Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ભરચક ભારત : તક કે આપદા?

ભરચક ભારત : તક કે આપદા?

23 April, 2023 11:51 AM IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ સૌથી વધુ પ્રગતિ કરતો દેશ બની શકે એ માટે આપણે ભૂતકાળના અનુભવોમાંથી શીખવું પડશે. કયા અનુભવોમાંથી શીખ લઈ શકાય એમ છે અને કયા-કયા ક્ષેત્રે ઉજ્જવળ ઑપોર્ચ્યુનિટી દસ્તક દેતી ઊભી છે અને જો એનો લાભ ન લઈ શક્યા તો થોડા જ દાયકાઓમાં...

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર



આ વર્ષની શરૂઆતમાં જ ચીનને પછાડીને ‘વિશ્વની સૌથી ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થા’નો ખિતાબ આપણે મેળવ્યો અને હવે ઔર એક ખિતાબ છીનવી લીધો છે - ‘વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ’. પહેલા ખિતાબમાં જો છાતી ફુલાવીને હરખાવા જેવું છે તો આ બીજા ખિતાબમાં જરાય ખુશ થવા જેવું નથી. જોકે હવે જે થઈ જ ગયું એ વિશે અફસોસ કરીને ફાયદો નથી. આથી શાણાને શાણપણ ભલું એ રીતે આ પરિસ્થિતિના ફાયદા શું અને ગેરફાયદા શું એ વિશે વિચારીશું તો કદાચ આવનારી પરિસ્થિતિને વધુ પરિપક્વ રીતે હૅન્ડલ કરી શકીશું. 
આપણે તો જોકે ૨૦૧૧ પછી વસ્તીગણતરી કરી જ નથી. ૨૦૨૧માં કરવાના હતા ત્યારે કોરોના આપણા ઘરે મહેમાન થઈને આવ્યો હતો. જોકે UNનો રિપોર્ટ આપણને આપણી વસ્તી વિશે અંદાજ આપી રહ્યો છે. આ રિપોર્ટ અનુસાર આપણે ૧૪૨.૮૬ કરોડ છીએ. મતલબ કે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ. જ્યારે આવા આંકડા વાંચીએ ત્યારે એક વિચાર એ પણ આવે કે ક્ષેત્રફળની દૃષ્ટિએ ભારત ક્યાં અને ચાઇના ક્યાં? ભારત ૩૨ લાખ ૮૭ હજાર સ્કવેર કિલોમીટરના વિસ્તારમાં ૧૪૨.૮૬ કરોડ લોકો સાથેનો દેશ છે, જ્યારે એની સામે ચાઇના ૯૪ લાખ ૨૪ હજાર સ્ક્વેર કિલોમીટરમાં ૧૪૨.૫૭ કરોડ લોકો સાથેનો દેશ છે. મતલબ કે આપણાથી લગભગ ત્રણગણો વધુ ભૂમિવિસ્તાર જે દેશ પાસે છે એની વસ્તી હવે આપણા કરતાં ઓછી છે. બીજી એક વિગત જણાવીએ તો વૈશ્વિક વસ્તીના અંદાજિત આંકડાઓ જે પ્રમાણે મૂકવામાં આવે છે એ પ્રમાણે ૨૦૩૦માં વિશ્વની વસ્તી ૮.૫ અબજ, ૨૦૫૦માં ૯.૭ અબજ અને ૨૧૦૦ની સાલમાં ૧૦.૪ અબજ જેટલી થઈ જશે.

કપાળે કોઈ પણ ચીજનો ટૅગ લાગે એટલે આપોઆપ જવાબદારીઓ વધી જતી હોય છે. મહત્ત્વનું એ છે તમે એ ટૅગને હૅન્ડલ કઈ રીતે કરો છો! જેમ કે ચીન ‘વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ’ના ટૅગ સાથે આજે જે લેવલે પહોંચી શક્યું છે એ શક્ય ન હોત જો એણે ૧૯૭૦ના દાયકાના અંતભાગથી મોટાં-મોટાં રિફૉર્મ્સનો નિર્ણય ન લીધો હોત. આ જ પરિસ્થિતિ હવે ભારત સામે આવી પડી છે, પરંતુ સૌથી મોટી મુશ્કેલી એ છે કે ભારત ભૂતકાળમાં ક્યારેય પરિસ્થિતિઓને સુવર્ણ તકમાં પરિવર્તિત કરી શક્યું નથી. નાલેશીભર્યું છતાં આ એક કડવું સત્ય છે.



તક જોવાની નજર હોવી જોઈએ


આપણામાં જે-તે પરિસ્થિતિમાં છુપાયેલો મોકો જોવાની નજર નથી. ભારત એક સુવર્ણ પંખી દેશ હતો એવી વાતો આપણે વર્ષોથી સાંભળતા રહ્યા છીએ, પરંતુ દેશી રાજવીઓની આંતરિક લડાઈને કારણે આ ટૅગ આપણે જાળવી શક્યા નહીં અને વિદેશી આક્રમણકારો ભારતમાં પગપેસારો કરવામાં સફળ રહ્યા. ત્યાર બાદ ગુલામી અવસ્થા એવી આપણા કોઠે પડી ગઈ કે વેપાર કરવા આવેલા ફિરંગી અને અંગ્રેજો પાસેથી લખલૂટ પૈસા કમાઈ લઈને દેશને સામાજિક અને આર્થિક દૃષ્ટિએ વધુ સમૃદ્ધ બનાવવાની તક પણ આપણે જોઈ ન શક્યા. એથી ઊલટું એ વિદેશીઓ ખૂબ ટૂંકા સમયમાં એટલું સમજી ગયા કે આ પ્રજાને તો ગુલામ બનાવીને રાજ કરી શકાય છે, એમને હજી વધુ લૂંટી શકાય છે. ૧૯૪૭માં આઝાદી મળી (જેનાં મૂળિયાં ૧૯૪૨થી જ નખાવા માંડ્યાં હતાં) ત્યારે જ્યૉગ્રાફિકલી વિશાળ દેશને આપણે ફરી બેઠો કરવાની તક ઝડપી લેવાની જગ્યાએ એના ત્રણ-ત્રણ ભાગલા કરવાનું સ્વીકાર્યું. આ ભાગલા બાદ તરત પાકિસ્તાન સાથે યુદ્ધ થયું અને આપણે જમ્મુ-કાશ્મીરનો મોટો હિસ્સો ગુમાવ્યો જે આજે પણ POK તરીકે ભારતનો હોવા છતાં ભારતથી અલગ છે. ત્યાર બાદ ચીન સાથે યુદ્ધ થયું અને ફરી એક વાર દેશ હતો એના કરતાં વધુ ગરીબ બન્યો. ત્યાર બાદ ૧૯૭૧ની પાકિસ્તાન સાથેની લડાઈમાં ફરી એક વાર આપણે પરિસ્થિતિને તકમાં પરિવર્તિત કરવામાં નમાલા સાબિત થયા. આશરે ૧૫ કિલોમીટર કરતાં વધુ પાકિસ્તાનનો વિસ્તાર ભારતીય સેનાએ પોતાને કબજે કરી લીધો હતો છતાં એ ૧૯૭૨ના શિમલા કરાર દ્વારા પાછો આપી દીધો. આ સમય દરમિયાન વિશ્વના મોટા ભાગના દેશો પોતાની કંપનીઓનાં પ્રોડક્શન હાઉસિસ બીજા દેશોમાં સ્થાપવાની અને આઉટસોર્સ કરવાની શરૂઆત કરી રહ્યા હતા. એનો ચીને જબરદસ્ત લાભ ઉઠાવ્યો અને આપણે બસ માત્ર જોતા રહી ગયા. ૯૦ના દાયકાના અંતભાગમાં ફરી એક વાર જ્યારે ભારતે જાતમહેનતે પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે વર્ષો બાદ વિશ્વ આખા પર ભારતનો દબદબો ફરી સાબિત કરવાનો મોકો હતો, પરંતુ અમેરિકા સાથેના સંબંધોની પરવા કરવામાં આપણે આંખ ઊંચી અને છાતી પહોળી કરવાની જગ્યાએ અમેરિકા દ્વારા લદાયેલાં બંધનો સ્વીકારી લીધાં. ભારત ૨૧મી સદીમાં પ્રવેશ્યું અને ૯૦ના દાયકામાં ખુલ્લા મુકાયેલા આપણા અર્થતંત્રનાં સકારાત્મક પરિણામો દેખાવા હજી શરૂ જ થયાં હતાં ત્યાં આપણે ટેલિફોન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવાં અનેક ક્ષેત્રોના વિકાસ બાબતે ઉદાસીન રહીને ફૉરેન ઇન્વેસ્ટમેન્ટની એ પ્રોબેબલ રેલમછેલની તકો પણ જતી કરી. ત્યાર બાદ ૨૦૦૪થી ૨૦૧૪નાં દસ વર્ષનો સમય તો જાણે ભારત ભ્રષ્ટાચાર અને કૌભાંડો બાબતે વિશ્વ આખાનું લીડર બની ગયું હોય એ રીતે આપણા જ સત્તાધારીઓ અને રાજકારણીઓ દ્વારા દેશ લૂંટાતો રહ્યો. 

