શૅરબજારને શાંતિ, સ્થિરતા કે નવી ગતિ મળે એવું હાલ વિશ્વમાં કંઈ બની રહ્યું નથી, ઉપરથી અશાંતિ અને અનિશ્ચિતતા વધે એવું બહુબધું થઈ રહ્યું છે.
શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
શૅરબજારને શાંતિ, સ્થિરતા કે નવી ગતિ મળે એવું હાલ વિશ્વમાં કંઈ બની રહ્યું નથી, ઉપરથી અશાંતિ અને અનિશ્ચિતતા વધે એવું બહુબધું થઈ રહ્યું છે. એમ છતાં મજાની વાત એ છે કે બજાર કરેક્શન બાદ તરત રિકવરીને પામી લે છે. તમે માર્કેટની ચાલને નિયમિત જોયા કરશો તો ખ્યાલ આવશે કે એની વધઘટની પૅટર્ન કેવી છે અને એનાં વધઘટનાં પરિબળો કયાં છે. આટલી સમજ સાથે રોકાણ કરવાનો અભિગમ રાખો, પરંતુ આમાં સ્ટૉક્સ-સિલેક્શનમાં સ્માર્ટ રહો
વીતેલા સપ્તાહની શરૂઆત ફરી યુદ્ધના માહોલ વચ્ચે પણ પૉઝિટિવ થઈ હતી. નોંધનીય વાત એ હતી કે ઈરાન-ઇઝરાયલ-વેસ્ટ એશિયામાં ચાલતા તનાવમાં પણ ક્રૂડના ભાવ હળવા થયા હતા અને ગ્લોબલ સ્તરે સારા સંકેતો પણ રિકવરીનાં કારણ બન્યાં હતાં. સેન્સેક્સ અને નિફ્ટીએ પ્રથમ દિવસે સારી રિકવરી નોંધાવી હતી. જોકે મંગળવારે બાજી પુનઃ ફરી અને માર્કેટે કરેક્શનનાં દર્શન કરાવ્યાં હતાં. બુધવાર અને ગુરુવાર બન્ને દિવસ બજાર ધીમી ગતિએ કરેક્શનતરફી જ રહ્યું હતું, ઇઝરાયલ-ઈરાન યુદ્ધ અત્યારે સૌથી મોટી નેગેટિવ ઘટના બની રહી છે જે બજારને ટેન્શનમાં રાખે છે. દરમ્યાન ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં કોઈ ફેરફારની જાહેરાત કરી નહોતી. જોકે આ વર્ષમાં એણે બે રેટ-કટના સંકેત આપ્યા હતા, જ્યારે રિઝર્વ બૅન્ક આગામી સમયમાં વધુ એક રેટ-કટ જાહેર કરે એવા સંકેત અત્યારથી થવા લાગ્યા છે. આમ થશે તો ઇકૉનૉમીને વેગનું વધુ બળ મળશે.
ADVERTISEMENT
બજાર ઊછળે તોય સાવચેત રહો
શુક્રવારે બજારે ગજબનો ટર્ન લીધો હતો, સેન્સેક્સ ૧૦૦૦ પૉઇન્ટના જમ્પ સાથે ૮૨,૪૦૦ના લેવલ પર અને નિફ્ટી ૨૫,૧૦૦ના લેવલથી ઉપર પહોંચીને બંધ રહ્યો હતો, વિદેશી તેમ જ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની નેટ ખરીદી અને એશિયન માર્કેટનો સુધારો મુખ્ય કારણ બન્યાં હતાં. વધુમાં રૂપિયાનું મૂલ્ય સુધર્યું હતું, જ્યારે ક્રૂડના ભાવ નીચે ગયા હતા. આ પરિબળોને પગલે સેન્ટિમેન્ટ બદલાયું હતું. એક વાત એવી પણ ચર્ચામાં હતી કે ઇઝરાયલ-ઈરાન યુદ્ધ શાંત પડ્યું હોવાથી માર્કેટે જોરદાર રિકવરી બતાવી. જોકે આને ભરોસે કેટલું ચાલવું અને એમાં કેટલું માનવું એ તો નવા સપ્તાહમાં સામે આવી જશે. આવાં કારણોનું આયુષ્ય લાંબું હોતું નથી, એમાં સાવચેત રહીને ચાલવામાં જ શાણપણ ગણાય, બાકી બજાર લોકોને ગેરમાર્ગે દોરવા માટે તૈયાર હોય જ છે.
અનિશ્ચિતતાનો લાભ લઈ શકાય
એક વાત નોંધવી રહી કે ઘણી વાર ગ્લોબલ માર્કેટ ધારણા કરતાં વિરોધાભાસી વલણ દર્શાવતું હોય છે, જ્યારે કરેક્શન બતાવવું જોઈએ ત્યારે રિકવરી બતાવે છે. અત્યારે માહોલ ઇઝરાયલ-ઈરાન યુદ્ધનો હોવા છતાં આ જ કારણસર એક દિવસ ઘટેલું માર્કેટ બીજા દિવસે રિકવર થઈ જાય છે, તો શું યુદ્ધ એક દિવસમાં પતી ગયું? ના, હકીકતમાં આ વધઘટ સેન્ટિમેન્ટની હોય છે જેમાં અન્ય પરિબળો પણ ભાગ ભજવતાં રહે છે. હાલમાં રોકાણકારો સ્થાનિક ઇકૉનૉમિક ફન્ડામેન્ટલ્સ પર ફોકસ કરીને ખરીદી કરતા રહ્યા છે. રોકાણકારો ડિફેન્સ, એનર્જી, પાવર વગેરે જેવાં સેક્ટરમાં સ્ટૉક્સ લીધા-વેચ્યા કરે છે, જ્યાં તેમને બાહ્ય પરિબળોની અસરની સંભાવના મિનિમમ જણાય છે. આ સમય અનિશ્ચિતતાનો ખરો, પરંતુ સ્ટૉક્સ સારી રીતે સિલેક્ટ કરીને જમા કરવામાં આવે તો આ અનિશ્ચિતતામાંથી સંપત્તિસર્જન થઈ શકે છે. આવા સમયમાં બહુ મોટો વર્ગ માર્કેટથી દૂર જાય છે અથવા પ્રવેશતાં ખચકાય છે, જ્યારે કે આનો લાભ લેવો જોઈએ. આ લાભ મહદંશે લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટર્સ જ લઈ શકતા હોય છે.
વિવિધ દેશોમાંથી આવતો રોકાણપ્રવાહ
વિદેશી રોકાણપ્રવાહની વાત નીકળે ત્યારે આ રોકાણ કયા-કયા દેશોમાંથી આવે છે એ પણ જાણવું જોઈએ. નોંધવા જેવી વાત એ છે કે એપ્રિલ અને મેમાં ભારતમાં જે વિદેશી રોકાણ આવ્યું છે એ મૂળ અમેરિકા અને આયરલૅન્ડથી આવ્યું. આ રોકાણ આશરે ૭.૫ અબજ ડૉલર જેટલું છે. આમાંથી અમેરિકાનું ૯૫ ટકા રોકાણ ભારતીય ઇક્વિટીમાં થયું હતું. ઑક્ટોબર ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫માં નોંધપાત્ર વિદેશી રોકાણ ભારતમાંથી ઉપાડી લેવાયું હતું જે એપ્રિલ-મે ૨૦૨૫માં પાછું ફર્યું હતું. નૅશનલ સિક્યૉરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL)ના ડેટા મુજબ ભારતીય માર્કેટમાં રોકાણ કરવામાં જર્મની, ઑસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલૅન્ડ અને જપાનનો પણ નોંધપાત્ર ફાળો રહ્યો છે. આ ઉપરાંત ફ્રાન્સ, મૉરિશ્યસ અને નૉર્વે પણ સારા-સક્રિય રોકાણકાર રહ્યા છે,
નજીકના IPO નાણાં ખેંચશે
આ મહિનાના અને જુલાઈના અંત સુધીમાં આશરે આઠેક કંપનીઓ IPO લાવી રહી છે જે અંદાજિત ૨૬,૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવાનું લક્ષ્ય ધરાવે છે. અમુક કંપનીઓ અત્યારે જિયોપૉલિટિકલ ઘટનાઓનું નિરીક્ષણ કરી રહી છે, ખાસ કરીને ઇઝરાયલ-ઈરાન તનાવ પર ધ્યાન આપી રહી છે. આ બાબત સ્પષ્ટ થયા બાદ IPOનો પ્રવાહ વધી શકે છે. સંભવિત IPOમાં એચડીબી ફાઇનૅન્શિયલ સર્વિસિસ, સંભવ સ્ટીલ ટ્યુબ્સ, એલનબેરી ઇન્ડસ્ટ્રિયલ ગૅસિસ, કલ્પતરુ ગ્લોબ સિવિલ પ્રોજેક્ટ્સ, હીરો ફિનકૉર્પ, સેન્ટ્રલ ડિપૉઝિટરી સર્વિસિસ લિમિટેડ (CDSL) અને જેએસડબ્લ્યુ સિમેન્ટનો સમાવેશ થાય છે. આમાંથી એચડીબી એ એચડીએફસી ગ્રુપની છે, જેના IPOનું કદ ૧૨,૫૦૦ કરોડ રૂપિયાનું છે. કહે છે કે આ IPO સેકન્ડરી માર્કેટમાંથી નાણાં ખેંચી જશે અને રોકાણકારો નવી તકો અજમાવશે. આમ પણ માર્કેટમાં કોઈ મોટી વધઘટના અણસાર દેખાતા નથી, જેથી ચોક્કસ રેન્જમાં વધઘટ કરતા બજારના સ્ટૉક્સને બદલે નવા ઇશ્યુઓમાં નાણાં લગાડી લિસ્ટિંગ ગેઇન અથવા મધ્યમ-લાંબા ગાળાના રોકાણ પર પસંદગી ઊતરે એ સ્વાભાવિક છે.
ફિઝિકલ શૅર્સને ડીમૅટમાં ફેરવવાની ખાસ સર્વિસ ઑફર
એક મહત્ત્વના અહેવાલ મુજબ રીટેલ સેગમેન્ટમાં લીડર એવી બ્રોકરેજ કંપની ઝીરોધાએ રોકાણકારોના અને બજારના હિતમાં એક નોખી સર્વિસ ઑફર કરી છે. માર્કેટની બહુ જૂની અને ગૂંચવણભરી ગણાતી એ સર્વિસમાં ઝીરોધા જેમની પાસે હાલ પણ જૂના ફિઝિકલ શૅર્સ પડ્યા છે તેમને ડીમૅટ કરાવવામાં સહાય કરશે. આ શૅર્સ ફૅમિલી લેગસીમાં હાથ આવ્યા હોય અને વર્તમાન પરિવારના સભ્યો એને ડીમૅટ કરાવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હોય તો ઝીરોધા આ કામમાં માર્ગદર્શન-સહાય કરશે. આવા ફિઝિકલ શૅર્સ મોટે ભાગે પેરન્ટ્સ કે ગ્રૅન્ડપેરન્ટ્સના હશે. આ પ્રકારની ઘણી ફરિયાદો-મૂંઝવણો તેમના ધ્યાનમાં આવી છે. ઝીરોધા આ સહાય તેમના પોતાના ગ્રાહકો ન હોય એવી વ્યક્તિઓને પણ ઑફર કરે છે. SEBIના નિયમ મુજબ ડીમૅટ ફૉર્મમાં ન કરાયેલા શૅર્સ ટ્રાન્સફર પણ થઈ શકતા નથી. આમ અનેક લોકો આજે પણ પોતાના પરિવારના શૅર્સના હકથી વંચિત રહ્યા છે.

