Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: કલ્યાણમાં ડૉક્ટરે પાર્ક કરેલાં વાહનોમાં કાર ઘુસાડી દીધી : ૬ લોકો ઘાયલ અને બે ગંભીર

ન્યૂઝ શોર્ટમાં: કલ્યાણમાં ડૉક્ટરે પાર્ક કરેલાં વાહનોમાં કાર ઘુસાડી દીધી : ૬ લોકો ઘાયલ અને બે ગંભીર

Published : 27 February, 2026 07:29 AM | Modified : 27 February, 2026 08:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અકસ્માતમાં પાર્ક કરેલાં ટૂ-વ્હીલર્સને પણ ભારે નુકસાન થયું હતું. સ્થાનિક રહેવાસીઓએ ઘાયલ થયેલા લોકોને બચાવીને હૉસ્પિટલમાં પહોંચાડ્યા હતા

અકસ્માતગ્રસ્ત કાર અને ટૂ-વ્હીલર.

અકસ્માતગ્રસ્ત કાર અને ટૂ-વ્હીલર.


કલ્યાણમાં સ્પીડમાં કાર ચલાવતા એક ડૉક્ટરે પાર્ક કરેલાં વાહનોને અડફેટે લીધાં હતાં. આ ટક્કર એટલી જોરદાર હતી કે ૬ લોકોને ઈજા થઈ હતી, જેમાંથી બે લોકોની હાલત ગંભીર હોવાનું પોલીસે જણાવ્યું હતું. ડ્રાઇવરને ખડકપાડા પોલીસે અટકાયતમાં લીધો છે. અકસ્માતમાં પાર્ક કરેલાં ટૂ-વ્હીલર્સને પણ ભારે નુકસાન થયું હતું. સ્થાનિક રહેવાસીઓએ ઘાયલ થયેલા લોકોને બચાવીને હૉસ્પિટલમાં પહોંચાડ્યા હતા. ડૉક્ટર સામે ગુનો નોંધીને અકસ્માત ટેક્નિકલ ખામીને કારણે થયો છે કે માનવીય ભૂલને કારણે થયો એ જાણવાનો પ્રયત્ન પોલીસ કરી રહી છે.

રાજસ્થાનમાં ત્રણથી વધુ સંતાનવાળા લોકો પણ લડી શકશે પંચાયતની ચૂંટણી



રાજસ્થાનમાં ભજનલાલ સરકારે રાજ્યની રાજનીતિમાં એક મોટો બદલાવ કર્યો છે અને સ્થાનિક ચૂંટણીઓ અને પંચાયતી રાજની ચૂંટણીઓમાં લડવા માટે દાયકાઓ જૂનો ‘બે બાળકો જ હોવાં જોઈએ’નો નિયમ સમાપ્ત કરવાની મંજૂરી આપી દીધી છે. મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માની અધ્યક્ષતામાં મળેલી કૅબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે ત્રણથી વધુ બાળકો ધરાવતા લોકો પણ સ્થાનિક અને પંચાયતની ચૂંટણીઓમાં ભાગ લઈ શકે છે. શેખાવત સરકારે બેથી વધુ સંતાનો ધરાવતાં માતા-પિતાના ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. બે બાળકોની બાધ્યતા સમાપ્ત કરવાના પ્રધાનમંડળના નિર્ણય પછી હવે વિધાનસભાના સત્રમાં આ સંશોધક ખરડાને રજૂ કરવામાં આવશે.


ધ કેરલા સ્ટોરી 2 : ગોઝ બિયૉન્ડ પર ૧૫ દિવસનો સ્ટે મૂકી દીધો કેરલા હાઈ કોર્ટે

વિપુલ અમૃતલાલ શાહની બહુચર્ચિત ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી 2 : ગોઝ બિયૉન્ડ’ આજે રિલીઝ થવાની હતી, પણ રિલીઝના એક દિવસ પહેલાં જ કેરલા હાઈ કોર્ટે આ ફિલ્મ પર ૧૫ દિવસ માટે વચગાળાનો સ્ટે મૂકી દીધો છે. સેન્સર બોર્ડે આ ફિલ્મને સર્ટિફિકેટ આપવામાં મગજ નથી વાપર્યું એવું પ્રથમદર્શી રીતે જણાય છે એવું નિરીક્ષણ કોર્ટે આ સ્ટે આપતી વખતે કર્યું હતું. 
આ ફિલ્મ કેરલાની બદનામી કરે છે અને એમાં જે દેખાડવામાં આવ્યું છે એવું આખા કેરલામાં ચાલે છે એવી છાપ ઊભી થાય છે એવી દલીલો સાથે આ ફિલ્મ પર સ્ટે મૂકવાની માગણી કરવામાં આવી હતી.


મેધા કિરીટ સોમૈયાની માનહાનિના કેસમાં સંજય રાઉત નિર્દોષ જાહેર થયા

સેશન્સ કોર્ટે ગુરુવારે શિવસેના (UBT)ના સંસદસભ્ય સંજય રાઉતની રિવિઝન અરજી મંજૂર કરી હતી અને તેમને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા કિરીટ સોમૈયાનાં પત્ની મેધા સોમૈયા દ્વારા દાખલ કરાયેલા માનહાનિના કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. મેધા સોમૈયાએ સંજય રાઉત સામે દાવો કર્યો હતો કે તેમણે તેમના અને તેમના પતિ વિરુદ્ધ મીડિયામાં પાયાવિહોણા અને સંપૂર્ણપણે માનહાનિભર્યા આરોપો લગાવ્યા હતા. એમાં મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન વિસ્તારમાં જાહેર શૌચાલયના બાંધકામ સંબંધિત ૧૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો હતો. ગયા વર્ષે મૅજિસ્ટ્રેટ કોર્ટે સંજય રાઉતને દોષી ઠેરવ્યા હતા અને તેમને આ કેસમાં ૧૫ દિવસની જેલની સજા ફટકારી હતી. શિવસેના (UBT)ના નેતાએ બાદમાં મૅજિસ્ટ્રેટના ચુકાદાને પડકારતી સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા પછી કોર્ટે ગુરુવારે તેમની અરજી મંજૂર કરી હતી. માનહાનિના કેસમાં કોર્ટે સંજય રાઉતને નિર્દોષ જાહેર કર્યા હતા.

ફેરિયાએ કોથમીરની જૂડીના ૧૦ રૂપિયાના ભાવફરકને લઈને ચાકુ ચલાવી દીધું

કુર્લા-વેસ્ટમાં હિંસાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં કોથમીરના ભાવ અંગેનો એક નાનો વિવાદ ચાકુના હુમલામાં ફેરવાઈ ગયો. આ ઝઘડો ગ્રાહક અને શાકભાજી વેચનાર ફેરિયા વચ્ચે માત્ર ૧૦ રૂપિયાના તફાવતને કારણે શરૂ થયો હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ મંગળવારે આ ઘટના બની હતી. ત્યારે કોથમીર ખરીદવા માટે કુર્લામાં એક ગ્રાહક શાકભાજીના સ્ટૉલ પર ગયો હતો. શ્રીનિવાસ કાંબળે તરીકે ઓળખાતા શાકવાળાએ તેની પાસે કોથમીરની એક જૂડી માટે ૨૦ રૂપિયાની માગણી કરી હતી. ગ્રાહકે વાંધો ઉઠાવતાં કહ્યું કે તે ફક્ત ૧૦ રૂપિયા આપશે અને દાવો કર્યો કે તે સ્થાનિક ભાવોથી વાકેફ છે કારણ કે તે એ જ વિસ્તારમાં રહે છે અને કામ કરે છે. આ મતભેદ ઝડપથી ઉગ્ર દલીલમાં ફેરવાઈ ગયો હતો. ગુસ્સો ભડકતાં પરિસ્થિતિ હિંસક બની ગઈ હતી. શાકવાળા શ્રીનિવાસ કાંબળેએ ઉશ્કેરાઈ જઈને શાક કાપવા માટે વપરાતા ચાકુથી ગ્રાહક પર હુમલો કરી દીધો હતો. હુમલામાં ગ્રાહકને માથામાં ઈજા થઈ હતી. ઘાયલ ગ્રાહકને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તે હાલમાં સારવાર હેઠળ છે. તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

27 February, 2026 08:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK