Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ડેરિવેટિવ્સના દાવમાં સેન્સેક્સ ૪૮૬ પૉઇન્ટ વધી સતત પાંચમા દિવસે પૉઝિટિવ ઝોનમાં

ડેરિવેટિવ્સના દાવમાં સેન્સેક્સ ૪૮૬ પૉઇન્ટ વધી સતત પાંચમા દિવસે પૉઝિટિવ ઝોનમાં

26 April, 2024 06:44 AM IST | Mumbai
Anil Patel

બજારનું માર્કેટકૅપ ૪૦૪ લાખ કરોડની વિક્રમી સપાટીએ

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


રિઝર્વ બૅન્કની લાલ આંખમાં કોટક બૅન્ક ૨૦૦ રૂપિયા તૂટી ૩૩ મહિનાના તળિયે, સેન્સેક્સને ૨૫૦ પૉઇન્ટ અને રોકાણકારોને ૪૦,૦૦૦ કરોડનો ફટકો : સ્ટેટ બૅન્ક તગડા ઉછાળે નવા શિખર સાથે સવાસાત લાખ કરોડની કંપની બની, ઍક્સિસ બૅન્કે ૭૧૦૦ કરોડનો નફો કર્યો ને માર્કેટકૅપ ૧૯,૬૫૦ કરોડ વધારી દીધું : બંધ બજારે આવેલા નબળા પરિણામ આજે ટેક મહિન્દ્રને નડશે ઃ મારુતિ સુઝુકી પરિણામની પૂર્વસંધ્યાએ સાધારણ ઘટાડે બંધ : થાણેની જેએનકે ઇન્ડિયાનો ઇશ્યુ ૨૮.૪ ગણો છલકાયો, ગ્રે માર્કેટમાં સોદા રફ થયા : એમ્ફોર્સ ઑટોટેકનો ઇશ્યુ ૩૬૫ ગણો છલકાયો, ગ્રે માર્કેટમાં ૧૨૦નું પ્રીમિયમ : શિપ બિલ્ડિંગ શૅરોમાં તેજીની ચાલ બરકરાર, પૂર્વાન્કારામાં પાલી હિલ પ્રોજેક્ટનો કરન્ટ આગળ વધ્યો : મૉર્ગનના ઝેરીલા બેરિશ વ્યુમાં ખરડાયેલી એમસીએક્સ તગડા જમ્પમાં નવા શિખરે પહોંચી

વિશ્વ બજારો ગુરુવારે થાકોડાના મૂડમાં હતાં. જૅપનીઝ નિક્કી સવાબે ટકા, સાઉથ કોરિયન કોસ્પિ પોણાબે ટકા, તાઇવાનીઝ ટ્વેસી ૧.૪ ટકા ડાઉન હતો. ઇન્ડોનેશિયા તથા સિંગાપોર સામાન્ય ઘટાડે બંધ રહ્યાં છે. હૉન્ગકૉન્ગ અડધો ટકો અપ હતું. યુરોપ રનિંગમાં અડધો-પોણો ટકો નીચે ગયું હતું. લંડન ફુત્સી ૮૧૦૨ની ઑલટાઇમ હાઈ બતાવી પોણા ટકાની આગેકૂચમાં ૮૦૯૬ આસપાસ ચાલતો હતો. પાકિસ્તાની શૅરબજાર ૭૨,૫૯૩ની વિક્રમી સપાટી નોંધાવી ૧૨ પૉઇન્ટના પરચૂરણ ઘટાડામાં ૭૨,૦૪૦ રહ્યું છે. ઘરઆંગણે સેન્સેક્સ ૨૮૦ પૉઇન્ટ જેવા ગૅપ ડાઉન ઓપનિંગ બાદ છેવટે ૪૮૬ પૉઇન્ટ વધીને ૭૪,૩૩૯ તથા નિફ્ટી ૧૬૮ પૉઇન્ટ વધીને ૨૨,૫૭૦ ઉપર બંધ આવ્યો છે. ટકાવારીની રીતે સેન્સેક્સના મુકાબલે નિફ્ટી વધુ સારો રહ્યો છે. આ સાથે બજાર સતત પાંચમા દિવસે પૉઝિટિવ ઝોનમાં બંધ થયું છે. બજાર ગઈ કાલે ૭૩,૫૫૬ની ઇન્ટ્રા-ડે બૉટમથી વધી ઉપરમાં ૭૪,૫૭૧ થયું હતું. ઇન્ટ્રા-ડેમાં આ ૧૦૧૫ પૉઇન્ટના જમ્પ પછી ૪૮૬ પૉઇન્ટ વધીને જે રીતે બંધ આવ્યું એ માટે ડેરિવેટિવ્સમાં એપ્રિલ વલણની પતાવટ કે સેટલમેન્ટનું ફૅક્ટર કામ કરી ગયું છે. બજારનું માર્કેટકૅપ ૨.૮૧ લાખ કરોડના ઉમેરામાં હવે ૪૦૪.૧૮ લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે. માર્કેટ બ્રેડ્થની મજબૂતીમાં નબળાઈ આવી છે. એનએસઈ ખાતે વધેલા ૧૨૦૪ શૅરની સામે ૧૦૦૯ કાઉન્ટર્સ ઘટ્યાં છે. નિફ્ટી રિયલ્ટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્લસ હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી પોણાચાર ટકા ઊંચકાયો હતો. હેલ્થકૅર, ઑટો, મેટલ, ઑઇલ-ગૅસ, એનર્જી, કૅપિટલ ગુડ્સ જેવા ઇન્ડેક્સ માર્કેટ આઉટ પર્ફોર્મર હતા. સ્મૉલકૅપ ઇન્ડેક્સ અડધો ટકો વધી નવા બેસ્ટ લેવલે ગયો છે. મિડકૅપ અને બ્રૉડર માર્કેટ પોણા ટકા નજીક અપ હતું. 

ડેરિવેટિવ્સનાં જુગારખાનાં ધમધમતાં રહે એમાં જ બધાને રસ
એનએસઈ દ્વારા નિફ્ટી નેક્સ્ટ ૫૦માં ડેરિવેટિવ્સ કૉન્ટ્રૅક્ટ લૉન્ચ કરાયો છે, એને પ્રથમ દિવસે સારો પ્રતિસાદ મળ્યો હોવાની વાત છે. આ કૉન્ટ્રૅક્ટને આકર્ષક બનાવવા એનએસઈ તરફથી ઑક્ટોબર ૨૦૨૪ સુધી એમાં ટ્રાન્ઝેક્શન ફી નહીં લેવાનું નક્કી કરાયું છે. ખેલો ઇન્ડિયા, ખેલો. એનએસઈવાળા દાવો કરે છે કે આ નવા ડેરિવેટિવ્સ કૉન્ટ્રૅક્ટથી ઇન્વેસ્ટર્સને રિસ્ક મૅનેજમેન્ટ માટે એક વધુ કે નવું માધ્યમ (ટૂલ) ઉપલબ્ધ બનશે. વાહ... શું વાત છે. એક બાજુ સેબી ડેરિવેટિવ્સ કે એફ ઍન્ડ ઓમાં લોકો કેવી રીતે કેટલા ખુવાર થયા છે એ વિશે રિસર્ચ કરી-કરીને પ્રચાર માધ્યમોમાં મસમોટી જાહેરાતો આપે છે. લાખો રૂપિયા ખર્ચી જાગૃતિ આણવાનો પ્રયાસ કરે છે. બીજી બાજુ શૅરબજારોના સત્તાવાળા (કે સટ્ટાવાળા?) અવનવી ડેરિવેટિવ્સ પ્રોડક્ટ્સ લૉન્ચ કરતા રહે છે. નવા જુગારખાનાં ખૂલતાં જાય છે અને વિડંબના એ છે કે જુગારના આવા નવા અડ્ડા ખોલવા માટેની મંજૂરી પણ સેબી જ આપે છે. ડેરિવેટિવ્સ એ તો હેજિંગ માટેનું ઉત્તમ માધ્યમ છે, એવી રૂપાળી દલીલના આડમાં લોકામાં રહેલી સુષુપ્ત જુગારી વૃત્તિને બહેકાવાઈ રહી છે, કોઈને કશું ખોટું નથી દેખાતું. ડેરિવેટિવ્સમાં ખરેખર તો વીકલી સેટલમેન્ટની કોઈ જરૂર જ નથી. સેબીને નાના રોકાણકારોનાં હિતની ખરેખર ચિંતા હોય તો તેણે ડેરિવેટિવ્સમાં લોટ સાઇઝ શક્ય હદે મોટી રહે એવી ગોઠવણ કરવી જોઈએ, પરંતુ પછી એક્સચેન્જિસ અને સરકારની આવકનું શું? જુગારખાનાં ધમધમતાં રહે એમાં જ બધાનું હિત છે યાર.



ઍક્સિસ બૅન્ક ટૉપ ગેઇનર, કોટક બૅન્ક ટૉપ લૂઝર, આઇસીઆઇસીઆઇ બૅન્ક નવા શિખરે 
ગુરુવારે બૅન્કિંગમાં ખુશી અને ગમ બન્ને એકસ્ટ્રીમ લેવલે જોવાયાં છે. રિઝર્વ બૅન્ક તરફથી નવા ક્રેડિટ કાર્ડ અને ઑનલાઇન ધોરણે નવા ગ્રાહક મેળવવા કોટક મહિન્દ્ર બૅન્કને મનાઈ ફરમાવાઈ એના પગલે શૅર બાર ગણા વૉલ્યુમમાં ૧૦ ટકાની નીચલી સર્કિટ તોડી ૧૬૨૦ની આશરે પોણાત્રણ વર્ષની બૉટમ બનાવી ૨૦૦ રૂપિયા કે ૧૦.૯ ટકાના ધબડકામાં ૧૬૪૩ બંધ થયો છે, બજારને ૨૫૦ પૉઇન્ટનો અને રોકાણકારોને ૩૯,૭૬૮ કરોડ રૂપિયાનો માર પડ્યો છે. મોટા ગજાના, બુદ્ધિમાન ગણાતા ઉદય કોટકે ઇલેક્શન બૉન્ડમાં ફન્ડિંગ કરવા માટે જેટલો ઉત્સાહ બતાવ્યો એનાથી અડધો રસ પણ બૅન્કના આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુધારણામાં લીધો હોત તો આવી નૌબત ન આવત. રિઝર્વ બૅન્કનો બૅન કમસેકમ ચાર-છ મહિના તો રહેશે. મતલબ કે આગામી બે ક્વૉર્ટર બૅન્ક માટે ખરાબ જશે. શૅરમાં ડી-રેટિંગ શરૂ થઈ ગયું છે. ભાવ પર પ્રેશર વધવાનું છે. 


આથી તદ્દન વિપરિત હાલત ઍક્સિસ બૅન્કમાં જોવા મળી છે. શૅર સાડાત્રણ ગણા કામકાજે ૧૧૩૪ નજીક ઇન્ટ્રા-ડે હાઈ બનાવી છ ટકાની તેજીમાં ૧૧૨૭ બંધ થતાં બજારને ૧૫૮ પૉઇન્ટ તથા ઇન્વેસ્ટર્સને ૧૯,૬૪૯ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. બૅન્કના પરિણામ સારા આવ્યા છે. નેટ ઇન્ટરેસ ઇન્કમ ૧૧.૫ ટકા વધી છે. અગાઉના વર્ષે બૅન્કે ૫૭૨૮ કરોડની ચોખ્ખી ખોટ કરી હતી જે વન ટાઇમ એક્સેપ્શનલ આઇટમનું પરિણામ હતું. એની સામે આ વેળા માર્ચ ક્વૉર્ટરમાં ૭૧૩૦ કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. ધિરાણ વૃદ્ધિના ૧૪ ટકાની સામે થાપણ વૃદ્ધિનો દર ૨૨ ટકા જેવો ઊંચો નોંધાયો છે. જોકે આ પરિણામ એવા અફલાતૂન હરગીજ નથી કે જેથી કરીને શૅર આટલો બધો વધે. ગુરુવારે નિફ્ટીમાં એપ્રિલ વલણની પતાવટ ન હોત તો ઍક્સિસ બૅન્કમાં આટલો જમ્પ આવ્યો નહોત. 

આઇસીઆઇસીઆઇ બૅન્કના પરિણામ ૨૭મીએ છે. એના ઍપમાં ટેક્નિકલ ગ્લીચની વ્યાપક ફરિયાદ વચ્ચે શૅર ૧૧૨૫ની નવી ટૉપ બતાવી દોઢ ટકો વધી ૧૧૧૩ બંધ રહેતાં બજારને ૯૯ પૉઇન્ટનો ફાયદો થયો છે. ઇન્ડસઇન્ડ બૅન્ક ૧.૪ ટકા વધી ૧૪૯૬ તો એચડીએફસી બૅન્ક નેગેટિવ બાયસ સાથે ૧૫૧૧ના લેવલે ફ્લૅટ હતો. ઍક્સિસ, સ્ટેટ બૅન્ક અને આઇસીઆઇસીઆઇ બૅન્કના કારણે ગઈ કાલે સેન્સેક્સને કુલ ૩૮૯ પૉઇન્ટનો લાભ થયો છે. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરની હૂંફમાં અડધો ટકો કે ૩૦૬ પૉઇન્ટ વધી ૪૮,૪૯૫ બંધ
થયો છે. 


સરકારી બૅન્કો જોરમાં, પીએસયુ બૅન્ક નિફ્ટી ઑલટાઇમ હાઈ 
સરકારી બૅન્કો ખાસ્સી જોરમાં રહી છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરની મજબૂતીમાં પોણાચાર ટકા ઊછળી ઑલટાઇમ હાઈ થયો છે. સ્ટેટ બૅન્ક અઢી ગણા વૉલ્યુમે ૮૧૪ની વિક્રમી સપાટી બનાવી ૫.૧ ટકાના જમ્પમાં ૮૧૩ બંધ આપી બજારને ૧૩૨ પૉઇન્ટ ફળી છે. એનું માર્કેટકૅપ ૭ લાખ કરોડને વટાવી ૭.૨૫ લાખ કરોડ થયું છે. આઇઓબી પોણા ટકા, યુકો બૅન્ક ૪.૨ ટકા, બૅન્ક ઑફ બરોડા ૩.૭ ટકા, સેન્ટ્રલ બૅન્ક સાડાત્રણ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ચાર ટકા, કૅનેરા બૅન્ક ૩.૩ ટકા, ઇન્ડિયન બૅન્ક ૩.૪ ટકા ઊંચકાઈ છે. કૅનેરા બૅન્કના પરિણામ તો ૮ મેના રોજ છે. ભાવ ગઈ કાલે અઢી ગણા કામકાજે ૬૨૧ના બેસ્ટ લેવલ બાદ સવાત્રણ ટકા વધી ૬૧૬ રહી છે. છેલ્લા એક માસમાં બૅન્ક ઑફ ઇન્ડિયા સાડાબાર ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર પોણાઅગિયાર ટકા, સેન્ટ્રલ બૅન્ક આશરે તેર ટકા, આઇઓબી સાડાચૌદ ટકાથી વધુ, યુકો બૅન્ક પોણાતેર ટકા, સ્ટેટ બૅન્ક પોણાદસ ટકાથી વધુ, પીએનબી સાડાનવ ટકા વધી છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં પીએનબી તથા આઇઓબી પોણાબસ્સો ટકાના રિટર્ન સાથે અત્રે મોખરે રહી છે. સેન્ટ્રલ બૅન્ક ૧૪૩ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૧૧૭ ટકા, કૅનેરા બૅન્ક ૧૦૪ ટકા, યુકો બૅન્ક ૧૦૭ ટકા, યુનિયન બૅન્ક ૧૦૩ ટકા, પંજાબ સિંઘ બૅન્ક ૮૭ ટકા વધી છે. સ્ટેટ બૅન્કમાં વાર્ષિક ધોરણે ૪૬.૫ ટકા અને બૅન્ક ઑફ બરોડામાં ૪૯ ટકાનું વળતર મળ્યું છે. બૅન્ક ઑફ ઇન્ડિયાએ ૮૮ ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. સરકારી બૅન્કોમાંથી એક માત્ર યુકો બૅન્કના રિઝલ્ટ નજીકમાં, ૨૯ એપ્રિલે છે. બાકી બધાનાં પરિણામ મેમાં આવશે એટલે અંદાજ અટકળ આધારિત સ્ટૉક સ્પેસિફિક મૂવમેન્ટ અને મોમેન્ટમ હમણાં ચાલુ રહેશે. 

વોડાફોનમાં ભારે ધમાચકડી, એફપીઓની વેચવાલી પચાવી શૅર વધ્યો 
વોડાફોનમાં ૧૮,૦૦૦ કરોડના મેગા ફૉલોઑન ઇશ્યુના શૅર લિસ્ટિંગમાં દાખલ થતાં શૅરના ભાવમાં ગુરુવારે ભારે ઊથલપાથલ જોવા મળી હતી. શૅર આગલા બંધથી સવાઆઠ ટકાથી વધુના ગાબડામાં ૧૨ રૂપિયા ખૂલી ત્યાંથી ૧૬.૨ ટકાના જમ્પમાં ૧૩.૯૪ થઈ છેવટે ૫.૩ ટકા વધી ૧૩.૭૮ બંધ આવ્યો છે. એનએસઈમાં તો મોટી ધમાચકડી હતી. ભાવ ૧૩.૧૦ના આગલા બંધ સામે પાંચેક ટકા ઉપર, ૧૩.૭૫ ખૂલી ત્યાંથી નીચામાં ૧૧.૯૦ બતાવી ૨૧ ટકાના શાર્પ બાઉન્સબૅકમાં ૧૪.૪૦ થઈ અંતે ૬.૧ ટકા વધી બંધ રહ્યો છે. બન્ને બજાર ખાતે કુલ મળી ૪૨૫ કરોડ શૅરનું જંગી વૉલ્યુમ નોંધાયું હતું. શૅર વેચવાલીના પ્રેશરને પચાવી નીચલા લેવલથી જે રીતે ઊંચકાયો છે અને વધીને બંધ આવ્યો છે એ જોતાં હવે વધઘટે સુધારાતરફી રહેશે એમ મનાય છે. 
થાણેની જેએનકે ઇન્ડિયાનો બેના શૅરદીઠ ૪૧૫ની અપરબૅન્ડ સાથે આશરે ૬૫૦ કરોડનો ઇશ્યુ કુલ ૨૮.૪ ગણા પ્રતિસાદ સાથે ગઈ કાલે પૂરો થયો છે. આ સાથે જ ગ્રે માર્કેટમાં બોલાતું ૨૫નું પ્રીમિયમ રફમાં ૫૫-૬૦ થયું છે. લિસ્ટિંગ મંગળવારે છે. ગુડગાંવની ફાલ્કન કૉન્સેપ્ટ્સનો ૧૦ના શૅરદીઠ ૬૨ની ઇશ્યુ પ્રાઇસવાળો બીએસઈ એસએમઈ આઇપીઓ શુક્રવારે લિસ્ટિંગમાં જવાનો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૧૦ આસપાસ ચાલે છે. એસએમઈ સેગમેન્ટમાં ત્રણ ભરણાં ગઈ કાલે પૂરાં થયાં છે, જેમાંથી પંચકુલાની એમ્ફોર્સ ઑટોટેકના ૧૦ના શૅરદીઠ ૯૮ની અપરબૅન્ડ સાથેના ૫૩૮૦ લાખનું ભરણું કુલ ૩૬૫ ગણું છલકાતાં ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વધીને ૧૨૦ બોલાવા માંડ્યું છે. ગ્રે માર્કેટમાં સોદાનો આરંભ ૧૫ રૂપિયાથી થયો હતો. મુંબઈના અંધેરી ઈસ્ટની શિવમ કેમિકલ્સનો ૧૦ના શૅરદીઠ ૪૪ના ભાવનો ૨૦૧૮ લાખનો ઇશ્યુ કુલ ૬.૬ ગણો ભરાઈ પૂરો થયો છે. પ્રીમિયમ બે જેવું છે. જ્યારે મુંબઈના ગ્રાન્ટ રોડની વર્યા ક્રીએશન્સનો ૧૦ના શૅરદીઠ ૧૫૦ની તગડી ઇશ્યુ પ્રાઇસવાળો ૨૦૧૦ લાખ રૂપિયાનો ઇશ્યુ કુલ ૩.૬ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ગ્રે માર્કેટમાં કોઈ કામકાજ પહેલેથી નથી. 

Whatsapp-channel Whatsapp-channel

26 April, 2024 06:44 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK