Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ૧૦૮ મણકાને ફેરવો તો માળા કરી કહેવાય અને ૧૦૮ દેશો ફરી આવો તો એ કમાલ કરી કહેવાય

૧૦૮ મણકાને ફેરવો તો માળા કરી કહેવાય અને ૧૦૮ દેશો ફરી આવો તો એ કમાલ કરી કહેવાય

07 May, 2024 07:45 AM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

આવી કમાલ જુહુમાં રહેતા નીરવ દેસાઈએ કરી છે. એક સમયે ૧૦૦ દેશો ફરવાનો તેમનો ટાર્ગેટ જ્યારે પૂરો થઈ ગયો એ પછી તેમને લાગ્યું કે દુનિયામાં કુલ ૧૯૫ દેશ જ તો છે, તો બાકીના કેમ રહી જાય. એમ વિચારી તેમણે તેમની યાત્રા ચાલુ જ રાખી છે

નીરવ દેસાઇની તસવીર

નીરવ દેસાઇની તસવીર


આજથી ૪૭ વર્ષ પહેલાં એક નાનકડો છોકરો તેનાં બા જોડે ખાટલામાં 
બેઠો-બેઠો વાતો કરતો હતો ત્યારે બાની નજર છોકરાના પગ પર પડી અને બાએ અચરજથી જોઈને કહ્યું કે તારા પગ પર તલ છે. એની સાથે જ બીજો પગ તપાસ્યો તો તેમણે જોયું કે બાળકના બીજા પગ પર પણ તલ છે. બાએ કહ્યું કે દીકરા, તું તો આખી દુનિયા ફરવાનો છે. બાની જીભે ત્યારે સરસ્વતી બેઠાં અને ખરેખર એ છોકરો મોટો થયો એટલે તેણે ટ્રાવેલિંગને શોખ જ નહીં, પોતાનું પૅશન બનાવી લીધું. આ વાત છે બાવન વર્ષના નીરવ દેસાઈની, જે આજે ૧૦૮ દેશ ફરી ચૂક્યા છે. કેમિકલનો બિઝનેસ કરતા જુહુવાસી નીરવ દેસાઈ અમેરિકા, બ્રિટન, યુએઈ, રશિયા, મેક્સિકો, જર્મની, ફ્રાન્સ, ઇટલી, સ્પેન, બેલ્જિયમ, ગ્રીસ, ટર્કી, પેરુ, કોલંબિયા, ચીન, જપાન, ન્યુ ઝીલૅન્ડ, ફ્રાન્સ, વિયેટનામ જેવા દેશો ઉપરાંત જ્યાં બહુ ઓછા લોકો જાય છે એવા ઈરાન, યુગાન્ડા, ઉઝબેકિસ્તાન, ફિજી, બ્રાઝિલ, ઑસ્ટ્રિયા, બોસ્નિયા જેવા દેશોથી લઈને જ્યાં ભાગ્યે જ કોઈ જતું હોય એવા મલાવી, સૅન મરીનો, ઇક્વેડોર, માલ્ટા, સાઇપ્રસ, લિથુઆનિયા, એસ્ટોનિયા, આલ્બેનિયા મૉન્ટિનીગ્રો જેવા દેશોમાં ભ્રમણ કરી આવ્યા છે.