ટૂંકમાં, છેલ્લાં કેટલાંય વર્ષોથી ભારત કોઈ પણ પરિસ્થિતિને તકમાં પરિવર્તિત કરવામાં કાં તો અસફળ રહ્યું છે કાં ઉદાસીન. આજે હવે પરિસ્થિતિ થોડી બદલાઈ છે અને ભારત વિશ્વફલક પર ઊભરી રહેલા દેશ તરીકે અને ઝડપથી વિકસી રહેલા અર્થતંત્ર તરીકે થોડી-ઘણી જગ્યા બનાવી શક્યું છે. જોકે હજી ઘણું કરવાનું બાકી છે અને ઘણી તકો દરવાજે દસ્તક દેતી ઊભી છે.


ક્યાં શું કરી શકાય?
અર્થશાસ્ત્રીઓની વાત માનીએ તો ભારતે હવે મુખ્યત્વે ચાર ક્ષેત્રોમાં ઝડપી નિર્ણયો અને ઝડપી કામ કરવાની જરૂર છે. અર્બનાઇઝેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કિલફુલ લેબરફોર્સ અને મૅન્યુફૅક્ચરિંગ બૂસ્ટ-અપ. ભરચક વસ્તીને કારણે આ તમામ ક્ષેત્રે મોટો ફાયદો ઉઠાવી શકાય એમ છે.

કારણ કે ભારત યુવાન છે, જો વસ્તી બાબતે ભારત વિશ્વનો પ્રથમ દેશ હોય તો એ વસ્તીની આયુ બાબતે પણ ભારત વિશ્વનો પ્રથમ દેશ છે. UNFPAના રિપોર્ટ અનુસાર ભારતની કુલ વસ્તીના ૬૮ ટકા જેટલી વસ્તી ૧૫થી ૬૪ વર્ષના એજગ્રુપની છે, જ્યારે ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકો કુલ વસ્તીના માત્ર સાત સાત જેટલા જ છે. આ આંકડાને થોડી વધુ વિગતે જોવાનો પ્રયત્ન કરીશું તો કદાચ પિક્ચર હજી વધુ ક્લિયર થશે. ૧૫થી ૬૪ વર્ષના ૬૮ ટકા અને ૬૫થી ઉપરના સાત ટકા અર્થાત્ ૭૫ ટકા વસ્તી થઈ. બાકીની ૨૫ ટકા વસ્તી ૦થી ૧૪ વર્ષની આયુવાળી છે. એમાં ૧૦થી ૧૯ વર્ષના એટલે કે કિશોરો ૧૮ ટકા છે, જ્યારે ૧૦થી ૨૪ વર્ષના ગણીએ તો ૨૬ ટકા જેટલા. અર્થાત્ આપણા દેશમાં ૨૫ ટકા વસ્તી એવી છે જે આવનારાં વર્ષોમાં કામ કરનારી પ્રજા બનશે. મતલબ કે GDP કૉન્ટ્રિબ્યુટર્સ, જ્યારે કે ૬૮ ટકા લોકો તો હાલમાં કામ કરી જ રહ્યા છે. 

તમે નહીં માનો પણ વર્કિંગ પૉપ્યુલેશનના આટલા સધ્ધર આંકડા આખા વિશ્વમાં બીજા કોઈ દેશના નથી. ભારત સૌથી વધુ યુવાન દેશ છે જે હવે ધીરે-ધીરે સૌથી વધુ કામગરો પણ બની રહ્યો છે. બીજું, ભારત ઇંગ્લિશ સ્પીકિંગ એબિલિટીવાળો દેશ છે અને ત્રીજું, લેબરફોર્સમાં જબરદસ્ત ઝડપે પ્રગતિ કરી રહેલો દેશ પણ બની રહ્યો છે. આ ત્રણે કારણો ભારતના ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે મહત્ત્વનાં સાબિત થશે.

ચાર દાયકા પહેલાં ભારત અને ચીન બંને ખેતીપ્રધાન દેશ હતા. જોકે ૧૯૭૦ની સાલ પછી ચીને ખેતીની સાથે મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રે પણ નિર્ભરતા કેળવવાનો નિર્ધાર કર્યો અને એક પછી એક રિફૉર્મ્સ લાવવા માંડ્યાં. ચાઇનાને આ નિર્ધારમાં સૌથી વધુ જો કોઈ પરિબળ કામ આવ્યું હોય તો એ હતું એ દેશની વસ્તી. એક અંદાજ અનુસાર ૨૦૪૦ સુધીમાં ભારતની શહેરી વસ્તીમાં ૨૭૦ મિલ્યન લોકોનો ઉમેરો થશે. 

આ તમામ માટે રોજગારની તકો, રસ્તાઓ, રહેવા માટે ઘર વગેરે તમામની જરૂર ઊભી થવાની જ. આ માટે જમીન તો વધવાની નથી! આથી થશે શું? શહેરની સીમાઓનું વિસ્તરણ. ભારતની કોર્ટ વારંવાર એ ચેતવણીઓ ઉચ્ચારતી રહી છે કે ટ્રાફિક કન્ટ્રોલ કરીને શહેરની હવાઓનું પ્રદૂષણ રોકવું જોઈએ, પરંતુ શહેરીકરણ એની સાથે-સાથે આ પ્રકારની અનેક આપદાઓ લઈને આવે છે. તો એનો ઇલાજ શું? એ માટે આપણે ચાઇના અને સાઉથ કોરિયાને અનુસરવું પડશે. તેમણે પોતાના દેશનાં શહેરો આધુનિક તો બનાવ્યાં, પરંતુ સાથે જ એને એટલાં કાબેલ પણ બનાવ્યાં કે પ્રદૂષણ, ટ્રાફિક, હવાની ક્વૉલિટી વગેરે બાબતે મૉડરેટ રહી શકે. સાથે જ તેમણે બીજું મોટું એક કામ એ પણ કર્યું કે ગામ અને શહેર બંને ક્ષેત્રે લેબરફોર્સમાં સરખો ઉમેરો કરતા રહેવાનો નિર્ધાર કર્યો. અર્થાત્, રૂરલ અને અર્બન બંને લેબરફોર્સ. એનું પરિણામ એ આવ્યું કે ખેતી અને મૅન્યુફૅક્ચરિંગ બંને ક્ષેત્રે એકસાથે વિકાસ થયો.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એજ્યુકેશન 
ભારતમાં વર્ષોથી આ બંને ક્ષેત્રો અન્ડર-ઇન્વેસ્ટમેન્ટ (અપૂરતું રોકાણ)વાળા રહ્યા છે. જેમ કે દેશની ધોરી નસ સમાન રોડ-ઇન્ફ્રા આંતરિક જોડાણો વિનાના રહ્યા. વળી ગુડ્ઝ ટ્રાન્સપોર્ટ માટે રેલવે, દરિયાઈ માર્ગો, હવાઈ માર્ગો જેવા બીજા વિકલ્પોનો વિકાસ કરવા બાબતે આપણે ક્યારેય ગંભીરતાથી વિચાર્યું જ નહીં. જોકે એટલું સારું છે કે હવે આ બાબતે અત્યંત ગંભીરતાથી વિચાર પણ થઈ રહ્યો છે, નિર્ણયો પણ લેવાઈ રહ્યા છે અને કામ પણ થઈ રહ્યું છે.
એશિયા રિસર્ચ અનુસાર છેલ્લા ચાર દાયકામાં ભારતની સરખામણીએ ચાઇનાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સાતગણો અને કોરિયાએ પાંચગણો વિકાસ કર્યો. મતલબ કે આપણે ત્યાં જ્યારે કોઈ એક રોડ બનતો હતો ત્યારે ચાઇનામાં સાત અને કોરિયામાં પાંચ રોડ બની ચૂક્યા હતા. આ આપણી નબળાઈ હતી જે હવે એક સુવર્ણ તકમાં પરિવર્તિત થઈ જ શકે છે. 
ભણ્યા ખરા, પણ આપણું ભણતર હજીયે જરૂરી એજ્યુકેશન સિસ્ટમ બનાવી શક્યું નથી. ઘણી એવી ડિગ્રી છે જેનો વાસ્તવિક જગતમાં કોઈ ખાસ ઉપયોગ સુધ્ધાં નથી. એટલું જ નહીં, WheeBoxના રિસર્ચ અનુસાર આપણા દેશના કુલ ગ્રૅજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓમાંના અડધા ગ્રૅજ્યુએટ્સ ક્યાં તો નોકરી વિનાના હોય છે, ક્યાં તેમને નોકરી મળી નહીં શકે એવા હોય છે. ભારતમાં અનએમ્પ્લૉયમેન્ટનો આંકડો કુલ વસ્તીના સાત ટકા જેટલો છે જે ખરેખર એક મોટો આંકડો કહેવાય.
સરકાર હવે એજ્યુકેશન સિસ્ટમ બાબતે થોડી ગંભીર થઈ છે અને આખરે એજ્યુકેશનલ સ્પેન્ડિંગમાં ૧૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એજ્યુકેશન પાછળનું આ વખતનું રોકાણ આઝાદી પછીના ભારતમાં થયેલું હાઈએસ્ટ (૧.૧ ટ્રિલ્યન) રોકાણ છે. કહેતાં પણ શરમ આવે એવી બાબત એ છે કે ભણતર જેવી મૂળભૂત બાબત પરત્વે આ પહેલાંની સરકારો કાયમ ઉદાસીન જ રહી. જ્યાં ભણતર નહીં ત્યાં વિકાસ ક્યાંથી હોય? શક્ય જ નથી. આ આપણી એક મોટી નબળાઈ હતી જેને હવે એક સુવર્ણ તકમાં પરિવર્તિત કરી શકાય છે.   
ફીમેલ કૉન્ટ્રિબ્યુશન 
દેશમાં જ્યારે વર્કફોર્સની વાત થઈ રહી હોય ત્યારે સ્ત્રી વર્કફોર્સની બાબતમાં ભારત ખરેખર હજીયે પછાત છે. ૨૦૧૦થી ૨૦૨૦નાં દસ વર્ષની જ વાત કરીએ તો કામ કરતી મહિલાઓનો રેશિયો જે ૨૬ ટકા હતો એ ઘટીને ૧૯ ટકા થઈ ગયો. ધ્યાન પર લેવા જેવી બાબત એ છે કે દેશની ૪૮ ટકા વસ્તી મહિલા હોવા છતાં દેશની GDPમાં તેમનું કૉન્ટ્રિબ્યુશન માત્ર ૧૭ ટકા છે. એની સામે ચાઇનામાં લેડીઝ વર્કફોર્સ અને GDP કૉન્ટ્રિબ્યુટર્સ ૪૩.૮૮ ટકા છે. આ આપણી શરમજનક નબળાઈ છે. 

મૅન્યુફૅક્ચરિંગ 
હજી માત્ર ચાર જ દાયકા પહેલાં ભારત અને ચીન બંને ખેતીપ્રધાન દેશ હતા, પરંતુ પશ્ચિમના દેશોએ રમકડાંથી લઈને ટેલિવિઝન અને બીજાં સંશાધનોનું પ્રોડક્શન આઉટસોર્સ કરવા માંડ્યું. ચાઇનાએ એનો જબરદસ્ત લાભ ઉઠાવ્યો અને ભારત બસ જોતું રહી ગયું. આજે ચાઇનીઝ ઇકૉનૉમીમાં આ જ મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનું GDPમાં ૨૫ ટકા કરતાં વધુ કૉન્ટ્રિબ્યુશન છે. એની સામે ભારતની GDPમાં મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનું કૉન્ટ્રિબ્યુશન હજી પણ ૧૪ ટકા કરતાંય ઓછું છે.

હવે હાલના સંજોગોમાં ભારત પાસે ખૂબ ઊજળી તકો છે. ચાઇના અને અમેરિકાને જે રીતે એકબીજા સામે વાંધા ઊભા થઈ રહ્યા છે એ જોતાં ભારત એનો મોટો ફાયદો ઉઠાવી શકે એમ છે. એનું એક ઉદાહરણ તો હમણાં જ આપી શકાય. અમેરિકાની ઍપલ કંપની અને તાઇવાનની ત્રણ મોબાઇલ મૅન્યુફૅક્ચરિંગ કંપનીઓએ ભારતમાં મોબાઇલ ફોનનું ઉત્પાદન શરૂ કર્યું. આજે હવે પરિસ્થિતિ એ છે કે આ કંપનીઓ માત્ર ભારતીય બજારોની માગ જેટલા જ મોબાઇલ ફોનનું ઉત્પાદન નથી કરતી, બલ્કે ભારતમાં ઉત્પાદિત થયેલા ફોન ભારતથી જ એક્સપોર્ટ પણ કરે છે. 

આશાઓ અને ડર
ભારતના વસ્તીવધારાને જોતાં રિપોર્ટ્સ એવું કહે છે કે ૨૦૫૦ સુધીમાં ભારતની વસ્તી ૧.૬૭ અબજ જેટલી થઈ જશે. અર્થાત્ હાલની વસ્તીમાં બીજા ૨૫૦ મિલ્યનનો ઉમેરો. એની સામે ૨૦૫૦ની સાલ સુધીમાં ચાઇનાની વસ્તી ૧.૩૦ બિલ્યન હશે. એનો અર્થ એ કે ૨૦૫૦ સુધીમાં ભારતની વસ્તીમાં એક આખેઆખા ઇન્ડોનેશિયાનો ઉમેરો થશે. UNનો રિપોર્ટ કહી રહ્યો છે કે ૨૦૪૭ પછી ફરી ભારતની વસ્તીમાં ઘટાડો નોંધાવો શરૂ થશે અને ૨૧૦૦ના વર્ષ સુધીમાં વસ્તી એક બિલ્યન જેટલી થઈ શકે. પરંતુ ત્યાં સુધી શું?
 આ બધાને માટે રહેવા-ખાવાથી લઈને ભણતર, રોજગારી અને સ્વાસ્થ્ય જેવી બધી જ બાબતોની માગ ઊભી થશે. હાલ ભારતમાં દર ૧૦,૦૦૦ માણસે પાંચ હૉસ્પિટલ બેડ છે. ઇનામાં આ રેશિયો ભારત કરતાં આઠગણો વધુ છે. મતલબ કે દર ૧૦,૦૦૦ માણસે ૪૦ બેડ. 
આટલા આંકડાઓ પછી આગળની વાત કરતાં પહેલાં હમણાં સુધીની વિગતો વિશે વિચાર કરીએ તો લેબરફોર્સથી લઈને એજ્યુકેશન સિસ્ટમ, એજ્યુકેશન એજન્સી ક્ષેત્રે, મૅન્યુફૅક્ચરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે, હૉસ્પિટલ્સથી લઈને ઘર બનાવવા અને ખોરાકની માગને પહોંચી વળવા ઍગ્રિકલચર ક્ષેત્ર સુધીનાં તમામ ક્ષેત્રોમાં ભારતમાં વિકાસ અને રોજગારીની એટલી જબરદસ્ત તકો ઊભી થઈ શકે અથવા ઊભી થવા જઈ રહી છે કે આંકડાકીય અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે.
એક ખૂબ જાણીતી ઉક્તિ છે કે ‘જો ઇન્સાન અપને બીતે હુએ કલ કો ભુલા દેતા હૈ, બીતે સમય સે સિખતા નહીં હૈ વો ઇન્સાન આપણી ગલતિયાં દોહરાતા રહતા હૈ ઔર કભી આગે નહીં બઢ સકતા!’ આ ઉક્તિ દેશ માટે પણ લાગુ પડે છે. ભારત હવે એના ભૂતકાળમાંથી નહીં શીખે અને પરિસ્થિતિને તકમાં પરિવર્તિત નહીં કરે તો આ સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ સૌથી વધુ પ્રગતિ કરતો દેશ પણ નહીં બની શકે. 
એક મોટી ધરપત એ ચોક્કસ ખરી કે દેશનું સ્વરૂપ, નિર્ણયશક્તિ અને કાર્યક્ષમતા બદલાઈ રહ્યાં છે. આજે ભારતના અસ્તિત્વનો સ્વીકાર અને એની પ્રગતિનું સાક્ષી માત્ર ભારત જ નથી બની રહ્યું, પરંતુ વિશ્વ આખું એ સ્વીકારી અને જોઈ રહ્યું છે. હા, એટલું જરૂર છે કે આ ‘સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ’વાળો ટૅગ હવે દેશમાં ‘યુનિફૉર્મ સિવિલ કોડ’ના અમલીકરણની કેટલી તાતી જરૂરિયાત એ સમજાવી રહ્યું છે. વેળાસર જાગીએ અને રિફૉર્મ્સ લાવી શકીએ તો ભારતની શક્લ-ઓ-સૂરત નિર્વિવાદ બદલી શકીએ એમાં બે મત નથી.

Whatsapp-channel Whatsapp-channel

23 April, 2023 11:51 AM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK