Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સ્ટ્રૉન્ગ ઓપનિંગમાં ૭૪,૦૦૦ થયેલું શૅરબજાર પ્રારંભિક સુધારો જાળવી ન શક્યું, શૅર આંક નહીંવત્ વધીને બંધ

સ્ટ્રૉન્ગ ઓપનિંગમાં ૭૪,૦૦૦ થયેલું શૅરબજાર પ્રારંભિક સુધારો જાળવી ન શક્યું, શૅર આંક નહીંવત્ વધીને બંધ

24 April, 2024 06:20 AM IST | Mumbai
Anil Patel

સેન્સેક્સમાં સુધારાની હૅટ-ટ્રિક વચ્ચે ગઈ કાલે બજારમાં વૉલેટિલિટી ઇન્ડેક્સની ચાલથી ચિંતાનો માહોલ પેદા થયો છે.

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


વૉલેટિલિટીનો માપદંડ વિકસ ઇન્ડેક્સ ૧૯ મે પછીના મોટા કડાકામાં સિંગલ ડિજિટમાં જતાં બજારમાં તેજી સાથે જોખમની આશંકા વધી : ભારતી ઍરટેલ તગડા જમ્પ સાથે નવી ટોચે જઈ બજારને ૯૭ પૉઇન્ટ ફળ્યો, રિલાયન્સે ૧૨૭ પૉઇન્ટનો માર માર્યો : હીટવેવ અને ઇલેક્શનને લઈ શુગર શૅરોમાં મીઠાશ વધવાની શરૂઆત, પિકાડેલી ઍગ્રો ઉપલી સર્કિટમાં નવી ટોચે : ટેલિકૉમ ઇન્ડેક્સ તમામ શૅરના સથવારે સવાચાર ટકાના જમ્પમાં ઑલટાઇમ હાઈ, વોડાફોનના શૅરની સાથે-સાથે ફૉલોઑન ઇશ્યુમાં ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ચાર ગણું થયું : થાણેની જેએનકે ઇન્ડિયા પ્રથમ દિવસે ૫૦ ટકા ભરાયો, ગ્રે માર્કેટમાં ૨૫ જેવું પ્રીમિયમ : બજારની માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ, માર્કેટકૅપ વધ્યું : બમ્પર રિઝલ્ટની આશામાં બીએસઈ ૩૪૮ના ઉછાળે ઑલટાઇમ હાઈ

અગ્રણી વિશ્વબજારોમાં સુધારાની આગેકૂચના પગલે ઘરઆંગણે સેન્સેક્સ મજબૂત ઓપનિંગમાં ૭૪,૦૦૦ની ઉપર જઈ છેવટે ૯૦ પૉઇન્ટના પરચૂરણ સુધારામાં ૭૩,૭૩૮ તથા નિફ્ટી માંડ ૩૨ પૉઇન્ટ વધી ૨૨,૩૬૮ બંધ થયો છે. મંગળવારે શૅર આંક ઉપરમાં ૭૪,૦૬૦ અને નીચામાં ૭૩,૬૮૮ થયો હતો. બન્ને બજારના બહુમતી સેક્ટોરલ પ્લસ હતા. ટેલિકૉમ ઇન્ડેક્સ સવાચાર ટકા, રિયલ્ટી ઇન્ડેક્સ અઢી ટકા નજીક તો ટેલિકૉમના જોરમાં ટેક્નૉલૉજી બેન્ચમાર્ક સવા ટકો મજબૂત હતો. નિફ્ટી હેલ્થકૅર અને નિફ્ટી ફાર્મા એક ટકો ઘટ્યા છે. પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં એનએસઈ ખાતે વધેલા ૧૩૭૨ કાઉન્ટરની સામે ૮૫૨ શૅર ડાઉન હતા. બજારનું માર્કેટકૅપ ૧.૭૯ લાખ કરોડના ઉમેરામાં હવે ૩૯૯.૬૫ લાખ કરોડ નજીક પહોંચ્યું છે. 



સેન્સેક્સમાં સુધારાની હૅટ-ટ્રિક વચ્ચે ગઈ કાલે બજારમાં વૉલેટિલિટી ઇન્ડેક્સની ચાલથી ચિંતાનો માહોલ પેદા થયો છે. એનએસઈ ખાતે વિકસ ઇન્ડેક્સ ૧૨.૭૦ના આગલા બંધ સામે નીચામાં ૯.૮૬ થઈ ૧૯ ટકા જેવા ગાબડાંમાં ૧૦.૩૧ બંધ આવ્યો છે, જે મે ૨૦૧૯ પછીના સૌથી મોટા કડાકા સાથે નવ માસની બૉટમ છે. વૉલેટિલિટી ઇન્ડેક્સમાં મોટો ઘટાડો ટ્રેડર્સ માટે એક પ્રકારનો વૉર્નિંગ કૉલ છે. બજારમાં તેજીની ચાલ માટે ચેતવણી કે જોખમનો અણસાર છે. 


ગઈ કાલે એશિયા ખાતે ચાઇના પોણો ટકો અને સાઉથ કોરિયા સામાન્ય નરમ હતું. સામે હૉન્ગકૉન્ગ બે ટકા નજીક, સિંગાપોર દોઢ ટકો, તાઇવાન એક ટકો અને ઇથર માર્કેટ સાધારણથી અડધો ટકો પ્લસ હતાં. યુરોપ જર્મન ડેક્સની આગેવાની હેઠળ રનિંગમાં અડધાથી સવા ટકા આસપાસ અપ હતું. 

એમસીએક્સ પરિણામ પૂર્વે ૪૦૫૦ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ સવાત્રણ ટકા કે ૧૨૫ રૂપિયા ઊંચકાઈ ૪૦૨૮ બંધ થયો છે. એનએસઈ ખાતે શૅર ૪૦૪૮ની ઑલટાઇમ હાઈ બનાવી ત્રણ ટકા વધીને ૪૦૨૨ રહ્યો છે. અનુપ એન્જિનિયરિંગ શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસ થતાં ૨૦૦૮ના બેસ્ટ લેવલ બાદ દોઢ ટકો વધી અત્રે ૧૮૨૭ હતો. આઇઆઇએલએફ ફાઇનૅન્સ શૅરદીઠ ૩૦૦ના ભાવે ૯ શૅરદીઠ એક રાઇટમાં એક્સ રાઇટ થતાં અડધો ટકો સુધરી ૪૧૦ બંધ આવ્યો છે. બીએસઈ લિમિટેડનાં પરિણામ બમ્પર આવવાની હવા છે. શૅર ૩૨૪૭ની સર્વોચ્ચ સપાટી બતાવી સવાબાર ટકા કે ૩૪૮ની તેજીમાં ૩૨૦૦ નજીક બંધ થયો છે. વર્ષનું બૉટમ ૪૫૨નું છે. કોચીન શિપયાર્ડ સાત ગણા કામકાજે ૧૨૭૯ની સર્વોચ્ચ સપાટી દેખાડી સવાતેર ટકા કે ૧૪૭ના જમ્પમાં ૧૨૫૨ વટાવી ગયો છે. માઝગાવ ડૉક ૨૩૧૨ નજીક જઈ ચાર ટકાની મજબૂતીમાં ૨૨૬૦ થયો છે. સનફાર્માની સ્પાર્ક મંદીની સર્કિટની હારમાળામાં પાંચ ટકા તૂટીને ૩૦૧ બંધ રહ્યો છે. ચાલુ મહિનાની ૯ તારીખે શૅરમાં ૪૭૪ની ટૉપ બની હતી. ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ સવાદસ ટકાના ઉછાળે ૧૦ ગણા વૉલ્યુમે ૯૫૮ થયો છે.


ભારતી ઍરટેલ, એનો પાર્ટપેઇડ અને ઇન્ડ્સ ટાવર નવા બેસ્ટ લેવલે 
ટેલિકૉમ શૅરોમાં તેજીની રિંગ વધુ ને વધુ લાઉડ બની રહી છે. ગઈ કાલે આ ઇન્ડેક્સ સવાચાર ટકા ઊછળી ૨૭૩૯ની વિક્રમી સપાટીએ બંધ થયો છે. અત્રે ૧૭માંથી એક પણ શૅર નરમ નહોતો. ૬ જાતો સવાપાંચથી લઈ ૨૦ ટકા ઊછળી હતી. તેજસ નેટ ૨૦ ટકા તો વોડાફોન ૧૧ ટકાની તેજીમાં હતો. તાતા ટેલિ નવ ટકા ઝળક્યો છે. ભારતી ઍરટેલ ૧૩૫૧ની ઑલટાઇમ હાઈ બનાવી સવાત્રણ ટકાથી વધુની મજબૂતીમાં ૧૩૪૨ બંધ આપી સેન્સેક્સને સર્વાધિક ૯૭ પૉઇન્ટ ફળ્યો છે. એનો પાર્ટપેઇડ ૪.૮ ટકાના જોરમાં ૯૫૨ની વિક્રમી સપાટીએ ગયો છે. ભારતી હેક્સાકોમ નજીવો વધી ૯૨૮ તો ઇન્ડ્સ ટાવર ૨૬૬ની મલ્ટિયર ટૉપ દેખાડી પોણાત્રણ ટકાની આગેકૂચમાં ૩૬૦ નજીક રહ્યો છે. ડેરિવેટિવ્સમાં એપ્રિલ વલણ પૂરું થાય ત્યાં સુધીમાં ભારતી ઍરટેલ ૧૪૦૦ થવાની હવા છે. 

આઇટીમાં મોસ્ચીપ ટેક્નૉલૉજી તેજી બરકરાર રાખતાં ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૬૦ના બેસ્ટ લેવલે બંધ રહ્યો છે. ૭ જૂને ભાવ ૫૮ના તળિયે હતો. તાતા ટેક્નૉલૉઝિસ ત્રણ ટકા વધી ૧૦૮૨ વટાવી ગઈ છે. પરિણામ ૩ મેએ છે. માથે રિઝલ્ટ વચ્ચે ઓરેકલ અઢી ટકા કે ૧૯૧ તૂટી ૭૩૪૭ હતી. રામકો સિસ્ટમ્સ પાંચ ટકા બગડી ૩૮૨ થઈ છે. ફ્રન્ટલાઇનમાં વિપ્રો જૈસે-થે, ટીસીએસ નહીંવત્, ઇન્ફી અડધો ટકો તથા એચસીએલ ટેક્નૉલૉજી દોઢેક ટકો સુધર્યા છે. ટેક મહિન્દ્ર અડધો ટકો નરમ હતો. આઇટી ઇન્ડેક્સના ૬૦માંથી ૪૩ શૅર પ્લસ હતા. પર્સિસ્ટન્ટ આગલા દિવસના ઐતિહાસિક કડાકા બાદ નીચામાં ૩૪૭૦ થઈ અઢી ગણા કામકાજે પોણો ટકો સુધરી ૩૫૩૬ થયો છે. મજબૂત કન્ટેન્ટના અભાવે થિયેટરમાં કાગડા ઊડે છે. પીવીઆર માટે આ સમાચાર સારા નથી. શૅર પોણો ટકો ઘટી ૧૪૨૧ બંધ આવ્યો છે. વધુ ઘટાડો જોવાશે. જસ્ટ ડાયલમાં પરિણામનો ઊભરો પૂરો થતાં શૅર ૧૧૧૮ની વિક્રમી સપાટી બતાવી નીચામાં ૧૦૭૭ થઈ સવા ટકાના ઘટાડામાં ૧૦૮૨ બંધ રહ્યો છે. સનટીવી સવા ટકો વધીને ૬૧૫ વટાવી ગયો છે.

પરિણામની પ્રશંસા અને બુલિશ વ્યુ વચ્ચે રિલાયન્સ ઘટીને બંધ 
રિલાયન્સનાં પરિણામ આવી ગયાં છે, જેને સાચાં ગણાવી વધામણાં આપવાની સાથે કેટલાંક બ્રોકરેજ હાઉસ તરફથી ૩૨૦૦થી લઈ ૩૫૦૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયના કૉલ શરૂ થઈ ગયા છે. કંપનીની ત્રિમાસિક આવક ૧૧ ટકા વધી ૨.૪૦ લાખ કરોડ વટાવી ગઈ છે. વેરા પૂર્વેનો નફો ૧૪ ટકા વધી ૨૭,૮૨૦ કરોડ થયો છે. આખા વર્ષનો પ્રી-ટૅક્સ પ્રૉફિટ ૧.૦૪ લાખ કરોડ આવ્યો છે, જે કૉર્પોરેટ ઇતિહાસનો એક વિક્રમ છે. આ બધું છતાં નેટ પ્રૉફિટ ૨૧,૨૪૩ કરોડ થયો છે, જે ૨૦૨૨-’૨૩ના માર્ચ ક્વૉર્ટરના ૨૧,૩૨૭ કરોડ કરતાં નહીંવત્ ઓછો છે. કંપનીનો એનો નફો ૧૯,૨૯૯ કરોડની સામે ૧૮,૯૫૧ કરોડ રહ્યો છે. બ્લૂમબર્ગની ધારણા ૧૯,૭૨૬ કરોડની હતી. કંપનીની ત્રિમાસિક શૅરદીઠ કમાણી ૨૮.૩૭થી ઘટી ૨૮.૦૧ રૂપિયા નોંધાઈ છે, જ્યારે સમગ્ર વર્ષની ઈપીએસ ૯૮.૬૦થી વધી ૧૦૨.૯૦ રૂપિયા આવી છે. મતલબ કે આખા વર્ષમાં શૅરદીઠ કમાણી સાડાચાર ટકાય વધી નથી. સામે શૅરનો ભાવ એક વર્ષમાં ૩૯ ટકા વધ્યો છે. શૅર લાઇમલાઇટમાં રહેવા પાછળનું મુખ્ય કારણ કંપનીની કામગીરી નહીં, પણ ફાઇનૅન્સ, રીટેલ, ટેલિકૉમ ઇત્યાદિ જેવા બિઝેનસને ડીમર્જ કરી અલગ કંપનીમાં ફેરવવાની યોજના છે. ફાઇનૅન્સ બિઝનેસનું ડીમર્જર થઈ ગયું છે, બાકી પાઇપલાઇનમાં છે. પરિણામ પછી શૅર ગઈ કાલે પ્રારંભિક ઊભરામાં ૨૯૮૬ વટાવી ગયો હતો, પછીથી નીચામાં ૨૯૧૨ થઈ દોઢ ટકો ઘટી ૨૯૧૮ બંધ થયો છે, જેના કારણે બજારને ૧૨૭ પૉઇન્ટનો માર પડ્યો હતો. ગ્રુપ કંપનીઓમાં જિયો ફાઇનૅન્સ ૩૯૫ નજીક નવી ટૉપ બનાવી સવા ટકાની આગેકૂચમાં ૩૮૮ થઈ છે. રિલાયન્સ જેમાં સહપ્રમોટર્સ તરીકે ૩૨.૫ ટકા હિસ્સો ધરાવે છે એ સ્ટર્લિંગ ઍન્ડ વિલ્સન સતત પાંચમા દિવસની મજબૂતીમાં ૬૭૯ની ટૉપ બનાવી સવાબે ટકા વધી ૬૩૧ હતી. કંપની ત્રિમાસિક ગાળામાં દોઢ કરોડના નફા સાથે ખોટમાંથી બહાર આવી છે. ગયા વર્ષે તેણે અગાઉની ૧૧૭૫ કરોડની નેટ લોસ ઘટાડીને ૨૧૧ કરોડે લાવી દીધી છે. ડેન નેટવર્ક બમણા કામકાજે સવાછ ટકા વધીને ૫૩ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ફ્રા આગલા દિવસની ઝમક બાદ ગઈ કાલે ૧૩૩૫ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ નહીંવત્ ઘટીને ૧૬૧૧ રહી છે.

પરિણામની તેજીમાં હેટસન ઍગ્રોમાં ઉછાળો, ડોડલા ડેરી પણ ઝમકમાં 
મહિન્દ્ર ફાઇનૅન્સની નૉર્થ ઈસ્ટ બ્રાન્ચ ખાતે વાહન લોનમાં ૧૫૦ કરોડનો ફ્રૉડ થવાના પગલે કંપનીને મંગળવારે મળનારી પરિણામ માટેની બોર્ડ મીટિંગ મોકૂફ રાખવાની ફરજ પડી છે. શૅર ૧૧ ગણા વૉલ્યુમે ૨૫૭ની નીચે જઈ ૫.૫ ટકા ગગડી ૨૬૩ બંધ થયો છે. ૩૦ ઑક્ટોબરે અહીં ૨૪૪ની વર્ષની બૉટમ બની હતી. લાગે છે કે આ લેવલ તૂટશે. મહિન્દ્ર ગ્રુપની મહિન્દ્ર લૉજિસ્ટિક્સે માર્ચ ક્વૉર્ટરમાં અગાઉના ૨૦ લાખના નફા સામે આ વેળા ૧૨ કરોડ રૂપિયા નજીકની ખોટ કરી છે. શૅર નીચામાં ૪૩૪ની અંદર જઈ છેલ્લે દોઢ ટકા વધીને ૪૫૧ હતો. તાતા ગ્રુપની તેજસ નેટવર્ક્સ ૧૧.૫ કરોડની ત્રિમાસિક ખોટમાંથી ૧૪૭ કરોડ જેવા તગડા નફામાં આવતાં શૅર બૅક-ટુ-બૅક તેજીની ચાલમાં ભારે વૉલ્યુમ સાથે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૦૮૭ના શિખરે જઈ ત્યાં જ બંધ રહ્યો છે. બે દિવસ પૂર્વે ભાવ ૭૭૫ હતો. રેગ્યુલેટર દ્વારા ટેરિફ રેટમાં ૪૭ ટકાના ઘટાડાનો આંચકો આવતાં આગલા દિવસે વીસેક ટકા લથડેલી જીએસપીએલ આ ઑર્ડર સામે અપીલમાં જવાની વાત છે. શૅર ગઈ કાલે સાડાછ ગણા વૉલ્યુમે ઉપરમાં ૩૨૭ વટાવ્યા બાદ નીચામાં ૨૯૮ થઈ પોણો ટકો ઘટી ૩૦૨ રહ્યા છે. 

હેટસન ઍગ્રોએ આવકમાં ૧૪.૩ ટકાના વધારા સામે ૨૫ કરોડની જગ્યાએ બમણાથી વધુ, ૫૨ કરોડ ત્રિમાસિક નફો કરતાં શૅર ૫૦ ગણા વૉલ્યુમે ૧૧૭૫ની ઇન્ટ્રા-ડે હાઈ બતાવી ૮.૬ ટકા કે ૮૮ના ઉછાળે ૧૧૧૨ બંધ આવ્યો છે. એની હૂંફમાં ડોડલા ડેરી પણ ૧૦૧૫ વટાવી ૯.૬ ટકાના જમ્પમાં ૧૦૦૨ તથા પરાગ મિલ્ક ત્રણ ટકા વધી ૨૨૧ બંધ હતી.  હીટવેવ અને ઇલેક્શનના કારણે ઑક્ટોબર-સપ્ટેમ્બરના ચાલુ ખાંડ વર્ષમાં શુગરની સ્થાનિક માગ ૨૯૦ લાખ મેટ્રિક ટનની વિક્રમી સપાટીએ રહેવાનો અંદાજ છે. ગયા ખાંડ વર્ષમાં ડિમાન્ડ ૨૭૮ લાખ ટન હતી. માગવૃદ્ધિની ગતણરીમાં ખાંડના ભાવ પખવાડિયામાં ત્રણ ટકા વધી ગયા છે. હજી વધવાની વકી છે. ગઈ કાલે ઉદ્યોગના ૩૭માંથી ૨૪ શૅર પ્લસ હતા. પિકાડેલી ઍગ્રો ઉપલી સર્કિટે ૫ ટકા વધી ૫૨૩ની ટોચે ગયો હતો. ગ્રુપ કંપની પિકાડેલી શુગર ૫ ટકાની તેજીની સર્કિટમાં ૬૮ નજીક સરક્યો છે. બલરામપુર, બજાજ હિન્દુ. રાજશ્રી શુગર, દાલમિયા શુગર, ધામપુર સ્પેશ્યલિટી, મગધ શુગર, ઇન્ડિયન સુક્રોઝ જેવી જાતો સવાથી ચાર ટકા વધી હતી. કેએમ શુગર ૧૦ ટકાની નીચલી સર્કિટે ૪૦ થઈ હતી. 

રામદેવ બાબાનું પ્રોત્સાહક લિસ્ટિંગ, ગ્રીન સ્પ્લેન્ડરમાં નિરાશા 
મેઇન બોર્ડમાં થાણેની જેએનકે ઇન્ડિયાનો બેના શૅરદીઠ ૪૧૫ની અપર બૅન્ડવાળો આશરે ૬૫૦ કરોડનો ઇશ્યુ મંગળવારે પ્રથમ દિવસે કુલ ૫૦ ટકા ભરાયો છે. ઇશ્યુ ટાંકણે જ અહીં ગ્રે માર્કેટમાં ૧૫ના પ્રીમિયમથી સોદા શરૂ થયા હતા, રેટ હાલમાં ૨૫ જેવો છે. વોડાફોનનો શૅરદીઠ ૧૧ના ભાવનો ૧૮,૦૦૦ કરોડનો મહામેગા ફૉલોઑન ઇશ્યુ ધારણા કરતા સારા સાત ગણા પ્રતિસાદ સાથે પૂરો થયા પછી ગ્રે માર્કેટમાં ફેન્સી જાગી છે. પ્રીમિયમ જે નીચામાં ૫૦ પૈસા થયું હતું એ ઊછળતું રહી હાલ ૨૨૦ પૈસા થઈ ગયું છે. એસબીટી ૫૦૦થી ઊંચકાઈ ૨૨૦૦ બોલાય છે. વોડાફોનનો શૅર ગઈ કાલે અઢી ગણા કામકાજે ઉપરમાં ૧૪.૭૫ થઈ ૧૧.૬ ટકાના જમ્પમાં ૧૪.૩૯ બંધ થયો છે. 

એસએમઈ સેગમેન્ટમાં મુંબઈના એન્ટૉપહીલની ગ્રીલ સ્પ્લેન્ડર સર્વિસિસ ૧૦ના શૅરદીઠ ૧૨૦ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટના આઠના પ્રીમિયમ સામે ૧૨૧ ખૂલી ૧૨૭ બંધ થતાં અત્રે ૬ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. જ્યારે નાગપુરની રામદેવ બાબા સૉલ્વન્ટ ૧૦ના શૅરદીઠ ૮૫ની ઇશ્યુ પ્રાઇસ અને છેલ્લે બોલાતા ૯ રૂપિયાના પ્રીમિયમ સામે ૧૧૨ ખૂલીને ૧૧૭ ઉપર બંધ થતાં એમાં ધારણાથી સારો ૩૮.૪ ટકાનો લિસ્ટિંગ ગઇન મળ્યો છે. આગલા દિવસે લગભગ ૧૦૦ ટકાના લિસ્ટિંગ ગેઇન સાથે ૧૦૦ રૂપિયા નજીક બંધ રહેલી ગ્રીન હાઇટેક વેન્ચર્સ ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૦૫ નજીક જઈને બંધ રહી છે. અહીં હજી કેટલીક ઉપલી સર્કિટ લાગશે એમ લાગે છે.

Whatsapp-channel Whatsapp-channel

24 April, 2024 06:20 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK