Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સલિલ ચૌધરીની ગોળ ગોળ જલેબી જેવી ધૂનો પરથી અર્થસભર કાવ્યાત્મક ગીત લખવાનું મુશ્કેલ કામ ગીતકાર યોગેશે કર્યું

સલિલ ચૌધરીની ગોળ ગોળ જલેબી જેવી ધૂનો પરથી અર્થસભર કાવ્યાત્મક ગીત લખવાનું મુશ્કેલ કામ ગીતકાર યોગેશે કર્યું

Published : 23 February, 2025 03:07 PM | IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

એ દિવસોમાં મારી મુલાકાત અનજાન સાથે થઈ. અમે બન્ને સાથે સ્ટુડિયોનાં ચક્કર મારતા. મારી ફિલ્મનાં રેકૉર્ડ થયેલાં ગીતોની રેકૉર્ડ સાંભળવા મારી પાસે ગ્રામોફોન પ્લેયર નહોતું

લતા મંગેશકર અને યોગેશ ગૌડ

વો જબ યાદ આએ

લતા મંગેશકર અને યોગેશ ગૌડ


ચહેરા મજાના કેટલા રસ્તા પર મળ્યા

સાચું કહું કે એ બધા રસ્તા પર મળ્યા



મારો પ્રવાસ મારી રીતે ના થઈ શક્યો


કંઈકેટલાયે કાફલા રસ્તા પર મળ્યા

- હરીન્દ્ર દવે


નવા આર્ટિકલની શરૂઆત કરવાની હોય ત્યારે મારા સ્મૃતિના મધુવનમાં અનેક ચહેરાઓના કાફલાની આવનજાવન શરૂ થઈ જાય. એમાં આગળની કતારોમાં સંગીતકારો, ગાયક કલાકારો અને ગીતકારોની હકડેઠઠ ભીડ જામી હોય. દરેક ચહેરો જાણે આજીજી કરતો એમ કહેતો હોય કે મારી સાથે થોડી વાત કર. એ વખતે વહાલું કે દવલું કોઈ હોતું નથી. અસમંજસની ઘડીઓમાં અચાનક એક ચહેરા પર નજર ઠરે અને તેની સાથે ગુફ્તગૂ શરૂ થાય.

આજનો આ ચહેરો એવો છે જે ગીતકાર અનજાનની જેમ જ અલ્પપ્રસિદ્ધ રહ્યો. તેમની કલમે આપણને અનેક યાદગાર ગીતો આપ્યાં. આમાંનાં મોટા ભાગનાં ગીતો ધૂનો પર લખાયાં હતાં છતાં કવિતાની ઊંચાઈએ પહોંચ્યાં; જેવાં કે ‘કહીં દૂર જબ દિન ઢલ જાયે’ (આનંદ - સલિલ ચૌધરી, મુકેશ), ‘રિમઝિમ ગિરે સાવન, સુલગ સુલગ જાએ મન’ (મંઝિલ - આર. ડી. બર્મન, કિશોર કુમાર-લતા મંગેશકર), ‘ના જાને ક્યું, હોતા હૈ યે ઝિંદગી કે સાથ’ (છોટી સી બાત - સલિલ ચૌધરી, લતા મંગેશકર), ‘રજનીગંધા ફૂલ તુમ્હારે, મહકે યૂં હી જીવન મેં (રજનીગંધા - સલિલ ચૌધરી, લતા મંગેશકર), ‘બડી સુની સુની હૈ, ઝિંદગી યે ઝિંદગી’ (મિલી - એસ. ડી. બર્મન, કિશોર કુમાર).

મોટા ભાગના સંગીતપ્રેમીઓને આ ગીતોના ગીતકાર કોણ હતા એ વિશે માહિતી નહીં હોય. આજે વાત કરવી છે આપણી એકલતાને અતિતની મીઠી યાદોથી સભર કરનાર આ ગીતોના રચયિતા યોગેશ ગૌડની. ભલે તેમની કલમમાંથી થોકબંધ ગીતોનો જન્મ નહીં થયો હોય; હકીકત એ છે કે તેમણે જેકાંઈ લખ્યું એ દિલને સ્પર્શી ગયું.

યોગેશ ગૌડનો જન્મ ૧૯૪૩ની ૧૯ માર્ચે લખનઉમાં થયો હતો. પિતા પબ્લિક વર્ક્‍સ ડિપાર્ટમેન્ટમાં એન્જિનિયર હતા. સરકારી જમીન પર તેમની વિશાળ કોઠી હતી. મહિને ૯૫ રૂપિયાનો પગાર હાથમાં આવતો, પરંતુ તેમને માથે બાળક યોગેશ અને તેની બે બહેનો, પત્ની અને વિધવા મા ઉપરાંત બીજા ત્રણ પરિવારનો ભાર હતો. બાળકો સાથે રહેતી વિધવા માસી, મોટી ભાભી અને વિધવા બહેનના પરિવારની જવાબદારી પણ તેમના પર હતી. આને કારણે તેમનો હાથ સતત ખેંચમાં રહેતો.

મારી લાઇબ્રેરીમાં વર્ષો પહેલાંનો એક ઇન્ટરવ્યુ છે જેમાં યોગેશ કહે છે, ‘પિતાજીનું ગૌડ બ્રાહ્મણ સમાજમાં ખૂબ માન હતું. તેઓ સૌની મદદ કરતા. સાદગી અને સચ્ચાઈથી જીવન જીવવાના સંસ્કાર મને માબાપે આપ્યા. મને લાગે છે એ સચ્ચાઈ જ મારાં ગીતોમાં ઝલકે છે. ઘરની આર્થિક હાલત નાજુક હતી. ૧૬ વર્ષનો થયો અને પિતાનું અવસાન થયું. લોકો પાસેથી ઉધાર લઈને મેં તેમના અંતિમ સંસ્કાર કર્યા. ઘરની જવાબદારી માર પર આવી ગઈ. મને થયું કે મારાથી મોટો ફોઈનો દીકરો વજેન્દ્ર ગૌડ મુંબઈ છે તો હું પણ ત્યાં જઈને મારી કિસ્મત અજમાવું. આમ ૧૭ વર્ષની ઉંમરે હું અને મારો જિગરી મિત્ર સત્તુ (સત્યનારાયણ મિશ્રા) મુંબઈ આવ્યા.

મારા ખિસ્સામાં ૫૦૦ રૂપિયા હતા. દસ દિવસ કાકડવાડીમાં આર્ય સમાજમાં મફત રહ્યા, પણ ત્યાર બાદ રઝળપાટ શરૂ થઈ. અંધેરીમાં ૧૨ રૂપિયાના ભાડે એક ઝૂંપડી મળી. મોટા ભાઈ વજેન્દ્ર ગૌડ ઇન્ડસ્ટ્રીમાં વાર્તાકાર અને સંવાદલેખક તરીકે નાનું-મોટું કામ કરતા. મેં તેમને કહ્યું કે કોઈ જગ્યાએ નોકરી લગાડી દો, પણ તેમણે રસ ન દેખાડ્યો. તેમની સાથે શૂટિંગમાં જતો, પણ મને ફિલ્મોમાં રસ નહોતો. છૂટો પડું એટલે હાથમાં એકબે રૂપિયા આપે. મને એ ગમતું નહીં એટલે તેમને મળવાનું બંધ કર્યું.

એક શાંતિ એ હતી કે લખનઉનું અડધું ઘર ભાડે આપ્યું જેથી માતા અને બે બહેનોની ચિંતા નહોતી. મેં નાનાંમોટાં કામ કરવાનું શરૂ કર્યું. સત્તુએ એક મિલમાં ૬૦ રૂપિયાના પગારે નોકરી અપાવી. તે મને હિંમત આપતો. ઘર-પરિવારની ખૂબ યાદ આવતી. ખબર નથી એક દિવસ શું પ્રેરણા મળી કે મારા વિચારોને મેં કાગળ પર વ્યક્ત કર્યા. એ કવિતા સત્તુએ જોઈ અને કહે, ‘સરસ લખાણ છે. તું લખતો રહેજે.’ તે મને કહેતો, ‘જોજે એક દિવસ તને વજેન્દ્રની જેમ ફિલ્મોમાં લખવાનો મોકો મળશે.’ હું તેની વાતને હસી કાઢતો, પણ તેને મારામાં અટલ વિશ્વાસ હતો.

હું ફુરસદના સમયમાં સ્ટુડિયોનાં ચક્કર મારતો. એ દિવસોમાં રૉબિન બૅનરજી સંગીતકાર તરીકે કામની કોશિશ કરતા હતા. તેમની સાથે ઊઠવા-બેસવાનું થતું. તેમને મારી કવિતા સંભળાવું. ‘અચ્છા હૈ’ કહીને તારીફ કરે. એક દિવસ તેઓ કોઈ ધૂન ગણગણતા હતા. મને કહે, ‘ઇસ પર તુમ ગીત લિખ સકતે હો.’ એ દિવસે ખબર પડી કે ફિલ્મોમાં ધૂન પરથી ગીત લખવાનું ચલણ છે. મેં કોશિશ કરી અને આમ ફિલ્મ ‘સખી રૉબિન’ (૧૯૬૨) માટે મારું પ્રથમ ગીત ‘તુમ જો આઓ તો પ્યાર આ જાએ, ઝિંદગી મેં બહાર છા જાએ’ (રૉબિન બૅનરજી - મન્ના ડે-સુમન કલ્યાણપુર) રેકૉર્ડ થયું.

આ ફિલ્મ માટે રૉબિન બૅનરજીએ મારાં લખેલાં ૬ ગીત બે દિવસમાં રેકૉર્ડ કર્યાં. મને એક ગીતના પચીસ રૂપિયા મળ્યા. એ ૧૫૦ રૂપિયાણી કમાણીનો રોમાંચ આજ પર્યંત જીવંત છે. ત્યાર બાદ મને ‘બી’ અને ‘સી’ ગ્રેડની ફિલ્મોમાં ગીતો લખવાનો મોકો મળ્યો. ધીમે-ધીમે એક ગીતના ૧૦૦ રૂપિયા મળતા થયા. મારી તમન્ના એ હતી કે લોકપ્રિય સંગીતકારો અને મોટા બૅનરની ફિલ્મોમાં કામ કરવાનો મોકો ક્યારે મળશે?

બાકી...

એ દિવસોમાં મારી મુલાકાત અનજાન સાથે થઈ. અમે બન્ને સાથે સ્ટુડિયોનાં ચક્કર મારતા. મારી ફિલ્મનાં રેકૉર્ડ થયેલાં ગીતોની રેકૉર્ડ સાંભળવા મારી પાસે ગ્રામોફોન પ્લેયર નહોતું. રૉબિન બૅનરજીને કારણે મારી ઓળખાણ સબિતા બેનરજી સાથે થઈ જે ફિલ્મોમાં પ્લેબેક સિંગર તરીકે પગ જમાવવાની કોશિશ કરતી હતી ( જેમણે સમય જતાં સલિલ ચૌધરી સાથે લગ્ન કર્યા) તેના ઘરે મારા ગીતો સાંભળવા જતો. તેણે સલિલ ચૌધરી સાથે મુલાકાત કરાવી. તેમની એક ફિલ્મ હતી ‘મિટ્ટી કા દેવ’. એ માટે ધૂન પરથી ગુલઝાર એક ગીત લખવાના હતા. મહિનો થઈ ગયો પણ ગીત લખાયું નહીં એટલે સલિલ દા એ મને કહ્યું ‘તું શું લખે છે?’ મેં કહ્યું, ‘દરેકે મારા ગીતો ગાયા છે. મને મોકો આપો.’ સલિલ દા કહે, ‘આ ફિલ્મમાં એક ગીત બાકી છે. તું લખીને આપ.’ મેં ધુન પર ગીત લખ્યું જે લતાજીએ ગાયું. રેકોર્ડીંગ સમયે દીદી સલિલદાને કહે, ‘શૈલેન્દ્રજી લિખ કે ગયે થે કયા?’ જવાબ મળ્યો ના. દીદી કહે, ‘ઉનકે સિવા ધુન પર ઇતના સુંદર હિન્દી કોઈ લિખ નહીં સકતા.’ ત્યારે સલિલ દા એ મારી ઓળખાણ કરવી. ત્યારબાદ દીદી પ્રોડ્યુસરને મારું નામ સજેસ્ટ કરતાં હતા.’

ગીતકાર યોગેશ ખુશ હતા કે લતા મંગેશકરના સ્વરમાં પહેલીવાર તેમનું ગીત રેકોર્ડ થયું પરંતું અફસોસ એ ફિલ્મ અધૂરી રહી ગઈ અને આપણા સુધી એ ગીત પહોંચ્યું નહીં. એના શબ્દો હતા, ‘કોઈ પિયા સે કહો, અભી જાયે ના જાયે ના, દિવાને સે જા કે કહો, સમજા કે મેં હારી, કિસ કો પતા ફિર યે ઘટા છાયે ના છાયે ના’. જો કે આ ગીત પછી સલિલ ચૌધરીના તે માનીતા ગીતકાર બની ગયા. તેમની ધૂનો ગોળ ગોળ જલેબી જેવી હોય. તેના પરથી મીટરમાં ગીત લખવું સહેલું કામ નહોતું. યોગેશે એમાં જોડકણા જેવા નહીં પણ અર્થસભર કાવ્યતત્વથી ભરપૂર શુદ્ધ હિન્દી ભાષામાં ગીતો આપ્યા. તેમની આ કાબેલિયતની કદર ભાગ્યે જ થઈ છે.

સલિલ ચૌધરી જેવા એવા જ એક બીજા દિગ્ગજ સંગીતકાર સચિન દેવ બર્મન સાથે તેમની મુલાકાત કેવી રીતે થઈ એ વાત આવતા રવિવારે.

Whatsapp-channel Whatsapp-channel

23 February, 2025 03:07 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK