યલો કલરની મોટામાં મોટી ખાસિયત એ છે કે એમાં શુભત્વ રહેલું છે અને એટલે જ એને ગુરુના રંગ તરીકે સ્વીકારવામાં આવ્યો છે
પીળો રંગ (પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઈસ્ટૉક)
કલર ટિપ
દર ગુરુવારે જો પીળા રંગનાં કપડાં પહેરવામાં આવે તો સાત્ત્વિક હૂંફ રહે છે અને કુદરતી રીતે યોગ્ય માર્ગદર્શન મળી રહે એ પ્રકારના વિચારો આવે છે.
નવરાત્રિના રંગોની વાત ચાલે છે ત્યારે આજે વાત કરવાની યલો એટલે કે પીળા રંગની. પીળા રંગની બાબતમાં એક ચોખવટ કરવાની કે જ્યારથી સૃષ્ટિનો આરંભ થયો ત્યારથી બે કલરનું અસ્તિત્વ આવ્યું છે, જેમાં પીળો કલર પહેલા નંબરે છે. ઇજિપ્તના પિરામિડમાં પણ પીળા કલરની હાજરી જોવા મળી છે તો ગ્રીક સંસ્કૃતિની મળી આવેલી સત્તર હજાર વર્ષ જૂની ગુફામાંથી પણ પીળા રંગના અવશેષો મળ્યા હતા. પીળા રંગ માટે આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે એ રંગની શોધ ઋષિમુનિઓ દ્વારા થઈ હતી. એ સમયે ગુરુકુળમાં હળદરનો ઔષધ તરીકે ઉપયોગ થતો એ દરમ્યાન આ રંગનો આવિષ્કાર થયો હોવાનું માનવામાં આવે છે.
ADVERTISEMENT
હળદરનો પીળો રંગ અને એ ઉપરાંત એમાં રહેલાં ઔષધિય તત્ત્વોને કારણે જ સમય જતાં લગ્ન દરમ્યાન પીઠીની પ્રક્રિયા શરૂ થઈ હોવી જોઈએ.
સૌથી પહેલાં તન | યલો કલરનો અતિરેક આંખોને થાક આપે છે એ એકમાત્ર નકારાત્મક બાબત છે. આ જ કારણે પીળા કલરનો મહત્તમ ઉપયોગ ટાળવો જોઈએ એવું કલર થેરપિસ્ટ પણ સ્વીકારે છે અન્યથા પીળો કલર જાજરમાન અને દૈવીત્વ ધરાવતો ગણવામાં આવ્યો છે. ઊડીને આંખે વળગતો હોવાથી જ પીળા કલરનો ઉપયોગ રેડિયમ લાઇટમાં પણ સવિશેષ રીતે થતો રહ્યો છે. પીળા કલરને બૅલૅન્સનું પ્રતીક ગણવામાં આવે છે, જેને લીધે જ્યોતિષશાસ્ત્ર એને તુલા રાશિનો કલર પણ કહે છે. પીળા કલર સાથે જો બ્લૅક કલરનો ઉપયોગ થયો હોય તો એ ધ્યાન ખેંચે એવું હોવાથી તમે જોશો તો પહેલાંના સમયમાં ટૅક્સી અને રિક્ષા પીળા અને શ્યામ રંગના કૉમ્બિનેશન સાથે જ જોવા મળતી. હવે એમાં ચેન્જ આવ્યો છે, જેને લીધે ટૅક્સી શોધવાની પ્રક્રિયા થોડી અઘરી પણ થઈ છે.
હવે વાત મનની | પીળા રંગને હૂંફ આપનારો કહેવાય છે, જે આપણાં ધાર્મિક શાસ્ત્રો સાથે સીધી જ જોડાઈ જાય છે, કારણ કે આપણાં શાસ્ત્રોમાં પીળા કલરને ગુરુત્વ સાથે જોડવામાં આવ્યો છે. ગુરુ પાસેથી હૂંફ મળતી હોય છે એ સૌ જાણે છે. સાઇકોલૉજિસ્ટનું માનવું છે કે પીળો રંગ નવસર્જનનું પ્રતીક છે. ડૉક્ટર મુકુલ ચોકસી કહે છે, ‘તમે જુઓ, પાનખરમાં ગ્રીન પાન ખરવાનું શરૂ થાય એ પહેલાં એ યલો કલર ધારણ કરવાનું શરૂ કરે છે અને પછી એ ખરી જાય છે. પાનનું ખરવું એ હકીકતમાં તો પાનના નવસર્જનની પ્રક્રિયા જ વર્ણવે છે પણ આપણે એને દુખદાયી માનીએ છીએ. પીળો રંગ નવા અવતારની વાત કહે છે.’
અમેરિકામાં બાળકની આસપાસ મહત્તમ પ્રમાણમાં યલો રંગનાં ટૉય્ઝ રાખવામાં આવે છે, જેનું કારણ સમજાવતાં અમેરિકન કલર થેરપિસ્ટ રિચર્ડ યુહોએ કહ્યું હતું કે યલો કલર એનર્જીનો વાહક છે. બાળકની પાસે જ્યારે યલો કલરનાં ટૉય્ઝ હોય છે ત્યારે તેની એનર્જીમાં ગજબનાક ઉમેરો થતો હોય છે પણ એ જ બાળક પાસે જો રેડ કે બ્લુ કલરનાં ટૉય્ઝ મૂકવામાં આવે તો તે એવી એનર્જી નથી દેખાડતું જેવી એનર્જી યલો કલરના ટૉય્ઝ સાથે રમતી વખતે તે દેખાડે છે.
અંતિમ વાત ધનની | આર્થિક ક્ષેત્રમાં યલો કલરને નુકસાનકર્તા માનવામાં આવ્યો છે અને એટલે જ મોટા ભાગે કૉર્પોરેટ ઑફિસમાં ટાળવામાં આવે છે પણ મીડિયા ઇન્ડસ્ટ્રી માટે યલો કલર લાભદાયી છે, કારણ કે પીળો કલર કમ્યુનિકેશન સુધારવાનું કામ કરે છે તો સાથોસાથ વિચારોની સ્પષ્ટતા પણ દર્શાવે છે. અલબત્ત, પીળો કલર સિકનેસ પણ દર્શાવવાનું અને એનું વહન કરવાનું કામ કરતો હોવાથી મોટા ભાગની હૉસ્પિટલ એનો વપરાશ ટાળે છે તો સાથોસાથ એ પણ પ્રયાસ કરવામાં આવે છે કે મેડિકલ એક્સપર્ટ પણ શક્ય હોય ત્યાં સુધી યલો કલરનો ઉપયોગ ન કરે. એનાથી ઊલટું સ્વીડનમાં મેડિકલ એક્સપર્ટ્સ સર્જરી દરમ્યાન યલો કલરના કૉસ્ચ્યુમ પહેરવાનું વધારે પસંદ કરે છે અને એનું કારણ એ છે કે યલો કલર આશાવાદનો પ્રતીક છે.

