Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મોડા અને નબળા મૉન્સૂનના વરતારા પાછળ બજારમાં પ્રૉફિટ બુકિંગ જારી, સેન્સેક્સ વધુ ૩૭૨ પૉઇન્ટ ઢીલો થયો

મોડા અને નબળા મૉન્સૂનના વરતારા પાછળ બજારમાં પ્રૉફિટ બુકિંગ જારી, સેન્સેક્સ વધુ ૩૭૨ પૉઇન્ટ ઢીલો થયો

18 May, 2023 02:22 PM IST | Mumbai
Anil Patel

શૅરદીઠ ૧૨૨૯ની વિક્રમી ઇશ્યુ પ્રાઇસવાળો અમદાવાદી રેમસ ફાર્માનો એસએમઈ ઇશ્યુ પ્રથમ દિવસે જ દોઢ ગણો ભરાઈ ગયો : માર્કેટ બ્રેડ્થ વધુ નબળી પડી 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


પરિણામની પૂર્વસંધ્યાએ આઇટીસીમાં સુધારો, સ્ટેટ બૅન્ક ફ્લૅટ : નફામાં મોટો વધારો થવા છતાં ભારતી ઍરટેલ જોઈએ એવો રણક્યો નહીં, અદાણી ગ્રુપમાં ફન્ડ રેઇઝિંગનું પ્રેશર : આરઝેડના હોલ્ડિંગવાળી કરુર વૈશ્ય બૅન્ક વૉલ્યુમ સાથે તેજીમાં, અબાન હોલ્ડિંગ્સ નવા બેસ્ટ લેવલે : તગડા નફાના પગલે ક્રેડિટ એક્સેસ ઑલટાઇમ હાઈ થયો, અંબર એન્ટર.માં ૨૯૭ રૂપિયાનો ઉછાળો : શૅરદીઠ ૧૨૨૯ની વિક્રમી ઇશ્યુ પ્રાઇસવાળો અમદાવાદી રેમસ ફાર્માનો એસએમઈ ઇશ્યુ પ્રથમ દિવસે જ દોઢ ગણો ભરાઈ ગયો : માર્કેટ બ્રેડ્થ વધુ નબળી પડી 

ચાઇના ખાતે આર્થિક ડેટા નબળા આવ્યા છે. ઔદ્યોગિક ઉત્પાદન ૫.૬ ટકાના દરે વધ્યું છે, એકંદર ધારણા ૧૦.૯ ટકાની હતી. વિશ્વની સેકન્ડ લાર્જેસ્ટ ઇકૉનૉમીની રિકવરી વિશે જાગેલો આશાવાદ હવે મોળો પડવા માડ્યો છે. ડૉલર સામે યુઆન ઘટીને સાતના લેવલને વટાવી ગયો છે. ડૉલર સામે ચાઇનીઝ કરન્સીની આ નબળાઈ ભારતીય નિકાસ માટે એક વધુ પડકાર બનશે. આપણા માટે એક બીજા માઠા સમાચાર એ છે કે હવામાન ખાતાએ આ વર્ષે ચોમાસું થોડુંક મોડું અને જરાક નબળું રહેવાની નવી આગાહી કરી છે. અગાઉ ખાનગી એજન્સી સ્કાયમેટ તરફથી મૉન્સૂન કમજોર રહેવાનો વરતારો આવ્યો ત્યારે સરકારી હવામાન ખાતાએ વળતા દિવસે જ ચોમાસું રાબેતા મુજબનું, સારું હશે એવી આગાહી કરી હતી. હવે એણે યુ-ટર્ન લીધો છે. આપણું હવામાન ખાતું છે દોસ્ત. મંગળવારની મોડી રાત્રે અમેરિકન ડાઉ એક ટકો ઘટીને બંધ આવ્યા પછી અગ્રણી એશિયન બજારોનો બુધવાર બગડ્યો છે. હૉન્ગકૉન્ગ ૨.૧ ટકા, સિંગાપોર સવા ટકા, થાઇલૅન્ડ એક ટકાથી વધુ તો ચાઇના સાધારણ ઘટ્યું છે. સામે તાઇવાન દોઢ ટકો મજબૂત હતું. જૅપનીઝ નિક્કી ૩૦,૧૧૫ની પોણાતેત્રીસ વર્ષની નવી ટૉપ બનાવી પોણા ટકાની આગેકૂચમાં ૩૦,૦૯૩ બંધ થયો છે. સાઉથ કોરિયન કોસ્પી અડધો ટકો અપ હતો. યુરોપ રનિંગમાં પૉઝિટિવ બાયસમાં દેખાતું હતું. ચાઇનીઝ ગ્રોથની ફિકરમાં બ્રેન્ટ ક્રૂડ ઘટીને ૭૪ ડૉલરની આસપાસ આવી ગયું છે. કૉપર, ઝિન્ક અને ટીન વાયદા પોણા બે-બે ટકા ઘટ્યા છે.



ઘરઆંગણે સેન્સેક્સ ફ્લૅટ ખૂલી સીધો રેડ ઝોનમાં સરકી ગયો હતો. બજાર નીચામાં ૬૧,૩૪૦ થઈ છેલ્લે ૩૭૨ પૉઇન્ટની વધુ નરમાઈમાં ૬૧,૫૬૧ બંધ રહ્યું છે. નિફ્ટી ૧૦૫ પૉઇન્ટના ઘટાડે ૧૮,૧૮૨ હતો. બન્ને બજારો ખાતે લગભગ તમામ સેક્ટોરલ માઇનસમાં ગયાં છે. સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૯૬૯માંથી ૪૬૨ શૅરના સુધારામાં ૭૫ પૉઇન્ટ મામૂલી વધ્યો છે. નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ ૨.૧ ટકા, નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ સવા ટકો, મેટલ, આઇટી, પાવર યુટિલિટી, નિફ્ટી ફાઇ. સર્વિસિસ જેવા આંક પોણાથી એક ટકો કટ થયા છે. અમદાવાદી રેમસ ફાર્માસ્યુટિકલ્સ ૧૦ના શૅરદીઠ ૧૨૨૯ રૂપિયાની અપર બેન્ડમાં વિક્રમી ભાવથી ૪૭૬૯ લાખ રૂપિયાનો એનએસઈ એસએમઈ ઈશ્યુ લઈ બુધવારે મૂડીબજારમાં આવી છે. ભરણું પ્રથમ દિવસે ક્યુઆઇબીમાં શૂન્ય, હાઈ નેટવર્થમાં ૨.૮ ગણો અને રીટેલમાં ૨.૮ ગણા પ્રતિસાદ સાથે કુલ ૧.૪ ગણો ભરાઈ ગયો છે. ઑટો તથા એફએમસીજી ઇન્ડેક્સ નહીંવત્ પ્લસમાં બંધ રહ્યા છે.


અદાણી ટોટલ સતત ત્રીજા દિવસે નીચલી સર્કિટમાં બંધ થયો 

સેન્સેક્સના ૩૦માંથી ૨૩ અને નિફ્ટીના ૫૦માંથી ૩૫ શૅર ઘટ્યા છે. કોટક મહિન્દ્ર બૅન્ક ૧.૮ ટકા ગગડી ૧૯૧૦ બંધ આપી વર્સ્ટ પર્ફોર્મર બની છે. વિપ્રો, તાતા મોટર્સ, તાતા સ્ટીલ, બજાજ ફાઇનૅન્સ, ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ ટેક્નૉલૉજી, એશિયન પેઇન્ટ્સ, આઇસીઆઇસીઆઇ બૅન્ક પોણાથી દોઢ ટકા ડાઉન હતા. નિફ્ટી ખાતે આ ઉપરાંત અપોલો હૉસ્પિટલ્સ ૧.૬ ટકા, એસબીઆઇ લાઇફ દોઢ ટકા, તાતા કન્ઝ્યુમર એક ટકા, હિન્દાલ્કો ૧.૨ ટકા નરમ હતા. રિલાયન્સ સરેરાશ કરતાં બમણા કામકાજમાં નીચામાં ૨૪૨૯ થઈ અડધો ટકો ઘટી ૨૩૩૯ બંધ આવ્યો છે. ઇન્ડસઇન્ડ બૅન્ક સવા ટકો વધી ૧૨૩૬ થઈ છે. પરિણામની પૂર્વસંધ્યાએ આઇટીસી ૦.૯ ટકા સુધરીને ૪૨૮ થયો છે. ભારતી ઍરટેલ ધારણા કરતાં બહેતર નફા પછી પણ માત્ર ૦.૭ ટકા પ્લસ હતો. નિફ્ટી ખાતે હીરો મોટોકૉર્પ ૧.૪ ટકા વધી ૨૭૨૩ થયો છે. ભારત પેટ્રો પોણો ટકો વધ્યો છે. અદાણી ગ્રુપની અદાણી ટોટલ પાંચ ટકાની નીચલી સર્કિટની હૅટ-ટ્રિકમાં ૭૦૨ની અંદર જઈ ત્યાં જ બંધ હતો. અદાણી પાવર ૦.૯ ટકા, અદાણી ટ્રાન્સમિશન ૨.૮ ટકા, એસીસી દોઢ ટકા અને એનડીટીવી ૧.૭ ટકા ડાઉન હતા. અંબુજા સિમેન્ટ ૧.૪ ટકા, અદાણી વિલ્મર ૦.૭ ટકા અને અદાણી એન્ટર. ૦.૬ ટકા વધ્યા છે. 


અંબર એન્ટર. પરિણામના જોરમાં ૧૭ ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૨૨૫ બતાવી ૧૫.૮ ટકા કે ૨૯૭ રૂપિયાની તેજીમાં ૨૧૭૮ બંધ આપી ‘એ’ ગ્રુપ ખાતે ઝળકી હતી. ગ્લોબસ સ્પિરિટ્સ પણ વૉલ્યુમ સાથે ૧૦.૩ ટકા ઊંચકાઈ ૯૭૧ થયો છે. થીરૂમલાઈ કેમિકલ્સ નબળાં પરિણામ આવતાં ૨૦૫ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૧૮૬ થઈ ૬ ટકાની ખરાબીમાં ૧૯૦ બંધ આવ્યો છે.

એલઆઇસી હાઉસિંગ ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ લૂઝર બની, ઇક્વિટાસ બૅન્ક નવી ટોચે 

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૭ શૅરના ઘટાડે ૨૦૫ પૉઇન્ટ કે અડધો ટકો નરમ હતો. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૮ શૅરની નરમાઈ વચ્ચે સામાન્ય ઘટ્યો છે. બૅન્કિંગના ૩૭માંથી ૨૧ શૅર નરમ હતા. યુકો બૅન્ક, પંજાબ સિંઘ બૅન્ક, બંધન બૅન્ક, યસ બૅન્ક, ફીનો પેમેન્ટ બૅન્ક નામપૂરતી વધઘટે બંધ થયા છે. સ્ટેટ બૅન્કનાં પરિણામ ગુરુવારે છે. બ્રોકરેજ હાઉસવાળા ૬૮ ટકાનો નફામાં વધારો થવાની ધારણા રાખે છે. શૅર ૫૮૬ના લેવલે ફ્લૅટ રહ્યો છે. રેખા ઝુનઝુનવાલાનું સાડાચાર ટકા હોલ્ડિંગ છે એ કરુર વૈશ્ય બૅન્ક સારાં રિઝલ્ટમાં ૧૩ ગણા કામકાજે સાડાસાત ટકાની મજબૂતીમાં ૧૦૫ વટાવી ગઈ છે. આઇડીબીઆઇ બૅન્ક સવાછ ટકા, સૂર્યોદય બૅન્ક પોણાપાંચ ટકા, કર્ણાટકા બૅન્ક દોઢ ટકો પ્લસ હતા. ઇક્વિટાસ બૅન્ક ૮૨ ઉપર નવી ટૉપ બનાવી ૪.૬ ટકા ઊંચકાઈ ૮૨ નજીક પહોંચી છે. ઇન્ડિયન બૅન્ક બે ટકા, ઉજ્જીવન બૅન્ક ૧.૪ ટકા, જેકે બૅન્ક ૧.૩ ટકા, સાઉથ ઇન્ડિયન બૅન્ક બે ટકા તથા આરબીએલ બૅન્ક ૩.૩ ટકા માઇનસ હતા. એચડીએફસી બૅન્ક અડધો ટકો અને આઇસીઆઇસીઆઇ બૅન્ક પોણો ટકો નરમ હતી.

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૮૧ શૅરના ઘટાડામાં અડધા ટકાથી વધુ ઢીલો હતો. નિસ્તેજ પરિણામ પાછળ એલઆઇસી હાઉસિંગ ૮ ગણા કામકાજે સવાછ ટકા તૂટી ૩૭૦ના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ લૂઝર હતો. અભાન હોલ્ડિંગ્સ ૩૦૪ના બેસ્ટ લેવલે જઈ ૧૪ ટકાના ઉછાળે ૨૯૯ વટાવી ગયો છે. ક્રેડિટ એક્સેસ ૮૬ ટકાની નફા વૃદ્ધિ સાથે ૧૨૧૨ની વિક્રમી સપાટી બનાવી ૭.૮ ટકા ઊંચકાઈ ૧૧૭૨ રહ્યો છે. મેક્સ વેન્ચર્સ ૭.૬ ટકા અને આઇઆઇએફએલ છ ટકા વધ્યા છે. એલઆઇસી અડધો ટકો તો પૉલિસી બાઝાર ૧.૪ ટકા પ્લસ હતા. 

આઇટીમાં નરમાઈ વચ્ચે તાન્લા પ્લૅટફૉર્મ ૧૨ ટકાની તેજીમાં બંધ 

આઇટી ઇન્ડેક્સ ૫૯માંથી ૨૬ શૅરના સુધારા વચ્ચે ૨૨૨ પૉઇન્ટ કે પોણો ટકો ઘટ્યો છે, પણ તાન્લા પ્લૅટફૉર્મ ૨૦ ગણા કામકાજે બાર ટકાની તેજીમાં ૭૫૪ થયો છે. ઓરિયન પ્રો ૧૦ ટકા, એચસીએલ ઇન્ફો ૬ ટકા, બ્રાઇટકૉમ ૫ ટકા અને સીઅન્ટ ૪.૫ ટકા મજબૂત હતા. ફ્રન્ટલાઇનમાં ઇન્ફી સવા ટકો, ટીસીએસ તથા એચસીએલ ટૅક્નૉ દોઢ-દોઢ ટકા, વિપ્રો ૧.૨ ટકા, ટેક મહિન્દ્ર સાધારણ નરમ હતા. ટેલિકૉમ ક્ષેત્રે ઑન મોબાઇલ સવાચાર ટકા, વોડાફોન પોણાચાર ટકા અને ઇન્ડ્સ ટાવર બે ટકા નરમ હતા. ઑપ્ટિમસ સાડાપાંચ ટકા ઊછળી ૧૭૩ થયો છે. રેલટેલ, આઇટીઆઇ અને વિન્દય ટેલિ એકથી દોઢ ટકો પ્લસ હતા. પીવીઆર આઇનોક્સ ૧૩૩૬ની ઐતિહાસિક બૉટમ બનાવી ૪.૮ ટકા તૂટી ૧૩૬૭ રહ્યો છે. સનટીવી, ઝી એન્ટર, એચએફસીએલ, ટીવી-૧૮ એકથી બે ટકા માઇનસ હતા. 

નબળા દેખાવમાં ઑબેરૉય રિયલ્ટી સવાછ ટકા તરડાઈને ૯૧૫ થતાં રિયલ્ટી ઇન્ડેક્સ સવા ટકો નરમ હતો. ફિનિક્સ, મહિન્દ્ર લાઇફ, ઇન્ડિયા બુલ્સ રિયલ્ટી અને પ્રેસ્ટિજ એસ્ટેટ એકથી અઢી ટકા ડાઉન હતા. આઇટીસીનો સુધારો એફએમસીજી આંકને પૉઝિટિવ ઝોનમાં લઈ ગયો છે. હિન્દુ. યુનિલીવર અડધો ટકો ઘટ્યો છે. બિકાજી ફૂડ્સનાં રિઝલ્ટ ૨૩મીએ છે. ભાવ પાંચેક ટકા ઊંચકાઈ ૩૮૮ લથડી ૫૩૨ રહી છે. સાથે જેએસડબ્લ્યુ સ્ટીલ, હિન્દાલ્કો, તાતા સ્ટીલ અને સેઇલ એક-દોઢ ટકો ઘટતાં મેટલ ઇન્ડેક્સ એક ટકો માઇનસ હતો. મિનરલ્સ સેગમેન્ટમાં જીએમડીસી ૮.૬ ટકાની તેજીમાં ૧૬૭ વટાવી ગઈ છે. ગોવા કાર્બન પોણાનવ ટકાના કડાકામાં ૪૮૩ હતો. 

ખોટમાં તગડો વધારો થતાં વી-માર્ટ રીટેલ નવા તળિયે પહોંચી ગયો

નવેમ્બર ૨૨માં શૅરદીઠ ૫૮૭ના ભાવે ઇશ્યુ લાવનારી ડાયનેસ ટેક્નૉલૉજીઝે બમણા નફા સાથે દમદાર રિઝલ્ટ આપતાં શૅર ૧૧ ગણા કામકાજે ૧૧૯૦ની વિક્રમી સપાટી બનાવી ૧૭ ટકાના જમ્પમાં ૧૧૬૬ બંધ હતો. ઓરો લૅબોરેટરીઝ પરિણામના જોરમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૮૧ વટાવી ગયો છે. આ ઉપરાંત લેબલ ક્રાફ્ટ, રેટિના પેઇન્ટ્સ, શ્રી સ્ટીલ વાયર રોપ્સ, ટ્રાન્સવોય લૉજિસ્ટિક્સ, ડેક્કન હેલ્થકૅર, કલ્પના ઇન્ડ. જેવી રોકડાની જાતો લગભગ ૨૦ ટકાની તેજીમાં બંધ હતી. ડેક્કન એન્જિનિયરિંગ પરિણામ પાછળ ૧૪ ટકા જેવો ખરડાઈ ૪૨૪ રહ્યો છે. ડીજે મીડિયા પ્રીન્ટ ૧૧ ટકાના ધબડકામાં ૧૭૦ની અંદર ગયો છે. આદિત્ય બિરલા ફૅશન્સ ૧૯૪ની વર્ષની બૉટમ બનાવી દોઢ ટકો ઘટી ૧૯૫ હતો. ઇપ્કા લૅબ એક ટકો ઘટી ૬૮૪ના વર્ષના તળિયે બંધ થયો છે. વી-માર્ટ રીટેલ દ્વારા માર્ચ ક્વૉર્ટરમાં અગાઉની અઢી કરોડની લોસ વધીને લગભગ ૩૭ કરોડ દર્શાવાઈ છે. શૅર ૧૯૯૪ની મલ્ટિયર બૉટમ બનાવી અઢી ટકા ઘટીને ૨૦૫૩ થયો છે. કૅર રેટિંગ ૭૧૫નું નવું શિખર બનાવી સવા ટકો ઘટી ૬૮૭ હતી. જીએસએફસી ૧૮૨ની નવી ટોચે જઈ સાડાપાંચ ટકાની મજબૂતીમાં ૧૮૦ વટાવી ગઈ છે. હિન્દુ. ઍરોનૉટિક્સ તેજીની ચાલ જાળવી રાખતાં ૩૧૬૮ની વિક્રમી સપાટીએ જઈ સવા ટકો વધી ૩૧૩૩ થયો છે. મેક્સ હેલ્થકૅર તથા મેક્સ વેન્ચર્સ અનુક્રમે સવાત્રણ ટકા અને ૮ ટકા ઊછળી નવા બેસ્ટ લેવલે ગયા છે. 

Whatsapp-channel Whatsapp-channel

18 May, 2023 02:22 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK