બન્ને પુરુષોને પત્નીની અસલિયતની ખબર પડી હતી. મલેશિયામાં બે નિકાહ કરવાનું ગેરકાનૂની છે એટલે મહિલાને ૭ વર્ષની જેલની સજા થાય એવી સંભાવના છે.
મલેશિયામાં બે નિકાહ કરવાનું ગેરકાનૂની છે
હંમેશાં પતિઓ જ બે પત્ની રાખે અને દગો કરે એવું થોડી છે? મલેશિયામાં એક મહિલાએ પણ બબ્બે પતિનાં ઘર સંભાળવાનું કારનામું કર્યું છે. એ પણ એક-બે મહિના નહીં, પૂરાં એક વર્ષ માટે. નવાઈની વાત એ છે કે એમ છતાં બન્ને પતિને ક્યારેય શંકા પણ ન ગઈ કે તેની પત્ની બીજા કોઈ સાથે બીજું ઘર વસાવીને બેઠી છે. મહિલાનાં પહેલાં લગ્ન થયાં એને ઘણાં વર્ષો થઈ ગયાં હતાં. જોકે ૨૦૨૩માં નવેમ્બર મહિનામાં તેણે એ જ શહેરના બીજા એક યુવાન સાથે નિકાહ કરી લીધા હતા. બીજો પતિ એકલો રહેતો હતો એટલે તેણે બીજા પતિના ઘરને પહેલા પતિના ઘરથી ૧૯ કિલોમીટર દૂર ભાડેથી શિફ્ટ કરી લીધો. એ પછી તે નોકરી કરવાના નામે એકથી બીજા ઘરે અવરજવર કરતી રહી. તે દિવસે આખો દિવસ બીજા પતિ સાથે તેના ઘરે રહેતી અને તેના ઘરનું કામ સંભાળતી અને રાત પડતાં જ નાઇટ-શિફ્ટનું કામ કહીને પહેલા પતિના ઘરે જતી રહેતી. પહેલા પતિને તે કહેતી કે ઑફિસનું કામ કરવા જઈ રહી છે એટલે દિવસે લાંબા કલાકો તેને ઑફિસમાં વિતાવવા પડે છે. બન્ને પતિઓને લાગતું હતું કે તેની પત્ની બેસ્ટ છે. એક વર્ષ સુધી બધું જ સમુંસૂતરું ચાલ્યું. એક દિવસ પહેલા પતિની બહેન મહિલાની કારમાંથી કંઈક સામાન કાઢવા ગઈ. એ વખતે તેને કારના આગળના ખાનામાંથી કોર્ટમાં બીજા નિકાહ કર્યાના દસ્તાવેજો મળ્યા. બસ, તેણે એ દસ્તાવેજોની તસવીરો ખેંચી લીધી અને ફેસબુક પર મૂકી દીધી. પોતાની ભાભી ભાઈને એક વર્ષથી દગો આપી રહી છે એ વાતની જાહેરાત સોશ્યલ મીડિયા પર થઈ એ પછી જ બન્ને પુરુષોને પત્નીની અસલિયતની ખબર પડી હતી. મલેશિયામાં બે નિકાહ કરવાનું ગેરકાનૂની છે એટલે મહિલાને ૭ વર્ષની જેલની સજા થાય એવી સંભાવના છે.