હચમચાવી દેનારી શરૂઆત 
પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી હાલતમાં થયું એવું કે ૧૮ વર્ષની ઉંમરે નીરવ જ્યારે ખંડાલા ગયા હતા ત્યારે ત્યાં ઝરણાની બીજી બાજુ પડી ગયા હતા. એ દિવસને યાદ કરતાં તેઓ કહે છે, ‘હું અત્યંત તોફાની હતો. ત્યારે પણ એક્સપ્લોરિંગ કરવાની મને ખૂબ મજા પડતી એટલે મને થયું કે ઝરણાની બીજી બાજુ જઈએ, પણ ત્યાં હું પડી ગયો. મને ખૂબ વાગ્યું હતું. ત્યાં અચાનક વરસાદ શરૂ થયો અને પાણી મને એવી જગ્યાએ વહાવી ગયું જ્યાંથી લોકો મને બચાવી શકે એમ જ નહોતા. રાત આખી હું ત્યાં જ પડ્યો રહ્યો. પેઇન એટલું હતું કે હું બેભાન થઈ જતો હતો. ૨-૩ કલાક પછી મને ભાન આવે ત્યારે મારી આજુબાજુ સાપ સરકતા હોય. એ દિવસે હું બચીશ એવું મને લાગ્યું જ નહીં. એ ડર, એ પીડામાંથી મને ૨૦ કલાકે રેસ્ક્યુ કરીને બહાર કઢાયો. ૩ મહિનાનો હૉસ્પિટલનો ખાટલો આવ્યો. સર્જરી થઈ. આ બનાવ પછી મારી જગ્યાએ કોઈ બીજું હોય તો એ ક્યાંય જવાનું સપનું પણ ન જુએ, પણ હું જુદો હતો. એક્સપ્લોરેશનનો કીડો મારી અંદર વધુ ને વધુ સ્ટ્રૉન્ગ બનતો ગયો.’



અતરંગી આઇડિયા 
નીરવ પોતાના ગ્રૅજ્યુએશન માટે લંડન અને માસ્ટર્સ માટે અમેરિકા ગયા હતા. એ સમયે જ્યારે તેમના પપ્પા ઘરે આવવા માટે ટિકિટના પૈસા મોકલે તો તે ઘરે આવવાને બદલે તેમની નજીકની જગ્યાઓએ ફરવા જતા રહેતા. આમ યુરોપના અને અમેરિકાની આજુબાજુના દેશો અને જગ્યાઓ તો તેમણે એ દરમિયાન ખાસ્સાં એક્સપ્લોર કરી લીધાં હતાં. ૯૦ની સાલમાં એ સમયે બૅકપૅકિંગનો ટ્રેન્ડ તેમણે શરૂ કરેલો. એ સમયે વિદ્યાર્થીઓ માટે અલગ ડિસ્કાઉન્ટ મળતું, જેનો પૂરો ફાયદો તેમણે ઉઠાવ્યો હતો. હાઇકિંગ, રિવર-રાફ્ટિંગનો તેમને ભારે શોખ હતો. તેમના એક અતરંગી આઇડિયા વિશે વાત કરતાં નીરવભાઈ કહે છે, ‘મને એવું હતું કે મારે એક એવી જગ્યાએ રહેવું છે જ્યાં એક જુદી જ ભાષા બોલાતી હોય અને એ ભાષા ન આવડે તો તમારું કામ થાય નહીં. ફક્ત એ ઇચ્છા પૂરી કરવા હું બે વર્ષ શાંઘાઈ રહ્યો. ત્યાંની મૅન્ડરિન ભાષા હું શીખ્યો. મારા કેમિકલના બિઝનેસનું મટીરિયલ ત્યાંથી આવતું પણ એ માટે મારે શાંઘાઈ રહેવાની કશી જરૂર નહોતી. હું તો ત્યાં બસ, એક અનુભવનું ભાથું બાંધવા માટે જ રોકાયો હતો.’ 


વર્ષમાં ત્રણથી ચાર ટ્રિપ 
૨૦૧૧ સુધીમાં શોખથી નીરવભાઈએ ૩૦-૪૦ દેશો ફરી લીધેલા પણ ૨૦૧૧માં કશુંક એવું થયું જે બનાવે તેમના જીવનની નવી દિશા ખોલી દીધી. એ વિશે વાત કરતાં નીરવભાઈ કહે છે, ‘મારા મોટા ભાઈ મૅરથૉન રનર હતા. ખૂબ જ હેલ્ધી લાઇફસ્ટાઇલ હતી તેમની. તેમને હાર્ટ-અટૅક આવ્યો અને તે ગુજરી ગયા. તેમના મૃત્યુએ મને હલબલાવી દીધો. જીવનની ક્ષણભંગુરતા વિશે માહિતગાર કર્યો. મને લાગ્યું કે જીવન એની લીલા સંકેલી લે એ પહેલાં સપનાં પૂરાં કરી લેવાં જરૂરી છે. મને આખી દુનિયા જોઈ લેવાનો અભરખો તો હતો જ એટલે ૨૦૧૧ પછી મેં મારાં સપનાંઓ જીવવાની સ્પીડ વધારી. ૨૦૧૧થી લઈને આજ સુધી વાર્ષિક ત્રણથી ચાર ટ્રિપ હું કરું છું. જેટલી ઇન્ટરનૅશનલ ટ્રિપ કરું છું એટલું જ ભારતમાં ફરું છું.’ 


હું અને મારી કૅબિન-બૅગ 
સિંગલ સ્ટેટસ ધરાવતા નીરવભાઈ કોઈ પણ જગ્યાએ ફરવા જાય, ગમેતેટલા દિવસ માટે જાય; એક નાનકડી કૅબિન-બૅગમાં સમાય એટલાં જ કપડાં કે સામાન લઈને ફરવા જાય છે. ટ્રાવેલ લાઇટના આ કન્સેપ્ટના ફાયદા વિશે વાત કરતાં નીરવભાઈ કહે છે, ‘મારી નાનકડી કૅબિન-બૅગમાં ૧૫ દિવસ ચાલે એટલો સામાન આવી જ જાય. હું જ્યાં ફરવા જાઉં ત્યાંથી ખરીદી ભાગ્યે જ કરું. ૧૫ દિવસથી વધુ રોકાવાનું હોય તો ત્યાં લૉન્ડ્રીની સુવિધાઓ હોય જ. એટલે કપડાં ધોઈ લઉં, પણ બૅગ ભારી ન થવા દઉં. ભારતની બહાર ચાલવાનું ઘણું રહે. બધી જગ્યાએ ટૅક્સી મળે એવું ન હોય. હાલનો જ મારો અનુભવ કહું તો હું ઇટલીમાં મૅરથૉન દોડવા ગયો હતો. ત્યાંથી મારે સીધું માલ્ટા જવાનું હતું. એ દિવસે ટૅક્સીની હડતાળ હતી. મૅરથૉન મોડી શરૂ થઈ એટલે હું મૅરથૉન દોડી, મેડલ લઈ, મારી બૅગ પકડી ફરી દોડવા લાગ્યો. ટ્રેન પકડી અને ઍરપોર્ટ પહોંચી ફ્લાઇટમાં બેઠો. જો મારી પાસે ભારે બૅગ હોત તો એ શક્ય જ નહોતું. કોઈને લાગે કે આવું પ્લાનિંગ કરાય જ નહીં, બીજા દિવસની ટિકિટ લેવાય; પરંતુ એ દિવસની ટિકિટના ૫૦ ડૉલર હતા અને એના પછીના ૫૦૦ ડૉલર. ભાવમાં આટલો ફરક એક ગુજરાતીની ગણતરીથી કઈ રીતે દૂર રહે? એટલે મને થયું કે કદાચ દોડાદોડી થશે, પણ હું કરી લઈશ.’ 

પૂરતું રિસર્ચ 
કોઈ પણ અજાણી જગ્યાએ ફરવા માટે ત્યાં શું ફરવું અને કઈ રીતે જવું એ કઈ રીતે નક્કી કરો છો કે એનું રિસર્ચ કઈ રીતે કરો છો? એ પ્રશ્નનો જવાબ આપતાં નીરવભાઈ કહે છે, ‘મને ઇતિહાસમાં ખૂબ રસ છે. એટલે કોઈ પણ જગ્યાએ જવાનું હોય તો જગ્યાનો ઇતિહાસ હું જાણું જ અને કોઈ જગ્યાનો ઇતિહાસ રસપ્રદ હોય તો એ જગ્યાએ હું જાઉં જ. દરેક દેશનાં મ્યુઝિયમોમાં ફરવું એ મારો અનેરો શોખ છે. એ હું ખાસ પૂરો કરતો હોઉં છું. વળી દરેક જગ્યા હું કોઈ ને કોઈ સંદર્ભ સાથે જ ફરતો હોઉં. જેમ કે અમૃતા શેરગિલની આત્મકથા મેં વાંચી છે જેમાં હંગેરી વિશે ઘણી વાતો તેમણે લખી છે. તે પોતે અડધાં હંગેરિયન હતાં અને તેમણે લગ્ન પણ ત્યાં જ કરેલાં. એ પુસ્તકમાં હંગેરી વિશે જે પણ લખ્યું છે એ બધી જગ્યાએ હું ગયો અને એ ક્ષણને હું જીવ્યો. ઇતિહાસ સિવાય હું એક મૅરથૉન-રનર છું તો મૅરથૉન માટે પણ હું ઘણું ટ્રાવેલ કરું છું. જુદા-જુદા દેશમાં જઈને મને એમની મૅરથૉનમાં ભાગ લેવાનું ગમે છે.’
પણ એક મૅરથૉન-રનરે તો ઘણા ફિટ રહેવું પડે તો આટલું ટ્રાવેલ કરો ત્યારે ફિટનેસનું ધ્યાન કેવી રીતે રાખો છો? એ સવાલનો જવાબ આપતાં નીરવભાઈ કહે છે, ‘બહાર જાઉં ત્યારે હું રિલૅક્સ્ડ રહું છું, વર્ક-આઉટ કરતો નથી. ત્યાં ફરવામાં જ દરરોજ ૧૫,૦૦૦ સ્ટેપ્સ તો ઓછામાં ઓછું ચાલવાનું થઈ જ જાય, પણ જ્યારે ઘરે હોઉં ત્યારે હું પ્રૉપર ટ્રેઇનિંગ કરું છું. ૧૦-૧૫ કિલોમીટર દોડું છું. એ સિવાય ૨૦૧૧થી હું યોગ કરું છું. ફિટનેસ માટે મને યોગ અત્યંત ઉપયોગી લાગે છે.’

એક જન્મ ઓછો પડે 
નીરવ દેસાઈ લગભગ બધે airbnbની પ્રૉપર્ટી રાખીને રહે છે. કોઈ પણ દેશમાં જતાં પહેલાં એના વિશે પૂરું રિસર્ચ કરીને જ જાય છે અને જઈને લોકલ પબ્લિક પાસે પૂરી માહિતી લે છે જેથી સમજી શકાય કે ક્યાં ફરવું જોઈએ. જોકે ટ્રાવેલની એક મોટી સમસ્યા અને લર્નિંગ વિશે વાત કરતાં નીરવભાઈ કહે છે, ‘હું આખી દુનિયા જોવા માગું છું પરંતુ હકીકત એ છે કે તમે જેટલા પણ દેશો ફરો તો ત્યાંની પ્રખ્યાત જગ્યાઓ જોઈ શકો. વધુમાં તો લોકલ્સ પાસેથી માહિતી લઈને એટલી ખાસ જગ્યાઓ જોઈ શકો; પરંતુ દેશનો તો જવા દ્યો, શહેરનો પણ ખૂણેખૂણો ન જોઈ શકો. બધી પ્રવૃત્તિઓ ન જ કરી શકો. અમુક વસ્તુ કરી શકો અને બાકી ખૂબબધી છૂટી જ જાય. એ છૂટી જાય એની પાછળ મેં ઘણા દેશ બે-ત્રણ વાર પણ ફર્યા છે. એનું એક લિસ્ટ બનાવું અને પછી ફરી જવાનું પ્લાનિંગ કરું. હકીકત એ છે કે દુનિયાનો ખૂણેખૂણો તમે ફરી જ ન શકો. એના માટે કેટલાય જન્મો લેવા પડે, પરંતુ આપણે કોશિશ કરી શકીએ કે જેટલું આપણાથી અનુભવમાં ભેગું થાય એટલું આપણે લઈ લઈએ.’

અશક્ય બને શક્ય 
ફરવાથી જીવનના કેટલા જુદા-જુદા અનુભવો થાય એની મજા વધુ છે. એવો જ એક મજેદાર અનુભવ જણાવતાં નીરવભાઈ કહે છે, ‘હું થોડા સમય પહેલાં સાઉથ આફ્રિકામાં જોહનિસબર્ગ ગયો હતો. મારે બૉટ્સવાના જવું હતું પરંતુ અહીંથી હું એના વીઝા લઈને નહોતો ગયો. મને થયું કે જોહનિસબર્ગથી મને બૉટ્સવાના વીઝા વગર તો નહીં જવા દે, પણ થયું કે ટ્રાય તો કરવા દે. ટિકિટ સાથે તેમણે મારી પાસેથી વીઝા માગ્યા. મેં પેપરમાં વાંચેલું કે ભારતીય લોકો માટે ‘વીઝા ઑન અરાઇવલ’ એટલે કે તમે એ દેશમાં જાઓ ત્યારે ઍરપોર્ટ પર જ વીઝા મળે, લઈને જવાની જરૂર ન પડે એ નિયમ જલદી લાગુ થશે. મેં તેમને કહ્યું કે મને લાગ્યું કે ઑન અરાઇવલ મળી જશે. તેમણે પહેલાં મને ના પાડી પરંતુ આગળ ઇમિગ્રેશન સુધી મને જવા દીધો. ઇમિગ્રેશનવાળાને કંઈક તો ગેરસમજ થઈ અને તેણે મને ફ્લાઇટમાં બેસવા માટે આગળ મોકલી દીધો. હવે બૉટ્સવાના પહોંચીને તકલીફ પડવાની હતી એટલે ત્યાં તેમણે જ્યારે મને પૂછ્યું કે વીઝાનું શું છે? તો મેં કહ્યું, મને અત્યારે મળશે એમ મને લાગ્યું. તેણે મને ઇમિગ્રેશન ઑફિસમાં મોકલ્યો. મેં તેમને કહ્યું કે ત્યાં ઍરપોર્ટવાળાએ મને કહ્યું કે વીઝા અહીંથી મળશે. તેમણે પહેલાં તો ના પાડી, પરંતુ હું ત્યાં એ દેશમાં પહોંચી જ ગયો હતો. મારું બૅકગ્રાઉન્ડ જોઈને તેમણે મને ઑન અરાઇવલ વીઝા આપી દીધા જે શક્ય ન જ હતું, પણ શક્ય બન્યું.’ 

નીરવભાઈ પોતે શાકાહારી છે. 
દેશ-દુનિયામાં ફરવામાં શાકાહારી લોકોને ઘણી તકલીફ પડતી હોય છે. તેમનો અનુભવ આ વિશે શું કહે છે? એ પ્રશ્નનો જવાબ આપતાં નીરવભાઈ કહે છે, ‘શરૂઆતમાં ઘણી તકલીફ હતી, પરંતુ આજની તારીખે કોઈ પણ શાકાહારીએ એમ ન વિચારવું કે તેને તકલીફ પડશે. હવે તો બધે જ ઇન્ડિયન વેજિટેરિયન ફૂડ મળે છે. વીગન પણ મળે છે. શાંઘાઈ જેવા શહેરમાં પણ હું રોટલી-દાળ-ભાત-શાક ખાતો હતો, કારણ કે ઘણા ગુજરાતી વેપારીઓ, જે ચીનમાં બિઝનેસ કરે છે તેમના માટે એક મહારાજ છે જે રસોડું ચલાવે છે. આમ ચીન જેવી જગ્યાએ પણ મને જમવાની તકલીફ નથી પડી.’ 

જ્યાં જઈએ ત્યાં બને મિત્રો 
જ્યારે માણસ દુનિયા ફરે ત્યારે દુનિયાનો અલગ-અલગ ખૂણો કોઈ ને કોઈ સમાનતા ધરાવતો તો હોવાનો જ. એ વિશે વાત કરતાં નીરવભાઈ કહે છે, ‘મારો એ અનુભવ છે કે માણસો આ જગતમાં ખૂબ-ખૂબ સારા છે અને એકબીજાને મદદ કરવા માટે જ સર્જાયા છે. દેશ, ભાષા, સંસ્કૃતિ આપણી ભલે અલગ છે; પણ અંતે આપણે બધા માણસો છીએ એ આપણે ભૂલતા નથી. હું ટ્રાવેલ દરમિયાન કોઈ પણ જગ્યાએ જ્યાં પણ મુશ્કેલીમાં મુકાઉં ત્યાં લોકલ હોય કે બીજા ટ્રાવેલર્સ, બધાએ મને માનવતાના ધોરણે મદદ કરી છે અને આ રીતે જ મેં અઢળક મિત્રો બનાવ્યા છે. આજકાલ લોકો ફોટો પાડવા કે ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થવા માટે ટ્રાવેલ કરતા હોય છે, પરંતુ હું જગતભરમાં મિત્રો બનાવવા માટે ફરું છું. મને એની મજા આવે છે. જગતના ખૂણે-ખૂણે મારા મિત્રો છે એ વાતનો મને ભરપૂર આનંદ છે.’ 

ઈરાનમાં ભારતીયોની બોલબાલા 
ઈરાન એક એવો દેશ છે જ્યાં વધુ લોકો ફરવા જતા નથી પરંતુ નીરવભાઈ ગયા હતા. એ આહ્લાદક અનુભવ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હું ઈરાન ગયો ત્યારે મને રેડ કાર્પેટ કે VVIP ટ્રીટમેન્ટ મળી હતી. એનું ફક્ત એક જ કારણ છે કે હું ભારતીય છું. દુનિયાભરમાં ભારતવાસીઓ માટે માન છે, પણ ઈરાનમાં તો ખૂબ વધારે છે. એનું એક મોટું કારણ એ છે કે આપણે એ દેશમાં રહીએ છીએ જે દેશમાં શાહરુખ ખાન છે. એ લોકો શાહરુખના ખૂબ મોટા ફૅન છે. ઍરપોર્ટમાં ઇમિગ્રેશનવાળો મને જોઈને ખીલી ઊઠેલો. તેણે કહ્યું, સાહબજી, શાહરુખ ખાન... બસ, બે જ શબ્દો તે વારંવાર બોલી પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. દરેક વ્યક્તિનો સામાન ખોલી-ખોલીને જોવાઈ રહ્યો હતો અને મને એટલા માન સાથે એ લોકોએ કશું જ વગર ખોલાવ્યે જવા દીધો. ઈરાનમાં ત્યાંની લોકલ પબ્લિક તમને ઘેરી વળે, કારણ કે તમે ભારતીય છો. તમને ડિનર કે કૉફી પર આવકારે. તમારી સાથે વાતો કરવા તલપાપડ હોય. ખાસ કરીને સ્ત્રીઓ. એક સ્ત્રીએ મને ડિનર પર લઈ જવા આગ્રહ કર્યો. ત્યાં જવા માટેની ટૅક્સી પર તેમણે ભારતીય ઝંડો લગાડ્યો. રેસ્ટોરાંમાં બૉલીવુડનાં ગીતો વગાડાવ્યાં. ત્યાં બસ તમે ભારતીય છો એ જ પૂરતું છે અને તમને એક અલગ માનથી જોવામાં આવે.’ 

Whatsapp-channel Whatsapp-channel

07 May, 2024 07:45 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK