મુલુંડ સ્ટેશન પર બનેલી આ ઘટનાના આરોપી પતિને સુરતથી પકડી લેવાયો : પત્ની ભાઈ સાથે ઉત્તર પ્રદેશ જઈ રહી હતી ત્યારે પતિએ સાળાને ચાલાકીપૂર્વક ઘરે બોલાવીને રૂમમાં પૂરી દીધો અને પછી સ્ટેશન પહોંચીને પત્નીને ધક્કો મારી દીધો
GRPએ હત્યાના આરોપમાં રાજુની ધરપકડ કરી હતી.
મુલુંડ રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર એક પર બનેલી હૃદયદ્રાવક ઘટનામાં ૪૨ વર્ષના ઇલેક્ટ્રિશ્યન રાજુ ગુપ્તાએ પોતાની ૩૬ વર્ષની પત્ની પુષ્પા ગુપ્તાને ચાલતી ટ્રેન સામે ધક્કો મારીને તેની હત્યા કરી હતી. મુલુંડ-વેસ્ટના રામગઢ વિસ્તારમાં રહેતા દંપતી વચ્ચે લાંબા સમયથી ઝઘડા ચાલતા હતા અને પુષ્પાએ અગાઉ મુલુંડ પોલીસ-સ્ટેશનમાં રાજુ વિરુદ્ધ બે ફરિયાદ પણ નોંધાવી હતી. શનિવારે પુષ્પા પોતાના ભાઈ સાથે ઉત્તર પ્રદેશ જવા માટે સ્ટેશન પર આવી હતી ત્યારે રાજુએ તેમના ૧૩ વર્ષના પુત્રની સામે જ આ ભયાનક કૃત્ય આચરીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના સ્ટેશન પર લગાવવામાં આવેલા CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી જેના આધારે મુંબઈ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ કાર્યવાહી કરીને સોમવારે સવારે આરોપીની સુરતથી ધરપકડ કરી હતી.
કુર્લા GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પુષ્પા અને રાજુ વચ્ચે અવારનવાર વિવાદ થતો હતો એટલે તે બન્નેને સમજાવવા ઉત્તર પ્રદેશમાં રહેતો પુષ્પાનો ભાઈ કમલેશ ગયા અઠવાડિયે મુલુંડ આવ્યો હતો. બન્નેને કલાકો સુધી સમજાવ્યા બાદ પણ બન્ને વચ્ચે જોરદાર વિવાદ થતાં વાત પોલીસ-સ્ટેશન સુધી પહોંચી હતી એટલે કમલેશે પુષ્પાને પોતાની સાથે ઉત્તર પ્રદેશ લઈ જવાનું નક્કી કર્યું હતું. શનિવારે કમલેશ પુષ્પા અને ૧૩ વર્ષના ભત્રીજા સાથે મુલુંડ રેલવે-સ્ટેશન પર આવ્યો હતો ત્યારે કમલેશનું આર્મીનું કૅન્ટીન કાર્ડ તેમ જ અન્ય દસ્તાવેજો ખિસ્સામાં તપાસતાં એ મળ્યાં નહોતાં. તેણે રાજુને ફોન કરીને દસ્તાવેજો વિશે પૂછતાં રાજુએ રાતના સમયે તમામ દસ્તાવેજો કાઢી લીધા હોવાની કબૂલાત કરીને વિડિયો-કૉલમાં એ તમામ દસ્તાવેજો કમલેશને બતાડ્યા હતા. એ દસ્તાવેજ લેવા માટે કમલેશ ફરીથી ઘરે ગયો હતો જ્યાં રાજુએ ચતુરાઈ વાપરીને ઘરની અંદર કમલેશને બોલાવી પોતે બહાર નીકળી જઈ દરવાજો બહારથી બંધ કરી રેલવે-સ્ટેશન પર પહોંચી ગયો હતો અને પુષ્પાને ટ્રેન સામે ધક્કો મારીને ત્યાંથી નાસી ગયો હતો.’
ADVERTISEMENT
GRPએ આરોપીની ધરપકડ કરી
કુર્લા GRPના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘ઘટના બાદ રાજુ પોતાના નાના દીકરા સાથે મુલુંડ રેલવે-સ્ટેશન પરથી નીકળીને સુરત ભાગી ગયો હતો. તેનું સતત ટ્રેસિંગ કરતાં તે સુરતમાં હોવાની જાણ થતાં અમારી એક ટીમે સુરત જઈને તેની ધરપકડ કરી છે. આરોપી પાસેથી વધુ માહિતી મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે.’
