Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > અખાતી ટેન્શન અને ક્રૂડમાં વધારા વચ્ચે શૅરબજારમાં ધીમો ઘટાડો ચાલુ રહ્યો

અખાતી ટેન્શન અને ક્રૂડમાં વધારા વચ્ચે શૅરબજારમાં ધીમો ઘટાડો ચાલુ રહ્યો

Published : 19 June, 2025 08:34 AM | Modified : 20 June, 2025 06:57 AM | IST | Mumbai
Anil Patel

મોબીક્વિક વૉલ્યુમ સાથે પોણાનવ ટકા લથડી, ઇલેક્ટ્રૉનિક્સ માર્ટમાં ૧૮.૮ ટકાની તેજી : થાણેની સેફ એન્ટરપ્રાઇઝિસ શૅરદીઠ ૧૩૮ના ભાવે શુક્રવારે ૧૬૧ કરોડનો SME ઇશ્યુ લાવશે

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


કૅપિટલ ટ્રસ્ટ એક્સ-રાઇટ થતાં મંદીની સર્કિટમાં, આરઝેડ ગ્રુપની ઇન્વેન્ચર્સ નૉલેજમાં ૧૫૦ રૂપિયાનું ગાબડું : નોમુરાના બુલિશ વ્યુ પાછળ ઇન્ડસઇન્ડ બૅન્ક તગડા ઉછાળે બન્ને બજારમાં ટૉપ ગેઇનર બની : મોબીક્વિક વૉલ્યુમ સાથે પોણાનવ ટકા લથડી, ઇલેક્ટ્રૉનિક્સ માર્ટમાં ૧૮.૮ ટકાની તેજી : થાણેની સેફ એન્ટરપ્રાઇઝિસ શૅરદીઠ ૧૩૮ના ભાવે શુક્રવારે ૧૬૧ કરોડનો SME ઇશ્યુ લાવશે : HDB ફાઇનૅન્સ સર્વિસિસમાં ગ્રે માર્કેટ ખાતે ૧૦૦નું પ્રીમિયમ બોલાવા માંડ્યું

અખાતી વિસ્તારમાં વૉરની ઇન્ટેન્સિટી દિવસે-દિવસે વધી રહી છે. બ્રેન્ટ ક્રૂડ વધીને ૭૭ ડૉલરની પાંચ મહિનાની ટોચે પહોંચી ગયું છે. અમેરિકન ફેડની બેઠકનું પરિણામ બુધવારની મોડી રાત્રે આવી જશે. ફેડ-રેટ યથાવત્ રહેવાના વરતારા છે. એશિયન બજારો ગઈ કાલે પણ મિશ્ર રહ્યાં છે. થાઇલૅન્ડ પોણાબે ટકા, હૉન્ગકૉન્ગ એક ટકાથી વધુ, ઇન્ડોનેશિયા પોણો ટકો તથા સિંગાપોર સાધારણ નરમ હતાં સામે જપાન એક ટકા નજીક અને તાઇવાન તથા સાઉથ કોરિયા પોણા ટકા જેવા સુધર્યાં છે. ચાઇના ફ્લૅટ હતું. યુરોપ રનિંગમાં નહીંવત્ પૉઝિટિવ બાયસ દર્શાવતું હતું. બિટકૉઇન ૧,૦૪,૬૬૬ ડૉલરે યથાવત્ હતો. પાકિસ્તાની શૅરબજાર રનિંગમાં ૧૨૦૮ પૉઇન્ટ ખરડાઈ ૧,૨૦,૭૬૦ ચાલતું હતું.



સેન્સેક્સ આગલા બંધથી ૨૬૮ પૉઇન્ટના ઘટાડે ૮૧,૩૧૪ ખૂલી બુધવારે ૧૩૮ પૉઇન્ટની કમજોરીમાં ૮૧,૪૪૪ તથા નિફ્ટી ૪૧ પૉઇન્ટ ઘટી ૨૪,૮૧૨ બંધ થયો છે. સેન્સેક્સ નિફ્ટીની નહીંવત્ નરમાઈ સામે આઇટી, પાવર, યુટિલિટીઝ, નિફ્ટી મેટલ જેવા સેક્ટોરલ પોણા ટકા આસપાસ ઘટ્યાં છે. નિફ્ટી મીડિયા દોઢ ટકો કપાયો છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પોણો ટકો અને ઑટો ઇન્ડેક્સ સાધારણ વધ્યો છે. નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૦૨૬ શૅર સામે ૧૮૫૧ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૧.૭૧ લાખ કરોડ ઘટી ૪૪૬.૨૦ લાખ કરોડ રૂપિયા રહ્યું છે.


ક.પિટલ ટ્રસ્ટ ૧૪ શૅરદીઠ પાંચના પ્રમાણમાં શૅરદીઠ ૮૨ના ભાવે રાઇટમાં એક્સ-રાઇટ થતાં ગઈ કાલે પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૮૫ નીચે બંધ થયો છે. NSEમાં ભાવ ૭.૪ ટકા ગગડી ૮૪ બંધ હતો. ડિફેન્સ ઇન્ડેક્સ ૧૮માંથી ૧૧ શૅરની નરમાઈ દર્શાવી અડધો ટકો ઘટ્યો છે, પરંતુ સિકા ઇન્ટર પ્લાન્ટ પોણાદસ ટકા કે ૧૩૬ રૂપિયા ઊછળી ૧૫૩૩ની નવી ટોચે બંધ હતો. જૈનિક પાવર લિસ્ટિંગમાં રોકાણકારોની પચીસ ટકા મૂડી સાફ કર્યા પછી ગઈ કાલે પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૭૯ની અંદર નવા નીચા તળિયે બંધ થઈ છે.

બ્રોકરેજ હાઉસ તરફથી BSE લિમિટેડમાં ડીરેટિંગ શરૂ


સેબી તરફથી ડેરિવેટિવ્ઝમાં વીકલી એક્સપાયરીના દિવસને લઈ ફેરફાર કરાયો છે. એના પગલે ૧ સપ્ટેમ્બરથી ડેરિવેટિવ્ઝમાં વીકલી એક્સપાયરીનો દિવસ BSE માટે ગુરુવાર અને NSE માટે મંગળવાર અમલમાં આવશે. આ ફેરફાર BSE માટે પ્રતિકૂળ છે. NSEને જલસા થઈ જશે. BSEનું ટ્રેડિંગ વૉલ્યુમ, ટર્નઓવર અને પ્રૉફિટિબિલિટીને ખાસ્સો માર પડશે. બ્રોકરેજ હાઉસ તરફથી BSE લિમિટેડના શૅરમાં ડીરેટિંગ ટાર્ગેટ પ્રાઇસમાં ઘટાડાનો દોર શરૂ થયો છે. સળંગ પાંચ દિવસની નરમાઈ બાદ શૅર ગઈ કાલે નીચામાં ૨૫૦૦ થઈ સવા ટકાના ઘટાડામાં ૨૬૩૩ રૂપિયા બંધ આવ્યો છે. મોતીલાલ ઓસવાલ દ્વારા અત્રે ૨૩૦૦ની ટાર્ગેટ પ્રાઇસ અપાઈ છે. મંદીના ખેલાડીઓ ૨૦૦૦નો ભાવ લાવ્યા છે. MCX ઉપરમાં ૮૦૨૫ બતાવી નજીવા સુધારામાં ૭૯૩૫ રહી હતી.

ફાઇનૅન્સ શૅરમાં મોબીક્વિક ૮ ગણા વૉલ્યુમે નીચામાં ૨૪૨ થઈ ૮.૮ ટકા લથડી ૨૪૫ બંધ થઈ છે. પૉલિસી બાઝાર ૨.૮ ટકા, પ્રુડેન્ટ કૉર્પો ૨.૫ ટકા, SMC ગ્લોબલ ૩.૨ ટકા, TVS હોલ્ડિંગ સવાચાર ટકા ડાઉન હતી. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૬ શૅરની નરમાઈ વચ્ચે ૧૧૪ પૉઇન્ટ જેવો નહીંવત્ વધ્યો છે. નોમુરા તરફથી ૧૦૫૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયનો કૉલ આવતાં ઇન્ડસઇન્ડ બૅન્ક ૭ ગણા કામકાજે ઉપરમાં ૮૫૫ થઈ ૫.૧ ટકાની મજબૂતીમાં ૮૫૦ બંધ આપી સેન્સેક્સ નિફ્ટીમાં બેસ્ટ ગેઇનર બની છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરના ઘટાડામાં ૦.૪ ટકા નરમ હતો. બૅન્કિંગના ૪૧માંથી ૧૫ શૅર સુધર્યા છે. ફીનો પેમેન્ટ બૅન્ક ઉપરમાં ૩૦૮ વટાવી ૩.૪ ટકાની તેજીમાં ૨૮૮ બંધ આપી ઝળકી હતી. RBL બૅન્ક ૪.૩ ટકા, બંધન બૅન્ક ૩.૩ ટકા, એયુ બૅન્ક ૨.૮ ટકા, ઉજજીવન બૅન્ક ૧.૮ ટકા વધી છે.

ઇનફ્લક્સ હેલ્થટેકને પ્રથમ દિવસે તગડો પ્રતિસાદ

પ્રાઇમરી માર્કેટમાં મુંબઈના કુર્લા-વેસ્ટ ખાતેની ખોટ કરતી એરિસ ઇન્ફ્રા સૉલ્યુશન્સનો બેના શૅરદીઠ ૨૨૨ની અપર બૅન્ડ સાથે ૪૯૯ કરોડ પ્લસનો ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે કુલ ૨૬ ટકા ભરાયો છે. કંપનીમાં કશો દમ નથી, પરંતુ ગ્રે માર્કેટમાં પ્રીમિયમ પચીસ રૂપિયાના લેવલે ટકેલું છે. મુંબઈના કાંદિવલી-વેસ્ટની ઇનફ્લક્સ હેલ્થટેક ૧૦ના શૅરદીઠ ૯૬ની અપર બૅન્ડમાં ૫૫૬૩ લાખનો NSE SME IPO લાવી છે. એમાંથી ૧૦૫૬ લાખ રૂપિયા પ્રમોટર્સ ચાંદની વાલા પરિવારના ઘરમાં જશે કેમ કે તે OFS છે. ભરણું પ્રથમ દિવસે જ ૫.૮ ગણું છલકાયું છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વધીને ૪૫ થઈ ગયું છે.

જેના ભરણાની ગ્રે માર્કેટમાં ભારે ફૅન્સી હતી એ નવી દિલ્હીની એપ્પલટોન એન્જિનિયર્સનો ૧૦ના શૅરદીઠ ૧૨૮ના ભાવનો ૪૧૭૫ કરોડનો SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૩૬.૪ ગણો ભરાઈ ચૂક્યો છે, પણ પ્રીમિયમ ૬૫થી ઘટી હાલમાં ૫૮ બોલાય છે. પુણે ખાતેની પાટીલ ઑટોમેશનનો શૅરદીઠ ૧૨૦ના ભાવનો ૬૬૧૦ લાખનો SME IPO આખરી દિવસે કુલ ૧૦૧ ગણા પ્રતિસાદમાં તથા ચેન્નઈની સમય પ્રોજેક્ટનો શૅરદીઠ ૩૪ના ભાવનો ૧૩૯૧ લાખનો SME ઇશ્યુ કુલ ૨૯ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ગ્રે માર્કેટમાં પાટીલ ઑટોમેશનનું પ્રીમિયમ ઘટી હાલ બાવીસ ચાલે છે.

શુક્રવારે એકસાથે ૩ SME IPO છે. મહારાષ્ટ્રના થાણે ખાતેની સેફ એન્ટરપ્રાઇઝિસ રીટેલ પાંચના શૅરદીઠ ૧૩૮ની અપર બૅન્ડમાં ૧૬૧ કરોડનો, મુંબઈના અંધેરી-ઈસ્ટની આકાર મેડિકલ ટેક્નૉલૉઝિસ ૧૦ના શૅરદીઠ ૨૭ કરોડનો તથા ઉતર પ્રદેશના ગાઝિયાબાદ ખાતેની માયાશીલ વેન્ચર્સ ૧૦ના શૅરદીઠ ૪૭ના ભાવથી ૨૭૨૮ લાખનો SME IPO ૨૦મીએ ખૂલવાનો છે. હાલ ગ્રે માર્કેટમાં માયાશીલમાં ૬નું પ્રીમિયમ ચાલે છે. ગુરુવારે મૉનોલિથિક ઇન્ડિયા તથા શુક્રવારે એટેન પેપર્સ અને ઓસવાલ પમ્પ્સના લિસ્ટિંગ છે. હાલમાં મૉનોલિથિકમાં ૩૫ રૂપિયા અને ઓસવાલ પમ્પ્સમાં બાવનનું પ્રીમિયમ બોલાય છે. HDB ફાઇનૅન્સ સર્વિસિસમાં ઇશ્યુની તારીખ અને પ્રાઇસ બૅન્ડ નક્કી થવા બાકી છે. પરંતુ ગ્રે માર્કેટમાં પ્રીમિયમના સોદા ૯૩થી શરૂ થઈ હાલ રેટ ૧૦૦ બોલાવા માંડ્યો છે.

અદાણીની ઓરિયેન્ટ સિમેન્ટ્સમાં પાંચ વર્ષનો મોટો કડાકો

સેન્સેક્સ ખાતે વધેલા ૧૦ શૅરમાં ઇન્ડસઇન્ડ બૅન્ક પછી ટાઇટન બે ટકા વધી સેકન્ડ બેસ્ટ ગેઇનર બની છે. મહિન્દ્રા સવા ટકા, મારુતિ ૧.૧ ટકા, ભારતી ઍરટેલ અડધો ટકો પ્લસ હતા. નિફ્ટી ખાતે ટ્રેન્ટ બે ટકા, આઇશર એક ટકો, હિન્દાલ્કો ૦.૬ ટકા વધી હતી. સેન્સેક્સમાં અદાણી પોર્ટ્સ ૧.૬ ટકા, TCS ૧.૮ ટકા, હિન્દુસ્તાન યુનિલીવર ૧.૪ ટકા, નેસ્લે એક ટકા, બજાજ ફીનસર્વ ૧.૨ ટકા, ICICI બૅન્ક પોણો ટકો ડાઉન હતા. નિફ્ટી ખાતે આ ઉપરાંત અન્યમાં અદાણી એન્ટર સવા ટકો, JSW સ્ટીલ ૧.૩ ટકા, અપોલો હૉસ્પિટલ્સ એક ટકા, HDFC લાઇફ એક ટકો ઘટ્યા છે. ઇન્ફીના જૂન ક્વૉર્ટરનાં પરિણામ ૨૩ જુલાઈએ આવશે. શૅર ગઈ કાલે અડધો ટકો નરમ હતો.

ઇલેક્ટ્રૉનિકસ માર્ટ ઇન્ડિયા ૩૫ ગણા વૉલ્યુમે ૧૮.૮ ટકાની તેજીમાં ‘એ’ ગ્રુપ ખાતે બેસ્ટ ગેઇનર બની છે. ઝાયડ્સ વેલનેસમાં પીઈ ફર્મ ટ્રુ નૉર્થ દ્વારા સવાસાત ટકાનું સમગ્ર હોલ્ડિંગ વેચીને એક્ઝિટ લેવાઈ છે. આ માલ પરાગ પરીખ ફાઇનૅન્શ્યલ ઍડ્વાઇઝરી સર્વિસિસે લીધો હોવાનું બહાર આવતાં ભાવ ઉપરમાં ૨૧૫૬ વટાવી પાંચ ટકા કે ૯૬ રૂપિયા ઊચકાઈ ૨૦૪૨ બંધ થયો છે. ઓરિયેન્ટ સિમેન્ટ્સ જેમાં ટેકઓવર પૂરું થતાં હવે એ અદાણી ગ્રુપની કંપની બનવાની છે, એમાં ચાર્ટિસ્ટો તરફથી નબળાઈના સંકેત વહેતા થતાં ભાવ પાંચ વર્ષના મોટા કડાકામાં નીચામાં ૨૪૮ થઈ ૧૬.૬ ટકા તૂટીને ૨૫૪ બંધ રહ્યો છે. હિન્દુસ્તાન ઝિન્કમાં પેરન્ટ્સ વેદાન્ત તરફથી આશરે પોણાબે ટકા હોલ્ડિંગ બ્લૉકડીલ મારફત વેચી ૩૦૨૮ કરોડ ઊભા કરવામાં આવતાં ભાવ નીચામાં ૪૫૧ થઈ સાતેક ટકા ખરડાઈ ૪૫૩ બંધ આવ્યો છે. સ્ટરલાઇટ ટેક્નૉલૉજી તાજેતરની રૅલી બાદ પ્રૉફિટ બુકિંગમાં સવાછ ટકા ઘટી ૧૦૫ હતી. આરઝેડ ગ્રુપની ઇન્વેન્ચર્સ નૉલેજ સૉલ્યુશન્સ આઠ ટકા કે ૧૫૦ રૂપિયા બગડીને ૧૭૦૪ થઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

20 June, 2025 06:57 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK