Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > આકાશમાં ઊડતા આ કસબીઓને ડર નથી લાગતો?

આકાશમાં ઊડતા આ કસબીઓને ડર નથી લાગતો?

Published : 17 June, 2025 02:35 PM | IST | Mumbai
Darshini Vashi

જોકે જેઓ દિવસ-રાત ફ્લાઇટમાં જ ઊડે છે, જેઓ પોતે પ્લેન ઉડાડીને લઈ જાય છે, જેઓ પ્લેનમાં પ્રવાસીઓને મૅનેજ કરે છે

કૅપ્ટન ધરવ ગોસલિયા, ચૈતાલી પંચમિયા (એક્સ ઍર-હૉસ્ટેસ), કેશા અરુણ શાહ (સિનિયર કો-પાઇલટ)

રુચિતા શાહ અને દર્શિની વશી

કૅપ્ટન ધરવ ગોસલિયા, ચૈતાલી પંચમિયા (એક્સ ઍર-હૉસ્ટેસ), કેશા અરુણ શાહ (સિનિયર કો-પાઇલટ)


ગણતરીની ક્ષણોમાં ૨૪૨ લોકો સાથે ઊડતું આખેઆખું પ્લેન ક્રૅશ થઈ ગયું એ ઘટનાએ આખી દુનિયાને હચમચાવી નાખી છે. જોકે જેઓ દિવસ-રાત ફ્લાઇટમાં જ ઊડે છે, જેઓ પોતે પ્લેન ઉડાડીને લઈ જાય છે, જેઓ પ્લેનમાં પ્રવાસીઓને મૅનેજ કરે છે એ લોકોના મનની સ્થિતિ અત્યારે શું હશે? કઈ રીતે તેઓ આ આખી ઘટનાને જુએ છે અને તેમની સાથે પણ ડેન્જર કહી શકાય એવો કોઈ અનુભવ ક્યારેય થયો છે?


કૅપ્ટન ધરવ ગોસલિયા, ૩૨ વર્ષ, પાઇલટ, ઘાટકોપર



અનુભવ : ૧૦ વર્ષ


જ્યારે પણ આ પ્રકારની ઘટનાઓ સાંભળીએ ત્યારે ડર લાગ્યો એવું તો ન કહી શકાય પણ હા, સભાનતા વધી જાય. દુઃખ જરૂર થયું જેમણે જીવ ગુમાવ્યા. આ ઘટના એ રીતે હૃદયદ્રાવક હતી. જ્યારે વિમાન લઈને આકાશમાં જઈએ અને બધું સમુંસૂતરું પાર પડે એ દરેક ઉડાન અમારા માટે એક બ્લેસિંગ છે એ વાત આ ઘટનાથી રિયલાઇઝ થઈ છે.

બીજી એક વાત, જ્યારથી એવિયેશન જૉઇન કર્યું ત્યારથી ટ્રેઇનિંગમાં એક વાત સતત શીખવવામાં આવે છે કે કૉકપિટમાં પ્રવેશતાં પહેલાં ચિંતા, સ્ટ્રેસ, ટેન્શનને બહાર મૂકીને અંદર પ્રવેશવાનું. કારણ કે વિમાન ઉડાડવા માટે એકધારી એકાગ્રતા જોઈએ. પાઇલટ માટે પોતાની સાથે પ્રવાસ કરી રહેલા સહપ્રવાસીઓનાં સપનાં અધૂરાં રહી ન જાય અને તેમણે અમારા પર મૂકેલો ભરોસો એ સૌથી મોટી બાબત હોય છે. જોકે બેશક આ પ્રકારની કમનસીબ ઘટના જ્યાં હૃદયને હચમચાવી દે છે ત્યારે બીજી બાજુ લોકોને સતર્ક અને સંયોજિત કરવાનું કામ પણ કરે છે. આ અમારા માટે એક રિમાઇન્ડર હતું કે દરરોજ કયા સ્તરનું રિસ્ક લઈને અમે આગળ વધી રહ્યા છીએ. આ ઘટના રિમાઇન્ડર છે કે કયા સ્તરની જવાબદારી અમારા પર છે. કદાચ એટલે જ વર્ષોનો મારો નિયમ છે કે દર વખતે ફ્લાઇટમાં બેસતાં પહેલાં હું નવકાર ગણીને જાઉં. મનમાં એ ભાવ સાથે કે ભગવાન સારી રીતે આજની સફર પાર પાડે.


ક્યારેય ફ્લાઇટ ઉડાડતાં કટોકટી સર્જાઈ છે? યસ, ઘણી વાર. પાઇલટ તરીકે ઘણી વાર હાઈ-પ્રેશર સિચુએશન ફેસ કરી છે. કદાચ એ બધા જ પાઇલટ માટે નૉર્મલ છે. મશીન અને બદલાયેલા હવામાન વચ્ચે બૅલૅન્સ કરીને સુરક્ષા અકબંધ રહે એવા નિર્ણય લેવાનું કામ પાઇલટના માથે હોય છે. અફકોર્સ એના માટે જ અમને ખૂબ ઇન્ટેન્સ કહી શકાય એવી ટ્રેઇનિંગ અપાય છે. અચાનક જ વાતાવરણ બગડે અને એમાંથી રૂટ ડાઇવર્ટ કરવો પડ્યો હોય એવા ઇન્સિડન્ટ બને તો પાઇલટ મેન્ટલી અને ફિઝિકલી તૈયાર હોય છે. એવિયેશન ઇન્ડસ્ટ્રીમાં સેફ્ટી પ્રોટોકૉલ્સ પર બહુ મોટા પ્રમાણમાં ફોકસ કરવામાં આવે છે.

ચૈતાલી પંચમિયા, ૩૯ વર્ષ, એક્સ ઍર-હૉસ્ટેસ, કાંદિવલી

અનુભવ વર્ષ 

હું જ્યારે પણ ફ્લાઇટમાં ચડતી તો એક ડર હંમેશાં રહેતો કે ઇમર્જન્સી વખતે મુસાફરોને ઓછા સમયમાં સેફલી બહાર તો કાઢી શકીશને? કેમ કે જ્યારે આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે મુસાફરોનો જીવ બચાવવા માટે તમારી પાસે ખૂબ જ ઓછો સમય હોય છે. આ સમયમાં તમારે દરેકને પ્રૉપર લાઇફ-સેવિંગ જૅકેટ પહેરવા માટે જણાવવાનું હોય છે અને તેમને બહાર નીકળવામાં મદદ કરવાની હોય છે. અમને ટ્રેઇનિંગ આપવામાં આવે છે, પણ ઓછા સમયમાં ખૂબ જ ઝડપથી કામ કરવાનું હોય છે. સામાન્ય રીતે અમને ત્રણ પ્રકારની ટ્રેઇનિંગ આપવામાં આવે છે. પહેલી ગ્રૂમિંગની હોય છે જેમાં તમારે કપડાં કેવાં પહેરવાં, મેકઅપ કેવો કરવો અને કેવી રીતે ચાલવું, બોલવું વગેરેનો સમાવેશ થાય છે. બીજી ટ્રેઇનિંગ ફર્સ્ટ એઇડની હોય છે જેમાં કોઈ વ્યક્તિને ઇમર્જન્સી મેડિકલ સહાયની જરૂર પડે તો તેને કેવી રીતે મદદ કરી શકાય એ શીખવવામાં આવે છે. ત્યાં સુધી કે અમને ઇમર્જન્સીમાં ડિલિવરી કેવી રીતે કરાવી શકાય એની પણ ટ્રેઇનિંગ આપવામાં આવે છે. હવે ત્રીજી અને સૌથી મુખ્ય ટ્રેઇનિંગ હોય છે ઇમર્જન્સી વખતે પ્રવાસીઓને કેવી રીતે સુરક્ષિત ફ્લાઇટમાંથી બહાર કાઢવાના. મોટા ભાગે ટર્બ્યુલન્સને લીધે ક્યારેય ફ્લાઇટ ક્રૅશ થતી નથી. સૌથી વધારે ક્રૅશ થવાના કિસ્સા લૅન્ડિંગ વખતના જ હોય છે અને જૂજ કિસ્સા ટેક-ઑફ વખતના. ઇમર્જન્સી લૅન્ડિંગ વખતે મુસાફરોને ૯૦ સેકન્ડની અંદર બહાર કાઢવાના હોય છે. આવું લૅન્ડિંગ ક્યાં તો જમીન પર અથવા પાણીમાં થતું હોય છે એટલે સ્થળ પ્રમાણે અમારે પ્રવાસીઓને એને અનુરૂપ સેફ્ટી-જૅકેટ અને વસ્તુઓનો ઉપયોગ કરવા કહેવાનું હોય છે. દરેક ફ્લાઇટમાં ૧૦ જેટલા ક્રૂ હોય છે એટલે આટલા બધા પૅસેન્જરોને સંભાળવા અને તેમને બહાર કાઢવા પણ તેમના માટે એક મોટા ટાસ્ક જેવું જ હોય છે. છતાં અમને પ્રૉપર ટ્રેઇનિંગ હોય છે એટલે અમે એ કરી શકવા સમર્થ હોઈએ છીએ. છતાં રોજ એ ડર મનમાં રહેતો હોય જ છે.

એવિયેશનની મેઇન ઑથોરિટી એટલે કે ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન નિયમો બનાવે છે અને તેમની પાસે જ રૂલ્સ લાદવાનો અને બદલવાનો અધિકાર છે. વર્તમાનમાં જે રૂલ્સ છે એનો ગુરુવારે થયેલા ઇન્સિડન્ટ સાથે કોઈ સંબંધ જ નથી, કેમ કે જે દુર્ઘટના ઘટી એ કોઈ રૂલ્સ કે રેગ્યુલેશનને લીધે નથી થઈ પણ એને એક બૅડ લક તમે કહી શકો. બાકી તો ક્રૅશનું સાચું કારણ તપાસ બાદ જ જાણવા મળી શકશે. હા, મારું માનવું છે ત્યાં સુધી ઑન-ગ્રાઉન્ડ ચેકિંગ વધુ સઘન બનાવવામાં આવશે, વધુ ડીટેલિંગમાં અભ્યાસ થશે. દરેકને પોતાનો જીવ વહાલો જ હોય છે એટલે અમે ફ્લાઇટમાં જતાં પહેલાં પોતપોતાની રીતે ઉપરવાળાને યાદ કરી લેતા હોઈએ છીએ અથવા તો પોતપોતાની રીતે રિચ્યુઅલ ફૉલો કરતા હોઈએ છીએ. હું મારી વાત કરું તો પ્લેનમાં પ્રવેશ કરતાં પહેલાં હું દરવાજાને પગે લાગતી હતી. બાકી નસીબ.

ક્યારેય ફ્લાઇટમાં કટોકટીની સ્થિતિ સર્જાઈ છે? મારા એક અનુભવની વાત કરું તો મારી કરીઅરની શરૂઆતના દિવસોમાં મને એક પ્રાઇવેટ ઍરક્રાફટમાં ક્રૂ-મેમ્બર તરીકે મોકલી હતી. પ્રાઇવેટ ઍરક્રાફટ નાનું હોય છે એટલે એમાં વધારે ક્રૂ-મેમ્બર્સની જરૂર હોતી નથી એટલે હું એકલી જ હતી. એ ફ્લાઇટ મુંબઈથી દિલ્હી જઈ રહી હતી. ફ્લાઇટ ટેક-ઑફ થઈ એના થોડા સમય બાદ ઍર-પ્રેશર એટલું બધું વધી ગયું કે ઑક્સિજન માસ્ક નીચે આવી ગયા. પાઇલટ સહિત દરેકને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. દરેકના જીવ અધ્ધર થઈ ગયા અને ઍરક્રાફ્ટનું ઇમર્જન્સી લૅન્ડિંગ કરવું પડ્યું. જોકે બધા હેમખેમ ઊતર્યા હતા. આવા તો બીજા પણ અનુભવો થયા છે. અમુકમાં તો તમે ઇચ્છીને પણ કંઈ કરી શકતા નથી.

થોડાં વર્ષ પહેલાંની વાત કરું તો મારી ફ્લાઇટમાં સાડાત્રણ વર્ષનું બાળક તેના પેરન્ટ્સ સાથે મુસાફરી કરી રહ્યું હતું. સ્વાભાવિક રીતે બાળક તરફ તમારું ધ્યાન જાય જ. મેં જોયું કે પ્લેનમાં આટલો બધો શોર થાય છે તો પણ બાળક ઊઠતું કેમ નથી. ઘણો સમય નીકળી ગયો, પણ બાળક ઊઠ્યું નહીં એટલે મને ડાઉટ ગયો. મેં એ વિશે વાત કરી, પણ બાળક થાકીને સૂઈ ગયું હશે એવું મને કહેવામાં આવ્યું. મારે મારી ડ્યુટી કરવાની હોય એટલે હું આગળ નીકળી ગઈ. થોડી વાર પછી ફ્લાઇટમાં ડૉક્ટર માટે અનાઉન્સમેન્ટ થઈ. મેં જોયું તો તે બાળક માટે જ અનાઉન્સમેન્ટ થઈ રહી હતી. અમને જે ટ્રેઇનિંગ આપવામાં આવે છે એ પ્રમાણે અમે તે બાળકને ટ્રીટ કરવાનું શરૂ કર્યું, પણ બાળક તો મૃત્યુ પામી ચૂક્યું હતું. તેની ઓપન હાર્ટ સર્જરી કરી હતી જેની જાણ તેના પેરન્ટ્સે કોઈને કરી નહોતી, અમને પણ નહીં. એ ઘટના આજે પણ યાદ આવે તો ધ્રુજારી છૂટી જાય છે.

કેશા અરુણ શાહ, ૩૫ વર્ષ, સિનિયર કો-પાઇલટ, દુબઈ

અનુભવ : વર્ષ

લગભગ સાડાત્રણ હજાર કલાકના ફ્લાઇંગ અવર્સ છે મારા. એ પછી પણ કહીશ કે આ ઍરક્રૅશની ઘટનાએ મને અંદરથી હચમચાવી નાખી. એમાં બેસેલા દરેક પ્રવાસી, દરેક ક્રૂ-મેમ્બર અને હૉસ્ટેલમાં જમી રહેલા એ બધા જ ડૉક્ટરો વિશે વિચારું છું ત્યારે આંખો ભીની થઈ જાય છે. આવી ઘટના ક્યારેય ન બનવી જોઈએ એ જ મનમાં આવે અને ભગવાનને પ્રાર્થના પણ કરું છું કે ઈશ્વર, ક્યારેય આવું કોઈ સાથે ન થાય. પાઇલટ તરીકે વિચારું તો ડર નથી લાગતો, જે થયું એના માટે પીડા થાય છે. હવે હું ફ્લાઇટમાં બેસીશ ત્યારે મને ગભરાટ થશે એવું નથી, કારણ કે પાઇલટ તરીકે ઍક્ટિવ થાઉં એ પહેલાં સર્વિસમાં એટલું બધું સમજી લીધું હોય, એવી કડકાઈપૂર્વકની ટ્રેઇનિંગ મળી હોય કે તમે એમાં ગિવઅપ ન કરો. અત્યારે હું યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ની એક ઍરલાઇનમાં કમર્શિયલ સિનિયર કો-પાઇલટ તરીકે ઍક્ટિવ છું. દરરોજ ડ્યુટી પર એ દરેક ટ્રેઇનિંગના શબ્દેશબ્દ મનમાં ચાલતા હોય. સેફ્ટી પ્રોટોકૉલ રોમેરોમમાં વસી ગયા હોય. પ્રોફેશનલી આ ઘટના પછી હું વધુ જવાબદાર અને સભાનતા ફીલ કરું છું. હું માનું છું ત્યાં સુધી દરેક પાઇલટ મનથી ખૂબ મક્કમ હોય છે. હું ઘરની બહાર નીકળું ત્યારે દરરોજ પ્રાર્થના કરીને જ નીકળું છું. માત્ર ફ્લાઇટમાં બેસવાનું હોય ત્યારે જ નહીં, ઘરની બહાર ક્યાંય પણ જવા માટે ઉંબરો ઓળંગું એ પહેલાં હાથ જોડીને ઈશ્વરને પ્રાર્થના કરી લઉં છું.

ક્યારેય કટોકટીના સંજોગ ઊભા થયા છે? હા, થાય જ થાય. ઘણી વાર કરીઅરમાં એવી પડકારજનક મોમેન્ટ આવી છે. અફકોર્સ, મોતના મોઢામાં જઈને પાછી આવી છું એવું નથી થયું, પરંતુ વાતાવરણને કારણે બદલાતી બાબતોમાં ક્યારેક પરિણામ ગંભીર આવી શકે છે. મને યાદ છે કે થોડાં વર્ષ પહેલાં એપ્રિલમાં કેરલાથી અમે ફ્લાઇટ ઉપાડી હતી ત્યારે વાતાવરણમાં ભયંકર ટર્બ્યુલન્સનો માહોલ હતો. જ્યારે ઍરક્રાફ્ટ એવા વરસાદી તોફાનમાં એન્ટર થાય ત્યારે પ્લેનમાં જર્ક વધે અને પ્રવાસીઓ પણ ડિસ્ટર્બ થઈ જાય. એ સમયે પ્લેનની પોઝિશન ચેન્જ કરીને, ક્રૂ અને ઍર ટ્રાફિક કન્ટ્રોલ સાથે સંપર્ક કરીને પરિસ્થિતિને ટૅકલ કરવાની જવાબદારી પાઇલટની હોય છે. ટ્રેઇનિંગની અસર હોય કે પાઇલટ આ સ્ટ્રેસફુલ સંજોગોમાં પણ સમય સાચવીને યોગ્ય નિર્ણય લઈ શકે.

Whatsapp-channel Whatsapp-channel

17 June, 2025 02:35 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK