Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બાત નિકલેગી તો ફિર...સાપોલિયાથી વિકરાળ હોય છે શંકા (પ્રકરણ- ૫)

બાત નિકલેગી તો ફિર...સાપોલિયાથી વિકરાળ હોય છે શંકા (પ્રકરણ- ૫)

26 April, 2024 05:43 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘ઍનીથિંગ ફૉર યુ માય લવ...’ અનુષાએ ફોનની સ્ક્રીન પર જ રવિને કિસ આપી દીધી

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘આપણે કઈ તરફ જઈએ છીએ?’ 

‘બસ, હમણાં ખબર પડી જશે...’ સંધ્યા અને તેનાં મમ્મી-પપ્પા સાથે ઘરેથી રવાના થયેલા રવિએ કાર બોરીવલીમાં એન્ટર કરતાં કહ્યું, ‘આપણે જ્યાં જઈએ છીએ એ તમને ઘણી બધી બાબતમાં શાંતિ કરાવી શકે છે. કાં તો શાંતિ અને કાં તો...’



‘હોળી...’ રવિનું અધૂરું વાક્ય સંધ્યાએ પૂરું કર્યું, ‘જે ઑલરેડી શરૂ થઈ ગઈ છે.’


રવિ ચૂપચાપ ગાડી ચલાવતો રહ્યો.

ચીકુવાડી પાસે આવેલી સ્લમ પાસે ગાડી પહોંચે એ પહેલાં તેણે ગાડી સ્લો કરી અને પછી બાજુમાં બેઠેલા સસરા કિશોરભાઈ સામે જોયું.


‘હું એક ઘર પાસે ગાડી ઊભી રાખું છું... આપણે ત્યાંથી પાણી પીને નીકળી જઈશું...’ રવિના અવાજમાં શાલીનતા હતી, ‘જો શક્ય હોય તો પ્લીઝ ત્યાં કોઈ તમાશો નહીં કરતા... પ્લીઝ, બે જ મિનિટનો સવાલ છે.’   

‘બસ, અહીંથી નીકળ્યા એટલે થયું કે બે મિનિટ તમારી પાસે થતો જઉં.’

પાણીનો ગ્લાસ હાથમાં લેતાં રવિએ કહ્યું અને પછી તરત

ઓળખાણ કરાવી.

‘આ મારી વાઇફ સંધ્યા... અને આ છે સંધ્યાનાં મમ્મી-પપ્પા.’

‘તમારી દીકરી...’ જ્યોત્સ્નાબહેને પૂછ્યું, ‘તે નથી આવી?’

‘ના, તે મારા સાળાની સાથે ઘરે રમે છે. મામા સાથે તેને બહુ બને.’

‘ભાઈ, તમે ચા તો પીઓ... ક્યારેય ચા માટે હા નથી પાડતા...’

‘મને આદત જ નથી...’ રવિએ મૂળ વાત પૂછી લીધી, ‘નેહા નથી દેખાતી... દીકરીને હવે કેમ છે?’

‘સારું છે... કાલે ઑફિસથી આવીને તમે ઇમર્જન્સીમાં છોકરાને દવાખાને લઈ ગયા એ સારું કર્યું. નહીં તો આખી રાત હેરાન થવું પડ્યું હોત.’ જ્યોત્સ્નાબહેનની આંખ ભીની થઈ, ‘તમે ન હોત તો ખરેખર અમે...’

‘એવી વાત નથી કરવાની...’ એકશ્વાસે પાણીનો ગ્લાસ ખાલી કરતાં રવિએ કહ્યું, ‘કંઈ હોય તો મને ફોન કરજો... અત્યારે અમે નીકળીએ.’

‘આ લોકો પહેલી વાર આવ્યા છે ભાઈ, એ લોકોને તો કંઈ લેવા દો...’

‘તમારા વતી હું બહાર આઇસક્રીમ ખવડાવી દઈશ...’

રવિ બહાર નીકળ્યો એટલે પાછળ બાકીના સૌ પણ બહાર નીકળ્યા.

‘શું હતું આ?’ કારમાં બેસતાં જ સસરાએ સવાલ કર્યો, ‘સમજાય એમ વાત કરો.’

‘આપણે અહીંથી નીકળી જઈએ... પછી બધું કહું...’

રવિએ કાર ​રિવર્સ લઈ સીધી કોરા કેન્દ્ર પાસે આવેલી મૅક્ડૉનલ્ડ્સ પર ઊભી રાખી.

‘આવો, અંદર વાત કરીએ...’

‘યાદ છે તને, દોઢેક વર્ષ પહેલાં લોકલના એક ઍક્સિડન્ટમાંથી હું આબાદ બચી ગયો હતો...’

રવિએ સંધ્યા સામે જોયું, ‘મારું વાઇટ શર્ટ આખું લાલ થઈ ગયું હતું અને એ જ દિવસે તારાં મમ્મીનું કૅટરૅક્ટનું ઑપરેશન હતું.’

‘હં... તો?’

આંખ મળી ન જાય એની સાવચેતી સાથે સંધ્યાએ સવાલ કર્યો.

‘એ ઍક્સિડન્ટ વિશે આપણે વધારે વાત નથી થઈ...’ સાસુ-સસરાની સામે જોઈને રવિએ કહ્યું, ‘મને લાગે છે કે મારે તમને એના વિશે ડીટેલમાં વાત

કરવી જોઈએ...’

કિશોરભાઈ અને પ્રતિભાબહેન માટે તો આ આખી ઘટના જ નવી હતી એટલે તેમણે ચૂપચાપ વાત સાંભળવાનું શરૂ કર્યું.

‘એ દોસ્ત, બમ્બઈ મેં નયા હૈ ક્યા?’ દોડતાં-દોડતાં ચાલુ ગાડીએ ટ્રેનમાં ચડેલા રવિનો હાથ ખેંચતાં ઉસ્માને તેને અંદર લીધો, ‘ઐસે અંદર મત આઓ ઔર અગર ઐસે ટ્રેન મેં આના હૈ તો ટ્રેન કી સ્પીડ કે સાથ નહીં, ટ્રેન જિસ દિશા મેં જા રહી હૈ ઉસ દિશા કી ઔર ભાગો... વર્ના...’

ઉસ્માને આંખ મારી.

‘તૂ ટ્રેન કે નીચે ઔર જાન સીધી જન્નત મેં...’

સ્માઇલ કરીને રવિએ હાંફ ઓસરે ત્યાં સુધી રાહ જોઈ અને ટ્રેન આગળ વધવા માંડી.

‘મુંબઈનો જ છું, પણ કારમાં ઑફિસે જતો હોઉં છું. ખબર નહીં, કાર સ્ટાર્ટ થઈ નહીં અને અર્જન્ટ મીટિંગ છે તો ટ્રેનમાં આવી ગયો.’

‘ઐસા થા તો ટૅક્સી કર લેતે...’ ઉસ્માને હાથ લંબાવતાં કહ્યું, ‘લોકલ હમારે જૈસે લોગોં કે લિએ હૈ... આપ જૈસોં કે લિએ નહીં.’

‘રવિ, ​રિસર્ચ મેમ્બર ઇન બૅન્ક...’

‘ઉસ્માન મહમ્મદ...’ ભીડ વચ્ચે રવિની નજીક આવતાં ઉસ્માને કહ્યું, ‘ઓળખાણમાં શું કહું? ટૅક્સી-ડ્રાઇવર છું... બસ, સિર્ફ ઇતના.’

‘એ પણ મોટી વાત કહેવાય... અમારા કૉર્પોરેટમાં એને સેલ્ફ-એમ્પ્લૉઇડ ગણે.’

વાતોનો દોર લાંબો ચાલ્યો અને લાંબા ચાલેલા એ દોર વચ્ચે જ ઉસ્માને રવિને કહ્યું...

‘એક વાત કહું, હું લવ-જેહાદી છું.’

‘મતલબ?’

‘મેં હિન્દુ છોકરી સાથે મૅરેજ કર્યાં છે...’

‘ઓહ...’

‘પર હમ દોનોં મેં આજ ભી એક બાત ક્લિયર હૈ...’ ઉસ્માને કહ્યું, ‘હું રોજા રાખું તો તે શ્રાવણ મહિનો કરે. અમે નિકાહ પણ કર્યા અને તેની ઇચ્છા હતી એટલે અમે ઇન્ડિયન ટ્રેડિશન મુજબ ફેરા ફરીને પણ મૅરેજ કર્યાં.’

‘વાઉવ, ધૅટ્સ ગ્રેટ...’

‘ટ્રેન આગળ વધતી રહી અને મને ઉસ્માનની વાતોમાં દિલચસ્પી આવવા માંડી. વાત-વાતમાં મેં ઉસ્માન પાસેથી તેનો નંબર લીધો અને તેણે પણ મને કહ્યું કે તમારે જ્યારે પણ જરૂર પડે ત્યારે મને બોલાવી લેજો, હું ડ્રાઇવર તરીકે તમારી સાથે આવીશ.’ રવિએ વાત આગળ વધારી, ‘બાંદરા ક્રૉસ કર્યા પછી ટ્રેનમાં ભીડ બહુ વધી ગઈ અને મારે લોઅર પરેલ ઊતરવાનું હતું... અમારી હેડ ઑફિસમાં મીટિંગ હતી. હું ટ્રાય કરતો ગેટ તરફ જતો હતો, પણ ભીડ એટલી હતી કે મને જગ્યા મળતી નહોતી. ઉસ્માન મારી નજીક આવ્યો અને તેણે મને કહ્યું કે તમને નીકળવાની જગ્યા નહીં મળે... હું જગ્યા કરી આપું.’

ઉસ્માન ટ્રેનનું હૅન્ડલ પકડીને સાવ કૉર્નર પર આવીને ઊભો રહી ગયો. તેણે પાછળ નજર કરીને જોઈ પણ લીધું કે રવિ પાસે જ ઊભો છે.

‘એક મિનિટ સા’બ...’ ઉસ્માને બહાર નજર કરી, ‘બસ, સ્ટેશન આ ગયા... જૈસે હી સ્ટેશન...’

ઉસ્માને લોકલની બહાર હાથ કાઢ્યો અને હવામાં હાથ લહેરાવ્યો કે અચાનક જ ઉસ્માનને ઝાટકો લાગ્યો. તેનો હાથ સ્ટેશનની શરૂઆતમાં આવતા પોલ સાથે અથડાયો અને હાથ ખભાથી છૂટો પડી ગયો.

ઉસ્માનનું આખું શરીર તેણે જે હૅન્ડલ પકડ્યું હતું એ હાથના જોર પર અટકી ગયું. ઉસ્માનની આંખમાં મોત ડોકિયું કરવા માંડ્યું.

‘તેની આંખોમાં રહેલું મોત હજી પણ મને દેખાય છે. તેણે મને રોક્યો ન હોત તો એ હૅન્ડલ પકડીને હું ત્યાં ઊભો રહેવાનો હતો એ વાત મને ભુલાતી નથી.’ રવિની આંખો ભીની થઈ ગઈ હતી, ‘ઓવર-બ્લીડિંગને કારણે પંદર જ મિનિટમાં ઉસ્માનનો જીવ નીકળી ગયો, પણ એ પંદર મિનિટ ઉસ્માન મારા હાથમાં રહ્યો. તેને છેલ્લે પાણી પણ મેં... મારી બૉટલમાંથી પીવડાવ્યું અને એ પછી તેનો જીવ છૂટ્યો.’

રવિએ સંધ્યા સામે જોયું.

‘એ જ સાંજે મારે તને વાત કરવી હતી, પણ હું હૉ​સ્પિટલમાં તારી મમ્મીના ઑપરેશનમાં પહોંચી શક્યો નહીં એ વાતથી તું નારાજ હતી અને ફ્રૅન્ક્લી સ્પીકિંગ, હું પણ એ ટ્રૉમામાં હતો. મારી આંખ સામે સતત ઉસ્માન, તેની ઝિંદાદિલી ફરતાં હતાં. દસેક દિવસ માંડ પસાર કર્યા અને પછી મને થયું કે મારે એક વાર એ ફૅમિલીનો કૉન્ટૅક્ટ કરવો જોઈએ.’ રવિએ મોબાઇલની સ્ક્રીન પર ઉસ્માનનો નંબર દેખાડ્યો, ‘તે ક્યાં રહે છે એની તો મને ખબર નહોતી એટલે મેં ટ્રાય મારી કે હું તેના નંબર પર ફોન કરું. ઉસ્માનનો મોબાઇલ રેલવે-પોલીસે તેની ફૅમિલીને આપી દીધો હતો. મેં ફોન કર્યો ત્યારે નેહાએ ફોન ​રિસીવ કર્યો. મેં મારી ઓળખ ઉસ્માનના ફ્રેન્ડ તરીકે આપી અને તેને મળવાની વાત કરી એટલે મને ખબર પડી કે તે ઉસ્માનને ત્યાં નહોતી, તેની મમ્મીને ત્યાં આવી ગઈ છે.’

રવિએ બૉટલમાંથી પાણી પીને ગળું ભીનું કર્યું. પાણી પીતી વખતે તેણે ત્યાં હાજર હતા એ સૌની આંખોમાં જોઈ લીધું હતું.

‘નેહાને મળ્યા પછી મને ખબર પડી કે તે પ્રેગ્નન્ટ છે. મેં નક્કી કર્યું કે હું નેહાને સપોર્ટ કરીશ અને એ સમયથી મેં નક્કી કરી લીધું કે હું મારી સૅલેરીમાંથી ઉસ્માનના ઘરે પૈસા પહોંચાડતો રહીશ.’ રવિએ વાત આગળ વધારી, ‘ડિલિવરીનો ​પિરિયડ નજીક આવ્યો ત્યારે વધારે પૈસાની જરૂર પડી એટલે મેં કંપનીનું બહાનું આપીને વધારે પૈસા આપવાનું શરૂ કર્યું... વાત રહી ગઈ કાલની તો એ તો તમે અત્યારે આપણે ઘરે ગયા ત્યારે સાંભળી લીધું અને કદાચ તમને સમજાઈ પણ ગયું કે... ગઈ કાલે હું શું કામ ઑફિસે નહોતો.’

‘એક વાત પૂછું?’

સંધ્યાએ સવાલ કર્યો કે તરત જ રવિએ તેને અટકાવી...

‘જો તું એવું પૂછવાની હોય કે તેં મને બધી વાત પહેલાં કેમ ન કરી તો એ સવાલનો જવાબ મારી નહીં તારી પાસે ઑલરેડી છે.’ રવિએ કહ્યું, ‘બે-અઢી વર્ષ પહેલાં આ આખી વાત મેં તને કરી હતી. મારા એક ફ્રેન્ડ સાથે આવું બન્યું છે એવું કહીને...

યાદ કરી જો.’

‘મને યાદ નથી...’

‘તો એ મારો પ્રશ્ન નથી; પણ એ સમયે તારો જવાબ હતો કે જો તારા ફ્રેન્ડ સાથે આવું બન્યું હોય તો એક વાર પૈસા દઈને છૂટી જવાનું હોય, જરૂર વધારે હોય તો કોઈ ઑર્ગેનાઇઝેશન કે સંસ્થાનું ઍડ્રેસ આપીને એ રીતે હેલ્પ કરાવી દેવાની; આપણે શું કામ રોજ આવી જફા લેવાની?!’ રવિએ સ્પષ્ટતા કરી, ‘તારા એ જવાબને ફૉલો કરવાની મેં કોશિશ પણ કરી અને હું એક મહિનો એ લોકોથી દૂર થઈ ગયો... તારી પાસે બધા રેકૉર્ડ છેને, ચેક કરી લે. ૨૦૨૦ના ડિસેમ્બર મહિનામાં મેં કોઈ પેમેન્ટ નથી કર્યું, પણ પછી... ઑનેસ્ટ્લી મારાથી રહેવાયું નહીં. જે માણસે મારું મોત લઈ લીધું તે માણસની ફૅમિલીને હું કેવી રીતે... આવી રીતે છોડી શકું.’

બન્ને આંખો ચપોચપ બંધ

કરીને રવિએ એમાંથી બહાર

આવતાં આંસુ અટકાવ્યાં અને પછી ફરી આંખો ખોલી.

‘નાઓ, એવરીથિંગ ઑન યુ પીપલ...’ રવિ ઊભો થયો, ‘હું નીકળું છું, મને ઑફિસનું મોડું થાય છે. તમને અહીંથી કૅબ મળી જશે અને જો તમારે ફરીથી ચીકુવાડી જઈને ઇન્ક્વાયરી કરવી હોય તો પણ તમને અહીંથી એ નજીક પડશે... તમારો જે જવાબ હોય એ મને મંજૂર છે.’

રવિએ સાસુમાની સામે નજર કરી.

‘છેલ્લી ચા પિવડાવવા બદલ થૅન્ક્સ...’

‘હાશ....’

‘ધીમે-ધીમે... આટલી બધી

નિરાંત માનવાની જરૂર નથી.

બને કે એ લોકોને તારા પર હજી પણ ડાઉટ હોય...’

‘સવાલ જ નથી... મહામહેનતે સ્ક્રિપ્ટ તૈયાર કરી અને એ પણ

એવી કે કોઈને પણ એવું જ લાગે કે આ વાત સો ટકા સાચી જ હોય.’

કાર ચલાવતાં રવિએ કહ્યું, ‘બાય ધ વે, એક વાત કહી દઉં. થૅન્ક્સ...

આ બધું તારી પાસે આવ્યું અને

મને ખબર પડી ગઈ.’

‘ઍનીથિંગ ફૉર યુ માય લવ...’ અનુષાએ ફોનની સ્ક્રીન પર જ રવિને કિસ આપી દીધી, ‘હવે આ ટૉપિક ન નીકળે એ હું જોઈ લઈશ...’

‘નૅચરલી... બાકી દર વખતે મને કાસ્ટિંગ-ડિરેક્ટર જ્યોત્સ્ના અને નેહા જેવા રેડીમેડ ઍક્ટર સપ્લાય નહીં કરે.’

‘અફકોર્સ...’ અનુષાએ

ટાઇમ જોઈને સવાલ કર્યો,

‘કેટલી વાર લાગશે?’

‘હાર્ડ્લી પંદર મિનિટ...’ અંધેરી ક્રૉસ કરતાં રવિએ કહ્યું, ‘સીધો હોટેલ પર જ પહોંચું છું, મળીએ...’

સમાપ્ત

Whatsapp-channel Whatsapp-channel

26 April, 2024 05:43 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK