ઈસ્ટ-વેસ્ટને જોડતા બ્રિજને પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોળકરનું નામ અપાયું
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વર્ચ્યુઅલી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. એ વખતે બ્રિજ પાસે BMCનાં મેયર રિતુ તાવડે પણ ઉપસ્થિત હતાં. તસવીર: સતેજ શિંદે
સાઉથ મુંબઈના ઈસ્ટ અને વેસ્ટ છેડાને જોડતો બેલાસિસ રેલવે ઓવર બ્રિજ હવે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે તાડદેવ, નાગપાડા અને મુંબઈ સેન્ટ્રલ રેલવે-સ્ટેશનને જોડતા બેલાસિસ ફ્લાયઓવરનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. બ્રિટિશકાળના ૧૩૦ વર્ષ જૂના બ્રિજનું નામ એ સમયના મેજર જનરલ જૉન બેલાસિસના નામ પરથી રાખવામાં આવ્યું હતું. હવે આ બ્રિજને પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોળકરનું નામ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. બ્રિજનું નવીનીકરણ થયા બાદ બે વર્ષથી ઈસ્ટ-વેસ્ટની ખોરવાયેલી કનેક્ટિવિટી ફરી સામાન્ય બનશે. એનાથી જહાંગીર બમન બહેરામ રોડ (અગાઉનો બેલાસિસ રોડ), ગ્રાન્ટ રોડ, પઠ્ઠે બાપુરાવ માર્ગ અને મહાલક્ષ્મી સ્ટેશન બ્રિજ પર ટ્રાફિક ઓછો થશે.
શું છે લંબાઈ-પહોળાઈ?
ADVERTISEMENT
નવા ફ્લાયઓવરની લંબાઈ ૩૩૩ મીટર છે; જેમાં ઈસ્ટ સાઇડ ૧૩૮.૩૯ મીટર, વેસ્ટ સાઇડ ૧૫૭.૩૯ મીટર અને રેલવેની હદમાં ૩૬.૯૦ મીટરનો સમાવેશ થાય છે. કૅરેજવે ૭ મીટર પહોળો છે. બન્ને બાજુએ પૂરતા પ્રમાણમાં પહોળી ફુટપાથ છે.
શું કહ્યું BMCએ?
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ સ્પષ્ટ કર્યું હતું કે રેલવે-અધિકારીઓ પાસેથી લોડ-ટેસ્ટ, સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેશન, સેફ્ટી સર્ટિફિકેશન અને નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ મેળવી લેવામાં આવ્યું છે અને ફ્લાયઓવર જાહેર ઉપયોગ માટે તૈયાર છે.
