કાર્ડબોર્ડમાંથી ફર્નિચર બનાવવાનું ક્રીએટિવ કામ કરતા હરેશભાઈનો જીવ પરોવાયેલો રહેતો એટલે તેમને ડિપ્રેશન ન આવ્યું જે કૅન્સરના દરદીઓમાં સામાન્ય છે
હરેશ મહેતા કાર્ડબોર્ડમાંથી તેમણે બનાવેલી કૃતિઓ સાથે
કીમોથેરપી જેવી હેવી ટ્રીટમેન્ટ પછી આરામ ફરજિયાત હોય છે, પરંતુ હરેશ મહેતાને ઘરે પડ્યા રહીને વધુપડતા વિચારોથી ડિપ્રેશનમાં જવું નહોતું. તેમણે કીમોથેરપી પછી આરામ માંડી વાળી સીધા કામ પર જવાનું ચાલુ રાખ્યું. કાર્ડબોર્ડમાંથી ફર્નિચર બનાવવાનું ક્રીએટિવ કામ કરતા હરેશભાઈનો જીવ પરોવાયેલો રહેતો એટલે તેમને ડિપ્રેશન ન આવ્યું જે કૅન્સરના દરદીઓમાં સામાન્ય છે. આજે ૭૩ વર્ષની ઉંમરે પણ ૧૦ કલાક તેઓ પોતાના કામને આપે છે
ઘાટકોપરમાં રહેતા ૭૩ વર્ષના હરેશ મહેતા આજની તારીખે પણ સવારે સાડાનવથી સાંજે સાડાસાત વાગ્યા સુધી કુર્લામાં પોતાનો બિઝનેસ સંભાળે છે. તેમને રિટાયર થવું જ નથી, કારણ કે તેઓ માને છે કે આ કામ જ છે જે તેમની સંજીવની છે. નાનપણમાં જેના માટે માતા-પિતા કે ઘરના લોકો માનતા હતા કે આ છોકરાનું કંઈ નહીં થાય તે આજે ૭૩ વર્ષે પણ એક સફળ બિઝનેસમૅન છે જે પોતાના કામને અમેરિકા સુધી ફેલાવી ચૂક્યા છે. કાર્ડબોર્ડમાંથી તેઓ ફર્નિચર બનાવવાનું કામ કરે છે. આ કામ તેમનું પૅશન છે. એમાં રહેલી ક્રીએટિવિટીએ તેમને કૅન્સર સામે લડવાની હિંમત આપી હતી. આજે જાણીએ આ કૅન્સર-સર્વાઇવરની જીવનયાત્રાના કેટલાક અંશ.
ADVERTISEMENT
કાર્ડબોર્ડમાંથી ફર્નિચર
હરેશભાઈના પપ્પાનો કાર્ડબોર્ડના બૉક્સ એટલે કે ખોખાં બનાવવાનો બિઝનેસ હતો. એ બૉક્સના કામમાં હરેશભાઈને કંઈ ખાસ રસ નહોતો, પણ તેમણે ૨૧ વર્ષની ઉંમરથી પપ્પા સાથે કામ શરૂ કર્યું. એ વિશે વાત કરતાં હરેશભાઈ કહે છે, ‘એક દિવસ મને આઇડિયા આવ્યો કે બધા ગ્રાહકોને આપણે જણાવવું પડે છે કે આપણાં બૉક્સ કેટલાં મજબૂત છે. એક કામ કરું, હું એમાંથી એક સ્ટૂલ બનાવું. મેં એક બેઠક પ્રકારનું સ્ટૂલ જેવું બનાવ્યું અને કોઈ આવે તો એને કહેતા કે જુઓ, આના પર બેસી શકાય છે. એટલે વિચારો કે અમારાં બૉક્સ કેટલાં મજબૂત છે. અમુક લોકોને તો એ ખૂબ જ ગમ્યાં. કેટલાકે કહ્યું કે આવું અમને પણ બનાવી દેને. ત્યાંથી શરૂઆત થઈ કાર્ડબોર્ડમાંથી ફર્નિચર બનાવવાની. ધીમે-ધીમે મેં દરેક વસ્તુ એમાંથી બનાવી જેમ કે ખુરસી, ટેબલ, પલંગ, લૅમ્પ-શેડ, સ્ટોરેજ રૅક. આજે તો કિડ્સ ફર્નિચરમાં અમારી પાસે અઢળક વૈવિધ્ય જોવા મળે છે. ક્રૅડલ ટુ કૉફીન અમે બધું જ બનાવીએ છીએ. આ બનાવવા પાછળ આશય એ હતો કે સસ્ટેનેબલ પ્રોડક્ટ બનાવીએ. મુંબઈ જેવા શહેરમાં જ્યાં જગ્યા નથી ત્યાં અમારું ફર્નિચર ફોલ્ડિંગ છે. ઓછા વજનનું એટલે કે હલકું છે, તમે એને ઘરે અસેમ્બલ કરી શકો છો. આ કામમાં લગભગ ૬૦-૬૫ જેટલી ડિઝાઇનની પેટન્ટ મારા નામે બોલે છે. મેં ફર્નિચર બનાવવાની શરૂઆત કરી એ પછી દસકો થયો. માર્કેટમાં આ પ્રકારનું ફર્નિચર મને જોઈ-જોઈને બીજા બનાવવા લાગેલા.’
ક્રીએટિવ કામ
કોવિડના સમયે પણ જુદી-જુદી જગ્યાએ કોવિડ વૉર્ડ્સ બનાવવાનું BMCએ શરૂ કર્યું હતું ત્યારે આટલાબધા બેડ્સ લાવવા કઈ રીતે? એ સમયે આ કાર્ડબોર્ડના બેડ્સ ઘણા કામ લાગેલા. એ જણાવતાં હરેશભાઈ કહે છે, ‘KEM હૉસ્પિટલમાં અને ધારાવીમાં મેં ઘણા બેડ્સ ડિલિવર કર્યા હતા. કુલ નહીં-નહીં તો સાતથી આઠ હજાર બેડ્સ મેં ડિલિવર કર્યા હતા. મારા બે દીકરા છે જે અમેરિકામાં સ્થિત છે. એમાંથી એક મારું આ કામ ત્યાં પ્રસરાવી રહ્યો છે. મારા ડિવૉર્સ થઈ ગયેલા એટલે મુંબઈમાં હું એકલો જ રહું છું પણ દીકરાઓ તેમના પરિવાર સાથે આવતા-જતા રહે છે અને હું પણ વર્ષે બે-ત્રણ વાર એક મહિના જેવો સમય કાઢી અમેરિકા જાઉં છું. મારા કામ માટે હું આ ઉંમરે પણ ઘણો ઉત્સાહિત છું. નવી-નવી ડિઝાઇન બનાવવી અને કંઈક એવું બનાવવું જે લોકોને ખૂબ હટકે લાગે એ મને ગમે છે. કોવિડ પહેલાં અમે BKCમાં એક રેસ્ટોરાંનું ફર્નિચર બનાવેલું જે આખું કાર્ડબોર્ડમાંથી બન્યું હતું પણ આ રેસ્ટોરાં કોવિડ દરમિયાન બંધ થઈ ગઈ.’
કૅન્સરનું નિદાન
જીવનમાં ઘણા ઉતારચડાવ આવ્યા એમાંનો એક અઘરો કહી શકાય એવો સમય આવ્યો ૨૦૧૧માં જેમાં હરેશભાઈને કૅન્સરનું નિદાન થયું. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘આ રોગની શરૂઆત ખૂબ જુદી થઈ હતી. મને થોડી-થોડી ખાંસી રહેતી હતી. ચેસ્ટ-ફિઝિશ્યનને બતાવ્યું તો એમણે કહ્યું કે ટીબી હોઈ શકે છે. એ દરમિયાન પાણી ભરાઈ ગયું હતું. મેં પાણી કઢાવ્યું. ફરીથી પાણી ભરાઈ ગયું. એ ફરીથી કાઢી રહ્યા હતા ત્યારે હું ત્યાં જ બેભાન થઈ ગયો. એ પાણીનો રિપોર્ટ કઢાવવામાં આવ્યો. એ દરમિયાન જ મને ગળામાં પણ ગાંઠ જેવું ઊપસી આવ્યું. એ જોઈને ડૉક્ટરે કહ્યું કે બાયોપ્સી કરવી જોઈએ. જેવું મેં બાયોપ્સી વિશે સાંભળ્યું કે મને લાગ્યું કે આ ટીબી નથી. મારા ડૉક્ટર્સના લિસ્ટમાં ઑન્કોલૉજિસ્ટ ઍડ થયા. બાયોપ્સી થઈ ત્યારે સમજાયું કે મને લિમ્ફોમા નામનું કૅન્સર છે જે આપણા શરીરની લિમ્ફ સિસ્ટમમાં ઉદ્ભવતું કૅન્સર છે જેનો ઇલાજ કીમોથેરપી હતી. મને જે પ્રકારનું કૅન્સર હતું એનો ઇલાજ એટલે કે કીમોથેરપી એકદમ અકસીર છે. જો તમે કીમોથેરપી દરમિયાન સર્વાઇવ કરી ગયા તો જીવી ગયા, પણ એ કીમોથેરપી ઘણી હેવી હોય છે. હું અંદરથી એકદમ મજબૂત હતો. કૅન્સર જેવું આવ્યું એવું મેં સ્વીકારી લીધું. ઘણા લોકો એ સ્વીકારતા નથી કે તેમને કૅન્સર થઈ શકે છે એટલે એની સામેની લડત અઘરી બની જાય છે. મેં જે રીતે સ્વસ્થતા સાથે એનો સ્વીકાર કર્યો ત્યારે ડૉક્ટર્સ પણ ખુશ થઈ ગયા હતા.’
ઇલાજ સમયે રાખી હિંમત
હરેશભાઈને ૬ કીમોથરપી લેવાની હતી. એ સમયે તેમના બન્ને દીકરાઓ પરિવાર સાથે વારાફરતી ભારત આવી ગયા. તેમને પૂરો સપોર્ટ આપ્યો, પણ હરેશભાઈને સૌથી વધુ સપોર્ટ તેમના કામનો હતો. ડૉક્ટર્સે તેમને કહ્યું કે તમને પૂરા આરામની જરૂર છે પણ આરામ તેમને કરવો નહોતો. એ વિશે વાત કરતાં હરેશભાઈ કહે છે, ‘હું ડ્રાઇવર સાથે હૉસ્પિટલ જતો. કીમોથેરપી લઈને હૉસ્પિટલથી નીકળી તરત જ ઑફિસ પહોંચી જતો. કીમોથેરપી લઈને ઘરે આરામ કરવાનો હોય, પણ એવું મારાથી થાય નહીં. એક દિવસ તો ડ્રાઇવર આવ્યો નહીં એટલે મેં ખુદ ગાડી ચલાવી, હૉસ્પિટલ પહોંચ્યો તો ગાડી મેં ખોટી પાર્ક કરી. હું કીમોથેરપી લઈ રહ્યો હતો ત્યારે મારી ગાડી ટો થઈ ગઈ. હું કીમોથેરપી લઈને બહાર આવ્યો ત્યારે મેં જોયું તો કાર નહીં. હું ત્યાંથી પહેલાં પોલીસ-સ્ટેશન ગયો. ત્યાં પોલીસ પણ મને જોઈ રહી. તેમણે મને પૂછ્યું કે કાકા તમને ઘરે મૂકી જાઉં? તો મેં કહ્યું હોય કંઈ, ઘરે નથી જવાનું, હું તો કામે જાઉં છું. ત્યાંથી ગાડી લઈ હું સીધો ઑફિસ પહોંચ્યો.’
ડિપ્રેશનથી બચવાનો ઉપાય
કામ પ્રત્યે આવું ઝનૂન કેમ છે તમને? આ પ્રશ્નનો જવાબ આપતાં હરેશભાઈ કહે છે, ‘સાચું કહું તો કૅન્સરના ઇલાજ દરમિયાન હું ટકી શક્યો કારણ કે મારી પાસે કામ હતું. ઘરે બેઠાં પડ્યા-પડ્યા ઓવરથિન્કિંગ કરીને દરદીઓ ડિપ્રેશનમાં જતા રહે છે. કૅન્સરના ૮૦ ટકા દરદીઓ ડિપ્રેશનનો શિકાર બને છે. મને એવું જરાય ન ગમે કે તમે પથારીમાં પડ્યા છો, લોકો ખબર કાઢવા આવે, એકને એક વાત તમે રિપીટ કર્યા કરો, ત્યાં તેમના માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરો, આ બધું નૉન્સેન્સ મને જોઈતું જ નહોતું. જે લોકો ખબર કાઢવાની વાત કરતા તેમને હું સામેથી ના પાડતો કે એ માટે ઘરે નહીં, આપણે ફોન પર જ વાત કરી લઈએ. મારું કામ બોરિંગ નવથી પાંચની જૉબ નથી, એ ખાસ્સું ક્રીએટિવ છે એટલે મને ટકી રહેવાનું સરળ પડ્યું. હું સંપૂર્ણ રીતે કૅન્સરમુક્ત થયો એની પાછળ મારો કામ પ્રત્યેનો અભિગમ હતો. એ પછી લોકોના માર્ગદર્શન માટે હું જે સમાજસેવા કરું છું એમાં મેં તેમને એ જ સલાહો આપી છે કે ઘરે લોકોને એકઠા કરવા જ નહીં, કોઈની જરૂર નથી તમને, તમે તમારું મન ક્રીએટિવ કામમાં લગાવો, કૅન્સર ચોક્કસ ભાગશે.’
