આજે વર્લ્ડ બુક ઍન્ડ કૉપીરાઇટ ડે છે એ નિમિત્તે ત્રણ દિગ્ગજ લેખકોને અમે પૂછ્યું... : જેમને વાંચીને દુનિયાના અસંખ્ય વાચકો ઘડાયા છે તેઓ પોતે કોના લેખનથી પ્રભાવિત થયા એ વિશે ત્રણ વિખ્યાત ગુજરાતી લેખકો પાસેથી જાણીએ
પ્રતીકાત્મક તસવીર
લોકમાન્ય ટિળકનું એક ખૂબ જ પૉપ્યુલર વિધાન છે. તેઓ કહે છે, ‘હું નરકમાં પણ એક સારા પુસ્તકનું સ્વાગત કરીશ, કારણ કે પુસ્તકમાં એ તાકાત છે કે એ નરકને પણ સ્વર્ગ બનાવી શકે.’ દુનિયાની તમામ મહાન વ્યક્તિઓ વાંચનની પિપાસુ હતી અને ડગલે ને પગલે તેમણે સારા વાંચનનો મહિમા ગાયો છે. એક સારું પુસ્તક એક પરોપકારી મિત્રની ગરજ સારે છે એવું કહેનારા મહાત્મા ગાંધીની વાત પણ એટલી જ દમદાર હતી તો પુસ્તક વિનાનું ઘર આત્મા વિનાના નિર્જીવ શરીર સમાન છે એવું કહેનારા રોમના તત્ત્વજ્ઞાની સિસેરોના શબ્દોમાં પણ એટલું આત્મબળ હતું કે આજ સુધી એ વાત કહેવાઈ રહી છે. લોકમાન્ય ટિળક સર્જરી વખતે ઍનેસ્થેસિયાને બદલે ભગવદ્ગીતાનું પુસ્તક લઈને ઑપરેશન થિયેટરમાં ગયા હતા અને એના વાંચનમાં એવા તલ્લીન થઈ ગયા હતા કે તેમની સર્જરી થઈ એની તેમને ખબર સુધ્ધાં નહોતી પડી એ કિસ્સો જગજાહેર છે. સોશ્યલ મીડિયાના યુગમાં જ્યાં વિઝ્યુઅલ કલ્ચર વધુ ને વધુ સઘન બનતું જાય છે ત્યારે શું પુસ્તકો પોતાનું મહત્ત્વ ખોઈ રહ્યાં છે? હવે લોકો પુસ્તકો નથી વાંચતા? જવાબ છે ના. પુસ્તકો આજે પણ એટલાં જ પ્રત્યક્ષ છે અને એટલાં જ વંચાય છે. પ્રિન્ટેડ પુસ્તકોનું સ્થાન ઈબુક અને ઑડિયો બુકે લીધું છે. એને વાંચનારા વર્ગની ભાષા બદલાઈ છે, પરંતુ વાંચન નથી ઘટ્યું. ગ્લોબલ સ્ટૅટિસ્ટિક્સ પર પણ એક નજર કરી લઈએ. ૨૦૨૩માં પુસ્તકોનું વૈશ્વિક માર્કેટ ૧૩૨ બિલ્યન ડૉલરનું હતું, જે ૨૦૩૦માં ૧૬૩ બિલ્યન ડૉલરનું હશે એવી સંભાવનાઓ છે.
વધી રહેલા પુસ્તકપ્રેમ વચ્ચે આજે મળીએ એવા લેખકોને જેમના લેખનની દુનિયા દીવાની છે, જેમનું પોતાનું એક અનોખું ફૅન-ફૉલોઇંગ છે; પરંતુ તેઓ પોતે કોના ફૅન છે? તેમના હૃદયની નજીક હોય એવાં પુસ્તકો કયાં? તેમના પ્રિય પુસ્તકની કઈ વાત તેમના હૈયે વસી ગઈ અને તેમના જીવનઘડતરમાં કામ લાગી ગઈ એ વિશે આજે જાણીએ તેમની પાસેથી.
ADVERTISEMENT
પુસ્તકો આપણને એકલતાના રાજા બનીને જીવતાં શીખવાડે છેઃ વર્ષા અડાલજા
જેમની પ્રયોગશીલ કલમે એક આખેઆખી પેઢીને માર્ગદર્શન આપ્યું છે અને જેમના લેખનમાં શૌર્ય અને સૌમ્યતાનો અનેરો સંગમ મળે છે એવાં જાણીતાં લેખિકા વર્ષા અડાલજાને વાંચન વારસામાં મળ્યું છે. ખૂબ મક્કમતા સાથે વર્ષાબહેન કહે છે, ‘મારા DNAમાં વાંચન છે. એવું સેંકડો વાર બન્યું છે કે સાંજે અમારા ઘરે કોઈ મળવા આવે અને અમે બધી બહેનો વાંચતી હોઈએ. મારાં બા વાંચતાં હોય અને પિતાજી એક ઠેકાણે વાંચતા હોય. લોકોને લાગતું જાણે કે અમે કોઈના ઘરે નહીં પણ ભૂલથી લાઇબ્રેરીમાં આવી ગયા છીએ. નાનપણથી જ વાંચતી આવી છું. કેટલાં વર્ષની ઉંમર હતી એ પણ યાદ નથી. જેમને વાંચ્યા તેમની સાથે અને તેમની સામે મોટી થઈ છું. એમાં મારા પિતા ગુણવંત આચાર્ય પણ આવી ગયા અને કનૈયાલાલ મુનશી પણ આવી ગયા. તેમનાં પાત્રો વિશે તેમની જ સાથે ચર્ચા કરવાનો અવસર મને મળ્યો છે. બાળવાર્તા વાંચતાં-વાંચતાં ક્યારે જ્યોતીન્દ્ર દવે અને મુનશીને વાંચતી થઈ ગઈ એ ટ્રાન્ઝિશન પણ મને યાદ નથી. બીજી મજાની વાત એ કે વાંચવાની સાથે નાટકો થકી જે વાંચ્યું એને ભજવવાની તક મળી એટલે એ વાતો વધુ ઊંડી ઊતરી. પુસ્તક થકી તમને તમારી કલ્પનાની દુનિયાને સર્જવાનો અનુભવ મળતો હોય છે. તમારી કલ્પનાના દરવાજા ખૂલતા જાય અને વાચકમાંથી વિચારશીલ વ્યક્તિત્વમાં તમે ઘડાતા જાઓ. પહેલું પુસ્તક જેણે મને ખૂબ પ્રભાવિત કરી એ મારા પિતાજીનું પુસ્તક ‘દરિયાલાલ’. ૧૯૩૮માં લખાયેલા સાહસિક સફરના આ પુસ્તક પર તો અનેક દિગ્ગજ લેખકોએ વિવેચન કર્યું છે અને આજે પણ એની પુનઃઆવૃત્તિઓ આવતી રહે છે એટલી એની વિશેષતા માટે વધું તો શું કહું? પરંતુ એ જમાનામાં આફ્રિકા ગયા વિના તેમણે જે ઇન્ટેન્સિવ રિસર્ચ કરીને આબેહૂબ ચિત્રણ કરેલું અને પાત્રોમાં જે તરલતા અને ફ્લો સાથે તેમણે લખાણ કર્યું એનાથી હું ખૂબ જ ઇન્સ્પાયર થઈ. ભયંકર તેજ ગતિથી દોડતી વાર્તા, તેમની વર્ણનશક્તિ, ઇતિહાસ, નવા-નવા શબ્દો જેવું કંઈકેટલુંય મારામાં એ પુસ્તકમાંથી ઊતર્યું છે એમ કહું તો ચાલે. મારામાં લખાણનાં બીજ રોપાયાં એમાં પણ આ પુસ્તક નિમિત્ત બન્યું એમ કહી શકું.’
વર્ષા અડાલજાનાં ત્રણ મોસ્ટ ફેવરિટ પુસ્તકો
વર્ષાબહેને કનૈયાલાલ મુનશીની ‘ગુજરાતનો નાથ’ વાંચી અને એ નવલકથાના મંજરી નામના પાત્રથી તેઓ ખૂબ પ્રભાવિત પણ થયાં હતાં. તેઓ કહે છે, ‘હું કૉલેજમાં હતી ત્યારે વાંચી હતી ‘ગુજરાતનો નાથ’. મંજરીનું પાત્ર મને ગમતું. આ પુસ્તકની ગતિ, નાટ્યાત્મકતા, ઐતિહાસિકતા મને ગમી હતી. એવી જ રીતે ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’, જેને તો મેં નાટ્યાત્મક રીતે ભજવ્યું પણ છે. આ પુસ્તકમાં ગોપાલ બાપા અને રોહિણીનું પાત્ર હું આજે પણ યાદ કરું તો રોમાંચિત થઈ જાઉં છું. અઢળક સંજોગોમાં વાર્તાનો પ્રવાહ આગળ વધે છે. એક પાત્ર કેટલીયે સંવેદનાઓમાંથી પસાર થયા પછી છેલ્લે સમત્વ અનુભવે છે. મને એ પુસ્તકમાંથી એક વાત ખૂબ સરસ રીતે મનમાં ચણાઈ ગઈ કે નિયતિએ તમારા માટે જે નિશ્ચિત કર્યું હોય એ તમારા સુધી પહોંચે જ છે.’
દર અઠવાડિયે બે પુસ્તક વાંચું છું અને દરેકમાંથી કંઈક ને કંઈક શીખું છું : કાજલ ઓઝા વૈદ્ય
જેમની કલમ અને વાણીમાં બેબાકપણું છે અને છતાં જેમની ઊંડાણ સાથેની વાતોએ સમાજના લોકોને નિદ્રામાંથી જગાડવાનું અને સત્યદર્શન કરાવાનું કામ કર્યું છે એવાં જાણીતાં લેખિકા કાજલ ઓઝા વૈદ્ય દરેક પ્રકારનું સાહિત્ય વાંચી ચૂક્યાં છે અને આજે પણ અઠવાડિયે બે પુસ્તકો અચૂક પૂરાં કરે છે. કયા પુસ્તકનો પ્રભાવ મારા પર પડ્યો એના માટે હું કોઈ એકનું નામ લઉં તો એ ઉચિત નહીં ગણાય એમ જણાવીને કાજલબહેન કહે છે, ‘ખૂબ વાંચું છું અને જે વાંચું છું એમાંથી કંઈક શીખું છું અને એટલે જ કોઈ બે-ચાર પુસ્તકોનાં નામ ગણાવવાં મારા માટે અઘરાં છે. મારા લેખનનું પૂછો તો કહી શકું કે મારા લખાણ પર બક્ષીસાહેબની ભાષાનો, અશ્વિની ભટ્ટના વર્ણનનો અને હરકિસન મહેતાના સ્ટોરીટેલિંગનો ઊંડો પ્રભાવ રહ્યો છે.’
મહાભારત ડે કાજલ ઓઝા વૈદ્યનું મોસ્ટ ફેવરિટ પુસ્તક
જોકે કાજલબહેનની વૈચારિક ધારામાં ટર્નિંગ પૉઇન્ટ લાવવાનું કામ કોઈએ કર્યું હોય તો એ ગ્રંથ એટલે મહાભારત. તેઓ કહે છે, ‘મને યાદ છે કે હું લગભગ ત્રીસેક વર્ષની હતી. મારા મિત્ર ફોટોગ્રાફર વિવેક દેસાઈએ સસ્તું પ્રકાશનનો આઠ ભાગમાં વિસ્તરેલો લગભગ ૫૦૦-૫૦૦ પાનાંનો મહાભારત ગ્રંથ મને ભેટમાં આપ્યો. એ પહેલાં છૂટીછવાઈ વાર્તાઓ અને દૃષ્ટાંતો કે વિવેચનોના રૂપે મહાભારત વાંચ્યું હતું, પરંતુ મહાભારતની મૂળ કૃતિને જ્યારે વાંચવાનું શરૂ કર્યું અને હું અચંબિત હતી. મહાભારત જેવો કોઈ ગ્રંથ છે જ નહીં. એના જેવું કોઈ પુસ્તક નથી. હું જે કંઈ શીખી, મેં જે કંઈ લખ્યું એ બધા પર મહાભારતનો પ્રભાવ છે. મારું પુસ્તક ‘કૃષ્ણાયન’ મહાભારતની દેન છે. આઠ ભાગ પૂરા ન થયા ત્યાં સુધી હું શાંતિથી સૂતી નહોતી. એના પછી તો દિનકર જોશીના વીસ ભાગમાં આવેલા ગ્રંથ પણ વાંચ્યા અને જેટલાં-જેટલાં મહાભારતનાં વિવેચનો મળ્યાં એ વાંચ્યાં. દરેક વખતે કંઈક નવું શીખી છું. કંઈક નવું સમજી છું. કોઈક નવો દૃષ્ટિકોણ કેળવાયો છે. મહાભારતે જ મને શીખવ્યું કે ગમેતેવા ધમપછાડા કરો, તમે કંઈ બદલી નથી શકતા. મારામાં સ્વીકારભાવ મહાભારતને કારણે આવ્યો. કોઈ તરફડાટ કે ધમપછાડાની જરૂર નથી. તમે કંઈ બદલી નહીં શકો એટલે શાંત રહો અને જે થાય એ થવા દો. સહન કરવાની શક્તિ મહાભારત આપે છે. બીજું, તમે જે પણ કરશો એનો બદલો તમારે ચૂકવવો જ પડે છે. ઘઉં વાવીને બાજરી નહીં લણી શકો એ મહાભારતની દેન છે. કર્મનો સિદ્ધાંત જેમાં કૃષ્ણ પોતે પણ બચી નથી શક્યા. ભલે ભગવાન છે પણ મનુષ્યરૂપે અવતર્યા તો તેમણે પણ પોતાના કર્મની સજા ભોગવી છે. સમય જ એક પરિબળ છે જે તમને હીલ કરે છે, જે ડીલ કરે છે અને જે કિલ પણ કરે છે. એટલે કે સમયથી જ ઘા રુઝાય છે, સમયથી જ પરિસ્થિતિઓ બદલાય છે અને સમયથી જ વેર લેવાય છે. મહાભારત તમને વિશ્વાસ આપે છે કે જો તમે સાચા છો તો ન્યાય મળશે અને એ જ મહાભારત એ પણ શીખવે છે કે ન્યાય એના સમયે મળશે એટલે ત્યાં સુધીની ધીરજ તમારે રાખવાની છે.’
મહાભારત ઘરમાં હોય એ ઘરમાં મહાભારત થાય એ માન્યતા ખોટી છે એમ જણાવીને કાજલબહેન કહે છે, ‘હું ઊંધું કહીશ કે જે ઘરમાં મહાભારત હોય એ ઘરના લોકોમાં સમજણ એવી વિકસી ગઈ હોય કે ત્યાં ક્યારેય મહાભારત ન થાય, કારણ કે સમજાઈ ગયું હોય કે બધું અહીં જ મૂકીને જવાનું છે. તમારા દરેક પ્રશ્નનો જવાબ મહાભારત પાસે છે. હું કહીશ કે પહેલાં ઓરિજિનલ ટ્રાન્સલેશન મહાભારતનું વાંચો, એ પછી એના પર થયેલાં વિવેચનો વાંચો. તમારી પોતાની વૈચારિકતાને વધુ ખીલવવામાં અને ચિંતનાત્મક રીતે વધુ વિકસિત થવામાં તમને એ મદદ કરી શકે છે.’
આપણી રચનાત્મકતાને બહાર લાવવા પુસ્તક જેવું પાવરફુલ કંઈ જ નથી : જય વસાવડા
ખૂબ નાની ઉંમરથી વાંચન કરનારા અને દરેક પ્રકારનું લેખન વાંચવાના શોખીન જાણીતા લેખક અને વક્તા જય વસાવડા નિષ્ઠા સાથે સ્વીકારે છે કે જીવનના ઘડતરમાં દરેક પુસ્તકની પોતાની ભૂમિકા હોય છે. એવું તો ક્યારેય બને જ નહીં કે આ પુસ્તકમાંથી હું કંઈ ન શીખ્યો, પણ કેટલાંક પુસ્તકો વિશેષ છાપ છોડી જતાં હોય છે એમ જણાવીને પોતાની લાઇફને સર્વાધિક પ્રભાવિત કરતા પુસ્તકની વાત કરતાં તેઓ કહે છે, ‘હું નવ વર્ષનો હતો ત્યારે મારા પપ્પાએ મને એક પુસ્તક લાવી આપ્યું હતું. જુલે વર્ન નામના લેખકે લખેલા અંગ્રેજી પુસ્તક ‘ધ મિસ્ટીરિયસ આઇલૅન્ડ’ના ગુજરાતી વર્ઝન ‘સાહસિકોની સૃષ્ટિ’ને હું એ પહેલું પુસ્તક કહું જેણે મને ખૂબ-ખૂબ પ્રભાવિત કર્યો. મારી ઉંમર પણ એવી હતી અને એમાં આ પુસ્તક થકી નીડરતા આવી મારામાં. સાહસ હોય તો ગમેતેવા સંજોગોમાં ટકી શકાય અને રસ્તાઓ શોધી શકાય. મારામાં જિજ્ઞાસાવૃત્તિ, સાહસવૃત્તિ જેવા ગુણો ખિલવવામાં આ પુસ્તકનો અદ્ભુત ફાળો છે. એ પછી ખૂબ ગમેલું અને વારંવાર જે પુસ્તક મેં વાંચ્યું છે એ છે ‘દુખિયારા’. મૂળ ફ્રેન્ચમાં ‘લે મિઝરાબ્લ’ના નામે લખાયેલી આ નવલકથાનો અદ્ભુત અનુવાદ મૂળશંકર મોહનલાલ ભટ્ટે કર્યો છે. આ પુસ્તક પરથી ટીવી-સિરીઝ, ફિલ્મો વગેરે પણ બન્યાં છે. મેં લગભગ ૧૫ વર્ષની ઉંમરે આ પુસ્તક પહેલી વાર વાંચ્યું અને એક વાર નહીં પણ એ પછીયે ઘણી વાર વાંચ્યું. એના વિશે બોલ્યો છું, લખ્યું છે અને એક સમય હતો કે એની કૉપી અપ્રાપ્ય હતી પણ મારી લેખમાળા પછી ફરીથી એ રીપ્રિન્ટ થયું અને ફરી એની ડિમાન્ડ ઊઠી. જેલનો કેદી ટ્રાન્સફૉર્મ થાય છે એ આખો ઘટનાક્રમ અદ્ભુત રીતે વાર્તામાં વણી લેવાયો છે. ખરાબ કર્મોને સારાં કર્મોથી ભૂંસી શકાય છે. નિયતિ છે એમ વિચારીને બેસી રહેવાની જરૂર નથી. માનવલાગણીઓ, નિષ્ઠા, માનવતા જેવાં અઢળક સંવેદનો એમાં સમાવી લેવાયાં છે.’
જય વસાવડાનાં ત્રણ સૌથી ગમતાં પુસ્તકો
અત્યારે રમણલાલ સોનીની બાળવાર્તાઓનું સંકલન કરી રહેલા જય વસાવડા પોતાની લાઇફને સ્પર્શી ગયેલા ત્રીજા પુસ્તકમાં ‘પિક્ચર ઑફ ધ ડોરિયન ગ્રે’ને મૂકે છે. ૧૯ વર્ષની ઉંમરે વાંચેલા આ પુસ્તક વિશે વાત કરતાં જયભાઈ કહે છે, ‘આર્ટ માણસને અમર રાખે છે, પરંતુ આર્ટિસ્ટ ક્યારેય અમર રહી શકતો નથી એ વાતનું રિમાઇન્ડર અને પોતાના કામ સાથે પોતાને પણ મહાન ન માનવાની શીખ અદ્ભુત રીતે આ પુસ્તક આપે છે. સમયનો ક્રમ છે બદલાવાનો અને ગમે તેટલા મોટા અને મહાન હો છતાં બદલાવ આવશે. જુવાનીમાંથી બુઢાપો આવશે એ વાસ્તવિકતાનું હાર્ડ હિટિંગ રીતે અભિવ્યક્તિકરણ આ પુસ્તકમાં મળશે તમને. પુસ્તકો વાંચવાં જ અને વાંચવાં જ જોઈએ. ગમે તેટલું વિઝ્યુઅલ મીડિયા સ્ટ્રૉન્ગ થાય તો પણ આપણી પોતાની કલ્પનાશક્તિને ખીલવવાની અને આપણી અંદરની રચનાત્મકતાને બહાર લાવવાનું પુસ્તક વિના સંભવ નથી.’

