપ ડ્રાઇવ યોજતો ચીનુ કવાત્રા આ સવાલ સાથે વાતને આગળ વધારતાં કહે છે, ‘છેલ્લાં આઠ વર્ષથી દર શનિવારે બીચ ક્લીનિંગ માટે જાઉં છું અને એમાં વ્યક્તિગત અનુભવ પરથી કહીશ કે યસ, પરિસ્થિતિ બદલાઈ રહી છે. લોકાના માઇન્ડસેટ બદલાઈ રહ્યા છે. વિસર્જન પછીના અવશેષોના રીસાઇક્લિંગની મુંબઈને ઘણા સમયથી જરૂર હતી, જે ઍટ લીસ્ટ હવે શરૂ થવા જઈ રહ્યું છે એ સારી બાબત છે. મને શરૂઆતમાં ઘણા લોકો ઍન્ટિ-હિન્દુ કહેતા હતા અને મારો વિરોધ કરતા હતા. પણ હું પણ બાપ્પાનો બહુ જ મોટો ભક્ત છું. છેલ્લાં ૩૩ વર્ષથી મારા ઘરે આવતી મૂર્તિનું વિસર્જન હું કરું છું અને વિસર્જન પછી દરિયાકિનારે સફાઈ માટે જાઉં છું. બાપ્પાની જર્જરિત સ્થિતિમાં રહેલી એ મૂર્તિને જોવી વધુ પીડાદાયી હોય છે. અત્યારે એ જ દિશામાં અમે એક ડિજિટલ ડેશબોર્ડ બનાવ્યું છે જેમાં આખા ભારતમાં ક્યાંય પણ કોઈ પણ જાતના ક્લીન અપનું કામ કરતા લોકો પોતાનો ડેટા એ પ્લૅટફૉર્મ પર નાખી શકે છે. સરકાર માટે આ ડેટા પૉલિસી બનાવવાની બાબતમાં ખૂબ ઉપયોગી સાબિત થશે. એ સિવાય પ્લાસ્ટિક ભેગું કરીને એને રીસાઇક્લિંગ કરીને પ્રોડક્ટ બનાવવાનું પણ અમે શરૂ કર્યું. જુદા-જુદા પ્લાસ્ટિકને રીસાઇકલ કરીને ગાર્બેજ બૅગ્સ અને બેન્ચ વગેરે બનાવવાનું અમે શરૂ કર્યું છે. મારાં આટલાં વર્ષોના અનુભવ પરથી મને સમજાયું છે કે દુનિયાના તમામ દેશ ખૂબ વસ્તુઓનો વપરાશ કરે છે અને એમનું પ્રદૂષણ લેવલ આપણા કરતાં પણ વધારે છે, પરંતુ તેમની પાસે એ વેસ્ટ-મૅનેજમેન્ટ પદ્ધતિઓ છે જેને કારણે એ કચરો સામો નથી આવતો. આપણે એ પ્રકારની ફૅસિલિટીઝ ઊભી કરવાની જરૂર છે જ્યાં રીસાઇક્લિંગ ડે-ટુ-ડેનો હિસ્સો હોય. લોકોમાં જાગૃતિનું કામ થયું છે. કૃત્રિમ પૉન્ડ બનાવીને પણ BMCએ ખૂબ સારું કામ કર્યું છે. તમને કહું કે ૨૦૧૭માં દોઢ દિવસના વિસર્જન પછી જ્યારે હું બીચ ક્લીન અપ માટે ગયો હતો ત્યારે લગભગ દોઢસો ખંડિત મૂર્તિઓ કિનારા પર પથરાયેલી મેં જોઈ હતી. આ વર્ષે જ્યારે હું ગયો તો માંડ એક મૂર્તિ મને જોવા મળી. આ આવેલા બદલાવનું જ પરિણામ છે. અત્યારે વિસર્જિત થયેલી મૂર્તિને રીસાઇકલ કરીને PoPને નૅચરલ વૉટર સોર્સમાં જઈને પાણીની ગુણવત્તાને બચાવવાના કેટલા પ્રયોગો હું પણ કરી રહ્યો છું. મને ખાતરી છે કે આવનારા સમયમાં આ એક બહુ જ મોટો બદલાવ બનવાનો છે.’
900
યસ, કુલ આટલો મેટ્રિક ટન કચરો ગયા વર્ષે મુંબઈ મહાનગરપાલિકા અને સ્વયંસેવકોએ માત્ર ૪૮ કલાકમાં સાફ કર્યો હતો જેમાં લગભગ ૫૫૦ મેટ્રિક ટન નિર્માલ્ય અને ૩૬૩ મેટ્રિક ટન અન્ય કચરો હતો.
તમને ખબર છે?
૨૦૧૯માં કુલ ૯૪૦૦ જેટલી જર્જરિત સ્થિતિમાં રહેલી મૂર્તિઓ અને એના અવશેષો દરિયાના મોજા સાથે કિનારા પર ખેંચાઈ આવ્યા હતા.


