જેમને પ્રેમનું આકર્ષણ હોય તેમને તમે ‘સજ્જન શિરોમણિ’ની કક્ષામાં મૂકી શકો.
જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.
આ જગતના જીવોની આમ તો કલ્પનાતીત અલગ-અલગ તાસીર છે. કોઈકને પદાર્થમાં જ રસ છે; સંપત્તિ, શરીર, સૌંદર્ય, ગાડી, બંગલા, પૈસા, પ્રશંસા અને પ્રસિદ્ધિ. જેમને કેવળ અને કેવળ પદાર્થનું જ આકર્ષણ છે એ જીવોને તમે ‘રાક્ષસ’ની કક્ષામાં મૂકી શકો, કારણ કે પદાર્થ મેળવવા, ટકાવવા અને વધારવા તેઓ કોઈ પણ પ્રકારનાં નિંદનીય કાર્યો કરવા સજ્જ હોય છે. જેમને પુણ્યનું આકર્ષણ છે તેમને તમે ‘સજ્જન’ની કક્ષામાં મૂકી શકો, કારણ કે સત્કાર્યોના સેવન દ્વારા તેઓ સાચા અર્થમાં લોકપ્રિય બન્યા રહેતા હોય.
જેમને પ્રેમનું આકર્ષણ હોય તેમને તમે ‘સજ્જન શિરોમણિ’ની કક્ષામાં મૂકી શકો. કારણ કે પ્રેમપ્રદાનના તેમના સ્વભાવને કારણે તેઓ કેવળ શિષ્ટ પુરુષોમાં જ નહીં, કદાચ અશિષ્ટ પુરુષોના હૈયામાં પણ સ્થાન પામી ચૂક્યા હોય. જ્યારે જેમને પ્રભુમાં કે પ્રભુ બનવામાં રસ હોય તેમને તમે ‘સંત’ની કક્ષામાં મૂકી શકો, કારણ કે તેમના જીવનમાં રહેલા તપ-ત્યાગ તેમને સંતની સમક્ષ માનવા તૈયાર કરી દે.
ADVERTISEMENT
હમણાં એક ભાઈએ જે વાત કરી એ તેમના જ શબ્દોમાં તમને કહું.
‘મહારાજસાહેબ, મને મીઠાઈનો ભારે શોખ અને મારાં ધર્મપત્નીને ફ્રૂટ્સનો ભારે શોખ. ધર્મારાધના બધી જ ગમે. પ્રભુપૂજા રોજ થાય તો સામાયિકમાં પણ એટલો જ રસ, પણ ખાવાની વાત આવે અને એમાંય મિષ્ટાન્ન અને ફ્રૂટ્સની વાત આવે ત્યારે અમારા બન્નેના મનની હાલત વિચિત્ર બની જાય. મીઠાઈની અને ફ્રૂટ્સની આ ગુલામીમાંથી આંશિક રીતે છુટકારો મેળવવા અમે બન્નેએ એક રસ્તો શોધી કાઢ્યો છે અને એને અમલમાં પણ મૂકી દીધો છે. આપને કહેવા દો કે એના પરિણામે અમે ભારે આનંદિત છીએ.’
‘કયો રસ્તો શોધી કાઢ્યો?’
‘અમે બન્ને પ્રભુની પૂજા કરવા સાથે જઈએ...’ એ ભાઈએ જવાબમાં કહ્યું, ‘નૈવેદ્યપૂજા હું કરું જેને માટે મીઠાઈ હું રાતે જ ઘરે લેતો જાઉં અને ફળપૂજા પત્ની કરે એટલે એને માટે એક ફળ પણ હું રાતે જ લેતો જાઉં. અમે સંકલ્પ કર્યો છે કે જે મીઠાઈ હું નૈવેદ્યમાં મૂકું એ મીઠાઈ મારે એક મહિના સુધી ખાવી નહીં ને જે ફળ મારી પત્ની મૂકે એ ફળ એક મહિના સુધી તેણે ખાવું નહીં.’
‘લાભ શું થયો?’
‘ગુરુદેવ, બને છે એવું કે ભાવતી મીઠાઈ જ ભગવાન માટે લીધી હોય એટલે મહિના સુધી એ મને ખાવા નથી મળતી અને એવું જ પત્નીને થાય છે, જેને લીધે મીઠાઈ અને ફળનો આમ જોઈએ તો ઇનડિરેક્ટ રીતે ત્યાગ થઈ જાય છે અને એ અમારા રાગને સારો એવો ધક્કો લગાવી રહ્યો છે.’

