Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હવે ઍર ટિકિટ બુક કર્યા પછી ૪૮ કલાકની અંદર કૅન્સલ કરશો તો મળશે પૂરું રીફન્ડ

હવે ઍર ટિકિટ બુક કર્યા પછી ૪૮ કલાકની અંદર કૅન્સલ કરશો તો મળશે પૂરું રીફન્ડ

Published : 27 February, 2026 07:18 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે એના માટે ડોમેસ્ટિક ટ્રાવેલમાં મુસાફરીની તારીખ ૭ દિવસ અને ઇન્ટરનૅશનલ ટ્રાવેલમાં ૧૫ દિવસ પછીની હોય એ જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)એ ઍર ટિકિટના રીફન્ડ માટેના નિયમોમાં બદલાવ કર્યો છે. આ નવા નિયમો અંતર્ગત હવે યાત્રીઓ બુકિંગ કર્યાના ૪૮ કલાકની અંદર કોઈ વધારાની ફી ચૂકવ્યા વિના ટિકિટ કૅન્સલ કરાવી શકે છે અથવા તો બદલાવ કરી શકે છે. આ ટિકિટ સીધી ઍરલાઇનની વેબસાઇટથી બુક કરી હોય અને ૨૪ કલાકની અંદર જ મુસાફરના નામમાં કોઈ ભૂલ જણાય તો એના સુધાર માટે કોઈ ચાર્જ નહીં લેવામાં આવે. ૨૦૨૫ના ડિસેમ્બર મહિનામાં ઇન્ડિગોની ફ્લાઇટ્સમાં આવેલા અવરોધો દરમ્યાન રીફન્ડનો મુદ્દો સામે આવ્યો હતો. એ પછી સિવિલ એવિએશન મંત્રાલયે રીફન્ડ બાબતે ચોક્કસ ગાઇડલાઇન્સ બહાર પાડવાનો નિર્દેશ કર્યો હતો. આ મુદ્દે નવા સંશોધિત નિયમો DGCAએ બહાર પાડ્યા છે. 

લુક-ઇન વિકલ્પ



હવે ઍરલાઇને યાત્રીઓને ટિકિટ-બુકિંગના ૪૮ કલાક માટે લુક-ઇન વિકલ્પ આપવો પડશે. આ અવધિમાં મુસાફર કોઈ વધારાના ચાર્જ વિના ટિકિટ રદ કરી શકે છે કે બદલી શકે છે. બદલાયેલી ફ્લાઇટ માટે સામાન્ય રીતે જેટલું ભાડું હોય એ જ ચૂકવવાનું રહેશે. 


જોકે આ સુવિધા તમામ ફ્લાઇટ્સ માટે ઉપલબ્ધ નહીં હોય. એમની ડિપાર્ચર-ડેટ બુકિંગની તારીખથી ઓછામાં ઓછી ૭ દિવસ (ડોમેસ્ટિક ફ્લાઇટ) અને ૧૫ દિવસ (ઇન્ટરનૅશનલ ફ્લાઇટ) દૂર હોય એ જરૂરી છે અને ટિકિટ ડાયરેક્ટ ઍરલાઇનની વેબસાઇટથી બુક કરેલી હોય. ૪૮ કલાકની અવધિ પૂરી થયા પછી આ વિકલ્પ ઉપલબ્ધ નહીં રહે અને મુસાફરોએ કોઈ પણ બદલાવ કે કૅન્સલેશન માટે જે-તે ઍરલાઇન મુજબનો સંબંધિત ચાર્જ આપવાનો રહેશે. 

શું કહ્યું DGCAએ?


જો ટિકિટ ટ્રાવેલ એજન્ટ કે પોર્ટલના માધ્યમથી ખરીદી હોય તો રીફન્ડની જવાબદારી ઍરલાઇને જ લેવી પડશે, કેમ કે એજન્ટ કંપનીએ નિયુક્ત કરેલા પ્રતિનિધિ છે. ઍરલાઇન એ સુનિશ્ચિત કરે કે રીફન્ડની પ્રક્રિયા ૧૪ દિવસની અંદર પૂરી થાય. મુસાફર કે તેમના પરિવારના કોઈ સદસ્યની મેડિકલ ઇમર્જન્સીને કારણે ટિકિટ રદ કરવી પડે તો એની શરતોમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. 

નામમાં ભૂલ પર વધારાનો ચાર્જ નહીં 

DGCAએ કહ્યું હતું કે જો ટિકિટ ડાયરેક્ટ ઍરલાઇનની વેબસાઇટ પરથી બુક કરી હોય તો મુસાફરોએ બુકિંગના ૨૪ કલાકની અંદર પોતાના નામમાં ભૂલ બતાવી હોય તો ઍરલાઇન કોઈ વધારાનો ચાર્જ નહીં લઈ શકે. મેડિકલ ઇમર્જન્સીની સ્થિતિમાં ટિકિટ રદ કરવા પર યાત્રી કે એ જ PNR પર ટ્રાવેલ કરી રહેલા પરિવારજનને મેડિકલ ઇમર્જન્સીને કારણે હૉસ્પિટલમાં ભરતી કરવા પડ્યા હોય તો ઍરલાઇન રીફન્ડ કે ક્રેડિટ શેલ આપી શકે છે. અન્ય મામલામાં રીફન્ડ ત્યારે જ મળશે જ્યારે ઍરલાઇનને ઍરોસ્પેસ મેડિસિન વિશેષજ્ઞ કે DGCAની પૅનલના ‌નિષ્ણાત પાસેથી મેડિકલ પ્રમાણ મળ્યું હોય. 

Whatsapp-channel Whatsapp-channel

27 February, 2026 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK