થોડાંક અઠવાડિયાં પહેલાં સુપ્રીમ કોર્ટે સરકારને આ વેઇટિંગ ટાઇમ પાછળનાં કારણો વિશે જવાબ માગ્યો છે ત્યારે કાયદાકીય રીતે બાળકને દત્તક લેવા માટે મહત્ત્વની તમામ વિગતો પ્રસ્તુત છે
પ્રતીકાત્મક તસવીર
અત્યારે બેબી અડૉપ્શન માટે રાહ જોઈ રહેલા પેરન્ટ્સની સંખ્યા ૩૬,૩૨૧ છે અને ઍવરેજ સાડાત્રણ વર્ષનો વેઇટિંગ પિરિયડ ચાલી રહ્યો છે. ભારતમાં લીગલી જો બાળક અડૉપ્ટ કરવા માગતા હો તો સેન્ટ્રલ અડૉપ્શન રિસોર્સ ઑથોરિટી (CARA)ના ઑનલાઇન પોર્ટલ પર જઈને રજિસ્ટર કરવાનું રહે છે. થોડાંક અઠવાડિયાં પહેલાં સુપ્રીમ કોર્ટે સરકારને આ વેઇટિંગ ટાઇમ પાછળનાં કારણો વિશે જવાબ માગ્યો છે ત્યારે કાયદાકીય રીતે બાળકને દત્તક લેવા માટે મહત્ત્વની તમામ વિગતો પ્રસ્તુત છે
‘અમારે ત્યાં એવાં પણ બાળકો છે જેઓ સમજણાં છે અને મમ્મી-પપ્પાની રાહ જોઈ રહ્યાં છે. તેમને પણ કોઈક પસંદ કરે અને લઈ જાય એવી તેમને અદમ્ય ઇચ્છા હોય છે, પરંતુ મોટા ભાગના પેરન્ટ્સને બે વર્ષની નાની ઉંમરનાં જ બાળકો જોઈતાં હોય છે કારણ કે તેમની કોઈ મેમરી ડેવલપ નથી થઈ હોતી. જોકે મોટાં બાળકોનો સવાલ હોય છે કે અમારો શું વાંક? અમને કેમ મમ્મી-પપ્પા નથી મળતાં અને ખરેખર કહું તો આનો કોઈ જવાબ મારી પાસે પણ નથી હોતો.’
ADVERTISEMENT
છેલ્લાં વીસ વર્ષથી મુંબઈની અગ્રણી ચાઇલ્ડ કૅર સંસ્થા અને સરકારમાન્ય અડૉપ્શન માટે રજિસ્ટર્ડ સંસ્થા બાળ આશા ટ્રસ્ટમાં કાઉન્સેલર તરીકે કામ કરતાં પ્રજ્ઞા આકલેકરના આ શબ્દો છે. બાર વર્ષની વય સુધી બાળકો આ સંસ્થામાં રહે છે. એ ગાળા દરમ્યાન જો તેઓ અડૉપ્ટ થઈ ગયાં તો ઠીક અન્યથા તેમને બીજી સંસ્થામાં મોકલવામાં આવે છે. ત્યાં પણ અડૉપ્શન ન થયું તો તેમને પગભર થવામાં મદદ કરે એવી સંસ્થામાં મોકલવામાં આવે છે. બાળ આશા જેવી મુંબઈમાં પાંચથી સાત સંસ્થાઓ છે જે ચાઇલ્ડ અડૉપ્શન માટે રજિસ્ટર્ડ ગણાય છે. જોકે તમે આ સંસ્થામાં જઈને બાળક પસંદ કરો અને પછી એને અડૉપ્ટ કરી શકો એવું નથી. બાળકને અડૉપ્ટ કરવાની મેથડ ઘણી કૉમ્પ્લેક્સ અને ટ્રાન્સપરન્ટ બનાવવાના ચક્કરમાં કૉમ્પ્લીકૅટેડ બની ગઈ છે અને એટલે જ ભારતમાં વિવિધ સામાજિક સંસ્થાઓ, અનાથાશ્રમ, બાળાશ્રમમાં કુલ ત્રણ લાખથી વધુ બાળકો હોવા છતાં સેન્ટ્રલ અડૉપ્શન રિસોર્સ ઑથોરિટી (CARA) અંતર્ગત લીગલી ફ્રી ફૉર અડૉપ્શનમાં માત્ર ૨૫૬૭ બાળકો છે અને એમાં પણ નૉર્મલ કૅટેગરીનાં બાળકો એટલે કે સંપૂર્ણ હેલ્ધી કહી શકાય એવાં ૯૬૭ બાળકો છે અને સ્પેશ્યલ કૅર માગતાં અથવા તો કોઈક પ્રકારની બીમારી ધરાવતાં અથવા બીમારીની સંભાવના ધરાવતાં ૧૬૦૦ બાળકો છે. એની સામે અત્યારે પણ બાળકને દત્તક લેવાની ઇચ્છા ધરાવતા અને CARAના પ્લૅટફૉર્મ પર રજિસ્ટ્રેશન કરાવનારા પેરન્ટ્સની સંખ્યા છે ૩૬,૩૨૪. તમે કલ્પના કરી શકો કે કેટલો મોટો ગૅપ છે અને આ જ કારણ છે કે ઍવરેજ સાડાત્રણ વર્ષનો વેઇટિંગ પિરિયડ ચાલે છે. આ વેઇટિંગ ટાઇમ અને એ દરમ્યાનની કૉમ્પ્લીકેટેડ પ્રોસીજર વિશે ઍક્ટ્રેસ મંદિરા બેદીએ ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. અડૉપ્શન પ્રોસેસ અને એને લગતી ગૂંચવણો વિશે વાત કરતાં પહેલાં મંદિરા બેદીના અનુભવ પર પહેલાં વાત કરી લઈએ.
મંદિરા બેદી અને તેમના સ્વર્ગીય હસબન્ડ રાજ કૌશલનો દીકરો વીર સાડાત્રણ વર્ષનો થયો એ પછી એક ગર્લ ચાઇલ્ડ અડૉપ્ટ કરવાનો તેમણે નિર્ણય લીધો હતો. પોતાના એક ઇન્ટરવ્યુ દરમ્યાન એ જર્ની કેટલી ચૅલેન્જિંગ અને ઇમોશનલ રહી એ વિશે તેણે કહ્યું હતું. કોવિડ પહેલાં અડૉપ્શન પ્રોસેસ માટે રજિસ્ટર કરી દીધું હોવા છતાં અને બધું જ બૅકગ્રાઉન્ડ ચેક પર્ફેક્ટ હોવા છતાં આખી પ્રોસેસને પૂરી થતાં ત્રણ વર્ષ કરતાં વધુ સમય લાગી ગયો હતો. ખૂબ જ સ્લો અને બિનજરૂરી કૉમ્પ્લીકેટેડ પ્રોસેસ હોવાથી ઘણાં બાળકોને સારું ભવિષ્ય મળવામાં ડિલે થઈ રહ્યો છે એવું પણ મંદિરા બેદીએ કહ્યું હતું. કોરોના જ્યારે એની ચરમસીમા પર હતો ત્યારે બધી જ લીગલ પ્રોસીજર પૂરી થયા પછી રાજ કૌશલ ચાર વર્ષની દીકરીને પ્રાઇવેટ જેટમાં ઘરે લઈ આવ્યાં હતાં જેથી કોવિડનું રિસ્ક દીકરી પર ન રહે. ત્રણ વર્ષના ગાળામાં દીકરો મોટો થઈ ગયો હતો એટલે તેને પોતાની અડૉપ્ટેડ સિસ્ટર તારા સાથે ઍડ્જસ્ટ થવામાં સમય લાગી ગયો હતો. મંદિરા બેદીએ અડૉપ્શન પ્રોસેસ અને બ્યુરોક્રેટિક સિસ્ટમમાં રહેલી ક્ષતિઓ વિશે ખુલ્લેઆમ પ્રશ્નો ઉઠાવ્યા હતા અને આ સિસ્ટમને ચાઇલ્ડ-સેન્ટ્રિક બનાવવા માટેની અપીલ પણ કરી હતી.
વ્યક્તિગત અનુભવ
કાંદિવલીમાં રહેતાં ન્યુટ્રિશનિસ્ટ પ્રિયા કથપાલ અને તેમના એન્જિનિયર હસબન્ડ મંદાર બોડકરને એક દીકરો હતો. બીજા સંતાનમાં તેમને દીકરી જ જોઈતી હતી અને એટલે જ તેમણે આપસી સહમતીથી દીકરીને અડૉપ્ટ કરવાનું નક્કી કર્યું. ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં પ્રિયા કહે છે, ‘૨૦૨૦માં અમે રજિસ્ટ્રેશન કરેલું. ફૅમિલી કન્સેન્ટ, અમારા બન્નેની કન્સેન્ટ અને બધા જ પ્રકારના બૅકગ્રાઉન્ડ ચેક પછી પણ અઢી વર્ષ સુધી અમને બાળક ન મળ્યું. અમે લોકોએ તો આશા જ છોડી દીધી હતી. સ્પેશ્યલ નીડ્સ ધરાવતા ચાઇલ્ડની કૅટેગરીમાં પણ અમને વાંધો નહોતો. લગભગ ત્રણ વર્ષ પૂરાં થવામાં હતાં અને અમે મનોમન નક્કી પણ કરી લીધું હતું કે હવે જો બાળક નહીં મળે તો આપણે જતું કરીશું કારણ કે ત્રણ વર્ષ પછી તમારે ફરીથી રજિસ્ટ્રેશન કરવું પડે અને પાછું એકડે એકથી શરૂ કરવું પડે. લકીલી અમને એક થૅલેસેમિયા માઇનરની સંભાવનાવાળી સાત મહિનાની દીકરીનું રેફરલ આવ્યું. અમે તેને સ્વીકારી લીધી. સાત મહિનાની ઉંમરે અમારી દીકરી, જેનું નામ અમે મીરા રાખ્યું છે આવી હતી, તે હવે ત્રણ વર્ષની થઈ ગઈ છે.’
રાકેશ કપૂર, ઍડ્વોકેટ
શરૂઆતમાં ઍપ્લિકેશન કર્યા પછી પણ મહિનાઓ સુધી રિસ્પૉન્સ ન મળતાં સામેથી આ કપલે સ્ટેટ લેવલની ઑફિસમાં જઈને ફૉલોઅપ કર્યું હતું. પ્રિયા કહે છે, ‘ઑનલાઇન ઍપ્લિકેશનનું પેપર જ પ્રોસેસ નહોતું થયું એ જાણીને અમને આઘાત લાગ્યો હતો. બાળકની સેફ્ટી માટે જે પ્રકારના સિક્યૉરિટી ચેક અને નિયમો સરકારે રાખ્યા છે એમાં વાંધો નથી પરંતુ બ્યુરોક્રસી લેવલ પર જે ડિલે થાય છે અને એક બાળકને પ્રેમાળ પરિવાર આવકારવા આતુર હોય છે એ પરિવાર અને બાળક બન્ને સાથે અન્યાય થાય છે એના પર કંઈક પગલાં લેવાવાં જોઈએ. બાળકને જન્મ આપવા માટે જેટલી પીડા એક માતા સહન કરે છે કંઈક એવી જ પીડા અડૉપ્શન પ્રોસેસમાં રહેલી ઢીલને કારણે સહન કરવી પડતી હોય છે. અમે સ્પેશ્યલ નીડ્સ ધરાવતા બાળક માટે તૈયારી દેખાડી હતી એટલે અમને અઢી વર્ષમાં બાળક મળ્યું, પણ જો તમે નૉર્મલ કૅટેગરીમાં જાઓ તો રાહ જોતાં જ રહી જાઓ.’
HAMAનો ઉપયોગ
એક સમજણ એવી છે કે ભારતમાં જો લીગલ અડૉપ્શન કરવું હોય તો તમારે CARAનો જ રસ્તો અપનાવવો પડે. જોકે કેટલાક લોકોએ પોતાની પતલી ગલી ત્યાં પણ શોધી લીધી છે. CARAનો હિસ્સો રહી ચૂકેલા એક નિવૃત્ત અધિકારી પોતાનું નામ નહીં આપવાની શરતે કહે છે, ‘હિન્દુ અડૉપ્શન ઍન્ડ મેઇન્ટેનન્સ ઍક્ટ – ૧૯૫૬ (HAMA) અંતર્ગત હિન્દુ, બૌદ્ધ, જૈન અને સિખ સમુદાયના લોકો પોતાની કમ્યુનિટીમાં બાળકને અડૉપ્ટ કરી શકે છે. આ અડૉપ્શન માટે ૧૫ વર્ષની નાની ઉંમરના બાળકને માત્ર એક લીગલ ડૉક્યુમેન્ટ દ્વારા બાળકના પેરન્ટ્સ અથવા ગાર્ડિયનની સહમતી સાથે કપલ અને સિંગલ મહિલા અડૉપ્ટ કરી શકે છે. આ અડૉપ્શનને CARA અંતર્ગત રજિસ્ટર્ડ કરવાની જરૂર નથી. આ કાયદાનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટ અથવા તો સેન્ટ્રલ અડૉપ્શન રિસોર્સ ઑથોરિટીના ઇન્વૉલ્વમેન્ટની જરૂર નથી. એટલે એમાં બૅકગ્રાઉન્ડ ચેક કે હોમ-સ્ટડી પણ થતા નથી. અડૉપ્શન ડીડ બનાવીને મૅજિસ્ટ્રેટ સામે રજિસ્ટર્ડ કરી દો અને એમાં બાળકના ગાર્ડિયન અને બાળકને અડૉપ્ટ કરવા માગતા પેરન્ટ્સની સહમતી હોય એટલે પત્યું. હકીકતમાં આ કાયદો બન્યો હતો પરિવારની અંદરોઅંદર બાળક દત્તક આપવાના હેતુથી, પરંતુ હવે અજાણ્યા લોકો પણ શૉર્ટકટ તરીકે એનો ઉપયોગ કરી રહ્યા છે. આ કાયદાને કારણે ચાઇલ્ડ-ટ્રાફિકિંગ, ઇલ્લીગલ પેમેન્ટ અને બાળકના પ્રોટેક્શનના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ જતું હોય છે. આ કાયદાના દુરુપયોગમાં કોઈ રેગ્યુલેશન આવે અને કમ્પલ્સરી દરેક અડૉપ્શનમાં CARAનું ઇન્વૉલ્વમેન્ટ હોય એ જરૂરી છે કારણ કે ઘણી ચાઇલ્ડ કૅર સંસ્થાઓ ડોનેશન અને પૈસાની લાલચમાં પોતે જ ગાર્ડિયન બનીને બાળકોને HAMA અંતર્ગત આપી દે છે.’
પ્રજ્ઞા આકલેકર
બાળકો જાય છે ક્યાં?
ભારત સરકારની મિશન વાત્સલ્ય સ્કીમ અંતર્ગત વિવિધ ચાઇલ્ડ કૅર ઇન્સ્ટિટ્યુશન્સમાં માર્ચ ૨૦૨૪ના આંકડા પ્રમાણે ૬૨,૫૯૨ બાળકો શેલ્ટર હોમમાં હતાં જેમાંથી ૪૩૬૪ બાળકો સ્પેશ્યલ નીડ્સ કૅટેગરીમાં આવતાં હતાં. અન્ય સરકારી ડેટા પ્રમાણે ભારતમાં ૭૦૦૦ જેટલાં ચાઇલ્ડ કૅર ઇન્સ્ટિટ્યુશન્સમાં લગભગ ૨.૬ લાખ બાળકો રહે છે. જોકે ત્યજી દેવાયેલાં અથવા અનાથ બાળકોનો ભારતમાં જનરલ ડેટા લગભગ ત્રણ કરોડને આંબે છે. સરકારી આંકડાઓ જ જો આટલા તોતિંગ છે તો શું કામ અડૉપ્શન માટે ફ્રી કહેવાય એવાં બાળકોની સંખ્યા ઓછી છે? બાળકને અડૉપ્શન માટે લીગલી ફ્રી જાહેર કરતાં પહેલાં ખૂબ જ વ્યાપક બૅકગ્રાઉન્ડ ચેક થાય છે. ઓરિજિનલ બાયોલૉજિકલ માતાપિતા અને તેમના સંબંધીઓની તપાસ કરવામાં આવે, તેમની પાસેથી લીગલ ક્લિયરન્સ લેવામાં આવે. આ પ્રોસીજરમાંથી પાસ થયેલાં બાળકો જ લીગલી ફ્રી અવેલેબલ કૅટેગરીમાં આવતાં હોય છે. બીજું, ચાઇલ્ડ કૅર ઇન્સ્ટિટ્યુશનમાં રહેલાં બધાં જ બાળકો અનાથ અથવા ત્યજાયેલાં નથી હોતાં; કેટલાંક ગરીબીને કારણે, કેટલાંક લીગલ ડિસ્પ્યુટને કારણે ચાઇલ્ડ કૅર હોમમાં મોકલી દેવાયાં હોય છે. આ ઉપરાંત ખૂબ મોટા પ્રમાણમાં ચાઇલ્ડ કૅર ઇન્સ્ટિટ્યુશન્સ રજિસ્ટર્ડ જ નથી, જેને કારણે બાળકો હોવા છતાં અડૉપ્શન માટે એલિજિબલ બાળકોની સંખ્યા ઘટી જાય છે.
અડૉપ્શનના કેસમાં સક્રિય ભૂમિકા ભજવી રહેલા ઍડ્વોકેટ રાકેશ કપૂરનો આ પ્રશ્ન વાજબી છે. ત્રણ મહત્ત્વના મુદ્દા પર ધ્યાન દોરતાં ઍડ્વોકેટ રાકેશ ‘મિડ-ડે’ને કહે છે, ‘બૉમ્બે હાઈ કોર્ટમાં દાખલ થયેલી જનહિત યાચિકામાં પણ આ પ્રશ્ન ઊઠ્યો છે. સાડાત્રણ વર્ષનો વેઇટિંગ ટાઇમ લીધા પછી પણ સિસ્ટમમાં જે ગોટાળા છે એ તો અકબંધ જ છે. સરકાર બાળકોને આશ્રય આપતી સંસ્થાઓને સબસિડી આપે છે અને શું એટલે આ સંસ્થાઓ અડૉપ્શન માટે બાળકોને આગળ નથી કરતી? ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ. આપણે ત્યાં લીગલી ફ્રી ફૉર અડૉપ્શન શબ્દ વપરાય છે. ‘ફ્રી’ શબ્દનો હું વિરોધી છું. આજે જ્યારે તમે ચાઇલ્ડ વેલ્ફેરની વાત કરો છો અને તમે પોતે જ ચાઇલ્ડના વેલ્ફેરની અગેઇન્સ્ટ વ્યવહાર કરી રહ્યા છો. આખા સ્ટ્રક્ચરમાં જ ખોટ છે. એક સમય હતો જ્યારે બાળક વધારે હતાં અને અડૉપ્શન માટે આવતા પેરન્ટ્સની સંખ્યા ઓછી હતી. આજે એ સિનારિયો ખૂબ મોટા ગૅપ સાથે બદલાયો છે. ત્યારે તમે આસામના બાળકને મુંબઈમાં અને મુંબઈના બાળકને પશ્ચિમ બંગાળમાં અડૉપ્શન માટે મોકલી શકો એ બાબત મને ખોટી લાગે છે. ભારતભરના અડૉપ્શનમાં કોઈ પણ રીજનના બાળકને તમે ઑનલાઇન પ્રોસીજરથી અડૉપ્ટ કરી શકો પછી બાળકનું પૂરતું ધ્યાન રખાય છે કે નહીં એની કડકાઈ કયાંથી રાખવાના? મારી દૃષ્ટિએ જે સ્ટેટનું બાળક હોય એ જ સ્ટેટના લોકો તેને અડૉપ્ટ કરી શકતા હોવા જોઈએ. ડૉક્યુમેન્ટેશનમાં વધુ સચોટતા અને બાળકેન્દ્ર દ્વારા સબમિટ થતા રિપોર્ટમાં વધુ ચોકસાઈ આવવી જોઈએ. ઘણા એવા કેસ મેં જોયા છે જેમાં બાળકેન્દ્રએ અડૉપ્ટિવ પેરન્ટ્સ માટેનો જે રિપોર્ટ સબમિટ કર્યો હોય એ લિટરલી રેડીમેડ ફૉર્મેટનું કૉપી-પેસ્ટ હોય. કોઈ પણ પર્સનલાઇઝ્ડ ટચ ન હોય, કોઈ પૂરતી તપાસ ન હોય. અને ત્રીજું, અડૉપ્શન માટે સ્ટેટવાઇઝ નિયમો હોય અને એનું અનુસરણ થઈ રહ્યું છે કે નહીં એની સઘનતા સાથે તપાસ થતી હોય.’
પ્રિયા કથપાલ, અડૉપ્ટેડ દીકરીની મમ્મી
બાળક દત્તક લેવા માગતા પેરન્ટ્સમાં જોઈએ આ લાયકાત
બાળકને દત્તક લેવા માટે પેરન્ટ્સ માટેના કેટલાક નિયમો અને લાયકાતો પરિપૂર્ણ થવાં જરૂરી છે. એમાં સૌથી પહેલાં પેરન્ટ્સ શારીરિક, માનસિક, ભાવનાત્મક અને આર્થિક રીતે સ્ટેબલ હોય એ જરૂરી છે.
બેમાંથી એક પણ પેરન્ટને જીવલેણ શારીરિક તકલીફ ન હોવી જોઈએ.
કપલના લગ્નજીવનને કમ સે કમ બે વર્ષ વીતી ગયાં હોવાં જોઈએ.
બન્ને પેરન્ટ્સની અડૉપ્શન માટે લીગલ મંજૂરી જરૂરી છે.
સિંગલ સ્ત્રી અથવા સિંગલ પુરુષ પણ બાળકને અડૉપ્ટ કરી શકે. સિંગલ મહિલા ગર્લ અને બૉય એમ બન્નેમાંથી કોઈ પણ જેન્ડરના બાળકને અડૉપ્ટ કરી શકે, પરંતુ સિંગલ પુરુષ બેબી ગર્લને અડૉપ્ટ ન કરી શકે.
ચારથી વધુ બાળકો ધરાવતાં કપલ બાળકને અડૉપ્ટ ન કરી શકે.
બાળક અને પેરન્ટ્સ વચ્ચે કમ સે કમ પચીસ વર્ષનો ઉંમરનો ગૅપ હોવો જરૂરી છે.
જો તમે સિંગલ હો અને બાળક અડૉપ્ટ કરવા માગતા હો તો ચાલીસ વર્ષ સુધીની ઉંમર હોય તો તમે બે વર્ષ સુધીના બાળકને અડૉપ્ટ કરી શકો, કપલની કમ્બાઇન્ડ એજ ૮૫ વર્ષ સુધીની હોય તો જ તેઓ બે વર્ષ અથવા તેથી નાની ઉંમરનું બાળક અડૉપ્ટ કરી શકે.
એ જ રીતે બેથી ચાર વર્ષનું બાળક અડૉપ્ટ કરવા માટે વધુમાં વધુ સિંગલ વ્યક્તિની વય ૪૫ વર્ષ અને કપલની વધુમાં વધુ કમ્બાઇન્ડ ઉંમર ૯૦ વર્ષની, ચારથી આઠ વર્ષનું બાળક દત્તક લેવા માગતી સિંગલ વ્યક્તિની વધુમાં વધુ ઉંમર ૫૦ વર્ષ અને કપલની કમ્બાઇન્ડ ઉંમર ૧૦૦ વર્ષની અને ૮થી ૧૮ વર્ષનું બાળક અડૉપ્ટ કરવા માગતી સિંગલ વ્યક્તિની ઉંમર મૅક્સિમમ ૫૫ વર્ષ અને કપલની કમ્બાઇન્ડ મૅક્સિમમ ઉંમર ૧૧૦ વર્ષની હોવી જોઈએ. પચીસ વર્ષ એ બાળકને અડૉપ્ટ કરવા માટેની મિનમમ વય છે.
સામાન્ય રીતે સાડાત્રણ વર્ષના બાળકના અડૉપ્શનનો વેઇટિંગ પિરિયડ ચાલે છે, પરંતુ જો ઉંમર અને હેલ્થ સ્ટેટસમાં પેરન્ટ્સ બાંધછોડ કરે તો આ સમયગાળો ઘટી શકે છે.
મુંબઈની ચાઇલ્ડ અડૉપ્શન માટે રજિસ્ટર્ડ એજન્સીઓ આ રહી બાળ આશા ટ્રસ્ટ- મહાલક્ષ્મી
ચિલ્ડ્રન ઑફ ધ વર્લ્ડ ઇન્ડિયા ટ્રસ્ટ – તાડદેવ અને નવી મુંબઈ
ઇન્ડિયન અસોસિએશન ફૉર પ્રમોશન ઑફ અડૉપ્શન ઍન્ડ ચાઇલ્ડ વેલ્ફેર - દાદર અને માટુંગા
બાળ આનંદ વર્લ્ડ ચિલ્ડ્રન વેલ્ફેર ટ્રસ્ટ ઇન્ડિયા – ચેમ્બુર
શ્રદ્ધાનંદ મહિલાશ્રમ – માટુંગા
ફૅમિલી સર્વિસ સેન્ટર – કોલાબા
શ્રી માનવ સેવા સંઘ- સાયન
ઐસા ભી હોતા હૈ
બાળ આશા ટ્રસ્ટમાં કાઉન્સેલર તરીકે સક્રિય રહેલાં પ્રજ્ઞા આકલેકરને અત્યાર સુધીમાં અડૉપ્શનને લગતા ઘણા અનુભવો થઈ ચૂક્યા છે. મોટા ભાગના પેરન્ટ્સને બે વર્ષથી નાની ઉંમરનું બાળક જ અડૉપ્ટ કરવું હોય છે, કારણ કે તેમની કોઈ જ મેમરી નથી બની હોતી. તેઓ કહે છે, ‘ઘણી વાર બાળકો શાહરુખ ખાનને જોવા માટે પોતાના ગામથી ભાગીને મુંબઈ આવી જાય અને એ આઠ-નવ વર્ષના બાળક ઘરની ગરીબીથી એવાં ત્રાસી ગયાં હોય કે આપણને કહે કે મૅડમ મુઝે અચ્છે મા-બાપ દિલવા દોના, ઐસા ક્યા કરતે હો? પછી જ્યારે તમે તેમને કહો કે ભાઈ, તારાં સાચાં મા-બાપ મળી ગયાં અને તે વાંધો ઉઠાવશે તો? ત્યારે આપણને કહે કે મૅડમ, તમે કંઈ સ્ટોરી બનાવી દેજોને. આવા ઉસ્તાદ પણ હોય. એક કિસ્સામાં એવું બન્યું એક આઠ વર્ષની દીકરીને બધી જ લીગલ પ્રોસીજર પૂરી કરીને અડૉપ્ટ કરવામાં આવી. એ દીકરીએ પણ પોતાના પેરન્ટ્સને મળીને, તેમના ફોટોને જોઈને સિલેક્શન કરીને અડૉપ્શન માટે હા પાડી હતી. તેમના ઘરે ગયા પછી એક મહિનામાં એ છોકરી પાછી ચાઇલ્ડ કૅર સેન્ટરમાં આવી અને કહે કે મારે હવે નથી જવું. મેં કારણ પૂછ્યું તો કહે બાકી બધું જ બરાબર છે પણ મને મારા પપ્પા છે તેમનો ચહેરો નથી ગમતો. મેં તેને ખૂબ સમજાવી કે તેં પહેલાં જ તેમને પસંદ કર્યા હતા, તને તો ચૂઝ કરવા મળ્યા છે તારા પેરન્ટ્સ, તું અહીં ખુશ રહીશ. તેને બીજો કોઈ જ પ્રૉબ્લેમ નહોતો અને માત્ર પપ્પાનો ફેસ જોવો નથી ગમતો એમ કહીને પાછી આવેલી એ દીકરી બાર વર્ષની થઈ પછી તો બીજા આશ્રમમાં શિફ્ટ થઈ. તેનું પછી અડૉપ્શન થયું જ નહીં અને છેલ્લે તેને ખૂબ પસ્તાવો પણ થયો કે કાશ, હું એ ઘરમાં રહી હોત તો મારી લાઇફ જુદી જ હોત. આનાથી ઊંધા કિસ્સા પણ બન્યા છે જ્યાં પેરન્ટ્સ હોંશે-હોંશે બાળકને લઈ ગયા. તેમણે બાળક માટે રાહ પણ જોઈ હોય, પરંતુ બાળક ઘરમાં આવ્યું અને છ મહિનામાં બાળક પાછું આાશ્રમમાં આપી ગયાં હોય, બાળક સાથે તેઓ ઍડ્જસ્ટમેન્ટ ન કરી શક્યા હોય. બાળક કચરાના ડબ્બાને હાથ લગાવે છે, બાળક ગંદકી કરે છે જેવાં કારણો સાથે પોતે બાળકને સાચવવા અસમર્થ છે એવું કહીને બાળક પાછું સરેન્ડર કરી દે. અફકોર્સ, એ પછી તેમણે કેટલીક લીગલ ફૉર્માલિટીઝ કરવી પડે અને કાયમ માટે અડૉપ્શનમાં તેઓ બ્લૅકલિસ્ટ થઈ જાય, પરંતુ આવું પણ બનતું હોય છે.’
કરવાનું શું?
બાળક અડૉપ્ટ કરવા માગતા પેરન્ટ્સે પોતાના એલિજિબિલિટી ક્રાઇટેરિયાને ચેક કરીને સેન્ટ્રલ અડૉપ્શન રિસોર્સ ઑથોરિટી (CARA)ના પોર્ટલ પર જઈને લૉગ ઇન કરીને રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે.
રજિસ્ટ્રેશન વખતે તમારા આઇડેન્ટિટી પ્રૂફથી લઈને તમારા ઘર અને ફાઇનૅન્શિયલ સ્ટેટસને લગતા ડૉક્યુમેન્ટ્સ વેબસાઇટ પર એક મહિનાના સમયગાળામાં અપલોડ કરવાના હોય છે. આ જ પોર્ટલ પર તમને દરેક રાજ્યમાં કઈ સંસ્થાઓ છે એનાં નામ, ઍડ્રેસ, ફોન- નંબર અને ત્યાં કેટલાં બાળકો અડૉપ્શન માટે છે એની વિગતો મળી જશે.
રજિસ્ટ્રેશન બાદ સ્પેશ્યલાઇઝ્ડ અડૉપ્શન એજન્સી દ્વારા હોમ-સ્ટડી કરવામાં આવે છે જેમાં તમારા ઘરે આવીને તમારા દ્વારા આપવામાં આવેલી વિગતોને ક્રૉસ-વેરિફાય કરવામાં આવે.
એક વાર તમારી ઍપ્લિકેશન અપ્રૂવ થાય એ પછી ઈ-મેઇલના માધ્યમે તમને બાળકના ફોટો દ્વારા તેની વિગતો સાથેનો રેફરન્સ મોકલવામાં આવે. જો તમે એને ઍક્સેપ્ટ કરો તો અડૉપ્શનની પ્રોસીજર આગળ વધે છે. ધારો કે તમને એ બાળક ન ગમે તો તમને દર મહિને એક વાર એમ ત્રણ વાર ત્રણ બાળકોની વિગતો અને ફોટો શૅર કરવામાં આવે. ધારો કે ત્રણેય વાર તમે રિજેક્ટ કરો તો ફરી એક વાર રજિસ્ટ્રેશન થાય અને તમારું નામ વેઇટિંગ લિસ્ટમાં નાખી દેવામાં આવે છે.
બાળકના સિલેક્શન પછી ચાઇલ્ડ કૅર સેન્ટરમાં રહેલા બાળકને પેરન્ટ્સ રૂબરૂ મળી શકે છે.
પેરન્ટ્સ અને બાળક બન્ને એકબીજાને ઍક્સેપ્ટ કરે એ પછી ચાઇલ્ડ કૅર સેન્ટર દ્વારા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પિટિશન નાખવામાં આવે. લીગલ ક્લિયરન્સ પછી બાળકને અડૉપ્શન પહેલાંની ફોસ્ટર કૅરમાં મોકલવામાં આવે છે. એક વાર કોર્ટ અડૉપ્શન ઑર્ડર આપે એ પછી બે વર્ષ સુધી બાળકની બરાબર સંભાળ રાખવામાં આવે છે કે નહીં એનું ફૉલોઅપ કરવામાં આવે છે.

