Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એક લગન, એક અગન : તેરે મેરે બીચ મેં... (પ્રકરણ ૧)

એક લગન, એક અગન : તેરે મેરે બીચ મેં... (પ્રકરણ ૧)

06 May, 2024 07:12 AM IST | Mumbai
Samit (Purvesh) Shroff

મોસાળની મુલાકાતમાં કેવા ખબર સાંપડવાના હતા એનો અણસાર ક્યાંથી હોય અદ્વિતીયને

ઇલસ્ટ્રેશન

વાર્તા સપ્તાહ

ઇલસ્ટ્રેશન


દિલ દીવાના...

દૂર ક્યાંક ગૂંજતા લતાના ગીતે તેની હૃદયઊર્મિઓને ઝંકૃત કરી દીધી. અઠ્ઠાવીસની ઉંમરે હૈયું કોઈને ઝંખે એ કેટલું સ્વાભાવિક ગણાય! મા-પિતાજી હયાત હોત તો મારાં લગ્નનો પડાવ ક્યારનો આવી ગયો હોત.



અદ્વિતીયની નજર સામી દીવાલે લટકતી મા-પિતાની હાર ચડાવેલી તસવીર પર ગઈ.


વલસાડ નજીકના ડુંગરી ગામે રહેતાં મામા-મામી સાથે જગન્નાથપુરીની જાત્રાએ નીકળેલાં પપ્પા-મમ્મીની બસ ખીણમાં પડતાં આખેઆખો સંઘ સ્વર્ગવાસી થઈ ગયો. અદ્વિતીય ત્યારે તો હજુ માંડ વીસનો. પપ્પાની ફૅમિલીમાં આમેય કોઈ હતું નહીં. મોસાળમાં નિ:સંતાન મામા-મામી પાસેથી અદકેરું વહાલ મળ્યું, પણ એય મમ્મી-પપ્પા ભેગાં રિસાઈ ગયાં. કઈ હામે તે એ આભ સમાણાં દુઃખમાં ટકી ગયો?

‘જીવનને માણજો. તમે ખુશ નહીં રહો તો તમારા માવતરને, મામા-મામીને સ્વર્ગમાંય ચેન નહીં મળે.’


કાંસાના રણકાર જેવો અવાજ, આભલાવાળા ચણિયાચોળીની સાદગીભરી સજાવટમાંય શોભી ઊઠતું અઢારની ઉંમરનું ખીલતી કળી જેવું જોબન, મુખ પર તરવરતી હમદર્દી અને આંખોમાં નીતરતી લાગણી. સ્વજનોની વસમી વિદાય નિમિત્તે મને આશ્વસ્ત કરનારી રેવા આજે જાણે ક્યાં હશે!

રેવા. આ એક જ નામસ્મરણે અદ્વિતીય જુદા જ સમયવનમાં પહોંચી ગયો.

નિર્દોષ બાલ્યાવસ્થા. ડુંગરીમાં નીરવમામાનું નાનકડું બેઠા ઘાટનું ઘર. સવાર, બપોર, સાંજ - અમે બે ભેળાં રમીએ, લડીએ ને ફરી પાછાં એક થઈ જઈએ. દસેક વરસનો હું ને મારાથી બે વરસ નાની રેવા.

અદ્વિતીય સમક્ષ ગતખંડ તરવર્યો.

અદ્વિતીયને મોસાળ વહાલું હતું. મામાની વલસાડ પોસ્ટ ઑફિસમાં સરકારી નોકરી હતી એટલે ખાધેપીધે સુખી ને ભાણા પર મામા-મામીનું અપાર હેત. ઉનાળુ વેકેશન મામાને ત્યાં ગાળવાનું એ કારણ તો ખરું જ, છોકરાને ખરી મજા ગામનાં બાળકોને મુંબઈની વાતોથી અચંબિત કરવામાં આવતી. આમાં પછી બાળસહજ વૃત્તિથી ખોટેખોટું બોલી દેવાનું કે... ‘જિમખાનામાં સચિનને જોયો.’ સાંભળીને બધા કેવા ટોળે વળી જાય : હેં ખરેખર! તે તને મળ્યો?

અદ્વિતીયનું ચાલે તો આનીયે સ્ટોરી ઊપજાવી કાઢે, પણ દૂરથી નૈનામા ઇશારો કરતી દેખાય : નો ચીટિંગ!

અને છોકરો વાળી લે, ‘મળ્યો તો નહીં, પણ હું તેને મળીશ ખરો!’

મા-દીકરાનું તારામૈત્રક રેવાને પકડાયું. ટોળામાંથી સરકી તે નૈનાબહેન પાસે જાય : ‘માસી, અદિ જૂઠ બોલે છેને? કેવી હોશિયારી મારે છે.’

તેના લહેકાએ મલકી પડતાં નૈનાબહેન પરાણે વહાલી લાગે એવી બાળકીને ખોળામાં લઈ લે. ‘તે જૂઠ નહીં, ગપ્પું હાંકે છે એમ કહેવાય. બાકી તે બહુ હોશિયારી મારે છે એ વાત સાચી. તું તેને સીધોદોર કરી દે.’

માએ તેને રીત પણ સમજાવી. પછી તો અદ્વિતીય સ્કૂલ કે મુંબઈની આંજી નાખતી વાત માંડે કે રેવા ઊભી થઈ જાય : ‘એમાં શું? તું શાળામાં ક્રિકેટ રમે છે, પણ તને ગિલ્લીદંડા કે આંબલીપીપળી રમતાં આવડે છે? બોલ, બોલ!’

અદ્વિતીય ઝંખવાય. પોતાનો પ્રભાવ ઓસરતો લાગે એટલે રેવા તરફ કતરાય. રાતે મમ્મી કે મામીને વળગીને સૂએ ત્યારે રાવ કર્યા વિના ન રહેવાય : ‘આ રેવા બહુ ચાંપલી છે હોં. ચિબાવલી.’

તેના તળપદી શબ્દો માને મલકાવી જતા. મામી વહાલથી તેનો કાન આમળતાં : ‘તમે એ જ લાગના છો, કુંવર! પાછું બંનેને એકમેક વિના ગોઠતું તો છે નહીં. હોળી ગઈ ત્યારની તે છોકરી મને પૂછ-પૂછ કરતી રહે, મામી, અદિ ક્યારે આવવાનો?’

‘હેં રેવા મારા માટે પૂછતી હોય છે?’

અદ્વિતીયની સઘળી રીસ ઊતરી જાય. બીજી સવારે બેઉ ભેગાં થઈ ઘર-ઘર રમે, એમાં અદ્વિતીય પપ્પા બને ને રેવા મમ્મી. બાળપણ કેવું નિર્દોષ હોય છે!

મામાથી ચોથા ઘરે રહેતી રેવા તેના માવતરની એકની એક દીકરી હતી. ખેડૂત પિતા મદનભાઈ સ્વભાવના સાલસ અને માતા સાવિત્રીબહેન પણ હેતાળવાં. હા, ક્યારેક રેવા તેના સુરતના મોસાળ જાય ત્યારે અદ્વિતીયને કંઈક ખૂટતું હોય એવું લાગે. અઠવાડિયું રોકાઈ તે તેની સાવિત્રીમા સાથે પાછી ફરે ને તેને ટાંગામાંથી ઊતરતી જોઈ અદ્વિતીય પહેલો દોડે : ‘રેવા આવી ગઈ!’

માનવી ઉંમરના દરેક પડાવે બાલ્યકાળની નિર્દોષતા જાળવી શકતો હોત તો! પણ એમ તો તેને મોટા થવાનો જુસ્સોય જેવોતેવો નથી હોતો. છેલ્લે બારમા ધોરણની પરીક્ષા આપી નીરવમામાને ત્યાં લાંબું વેકેશન ગાળેલું. અઢારની ઉંમરે ઘટમાં ઘોડાનો હણહણાટ હતો. કસરતથી કસાયેલી કાયાનો ઘાટ સોહામણો હતો તો સોળની થયેલી રેવા પર પણ યૌવન મન મૂકીને વરસ્યું હતું. અમુક ઉંમર પછી છોકરા-છોકરી ભેળાં રમે એવું ગામનું વાતાવરણ નહોતું, છતાં બજારમાં કે પછી ઘરે કોઈ કામ માટે આવતી રેવાને ભાળી અદ્વિતીયની કીકીમાં મુગ્ધતા ઘૂંટાતી. પવનને કારણે ફરફરી જતી તેની ઓઢણીથી તનબદનમાં ગજબનું ખેંચાણ જાગતું. મુંબઈમાં કો-એજ્યુકેશન જ હતું, છતાં જોબનમાં કામનો ઝરો ફૂટવાની અનુભૂતિ તો રેવા થકી જ સાંપડી એ રેવાને ક્યાં જતાવાયું!

નહીં કહેવાયેલો એ તંતુ અધ્યાહાર જ રહ્યો. અલબત્ત, સમય આવ્યે એનું પ્રાગટ્ય થયું પણ હોત, પરંતુ એ પહેલા ગોઝારા અકસ્માતનો વળાંક આવ્યો ને જીવન કેવું બદલાઈ ગયું!

હળવો નિસાસો નાખી અદ્વિતીયે કડી સાંધી : જાત્રાના સંઘને નડેલા ગમખ્વાર અકસ્માતના ખબરે અદિ બેભાન થઈ ગયેલો. ચાર-છ સગાંસ્નેહી તેને લઈ જગન્નાથપુરી પહોંચ્યા, ત્યાં જ સ્વજનોનો અગ્નિદાહ થયો. અદ્વિતીયને કશાની સૂધ નહોતી.

થોડી કંઈક સાન આવી રેવાના સહવાસથી. ધીરે-ધીરે અણસાર આવ્યો કે જગન્નાથપુરી આવેલા રેવાના પિતા મદનકાકા પોતાને ગામ લઈ આવેલા : ‘ગામડામાં તેને એકલવાયું નહીં લાગે. મૃતકો પાછળની વિધિ પણ અહીં જ કરીશું.’

અદ્વિતીયને ખરા અર્થમાં જાળવી જાણ્યો રેવાએ!

સવાર-સાંજ એ અદ્વિતીયની થાળી લઈને આવતી. અલકમલકની વાતો માંડી તેનું મન બહેલાવવાનો યત્ન આદરતી, સ્વજનોને સાંભરી અદ્વિતીય છુટ્ટા મોંએ રડી પડે તો તેની પીઠ પસવારી આશ્વસ્ત કરતી.

‘મામા-મામી મનેય બહુ વહાલ કરતાં...’ રેવા કહેતી, ‘મેં કદી કહ્યું કે જતાવ્યું નહીં હોય અદ્વિતીય, પણ મારા ખુદનાં સવિતામામી ભારે કંકાસિયાં. એ તો મામાનું મન રાખવા મમ્મી મને મોસાળ લઈ જાય, એ પણ મામીને ગમે નહીં, બોલો!’

ખરેખર તો આવી વાતોથી મન બીજે વાળવાની તેની ચેષ્ટા રહેતી. કેટલી સૂઝ હતી રેવામાં!

પોતે દુ:ખી થાય તો માતાપિતાને, મામા-મામીને સ્વર્ગમાંય સુખ નહીં વર્તાય એવી એની શીખ ગાંઠે બાંધી અદ્વિતીય આઘાતમાંથી બહાર નીકળી શક્યો.

ક્રિયાપાણી પતતાં ગામ સાથેનાં અંજળ પણ પૂરાં થયાં હોય એમ મામાનું ઘર બંધ કરી ચાવી રેવાના પિતાના હાથમાં થમાવી અદ્વિતીયે ગામ છોડ્યું એ છોડ્યું.

ખરેખર તો મુંબઈમાં ઘર ખાવા ધાતું એટલે પછી જરૂર ન હોવા છતાં પાર્ટટાઇમ જૉબ ખોળી નોકરી-અભ્યાસમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે પાછળ ફરીને જોવાનો અવકાશ જ ન રહે. જીવન સડસડાટ વહેતું રહ્યું, પણ એમાં જ ક્યાંક શોક વિસારવાની ગુરુચાવી આપનારીના ખબરઅંતર રાખવામાં ચૂકી જવાયું. ભણીગણી ત્રેવીસની વયે બૅન્કની સરકારી નોકરીમાં લાગતાં સુધીમાં મોસાળના વેકેશનની સ્મૃતિઓ નેપથ્યમાં સરકતી ગયેલી.

શરૂ-શરૂમાં એકાદ-બે વાર મામાના ઘરની નાનીમોટી મરમ્મત માટે મદનકાકાના ફોન આવેલા. અદ્વિતીયે કહી દીધેલું, ‘કાકા, તમારે કોઈ વાત માટે મને પૂછવાનું ન હોય, જે કંઈ ખર્ચ થાય એ કહેજો. તમારા ખાતામાં નાખી દઈશ.’

હિસાબનું કહ્યું એનું કદાચ એમને ખોટું લાગ્યું હશે કે શું, ફરી તેમનો ફોન ન આવ્યો ને અદ્વિતીયનેય પૂછવાનું યાદ ન રહ્યું. પછી તો બૅન્કની નોકરીમાંય કામનું ઓછું ભારણ હતું? અદ્વિતીયને વ્યસ્તતા ગમતી. વરલીની બ્રાન્ચમાં બધા સાથે એને ભળતું.

‘તમને કેવળ બૅન્કનું કામ આવડે છે?’

સવાલના પડઘા સાથે રેવાને બદલે ત્રીસ-પાંત્રીસ વરસની પાકટ છતાં મનમોહક મુખાકૃતિ તરવરી.

કામ શબ્દનો શ્લેષ કરનારી આમ તો તે બૅન્કની મોભાદાર કસ્ટમર, પણ જાણે આખી બૅન્ક પોતાની હોય એવો રુઆબ તેને શોભેય ખરો એવી જાજરમાન.

પણ અત્યારે તેને શીદ સાંભરવી? માથું ખંખેરી અદ્વિતીયે યાદસફરને ટ્રૅક પર આણી.

‘લગ્નનું શું વિચાર્યું છે?’

ના, પોતે સોશ્યલ તો બિલકુલ રહ્યો નથી. અંગત ગણાય એવો મિત્ર પણ કોઈ નહીં. છતાં નિકટના ગણી શકાય એવા સ્નેહીઓ હમણાંનું પૂછતા ને સ્મૃતિપટ પરથી જાણે ધૂળ ખંખેરાતી હતી, રેવા વળી સળવળતી થઈ હતી. હવે તો એય પચીસેકની થઈ હશે. આ ઉંમરે ગામની કન્યા કુંવારી થોડી હોય! કાશ હું તેના સંપર્કમાં રહ્યો હોત તો... તો કદાચ અમે પરણ્યાં પણ હોત!

અદ્વિતીયને કોમળ લાગણીની સ્પષ્ટતામાં સંશય નહોતો. પછી એવુંય થતું કે હું ભલે ચૂક્યો, રેવાને મારી લગન હોત તો તેણે પહેલ કરી હોત; તેના ઘરમાં એટલી મોકળાશ તો હતી જ... એ બન્યું નથી, આનો બીજો અર્થ એ કે તે અન્યત્ર પરણી ચૂકી હશે. હવે તેના વિશે વિચારાય પણ કેમ?

રેવા વિશે ભલે ન વિચારું પણ એક વાર મામાના ગામ તો જઈ જ આવું! વરસોથી બંધ પડેલું મામાનું ઘર ખોલું. મદનકાકા, કાકીના ખબરઅંતર પૂછું, એ બહાને રેવાના સુખસમાચાર જાણવા મળશે. તે સાસરે હોય તો ભલે તેને મળાય નહીં, તેને સુખી સહજીવનની અંતરમનથી શુભેચ્છા પાઠવીશ. એ માટે પણ ગામ જવું જોઈએ ખરું!

અદ્વિતીયે નોકરીમાં રજાનો અવકાશ ખોળવા માંડ્યો, પણ મોસાળની મુલાકાતમાં કેવા ખબર સાંપડવાના હતા એનો ત્યારે ક્યાં અણસારે હતો?

lll

અદ્ભુત!

નૉર્થ-ઈસ્ટના કાશ્મીર ગણાતા સિક્કિમમાં હિમાલયની તળેટીમાં વસેલા લાચુંગ ગામની હોટેલની બારીમાંથી બર્ફીલા પર્વત શિખર પર પથરાતાં વહેલી પરોઢનાં સોનેરી કિરણોનું દૃશ્ય રસિકાને રોમાંચિત કરી ગયું.

એક માળની હોટેલમાં તેની રૂમ પહેલા માળે હતી. નૅચરલી, પોતે બેસ્ટ વ્યુ ધરાવતો રૂમ પસંદ કરેલો: આખરે હું મુંબઈની ખમતીધર ઑન્ટ્રપ્રનર, હરવાફરવામાં મારે શાની કચાશ રાખવાની!

સામે ઉન્નત હિમાલયની પર્વતમાળા, નીચે તીસ્તા નદીના ખળખળ વહેતાં નીર, પેલી બાજુ ખીણપ્રદેશમાં ફૂલો પર જામેલી વસંત... પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી ઊઠી છે!

કયા પુરુષનો તેને સ્પર્શ થયો હશે?

પાંત્રીસની વયે માંડ ત્રીસની લાગતી રસિકાએ ઊંડો શ્વાસ લીધો: તો તો તે પુરુષ જરૂર મને ગમતા જુવાન જેવો જ હોવો જોઈએ!

તેની સૂરત તરવરે એ પહેલાં નીચે કશા ખખડાટે તેનું ધ્યાન ત્યાં ખેંચાયું.

હોટેલની કમ્પાઉન્ડ-વૉલ પાછળ જ તીસ્તા નદી વહે છે. એ તરફ દીવાલમાં આપેલો નાનકડો ગેટ ખોલી મૅનેજર નદીમાં પાઇપ નાખી ઓવરહેડ ટાંકીમાં પમ્પથી પાણી ભરતો દેખાયો.

અઠ્ઠાવીસ-ત્રીસનો લાગતો જુવાન દેખાવડો છે. પહેરવેશથી ભલે લોકલ લાગે, તેનું ચરણદાસ નામ પ્રાંત સાથે સુસંગત નથી. સાવ ઓછું બોલે. વીત્યા આ ત્રણ દિવસમાં ભાગ્યે જ કોઈ જોડે તેને ભળતા જોયો. ચારેક માસથી તે અહીં નોકરીએ લાગ્યાનું વેઇટર કહેતો હતો. કોણ જાણે કેમ, એના વહેવારમાં કશુંક વિયર્ડ છે.

અત્યારે પણ અમારી નજર ટકરાતાં તે કેવો ચહેરો ફેરવી ગયો. જાણે હું તેનો કોઈ ભેદ ચોરી લેવાની હોઉં એવી તેને ધાસ્તી હોય!

ત્યાં દરવાજે ટકોરા પડ્યા. વેઇટર ચા લઈને આવ્યો હોવો જોઈએ. તે બારી આગળથી હટી ને નીચે મૅનેજરે ચહેરા પર બાઝેલી પ્રસ્વેદબુંદ લૂછી : ના, એમ કોઈના તાકવાથી મારે નર્વસ થવાનું ન હોય. નાહક કોઈને મારા ગુનાની ગંધ આવે એવું થવા જ શું કામ દેવું?

જાતને સમજાવી તેણે સ્વસ્થતા ઓઢી લીધી.

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 07:12 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK