Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > હોળી સાથે ખાસ કનેક્શન છે ધાણી-ખજૂર-દાળિયાનું

હોળી સાથે ખાસ કનેક્શન છે ધાણી-ખજૂર-દાળિયાનું

Published : 27 February, 2026 10:41 AM | Modified : 27 February, 2026 11:53 AM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

ધુળેટી પહેલાં આવતી હોળી સાથે જોડાયેલી ખાણીપીણીની પરંપરા પાછળ ન્યુટ્રિશન સાયન્સ જોડાયેલું છે. બદલાતી સીઝન સાથે પાચનની સમસ્યા અને ગરમી સામે લડવા માટે આ ત્રણ સુપરફૂડ્સ શરીરને ‌ઉનાળાની સીઝન માટે કઈ રીતે સક્ષમ બનાવે છે એ જાણીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ફાગણ મહિનો પ્રવેશતાંની સાથે શિયાળો વિદાય લે છે અને ઉનાળો શરૂ થાય છે. બે સીઝનના ટ્રાન્ઝિશન દરમિયાન શરીરમાં પણ અનેક ફેરફારો થાય છે ત્યારે બદલાતી ઋતુ આપણી પાસે ડાયટમાં ફેરફાર માગે છે જેથી ઉનાળામાં હેલ્થ સારી રહે. આ જ કારણને ધ્યાનમાં રાખતાં હોળીના દિવસે ધાણી, દળિયા અને ખજૂર ખાવાની પરંપરા બનાવી છે. આપણે એ પરંપરાનું અનુકરણ કરીને પ્રસાદ સ્વરૂપે આપણે આ ત્રણેય ચીજો ખાઈએ છીએ, પણ ઉનાળાની શરૂઆતમાં જ આ કેમ ખાવામાં આવે છે, અની પાછળનું હેલ્થ સાયન્સ શું છે એ વિશે એક્સપર્ટ પાસેથી જાણીએ.

ગટ-ફ્રેન્ડ્લી



હોળીમાં ધાણી, દાળિયા અને ખજૂર ખાવાની પરંપરા પાછળ ધાર્મિક આસ્થા જ નહીં પણ બદલાતી ઋતુ સાથે શરીરને એ માટે પ્રિપેર કરવાનું સાયન્સ છુપાયેલું છે એમ જણાવતાં કાંદિવલીનાં અનુભવી ફૂડ-ટેક્નિશ્યન, ડાયયિશ્યન અને ન્યુટ્રિશનિસ્ટ સોનલ ભોસલે જણાવે છે, ‘હોળીના સમયે શિયાળાની સત્તાવાર એક્ઝિટ થાય છે અને ઉનાળો શરૂ થાય છે. આ ટ્રાન્ઝિશન પિરિયડમાં શરીરમાં કફનો પ્રકોપ વધે છે. જુવાર કે મકાઈની ધાણી પ્રકૃતિએ ઠંડી અને પચવામાં હલકી હોય છે. એ શરીરમાં જમા થયેલા કફને સૂકવવામાં મદદ કરે છે. ધાણી અત્યંત પૌષ્ટિક ગ્રેન પૉપકૉર્ન છે જે દરેક ઉંમરના લોકો ખાઈ શકે છે. એમાંથી શરીરને પ્રોટીન, ફાઇબર, આયર્ન જેવાં પોષક તત્ત્વો ભરપૂર પ્રમાણમાં મળે છે. ગરમીની શરૂઆત થતાં જ સૌથી પહેલી અસર ચયાપચયની ક્રિયા પર થાય છે. ધાણી હલકો ખોરાક હોવાથી સરળતાથી પચી જાય છે. જમ્યા પછી એ ખાવાથી પાચનશક્તિ સુધરે છે. એને રોજિંદી ડાયટમાં સામેલ કરી શકાય.


પ્રોટીનનું પાવરહાઉસ

હોળીમાં હોમાતા દાળિયા એટલે કે ફોતરાં વગરની ચણાની શેકેલી દાળ શરીર માટે બહુ ફાયદાકારક છે. આ સમયે એને શા માટે પોતાની ડાયટમાં સામેલ કરવા જોઈએ એ વિશે જણાવતાં સોનલ કહે છે, ‘દાળિયા ઊર્જાનો ઉત્તમ સ્રોત છે. સીઝન ચેન્જ થાય ત્યારે શરીરમાં સુસ્તી બહુ આવે છે. દાળિયા ખાવાથી પ્રોટીન, ઝિન્ક, ફૉસ્ફરસ અને આયર્ન મળે; જે બૉડીને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે અને  બોન હેલ્થ તથા ત્વચા માટે પણ એ સારું છે. એ બ્લડ-શુગર લેવલને કન્ટ્રોલ કરવાની સાથે ભૂખને સંતોષવામાં પણ મદદ કરે છે, જેથી ઉનાળાના તડકામાં પણ સ્ફૂર્તિ જળવાઈ રહે. એ મસલ્સ બનાવવાની સાથે વજન ઘટાડવામાં અને હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. એને હેલ્ધી સ્નૅક્સ તરીકે સીધા ખાઈ શકાય છે અથવા એનો પાઉડર બનાવીને બીજા ખોરાકની પ્રોટીન વૅલ્યુ વધારવા માટે ઉમેરી શકાય.’


ગ્લુકોઝનો ભંડાર

ખજૂર કઈ રીતે ગરમીની સીઝનમાં ફાયદાકારક છે એ વિશે આ ક્ષેત્રે ૧૩ કરતાં વધુ વર્ષનો અનુભવ ધરાવતી સોનલ કહે છે, ‘હોળી પછી ગરમીનુ પ્રમાણ વધે છે, જેને લીધે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે છે. ખજૂર સાકરનો સારો પર્યાય છે. જેમને ગળ્યુ ખાવાની આદત હોય તેમના માટે આ ગિલ્ટ-ફ્રી મીઠાઈ છે અને એ ઇન્સ્ટન્ટ ગ્લુકોઝ પૂરો પાડે છે. એ કુદરતી શર્કરા, ફાઇબર અને પોટૅશિયમથી ભરપૂર હોવાને લીધે શરીરમાં લોહીની કમીને દૂર કરે છે. તેથી એનીમિક લોકોને આ ફાયદો કરે છે. બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખીને મગજની કાર્યક્ષમતા વધારે છે. ગરમીને કારણે થતી ડીહાઇડ્રેશનની અસરને રોકવામાં પણ એ અસરકારક છે.

સ્માર્ટ સ્વૅપ

ઋતુ બદલાય એ પહેલાં શરીરને તૈયાર કરવું પડે છે. આ સમયે ભારે અને તેલવાળો ખોરાક લેવાને બદલે શેકેલી વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવે છે જેથી પાચનતંત્ર પર ભાર ન પડે એમ જણાવતાં સોનલ કહે છે, ‘ધાણી, દાળિયા અને ખજૂર આપણને ઉનાળાની સામાન્ય સમસ્યાઓ જેવી કે અપચો, ગૅસ અને શરીરના વધતા તાપમાન સામે રક્ષણ આપે છે. ગળ્યું ખાવાની ઇચ્છા હોય ત્યારે સાકરવાળી મીઠાઈને બદલે ખજૂર અથવા એના લાડુ બનાવીને ખાવા. જો તમને એનીમિયા અથવા પ્રોટીનની ઊણપ હોય તો શેકેલા દાળિયાનો પાઉડર અને ખજૂરની પેસ્ટ મિક્સ કરીને નાના લાડુ બનાવી લો. આ મિશ્રણ આયર્ન અને પ્રોટીનનો જબરદસ્ત ડોઝ છે. આ ત્રણેય વસ્તુઓના મિશ્રણમાંથી આપણને વિટામિન B, આયર્ન, મૅગ્નેશિયમ, વિટામિન B6 અને વિટામિન K મળે છે. એનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને શરીર નવા વાતાવરણમાં સેટ થઈ જાય છે.’

કેટલી માત્રામાં લેવું?

 ધાણી વજનમાં હલકી અને ફાઇબરથી ભરપૂર હોવાથી દિવસ દરમિયાન બેથી ત્રણ કપ જેટલી જ ખાવી. સવારે નાસ્તામાં અથવા બપોરે જમ્યા પછીના મિડ-મીલ સ્નૅક્સ તરીકે લઈ શકાય.

 તંદુરસ્ત વ્યકતિ માટે એક મુઠ્ઠી અથવા અડધો કપ એટલે કે આશરે પચીસથી ત્રીસ ગ્રામ જેટલા દાળિયા ખાવા જોઈએ. જો તમે ‌જિમ જતા હો અથવા શારીરિક શ્રમ વધારે હોય તો બે મુઠ્ઠી ખાઈ શકાય, પણ ખાધા પછી પાણી પણ વધુ પીવું.

 ખજૂરમાં કૅલરી વધુ હોય છે તેથી એને મર્યાદિત માત્રામાં ખાવું જોઈએ. સામાન્ય રીતે દિવસમાં બેથી ત્રણ નંગ પૂરતા છે, પણ જો લોહીની કમી હોય તો ચારથી પાંચ નંગ ખાઈ શકાય.

 આ ત્રણેય સુપરફૂડ્સ માત્ર યુવાનો માટે જ નહીં પણ બાળકો અને વડીલો માટે પણ આશીર્વાદ સમાન છે. બાળકોને વારંવાર ભૂખ લાગે છે ત્યારે બજારના પૅકેટ ફૂડ કે જન્ક ફૂડને બદલે ધાણી અને ખજૂર આપવાથી તેમને કુદરતી કૅલ્શિયમ અને આયર્ન મળે છે. એ દાંત અને હાડકાંના વિકાસમાં મદદ કરે છે.

 મોટી ઉંમરે પાચનશક્તિ નબળી હોય છે. દાળિયા ચાવવામાં સરળ અને પ્રોટીનથી ભરપૂર હોવાથી સ્નાયુઓની નબળાઈ દૂર કરે છે. ખજૂર કબજિયાત જેવી સમસ્યામાં રાહત આપે છે, જે ઉનાળામાં સામાન્ય રીતે વધી જતી હોય છે.

હોલિકા માતાને શા માટે ત્રણ ચીજ અર્પણ થાય છે?

ભારતીય સંસ્કૃતિમાં પરંપરા મુજબ ખેતરમાં જે નવો પાક તૈયાર થાય એને ખાતાં પહેલાં ઈશ્વર કે અગ્નિદેવને અર્પણ કરવામાં આવે છે. અગ્નિદેવને નવા પાકની આહુતિ આપીને તેમનો આભાર માનવામાં આવે છે કે તેમણે ખેતરના પાકને પકવ્યો અને સુરક્ષિત રાખ્યો. આ પરંપરા પાછળનું સાયન્સ એ છે કે અગ્નિમાં ધાણી અને દાળિયા નાખવાથી જે ધુમાડો ઉત્પન્ન થાય છે એ વાતાવરણમાં રહેલા હાનિકારક બૅક્ટેરિયાનો નાશ કરે છે, જે ઋતુ પરિવર્તન સમયે ખૂબ જરૂરી છે. હોલિકા દહન ગરમીનું પ્રતીક છે. ગરમીની સામે શરીર અને મન શાંત રહે એ માટે શીતળ ગણાતા પદાર્થો જેમ કે ધાણી અને ખજૂર પ્રસાદરૂપે અર્પણ કરવામાં આવે છે. એનું સાયન્સ એ છે કે અગ્નિ પાસે ઊભા રહેવાથી શરીરનું તાપમાન વધે છે. પ્રદક્ષિણા કર્યા પછી જ્યારે આપણે ધાણી-ખજૂરનો પ્રસાદ લઈએ છીએ ત્યારે એ શરીરની અંદરની ગરમીને શાંત કરવામાં અને પાચનતંત્રને ઠંડક આપવામાં મદદ કરે છે. હોલિકા માતાને આ પ્રસાદ અર્પણ કરીને કુદરતનો આભાર માનીને પ્રસાદીરૂપે ગ્રહણ કરીને ઉનાળામાં શરીરને અંદરથી મજબૂત કરી શકાય.

ત્રણેય સુપરફૂડ્સનો કરો સ્માર્ટ ઉપયોગ

જો  તમે ધાણી, દાળિયા અને ખજૂરને રોજિંદી ડાયટમાં થોડી અલગ રીતે સામેલ કરવા માગતા હો તો ખજૂરની પેસ્ટ બનાવી એમાં અધકચરા પીસેલા દાળિયા અને થોડી ધાણી મિક્સ કરી એનાં ચોસલાં પાડી લો. આ ટ્રાવેલિંગ દરમિયાન કે સાંજના સમયે બેસ્ટ સ્નૅક સાબિત થશે. આ ઉપરાંત ઓછી કૅલરીવાળો નાસ્તો બનાવવા માટે ધાણીમાં હળદર, મીઠું અને લીમડાનો વઘાર કરી ડાયટ ચેવડો બનાવી શકાય. ઉનાળાની બપોરે દૂધમાં ખજૂર અને દાળિયાનો પાઉડર નાખી બ્લેન્ડ કરીને બનાવેલી સ્મૂધી પીવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને ઠંડક મળે છે.

હોળીનાં આ ત્રણેય સુપરફૂડ્સને માત્ર પરંપરા માનીને એક દિવસ ખાઈને ભૂલી જવાને બદલે એને ઉનાળા દરમિયાન તમારી ડાયટનો હિસ્સો બનાવવાથી અદ્ભુત ફાયદા થાય છે. જો તમને ઉનાળામાં ઍસિડિટી કે પેટમાં બળતરા થતી હોય તો એક મુઠ્ઠી ધાણીને રાત્રે પાણીમાં પલાળી દો. સવારે આ પાણી ગાળીને પીવાથી શરીરની આંતરિક ગરમી શાંત થાય છે અને ત્વચા પર કુદરતી ગ્લો આવે છે. જો તમને ઉનાળામાં ઍસિડિટી કે પેટમાં બળતરા થતી હોય તો એક મુઠ્ઠી ધાણીને રાત્રે પાણીમાં પલાળી દો. સવારે આ પાણી ગાળીને પીવાથી શરીરની ગરમી શાંત થાય છે અને ત્વચા પર કુદરતી ગ્લો આવે છે. જો બાળકોને દાળિયા કે ધાણી ભાવતાં ન હોય તો ખજૂરની પેસ્ટમાં આ બન્નેનો પાઉડર અને સાથે થોડું કોપરાનું છીણ ઉમેરી એના નાના લાડુ બનાવી દો. આ આયર્ન બૉમ્બ બાળકોની યાદશક્તિ અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરશે. રાત્રે સૂતાં પહેલાં બે નંગ ખજૂર ખાઈને હૂંફાળું દૂધ પીવાથી અનિદ્રાની સમસ્યામાં રાહત મળે છે, કારણ કે ખજૂરમાં રહેલાં તત્ત્વો મગજને શાંત કરવામાં મદદરૂપ થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

27 February, 2026 11:53 AM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK