ઑલમોસ્ટ ૬૦ વર્ષ પહેલાં મિનિએચર મૉડલોના અદ્ભુત આર્ટ-ફૉર્મ દ્વારા સુશીલા ગોખલે-પટેલે બાપુની અદ્ભુત દુનિયા મણિભવન ગાંધી સંગ્રહાલયમાં ઊભી કરી હતી, ૨૮ નિષ્ણાતોએ ૭ મહિના મહેનત કરીને ૩૦ લાખ રૂપિયાના ખર્ચે આ ગાંધીવિશ્વનો જબરદસ્ત જીર્ણોદ્ધાર કર્યો છે
ડાયોરામા આર્ટ ફૉર્મમાં ગાંધીજીના અંતિમ સંસ્કારના દૃશ્યને જુઓ, કેટલું સરસ રીતે મિનિએચર આર્ટમાં પ્રસ્તુત કર્યું છે.
જસ્ટ ઇમૅજિન કરો એ સીન જે તમે બાળપણમાં ગાંધીબાપુની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં વાંચ્યો હતો. એ સીન જ્યારે પૈસાની ચોરી કરનારા બાપુ પોતાના પિતાજી પાસે આવીને એ ચોરીનો એકરાર કરે છે. અસત્ય બોલવા માટે તેમના મનમાં પસ્તાવો છે અને તેમની તથા તેમના પિતાજી વચ્ચે એ વિષય પર ચર્ચા થઈ રહી છે. હવે જરાક ઇમૅજિન કરો કે તમે કોઈ મિનિએચર દુનિયામાં પહોંચી ગયા છો અને આ આખો સીન તમને આબેહૂબ દેખાય છે. યંગ ગાંધીબાપુ, તેમના પિતાજી, તેમના હોવા જોઈએ એવા જ હાવભાવ પરંતુ બધું જ એકદમ ટચૂકડા સ્વરૂપમાં. તમારી આંગળીની સાઇઝ જેટલી સાઇઝમાં આ આખો સીન આંખ સામે પ્રત્યક્ષ ભજવાઈ રહ્યો હોય એવું દેખાય ત્યારે તમારી ગમેતેટલી ઉંમર હશે તો પણ બે ઘડી મીટ માંડીને તમે એ આખા દૃશ્યને કૌતુક સાથે જોયા કરશો. તમારી આંખો નાના બાળક જેવી જિજ્ઞાસાથી ભરેલી હશે. તમે આ ઇમૅજિનેશનનો ગામદેવીમાં આવેલા મણિભવન ગાંધી સંગ્રહાલયમાં સાક્ષાત્કાર કરી શકો એમ છો. તાજેતરમાં દુનિયાના શ્રેષ્ઠ કન્ઝર્વેશન એક્સપર્ટ અનુપમ સાહ અને તેમની ટીમ દ્વારા સાત મહિનાની મહેનત પછી ડાયોરામા આર્ટ તરીકે ઓળખાતા મિનિએચર પૂતળાં અને ઑબ્જેક્ટ સાથેનાં ઑલમોસ્ટ ૬૦ વર્ષ પહેલાં તૈયાર કરવામાં આવેલા મહાત્મા ગાંધીજીના જીવનના આવા ૨૮ પ્રસંગોને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
બધું જ તમારી સામે ટચૂકડા ફૉર્મમાં છે પણ એ પછીયે ઝૂમ કરીને જુઓ તો આબેહૂબ વાસ્તવિકતાથી જરાય જુદું ન પડે એવું આકર્ષક. આખેઆખાં દૃશ્યોને પથ્થરમાં કંડારીને કે કાગળ પર ચિત્રરૂપે દોરીને નહીં પણ હાથની માવજત સાથે ડાયોરામા આર્ટ થકી મિનિએચર સ્વરૂપમાં બનાવવામાં આવ્યાં હોય. માત્ર વ્યક્તિઓ જ નહીં પણ જે-તે કાળખંડનું વાતાવરણ, રાચરચીલું, બિલ્ડિંગો વગેરેની પણ આબેહૂબ પ્રતિકૃતિ એમાં જોવા મળે. મુંબઈમાં બાપુએ ખાસ્સો સમય મણિભવનમાં પસાર કર્યો અને આજે પણ દુનિયાભરના બાપુના ચાહકો બાપુ બાદ બાપુની સ્મૃતિમાં તેમનાં ચિત્રો, તેમની વસ્તુઓ, તેમના સંદેશને માણવા મણિભવનની મુલાકાતે અચૂક આવે છે ત્યારે મુંબઈના આ અતિઆઇકૉનિક સ્થાનના આ ખાસ નજરાણા અને એની સાથે સંકળાયેલી રોમાંચક વાતોની પણ ચર્ચા કરીએ.
શું કામ ખાસ?
આજથી લગભગ ૬૦ વર્ષ પહેલાં સુશીલા ગોખલે-પટેલે મહાત્મા ગાંધીના જીવનપ્રસંગોને ૨૮ મૉડલ બૉક્સમાં મિનિએચર રૂપમાં કંડાર્યું હતું. આ સંદર્ભે મણિભવન ગાંધી સંગ્રહાલયના એક્ઝિક્યુટિવ સેક્રેટરી મેઘશ્યામ ટી. અાજગાવકર કહે છે, ‘સુશીલા ગોખલે ફ્રીડમ-ફાઇટર હતાં અને તેમણે એ સમયના કૉન્ગ્રેસના મોટા નેતા રજનીકાંત પટેલ સાથે લગ્ન કર્યાં હતાં. તેમણે ખૂબ શ્રદ્ધા અને નિષ્ઠા સાથે બાપુની સ્મૃતિમાં બનાવેલાં મૉડલ બૉક્સ ૧૯૭૧માં પ્રદર્શનમાં મુકાયાં હતાં. તમને તાજ્જુબ થશે કે તેમની સાથે તેમને મદદ કરવા માટે આજુબાજુમાં રહેતા નાના-નાના છોકરાઓ જેઓ નાનું-મોટું કામ કરતા હોય, તેઓ આવતા. તેમણે મણિભવન ઉપરાંત દિલ્હીના ગાંધી સંગ્રહાલય માટે પણ આવી આર્ટ બનાવી હતી અને એક લૉટ પોતાની પાસે રાખ્યો હતો જેને તેઓ પોતે જ્યાં જાય ત્યાં સાથે ફેરવતા. અહીં આવતા મુલાકાતીઓ આ મૉડલ આર્ટ જોવા માટે ખાસ આવતા અને ગાંધીજીના જીવનના પ્રસંગોને આ સ્વરૂપે જોઈને એ આખી ઘટનાને પ્રત્યક્ષ થઈ રહી હોય એમ અનુભવતા. જોકે સમયના પ્રવાહને કારણે અમુક કૃતિઓ જીર્ણ અવસ્થામાં હતી. ક્યાંક રંગ ઊખડી ગયો હતો તો ક્યાંક ફંગસ લાગી હતી. ૯૫ વર્ષ સુધી જીવેલાં સુશીલાજીએ છેક સુધી વર્ષમાં બે વાર ગાંધી સંગ્રહાલયની મુલાકાત લઈને એની દેખભાળ કરી હતી અથવા એની સંભાળ રાખવાના પ્રયાસો કરાવડાવ્યા હતા. જોકે ૨૦૧૦માં તેઓ ગુજરી ગયાં એ પછી એના પર ખાસ કામ નહોતું થઈ શક્યું. જોકે ગયા વર્ષે અનુપમ સાહ અને તેમની ટીમે આ બધું જ જોયું અને ખૂબ જ ભાવપૂર્વક એને પુનઃસ્થાપિત કરવાની તૈયારી દેખાડી. આજે જે પરિણામ છે એ ખરેખર તાજ્જુબ કરનારું છે.’
મણિભવન ગાંધી સંગ્રહાલયના એક્ઝિક્યુટિવ સેક્રેટરી મેઘશ્યામ ટી. અજગાવકર.
નવો જ અનુભવ
અહીં ઉલ્લેખનીય છે કે ૨૮ મિનિએચર મૉડલ બૉક્સના રીસ્ટોરેશનના કામમાં રાજ્ય સરકારે ૩૦ લાખ રૂપિયાની સહાય કરી હતી અને ૨૮ જણની ટીમને ખૂબ બારીકીપૂર્ણ કામને પાર પાડવામાં કુલ સાત મહિનાનો સમય લાગ્યો હતો. દુનિયાના અનેક માનવંતા પ્રોજેક્ટ પર કામ કરી ચૂકેલા કન્ઝર્વેશન એક્સપર્ટ અને સ્ટ્રેટૅજિસ્ટ અનુપમ સાહ કહે છે, ‘અમારું ધ્યેય એ હતું કે ઓરિજિનલ આર્ટિસ્ટ સુશીલાજીએ જે બનાવ્યું છે એના મૂળ સ્વરૂપને બદલીને કંઈક ઊભું થાય. એટલે એ થોડુંક વધારે ચૅલેન્જિંગ હતું. બૉક્સ ખરાબ થઈ ગયાં હતાં, ક્યાંક પ્લાસ્ટર ઊખડી ગયું હતું, ક્યાંક ક્રૅક્સ પડી ગઈ હતી, કોઈકમાં ફંગસ લાગી ગઈ હતી. કેટલાકમાં સ્ટૅચ્યુ આડાઅવળાં થઈ ગયાં હતાં, ક્યાંક પ્લાય નીકળી ગયું હતું, રંગ ઊડી ગયો હતો. એટલે ખૂબ ઝીણું-ઝીણું કામ હતું. ઓરિજિનલ મેઇન્ટેન કરીએ તો જ એને રીસ્ટોર કર્યું કહેવાય અને એમાંય આટલું નખશિખ કામ બહુ જ રેર જોવા મળે. સુશીલાજીએ એક-એક વસ્તુઓ જે રીતે બનાવી હતી એનું વાસ્તવિકતા સાથે આબેહૂબ હોવું દંગ કરનારું હતું. તમે કલ્પના કરો કે જે દૃશ્યમાં પંદર-વીસ લોકોનાં મિનિએચર હોય અને છતાં બધાના ચહેરાનાં એક્સપ્રેશન, બધાના ફેસકટ, બધાનાં ફીચર્સ તદ્દન અલગ. ૨૮ બૉક્સમાંથી ગણો કે દોઢસોથી બસો મિનિએચર માણસો સુશીલાજીએ બનાવ્યા હતા અને બધા જ તદ્દન જુદા. અમારી રિસર્ચ-ટીમે પણ એ સમયની તસવીરોના આધારે દરેક ઑબ્જેક્ટ એ સમય સાથે સંપૂર્ણ મળતો આવે એની કાળજી રાખી છે જેથી એ વાસ્તવિકતાની સર્વાધિક નજીક લાગે. જોકે આ આખા પ્રોજેક્ટમાં અમને ઘણું શીખવા મળ્યું. સુશીલાજીએ સાવ શીખાઉ ટીમ પાસે પણ એક્સપ્રેશનના મામલે ઇમોશન્સની આવી અભિવ્યક્તિ કેવી રીતે કરાવી હશે એ હજીયે નથી સમજાયું. અમે માત્ર એ પૂતળાંઓનું નહીં પણ તેમના ભાવોનું પણ રીસ્ટોરેશન કર્યું છે.’
અનુપમ હેરિટેજ લૅબના ડિરેક્ટર અને સાંસ્કૃતિક ધરોહર સંરક્ષણ વિશેષજ્ઞ અનુપમ સાહ.
તમે ખોવાઈ જશો
મહાત્મા ગાંધીજી સાથે સંકળાયેલા ૨૮ પ્રસંગોના મિનિએચર બૉક્સનો નજારો જોતાં તમે તમારી જૂની યાદોમાં ખોવાઈ જાઓ એવી પૂરી સંભાવના છે. અનુપમ સાહ કહે છે, ‘પચાસ વર્ષ પહેલાં જે ટેલિવિઝન બૉક્સ હતું એવું મિની ટીવી બૉક્સ તમને એ કાચની પેટીમાં દેખાય તો નવાઈ લાગેને? આજના સમયમાં જ્યારે બધું જ એક ક્લિક પર મળી જાય છે ત્યારે આ પ્રકારનાં આર્ટ-ફૉર્મ એ ખોવાયેલી ક્ષણોને ફરી નવા સ્વરૂપમાં જીવંત કરવા માટે સમર્થ છે. અમે કામ કરતી વખતે જોયું છે કે ગાંધીજીની ચોરી અને તેમના પિતા વચ્ચે ચાલતા સંવાદના દૃશ્ય સામે બાળકો ઊભાં રહેતાં. ૨૮ બૉક્સમાંથી તો એ સૌથી નાનું બૉક્સ છે પરંતુ એ સિવાય ગાંધીજી આફ્રિકાથી પાછા ફર્યા એ, સત્યાગ્રહનાં દૃશ્યો, ગાંધીજીને ગોળી વાગી એ સમયનું દૃશ્ય, બાપુના અંતિમસંસ્કાર થાય છે એ સમયનું દૃશ્ય જેવું તો કંઈકેટલુંય છે જેને જોઈને તમે તમારી નજર નહીં હટાવી શકો. તમને એ સ્પર્શી જશે, તમે એમાં ખોવાઈ જશો. એ વાતોને વધુ ઇફેક્ટિવ દર્શાવવા માટે અમે એમાં લાઇટિંગની વિશેષ ગોઠવણી કરી છે. પ્રસંગ દિવસના કયા સમયે છે એ મુજબની લાઇટ તમને મૉડલ બૉક્સમાં મળશે એ એની નવા રીસ્ટોરેશન પછીની ખાસિયત છે.’
મણિભવનમાં ડાયોરામા આર્ટ થકી ‘ગ્લિમ્પ્સિસ ઑફ ગાંધી’ મ્યુઝિયમ બનાવનારાં સુશીલા પટેલની પૌત્રી ઍક્ટ્રેસ અમીષા પટેલે દાદીની આર્ટ વિશે શું કહ્યું?
સ્વાતંત્ર્યસેનાની રહી ચૂકેલાં સુશીલા ગોખલેએ એ સમયના કૉન્ગ્રેસના અગ્રણી નેતા અને સ્વાતંયસેનાની બૅરિસ્ટર રજની પટેલ સાથે લગ્ન કર્યાં હતાં. મણિભવનમાં તાજેતરમાં રીસ્ટોર થયેલું ‘ગ્લિમ્પ્સિસ ઑફ ગાંધી’ નામનું ડાયોરામા મિનિએચર મૉડલ બૉક્સ મ્યુઝિયમ બનાવનારાં સુશીલા પટેલને એનું રીસ્ટોરેશન કરતાં પણ બૉલીવુડની અભિનેત્રી અમીષા પટેલે પોતાના બાળપણમાં જોયાં છે. પોતાની લાઇફની સૌથી મહત્ત્વની વ્યક્તિ તરીકે દાદીને સતત યાદ કરતી અમીષા પટેલ ‘મિડ-ડે’ને કહે છે, ‘મારાં દાદી ખૂબ ટૅલન્ટેડ હતાં. ભણવામાં તો આગળ પડતાં હતાં જ પણ સાથે તેમને દેશદુનિયાનું પણ સંપૂર્ણ નૉલેજ હતું. મને યાદ છે કે હું સ્કૂલમાંથી છૂટું અને સીધી મણિભવન જતી જ્યાં ધીમા પંખા નીચે દસ-દસ, બાર-બાર કલાક એકધારાં બેસીને દાદી કામ કરતાં. તેમણે આ આ ડાયોરામા બનાવતાં પહેલાં અલગ-અલગ લાઇબ્રેરીમાં જઈને સાત વર્ષ એકલા હાથે ગાંધીજીનાં અઢળક પુસ્તકો વાંચ્યાં, તેમના ફોટો જોયા. એ સમયના લોકોને ઑબ્ઝર્વ કર્યા. મીઠાનો સત્યાગ્રહ, દાંડી યાત્રા જેવા પ્રસંગોના ફોટો ધ્યાનથી જોઈને એમાં જોડાયેલા લોકોનાં તેમણે ફેશ્યલ ફીચર સ્ટડી કર્યાં. ગાંધીજીની લાઇફ સાથે સંકળાયેલા એ જીવનપ્રસંગોનો તેમણે ગહન અભ્યાસ કર્યો હતો. આજથી ૬૦ વર્ષ પહેલાં જ્યારે તેમણે આ કામ શરૂ કર્યું ત્યારે આટલાં સંસાધનો નહોતાં. ગૂગલમાં રિસર્ચ કરો અને ઇન્ફર્મેશન મેળવી લો એવું પણ નહોતું. મણિભવન સિવાય તેમણે દિલ્હીના બિરલા હાઉસ માટે પણ આવા જ ડાયોરામા મ્યુઝિયમ માટે આવાં ડૉલ મિનિએચર બનાવ્યાં અને ત્યાં ડોનેટ કરી નાખ્યાં. ઇન ફૅક્ટ, તેમણે બનાવેલાં પેઇન્ટિંગ્સ, કાર્વિંગ કરેલી મૂર્તિઓ આજે પણ મારી પાસે છે અને લોકો એને જોઈને તાજ્જુબમાં મુકાઈ જાય છે. મારાં દાદી ગુજરી ગયાં એનાં થોડાક મહિના પહેલાં પણ મણિભવન જઈને આ મિનિએચરનાં કપડાં, એમના માટે જ્વેલરી જેવી નાની-નાની વસ્તુઓ બનાવીને એનું રીસ્ટોરેશનનું કામ કરી રહ્યાં હતાં.’
ઍક્ટ્રેસ અમીષા પટેલ ‘ગ્લિમ્પ્સિસ ઑફ ગાંધી’ ડાયોરામા આર્ટનાં સર્જક અને તેનાં દાદી સુશીલા ગોખલે-ગાંધી સાથે.
તેમને ઇતિહાસનું નૉલેજ, ફિલ્મોનું નૉલેજ હતું. આર્ટનાં એક્સપર્ટ, ફિલોસૉફી, સાઇકોલૉજી, પૉલિટિક્સ વગેરેનાં જાણકાર. અમે તેમને વૉકિંગ એન્સાઇક્લોપીડિયા કહેતાં એમ જણાવીને અમીષા પટેલ ઉમેરે છે, ‘મને યાદ છે કે હું મારી સ્કૂલના મૅગેઝિનની એડિટર હતી અને મારે ગાંધીજીની લાઇફ પર એક આર્ટિકલ લખવાનો હતો તો મારાં દાદી લિટરલી મને ગાંધીજીના સન, ગ્રૅન્ડસન પાસે લઈ ગયાં. તેમની સાથે મારી મુલાકાત કરાવી. આ એ જમાનો હતો જ્યારે આજની જેમ દરેક હાથમાં ફોન નહોતા. લોકો વાંચવાની આળસ કરે અને ગાંધીજી જેવા ગ્રેટ વ્યક્તિત્વથી વંચિત ન રહી જાય એ આશયથી તેમણે પોતાની સૂઝબૂઝ અને રિસર્ચ સાથે આ ડાયોરામા મિનિએચર્સ બનાવ્યાં હતાં. અને જુઓ, આજ સુધી તેમણે કરેલા કામનો લાભ લોકો લઈ રહ્યા છે. બીજો એક કિસ્સો કહું કે જ્યારે ‘ગાંધી’ ફિલ્મ રિલીઝ થઈ ગયા પછી એનો લીડ ઍક્ટર મણિભુવનની મુલાકાતે આવ્યો હતો. તેણે ‘ગ્લિમ્પ્સિસ ઑફ ગાંધી’ના મૉડલ બૉક્સ જોયાં અને પછી નીચે ગયો. નીચેની ઑફિસમાં તેને ખબર પડી કે ઉપર જે બહેન કામ કરી રહ્યાં છે તેમણે જ આ મિનિએચર બનાવ્યાં છે એ સાંભળીને તે ફરી ઉપર આવ્યો અને મારાં દાદીના પગે લાગ્યો. તે દાદીના કામથી એટલો ઇમ્પ્રેસ થઈ ગયો હતો.’

