Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ડલ માર્કેટમાં આઇટીની આગેકૂચ ઑઇલ-ગૅસ શૅરમાં મજબૂતી

ડલ માર્કેટમાં આઇટીની આગેકૂચ ઑઇલ-ગૅસ શૅરમાં મજબૂતી

Published : 12 June, 2025 08:38 AM | Modified : 16 June, 2025 06:59 AM | IST | Mumbai
Anil Patel

ડિફેન્સ ઇન્ડેક્સના ૧૮માંથી ૧૭ શૅર ડાઉન, બૅન્કિંગના ૪૧માંથી ૨૮ શૅરમાં બૂરાઈ : નવા શિખર સાથે પાકિસ્તાની શૅરબજાર સવાલાખ પૉઇન્ટ થવાની તૈયારીમાં

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્ર સરકારની શરાબ પરની એક્સાઇઝ પૉલિસીથી જીએમ બુઅરીઝ ગેલમાં, યુનાઇટેડ સ્પિરિટ્સ લથડ્યો : સચિરોમનો ઇશ્યુ ૩૧૩ ગણા પ્રતિસાદમાં પૂરો થયો, ઓસવાલ પમ્પ્સમાં પ્રીમિયમ વધીને ૯૦ રૂપિયા : ASM મેકૅનિઝમ લાગુ પડતાં BSE લિમિટેડ બગડ્યો, એનર્જી એક્સચેન્જ પોણાઆઠ ટકા તૂટ્યો : ડિફેન્સ ઇન્ડેક્સના ૧૮માંથી ૧૭ શૅર ડાઉન, બૅન્કિંગના ૪૧માંથી ૨૮ શૅરમાં બૂરાઈ : નવા શિખર સાથે પાકિસ્તાની શૅરબજાર સવાલાખ પૉઇન્ટ થવાની તૈયારીમાં

એશિયન બજારોનો બુધવાર એકંદર સારો ગયો છે. સાઉથ કોરિયા સવા ટકો, તાઇવાન એક ટકો, હૉન્ગકૉન્ગ પોણો ટકો, ચાઇના અને જપાન અડધો ટકો વધ્યાં છે. સિંગાપોર સાધારણ તથા ઇન્ડોનેશિયા નહીંવત્ નરમ હતું. યુરોપ રનિંગમાં સાધાણ પૉઝિટિવ દેખાયું છે. બ્રેન્ટ ક્રૂડ સુધારાની ચાલમાં ૬૭ ડૉલર વટાવી ગયું છે. બિટકૉઇન પોણા ટકાની નરમાઈમાં રનિંગમાં ૧,૦૯,૨૯૩ ડૉલર ચાલતો હતો. નવી ટૉપ બહુ નજીકમાં જણાય છે. પાકિસ્તાની શૅરબજાર સવાલાખ થવાની તૈયારીમાં છે. કરાચી ઇન્ડેક્સ ૧,૨૨,૦૨૪ના આગલા બંધ સામે ગઈ કાલે ૧,૨૪,૫૮૮ની ઑલટાઇમ હાઈ બતાવી રનિંગમાં ૨૫૩૪ પૉઇન્ટ કે  બે ટકાની તેજીમાં ૧,૨૪,૫૫૮ જોવાયો છે. ઘરઆંગણે બજારની વધઘટની સાંકડી રેન્જ જળવાઈ રહી છે. સેન્સેક્સ આગલા બંધથી ૮૧ પૉઇન્ટના નજીવા સુધારે ૮૨,૪૭૩ ખૂલી છેવટે ૧૨૩ પૉઇન્ટ વધીને ૮૨,૫૧૫ તો નિફ્ટી ૩૭ પૉઇન્ટની સળંગ છઠ્ઠા દિવસની આગેકૂચમાં ૨૫,૧૪૧ બંધ આવ્યો છે. બહુધા પૉઝિટિવ ઝોનમાં રહેલા બજારમાં શૅરઆંક ઉપરમાં ૮૨,૭૮૩ અને નીચામાં ૮૨,૩૦૯ થયો હતો. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવિટી ચાલુ રહી છે. NSEમાં વધેલા ૧૬૦૮ શૅર સામે ૧૩૦૪ જાતો ડાઉન હતી. બન્ને બજારનાં મોટા ભાગનાં સેક્ટોરલ પ્લસ હતાં. ચાઇના-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ શરૂ થયેલી વાટાઘાટના પગલે આઇટી ઇન્ડેક્સ સતત ત્રીજા દિવસની મજબૂતીમાં સવા ટકો વધ્યો છે. ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક પોણાબે ટકાથી વધુ, એનર્જી ઇન્ડેક્સ સવા ટકો, ટેક્નૉલૉજીસ એક ટકો, હેલ્થકૅર પોણો ટકો વધ્યો છે. સામે પીએસયુ બૅન્ક નિફ્ટી ૦.૯ ટકા, FMCG અડધો ટકો, પાવર અને યુટિલિટીઝ બેન્ચમાર્ક પોણો ટકો નરમ હતો. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરની નબળાઈ વચ્ચે માત્ર ૦.૩ ટકા ઘટ્યો છે. ઑટો ઇન્ડેક્સ નહીંવત્ સુધર્યો છે. બજારનું માર્કેટકૅપ પ્રોવિઝનલ ફીગર પ્રમાણે ૧૭,૦૦૦ કરોડ વધી ૪૫૫.૫૭ લાખ કરોડ રૂપિયા રહ્યું છે.



વીટીએમ લિમિટેડ બે શૅરદીઠ ત્રણના બોનસમાં એક્સ-બોનસ થતાં ગઈ કાલે બે ટકા વધી ૯૨ નજીક બંધ થયો છે. સમીરા ઍગ્રો એક શૅરદીઠ ચાર બોનસમાં બોનસ બાદ થતાં ૨૦ના લેવલે યથાવત્ હતો. વિમતા લૅબ શૅરદીઠ એક બોનસમાં શુક્રવારે એક્સ બોનસ થશે. ભાવ ગઈ કાલે સવાચાર ટકા વધીને ૯૮૦ થયો છે. જીના સીખો લાઇફકૅર ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં આજે, ગુરુવારે એક્સ-સ્પ્લિટ થશે. શૅર બે ટકા ઘટી ૨૨૫૧ બંધ થયો છે. ઇથોસ લિમિટેડ એક્સ-રાઇટની પૂર્વસંધ્યાએ એક ટકો વધી ૩૦૪૦ બંધ હતી.


પ્રાઇમરી માર્કેટમાં સચિરોમ લિમિટેડનો શૅરદીઠ ૧૦૨ના ભાવનો ૬૧૬૨ લાખનો SME IPO કુલ ૩૧૩ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વધતું રહી હાલ ૪૮ રૂપિયા થઈ ગયું છે. જૈનિક પાવરનો શૅરદીઠ ૧૧૦ના ભાવનો ૫૧૩૦ લાખનો SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૧.૨ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૭ રૂપિયે ટકેલું છે. મોનોલિથીક ઇન્ડિયાનો શૅરદીઠ ૧૪૩ના ભાવનો ૮૨૦૨ લાખનો NSE SME IPO આજે ખૂલશે. પ્રીમિયમ વધીને ૩૬ બોલાય છે. મેઇન બોર્ડ ખાતે હરિયાણાની ઓસવાલ પમ્પ્સ એકના શૅરદીઠ ૬૧૪ની અપર બૅન્ડમાં ૧૩૮૭ કરોડનો ઇશ્યુ શુક્રવારે કરવાની છે. મારફાડ ભાવના આ ભરણામાં ફેન્સી જમાવવા માટે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઉછાળી હાલ ૯૦ રૂપિયે લઈ જવાયું છે. શુક્રવારે અમદાવાદી ઍટેન પેપર્સ પણ ૧૦ના શૅરદીઠ ૯૬ના ભાવથી ૩૧૬૮ લાખનો BSE SME IPO કરશે. ગુજરાતના શાપર વેરાવળ ખાતેની ગંગા બાથ ફિટિંગ્સ શૅરદીઠ ૪૯ની ઇશ્યુ પ્રાઇસ સામે ૫૯ ખૂલી પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૫૬ રૂપિયા બંધ થતાં એમાં સવાચાર ટકા આસપાસનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે.

સેન્સેક્સ નિફ્ટીમાં આઇટીની આગેવાની, રિલાયન્સ ૮ મહિનાની ટોચે


સેન્સેક્સ નિફ્ટી ખાતે ગઈ કાલે HCL ટેક્નૉ સવાત્રણ ટકા, ઇન્ફોસિસ સવાબે ટકા અને ટેક મહિન્દ્ર પોણાબે ટકા વધી સુધારામાં મોખરે હતા. વિપ્રો ૧.૬ ટકા પ્લસ હતો. ટીસીએસ નહીંવત્ સુધર્યો છે. રિલાયન્સ ૧૪૬૮ની આઠ મહિનાની ટૉપ બનાવી પોણો ટકો વધીને ૧૪૪૯ થઈ છે. ONGC એક ટકો વધી ૨૪૭ વટાવી ગઈ છે. બજાજ ઑટો ૧.૧ ટકા કે ૯૩ રૂપિયા અપ હતી. SBI લાઇફ, બજાજ ફીનસર્વ અને સિપ્લા પોણા ટકા આસપાસ સુધારામાં રહી છે. રેર અર્થની રામાયણમાં ઇલેક્ટ્રિકલ વેહિકલ્સના ઉત્પાદનમાં ઘટાડાની જાહેરાત કરનારી મારુતિ સુઝુકી અડધો ટકો નરમ હતી. સેન્સેક્સ ખાતે પાવર ગ્રીડ બે ટકાની નજીક તથા નિફ્ટી ખાતે શ્રીરામ ફાઇનૅન્સ બે ટકા ઘટી ટૉપ લૂઝર બની છે. અદાણી એન્ટરપ્રાઇઝ તથા અદાણી પોર્ટ્સમાં સવા ટકા જેવી નબળાઈ હતી. ભારત ઇલેક્ટ્રિક ૧.૧ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક અને તાતા કન્ઝ્યુમર એક-એક ટકો, હિન્દુસ્તાન યુનિલીવર અને બજાજ ફાઇનૅન્સ પોણો ટકો કટ થઈ છે.

ક્રૂડની મજબૂતી પાછળ ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૧૦માંથી૮ શૅરના સથવારે પોણાબે ટકા વધ્યો છે. ભારત પેટ્રો સવાચાર ટકા ઊચકાઈ ૩૩૪, હિન્દુસ્તાન પેટ્રો ૨.૪ ટકા વધીને ૪૧૫ બંધ થયો છે. ગેઇલ સવાબે ટકા અને ઇન્ડિયન ઑઇલ બે ટકા મજબૂત હતી. રેટિંગ કંપની ક્રિસિલ સવાછ ટકા કે ૩૪૦ રૂપિયા, કૅર રેટિંગ્સ ૫.૬ ટકા અને ઇકરા લિમિટેડ પોણો ટકો વધી છે. બૅન્કિંગના ૪૧માંથી ૨૮ શૅર ડાઉન હતા. ૧૨માંથી ૧૨ સરકારી બૅન્કો માઇનસ થઈ છે. કર્ણાટકા બૅન્ક સવાત્રણ ટકા વધી ટૉપ ગેઇનર અત્રે બની છે. ઉજજીવન બૅન્ક સર્વાધિક સાડાચાર ટકા ખરડાઈ છે.

વ્યાપક પ્રૉફિટ-બુકિંગમાં ડિફેન્સ ઇન્ડેક્સ બે ટકા બગડ્યો

મહારાષ્ટ્ર સરકારે શરાબની એક્સાઇઝ વધારી ૧૪,૦૦૦ કરોડ ઊભા કરવાની કવાયત આદરતાં યુનાઇટેડ સ્પિરિટ્સ સાડાછ ટકા કે ૧૦૭ રૂપિયા લથડી ૧૫૦૪ થઈ છે. રેડીકો ખૈતાન સવાત્રણ ટકા, તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ પોણાપાંચ ટકા, એલાઇડ બ્લેન્ડર્સ સાડાચાર ટકા, ક્યુપિડ બ્રુઅરીઝ બે ટકા બગડી હતી. એક્સાઇઝ વધારાના ખેલામાંથી બાકાત રહેલી જીએમ બ્રુઅરીઝ રોજના સરેરાશ ૨૩૯૪ શૅરની સામે ગઈ કાલે ૨.૯૧ લાખ શૅરના ચિક્કાર વૉલ્યુમે ૨૦ ટકાની તેજીમાં ૮૬૦ થઈ ૧૧ ટકા ઊછળી ૭૯૬ બંધ થઈ છે. અન્યમાં રવિકુમાર ડિસ્ટિલિયરી નવ ટકાથી વધુ, સુલા વાઇન યાર્ડ આઠ ટકા, સોમ ડિસ્ટિલિયરીઝ અઢી ટકા મજબૂત બની છે.

ડિફેન્સ ઇન્ડેક્સ ૧૮માંથી ૧૭ શૅરના બગાડમાં બે ટકા ડૂલ થયો છે. અત્રે એકમાત્ર સિયેન્ટ DLM ત્રણ ટકા વધી ૪૮૩ વટાવી ગઈ હતી. સામે ડીસીએક્સ ઇન્ડિયા સાડાપાંચ ટકા, ગાર્ડન રિચ સવાચાર ટકા, ઝેન ટેક્નૉલૉજીસ સવાચાર ટકા, ભારત ડાયનેમિકસ પોણાચાર ટકા, ડાયના મેટિક ટેક્નૉ સવાત્રણ ટકા, કોચીન શિપયાર્ડ પોણાત્રણ ટકા, માઝગાવ ડૉક ૨.૪ ટકા, એમટાર ટેક્નૉ બે ટકા ડાઉન હતી. સિકા ઇન્ટર પ્લાન્ટ બે ટકા વધી હતી. પ્રીમિયર એક્સ્પ્લોસિવ્ઝ અને GOCL કૉર્પ સાડાત્રણ ટકા તૂટી છે. એન્જિનિયર્સ ઇન્ડિયા સવાપાંચ ટકા ખરડાઈ ૨૩૦ બંધ થઈ છે. તાજેતરમાં લિસ્ટેડ થ્રી-બી ફિલ્મ્સ પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૪૦ની અંદર નવા વર્સ્ટ લેવલે બંધ થઈ છે.

SEPC લિમિટેડમાં ૬૫૦ કરોડના ઑર્ડર પાછળ તગડા વૉલ્યુમે મજબૂતી

અગાઉ શ્રીરામ ઈપીસી તરીકે ઓળખાતી SEPC લિમિટેડને મહારાષ્ટ્ર સરકાર તરફથી ૨૬ લોકેશન ખાતે કુલ ૬૫૦ કરોડ રૂપિયાના સોલર પાવર પ્રોજેક્ટ્સનો ઑર્ડર મળતાં શૅર ગઈ કાલે પોણાચાર ટકા વધીને પોણાચૌદ રૂપિયા ઉપર બંધ થયો છે. બન્ને બજારમાં કુલ મળીને ૮૦૫ લાખ શૅરનું તગડું કામકાજ જોવાયું હતું. ચેન્નઈ સ્થિત આ કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૩૩.૪ ટકા છે, જે લગભગ તમામ ગિરવે છે. શૅરની ફેસવૅલ્યુ ૧૦ની છે. બુકવૅલ્યુ સવાનવ રૂપિયાની નજીક છે.

BSE લિમિટેડના શૅરમાં વન-વે તેજીના પગલે સાવચેતીના ભાગરૂપ બજાર સત્તાવાળા તરફથી શૅરને ASM એડિશનલ સર્વિલિયન્સ મેકૅનિઝમ (ASM)માં મૂકવાની જાહેરાત કરાઈ છે. એના પગલે ભાવ ગઈ કાલે ૪ ટકા કે ૧૨૩ના કડાકામાં ૨૮૮૨ રૂપિયા બંધ થયો છે. જાણકારો વધુ ઘટાડાની આશંકા સેવે છે. BSE પાછળ એની સબસિડિયરી CDSL પોણાત્રણ ટકા બગડીને ૧૭૩૯ રહી છે. તો કૉમોડિટી એક્સચેન્જ MCX પણ દોઢા વૉલ્યુમે નીચામાં ૨૫૭૦ થઈ પોણાત્રણ ટકા ગગડીને ૨૧૮ની ખરાબીમાં ૭૬૭૩ રહી છે. વોઆર્ટ સવાછ ગણા વૉલ્યુમે ૧૮૪૫ના બેસ્ટ લેવલે જઈ સાડાઅઢાર ટકા કે ૨૮૫ની તેજીમાં ૧૮૩૨ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ઝમકી છે. ધાની સર્વિસિસ સાડાચૌદ ટકા, વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝ ૧૧.૭ ટકા તથા રેટન ઇન્ડિયા સવાઅગિયાર ટકા ઊછળી હતી. અનિલ અંબાણીની રિલાયન્સ પાવર ૭૬.૫૦ નજીક દાયકાની ટોચે જઈ નજીવા સુધારે ૭૧.૨૬ બંધ થઈ છે. તો રિલાયન્સ ઇન્ફ્રા ૪૨૧ની મલ્ટિયર ટૉપ બનાવીને સવા ટકાની પીછેહઠમાં ૩૯૯ હતી. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ બમણા કામકાજે પોણાઆઠ ટકા ખરડાઈને ૧૯૪ નીચે ગઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

16 June, 2025 06:59 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK