Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > મધ્યપૂર્વની વકરતી અશાંતિને અવગણી શૅરબજાર વધ્યું, આઇટી શૅર ઝમકમાં

મધ્યપૂર્વની વકરતી અશાંતિને અવગણી શૅરબજાર વધ્યું, આઇટી શૅર ઝમકમાં

Published : 17 June, 2025 07:46 AM | Modified : 19 June, 2025 06:53 AM | IST | Mumbai
Anil Patel

આજે ઍપેલટોન એન્જિનિયર્સ ૧૨૮ના ભાવથી મૂડીબજારમાં, ગ્રે માર્કેટમાં ખાસ્સી ફૅન્સી : સારા બજારમાં BSE લિમિટેડ સતત ચોથા દિવસે નરમ, MCX ૨૭૦ રૂપિયા વધ્યો

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માર્કેટ મૂડ

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર


સચિરોમનું ધારણાથી દમદાર લિસ્ટિંગ, મૉનોલિથિક ઇન્ડિયાનો ૮૨ કરોડનો SME ઇશ્યુ ૧૮૩ ગણા પ્રતિસાદ સાથે પૂરો થયો : આજે ઍપેલટોન એન્જિનિયર્સ ૧૨૮ના ભાવથી મૂડીબજારમાં, ગ્રે માર્કેટમાં ખાસ્સી ફૅન્સી : સારા બજારમાં BSE લિમિટેડ સતત ચોથા દિવસે નરમ, MCX ૨૭૦ રૂપિયા વધ્યો : સ્પાઇસ જેટ સારાં પરિણામ પાછળ મજબૂત ખૂલી પછીથી બગડ્યો : બજાજ ગ્રુપની ઇન્ડેફ મૅન્યુફૅક્ચરિંગ ઑલટાઇમ હાઈ બતાવી પાછી પડી : ઝૉડિઍક જેઆરડી મકનજીમાં ૧૦ ટકાની મંદની સર્કિટ લાગી

ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો જંગ વકરવા માંડ્યો છે. યુદ્ધનો વ્યાપ વધે તો તનાવ વૈશ્વિક સ્તરે ભારે ઊથલપાથલ પેદા કરશે. ગૌતમ બાબુનું NDTV પ્રોફ્ટ કહે છે કે ઈરાન-ઇઝરાયલ સાથે ભારતનો ટ્રેડ ખાસ નથી એટલે આપણને એની બહુ અસર થવાની નથી. આ બબૂચક વિશ્લેષકોને કોઈ સમજાવો કે વૉરની સાથે જ ક્રૂડમાં જે ભડકો શરૂ થયો છે એની આગ સમસ્ત અર્થતંત્રને દઝાડશે. ક્રૂડ વધવાની સાથે ડૉલર સામે રૂપિયો ભીંસમાં આવશે. એ એક બીજું પ્રતિકૂળ ફૅક્ટર બનશે. વિશ્વબજારોમાં નવા સપ્તાહનો આરંભ આંશિક સુધારા સાથે થયો છે. એશિયા ખાતે સાઉથ કોરિયા પોણાબે ટકા, જપાન સવા ટકો, હૉન્ગકૉન્ગ પોણો ટકો અને ચાઇના સાધારણ પ્લસ હતું. સામે થાઇલૅન્ડ અને ઇન્ડોનેશિયા પોણા ટકા નજીક તથા તાઇવાન અને સિંગાપોર નહીંવત્ નરમ હતાં. પાકિસ્તાની શૅરબજાર ૧,૨૨,૧૪૩ના આગલા બંધ સામે ૧,૨૨,૯૦૩ વટાવી રનિંગમાં ૧૫૬ પૉઇન્ટ સુધરી ૧,૨૨,૩૦૦ દેખાયું છે. યુરોપ અડધાથી એકાદ ટકો અપ હતું. બિટકૉઇન સવા ટકાના સુધારે ૧,૦૭,૦૫૪ ડૉલર ચાલતો હતો.



સેન્સેક્સ આગલા બંધથી ૮૪ પૉઇન્ટની કમજોરીમાં ૮૧,૦૩૪ ખૂલી ૬૭૭ પૉઇન્ટના સુધારામાં ૮૧,૭૯૬ બંધ થયો છે. નિફ્ટી ૨૨૮ પૉઇન્ટના બાઉન્સબૅકમાં ૨૪,૯૪૬ રહ્યો છે. શૅરઆંક નીચામાં ૮૧,૦૧૨ અને ઉપરમાં ૮૧,૮૬૬ થયો હતો. સેન્સેક્સ-નિફ્ટીના ૦.૯ ટકાના સુધારા સામે આઇટી ઇન્ડેક્સ તાજેતરની રૅલી આગળ ધપાવતાં દોઢ ટકો વધ્યો છે. ટેક્નૉલૉજી, રિયલ્ટી, ઑઇલ-ગૅસ, નિફ્ટી મેટલ સવા ટકા તથા ફાઇનૅન્સ, ટેલિકૉમ, કૅપિટલ ગુડ્સ પોણાથી એકાદ ટકા આસપાસ પ્લસ હતા. ડિફેન્સ બેન્ચમાર્ક પોણો ટકો સુધર્યો છે. રસાકસીની માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૪૮૩ શૅરની સામે ૧૪૪૮ જાતો માઇનસ હતી. બજારનું માર્કેટકૅપ ૩.૨૮ લાખ કરોડ વધીને ૪૫૦.૪૯ લાખ કરોડ રૂપિયા થયું છે.


પ્રાઇમરી માર્કેટમાં નવી દિલ્હીની સચિરોમ લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૧૦૨ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં છેલ્લે બોલાતા ૨૪ના પ્રીમિયમ સામે ૧૫૩ ખૂલી પાંચ ટકાની ઉપલી સર્કિટ સાથે ૧૬૧ નજીક જઈ ત્યાં જ બંધ થતાં અત્રે ૫૭.૫ ટકાનો દમદાર લિસ્ટિંગ ગેઇન છુટ્યો છે. જૈનિક પાવરનો શૅરદીઠ ૧૧૦ના ભાવનો ૫૧૩૦ લાખનો SME IPO આજે, મંગળવારે લિસ્ટેડ થશે. પુણેની પાટીલ ઑટોમેશનનો શૅરદીઠ ૧૨૦ના ભાવનો ૬૯૬૧ લાખનો NSE SME ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે કુલ ૭૧ ટકા ભરાયો છે. હાલ બાવીસ રૂપિયા પ્રીમિયમ બોલાય છે. ચેન્નઈની સમય પ્રોજેક્ટ સર્વિસિસનો ૧૦ના શૅરદીઠ ૩૪ના ભાવનો ૧૪૬૯ લાખનો નાનકડો SME IPO પ્રથમ દિવસે ૧.૪ ગણો ભરાયો છે. કલકત્તાની મૉનોલિથિક ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૧૪૩ના ભાવનો ૮૨૦૨ લાખનો SME ઇશ્યુ આખરી દિવસે કુલ ૧૮૩ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. પ્રીમિયમ ૪૬ની આસપાસ બોલાય છે. મંગળવારે બંધ થનારા મેઇન બોર્ડના ઓસવાલ પમ્પ્સના એકના શૅરદીઠ ૬૧૪ના ભાવના ૧૩૮૭ કરોડના ભરણાને અત્યાર સુધીમાં કુલ ૧.૭ ગણો પ્રતિસાદ મળ્યો છે. પ્રિમિયમ ૬૦ જેવું છે. અમદાવાદી અટેન પેપર્સનું ભરણું કુલ ૯૩ ટકા ભરાયું છે. ગ્રે માર્કેટમાં ૧૦થી શરૂ થયેલું પ્રીમિયમ ટકેલું છે. મંગળવારે SMEમાં નવી દિલ્હીની ઍપેલટોન એન્જિનિયર્સ ૧૦ના શૅરદીઠ ૧૨૮ના ભાવથી ૪૩૯૬ લાખ રૂપિયાનો NSE SME IPO કરવાની છે. ગ્રે માર્કેટમાં તેની ફેન્સી છે. ૩૦થી શરૂ થયેલું પ્રીમિયમ વધીને અત્યારે ૬૩ થયું છે.

ભારત ઇલેક્ટ્રિક નવા બેસ્ટ લેવલ સાથે નિફ્ટીમાં ટૉપ ગેઇનર બની


નિફ્ટી ખાતે ૫૦માંથી વધેલા ૪૬ શૅરમાં ભારત ઇલેક્ટ્રિક ૪૦૪ ઉપર ઑલટાઇમ ટૉપ બનાવી અઢી ટકાની મજબૂતીમાં ૪૦૪ નજીક બંધ આપી બેસ્ટ ગેઇનર બની છે. સેન્સેક્સમાં ૩૦માંથી વધેલા ૨૭ શૅરમાં અલ્ટ્રાટેક સિમેન્ટ્સ ૨૬૮ રૂપિયા, ૨.૪ ટકા ઊંચકાઈ ૧૧,૪૮૯ના બંધમાં મોખરે હતી. ટેક મહિન્દ્ર સુધારાની ચાલ પકડી રાખતાં સવાબે ટકા વધીને ૧૬૯૬ વટાવી ગઈ છે. HCL ટેક્નૉ પોણાબે ટકા, TCS દોઢ ટકા અને ઇન્ફી સવા ટકો મજબૂત હતી. આ ચાર આઇટી શૅરબજારને કુલ ૧૫૩ પૉઇન્ટ લાભદાયી નીવડ્યા છે. HDFC બૅન્ક એક ટકા નજીકના સુધારામાં ૧૯૩૫ બંધ આપી બજારને સર્વાધિક ૧૧૬ પૉઇન્ટ ફળી હતી. ICICI બૅન્કના પોણા ટકાના સુધારાથી એમાં બીજા ૬૬ પૉઇન્ટનો ઉમેરો થયો હતો. રિલાયન્સ અડધા ટકાથી વધુના સુધારે ૧૪૩૭ હતી. અન્યમાં એટર્નલ અને એશિયન પેઇન્ટ્સ સવા ટકા આસપાસ, તાતા સ્ટીલ સવા ટકો, કોટક બૅન્ક સવા ટકો, SBI લાઇફ ૨.૪ ટકા, HDFC લાઇફ ૨.૩ ટકા, ONGC બે ટકા, અપોલો હૉસ્પિટલ્સ અને JSW સ્ટીલ ૧.૭ ટકા, ટ્રેન્ટ અને ગ્રાસિમ દોઢ ટકો, સિપ્લા તથા અદાણી એન્ટરપ્રાઇઝ ૧.૪ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ૧.૩ ટકા, હિન્દાલ્કો સવા ટકો અપ હતી. લાર્સન, ભારતી ઍરટેલ, આઇટીસી, વિપ્રો, મારુતિ સુઝુકી એક ટકા આસપાસ વધીને બંધ થઈ છે. ચાલુ વર્ષમાં તાતા મોટર્સની બ્રિટિશ સબસિડિયરી જગુઆર લૅન્ડ રોવરનો કૅશ ફ્લો નબળો રહેવાના વરતારામાં તાતા મોટર્સ સવાબે ગણા વૉલ્યુમે નીચામાં ૬૭૨ થઈ સાડાત્રણ ટકા ખરડાઈ ૬૮૭ નજીકના બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ લૂઝર હતી. ડૉ. રેડ્ડીઝ લૅબ એક ટકાથી વધુ કટ થઈ છે.

BSE લિમિટેડ સારા બજારમાં પણ સતત ૪થા દિવસની નરમાઈમાં અડધો ટકો ઘટી ૨૬૯૭ હતી. MCX ૨૭૦ રૂપિયા કે સાડાત્રણ ટકા તથા CDSL ૧.૪ ટકા વધી છે. નબળાઈની હૅટ-ટ્રિક બાદ ઇન્ડિયન એનર્જી એક્સ. દોઢ ટકો સુધરી ૧૯૦ રહી છે. બજાજ ફાઇનૅન્સ એક્સ-બોનસ તથા એક્સ-સ્પ્લિટ થતાં ઉપરમાં ૯૫૭ વટાવી છેલ્લે અડધો ટકો વધી ૯૩૮ નજીક બંધ રહી છે. કૅપિટલ ટ્રસ્ટ ૧૪ શૅરદીઠ પાંચના રાઇટમાં ૧૮ જૂને એક્સ-રાઇટ થશે. ભાવ પોણાબે ટકા ઘટી ૯૫ બંધ થયો છે. બાયબૅક માટે બોર્ડ મીટિંગના આઉટકમ પૂર્વે તાન્લા પ્લૅટફૉર્મ ઉપરમાં ૬૭૯ બતાવી સવા ટકાના ઘટાડે ૬૫૭ બંધ આવી છે.

લૉઇડ્સ એન્જિનિયરિંગના પાર્ટ પેઇડ શૅરમાં ૧૩ ટકાનો કડાકો

સ્ટરલાઇટ ટેક્નૉલૉજીસ તરફથી અદ્યતન ડેટા સેન્ટર્સ સૉલ્યુશન્સ લૉન્ચ કરવાની જાહેરાત આવતાં શૅર ૧૭ ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૦૦ વટાવી છેવટે ૧૯.૩ ટકા ઊછળી ૯૯ ઉપર બંધ રહ્યો છે. આ વર્ષે ૭ એપ્રિલના રોજ અહીં ૫૪ નીચે ઐતિહાસિક બૉટમ બની હતી. ગૅસ ડિસ્ટ્રિબ્યુટર્સ કંપનીમાં ઇન્દ્રપ્રસ્થ ગૅસ પોણાસાત ટકા, મહાનગર ગૅસ સવાત્રણ ટકા તથા ગુજરાત ગૅસ ૧.૯ ટકા વધ્યા છે. આઇટી ઇન્ડેક્સના ૫૯માંથી વધેલા ૩૬ શૅરમાં ડાયનાકોન્સ સિસ્ટમ્સ બે વાગ્યા પછીની લાવ-લાવમાં પાંચેક ગણા વૉલ્યુમે આઠ ટકાના જમ્પમાં ૧૧૪૧ બંધ આપી ટૉપ ગેઇનર હતી. કન્ટ્રોલ પ્રિન્ટ, ન્યુજેન તથા ક્વિકહીલ છથી સાડાછ ટકા તો નેલ્કો પાંચ ટકા મજબૂત હતી.

બૅન્ક નિફ્ટી ૧૨માંથી એકમાત્ર કૅનેરા બૅન્કના નામજોગ ઘટાડાને બાદ કરતાં ૧૧ શૅરના સથવારે પોણો ટકો વધી ૫૫,૯૪૫ બંધ થયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટીના ૧૨માંથી ૯ શૅર વધવા છતાં એ માંડ ૦.૩ ટકા જ સુધર્યો છે, કેમ કે અત્રે ઇન્ડિયન બૅન્ક, બૅન્ક ઑફ બરોડા તથા યુનિયન બૅન્કના અડધાથી સવા ટકાના સુધારાને બાદ કરતાં બાકીની જાતો સાવ સાધારણ પ્લસ હતી. બૅન્કિંગ સેક્ટરના કુલ ૪૧માંથી ૧૭ શૅર ડાઉન હતા. સાઉથ ઇન્ડિયન બૅન્ક, ડીસીબી બૅન્ક, આરબીએલ બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, કૅપિટલ સ્મૉલ બૅન્ક, ઇક્વિટાસ બૅન્ક સવાથી પોણાબે ટકા ખરડાઈ હતી. ફીનો પેમેન્ટ બૅન્ક બે ટકા, એયુ બૅન્ક ૧.૮ ટકા, બંધન બૅન્ક પોણાબે ટકા વધી છે.

લૉઇડ્સ એન્જિનિયરિંગનો પાર્ટ પેઇડ શૅર ઉપરમાં ૪૨ અને નીચામાં ૩૭.૫૦ થઈ ૧૩ ટકાની ખરાબીમાં ૩૯.૪૧ બંધ થયો છે. જ્યારે ફુલ્લી પેઇડ શૅર પોણાત્રણ ટકાના ઘટાડે ૫૯.૫૨ હતો. હેટસન ઍગ્રો દોઢા વૉલ્યુમે પોણાચાર ટકા બગડી ૯૪૭ રહી છે. જ્વેલરી કંપની ઝોડિઍક જેઆરડી મકનજી ૯ જૂને ૪૩થી ઝડપી ઊછળી શુક્રવારે ૨૦ ટકાની તેજીમાં ૭૩ બંધ થયા બાદ ગઈ કાલે ૧૦ ટકાની સુધારેલી સર્કિટમાં મંદીની સર્કિટ મારી ૬૬ નીચે ગયો છે.

વર્ષના મોટા જમ્પમાં સુબ્રોસ ૨૦ ટકાની સર્કિટ મારીને નવા શિખરે

સ્પાઇસ જેટ દ્વારા માર્ચ ક્વૉર્ટરમાં ૧૭૪ ટકાના વધારામાં ૩૨૫ કરોડ જેવો નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. આ સાથે કંપની સાત વર્ષમાં પ્રથમ વાર વાર્ષિક ધોરણે નફામાં આવી ૪૮ કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. આના પગલે પ્રારંભિક મજબૂતીમાં ભાવ ૪૬ થયો હતો જે પાછળથી ટકી શક્યો નથી. શૅર સવાબે ટકા ઘટી ૪૩ નીચે બંધ રહ્યો છે. ઇન્ડિગો સવા ટકો નજીક વધુ નરમ થઈ છે. બજાજ ગ્રુપની ૬૯.૬ ટકા માલિકીની ઇન્ડેફ મૅન્યુફૅક્ચરિંગ ૪૮૦ની ઑલટાઇમ હાઈ બનાવી સવા ટકાની પીછેહઠમાં ૪૪૩ થઈ છે. ફેસવૅલ્યુ એક રૂપિયાની છે. ભાવ ૯ મેએ ૨૦૨ના તળિયે હતો. હરક્યુલસ હોઇસ્ટના મૅન્યુફૅક્ચરિંગ ડિવિઝનના ડીમર્જરથી અસ્તિત્વમાં આવેલી આ કંપનીનું લિસ્ટિંગ બાવીસમી ફેબ્રુઆરીના રોજ થયું હતું.

સુબ્રોસ લિમિટેડ વર્ષના મોટા જમ્પમાં ૮ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૯૯૭ના બેસ્ટ લેવલે બંધ થઈ છે. રેલવે તરફથી સુરક્ષા ડિવાઇસિસ કવચ માટેનો ઑર્ડર મળતાં હૈદરાબાદી કંપની HBL એન્જિનિયરિંગ ૪ ગણા વૉલ્યુમે ૬૨૦ થઈ પોણાત્રણ ટકા વધી ૬૦૬ બંધ રહી છે. ફેસવૅલ્યુ એકની છે. સામે બુકવૅલ્યુ ૫૦ નજીક છે. પાંચ વર્ષ પૂર્વે ભાવ ૧૧ રૂપિયા હતો જ્યારે ૧૬ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ અત્રે ૭૩૮ની ઑલટાઇમ ટૉપ બની હતી.

Whatsapp-channel Whatsapp-channel

19 June, 2025 06:53 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK