Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > દેખીતા કોઈ જ ટ્રિગર વગર શૅરબજારનો હજારી જમ્પ, રોકડું માર્કેટ અન્ડરપર્ફોર્મર

દેખીતા કોઈ જ ટ્રિગર વગર શૅરબજારનો હજારી જમ્પ, રોકડું માર્કેટ અન્ડરપર્ફોર્મર

Published : 21 June, 2025 08:27 AM | Modified : 23 June, 2025 06:56 AM | IST | Mumbai
Anil Patel

ઓસવાલ પમ્પ્સનું ધારણાથી નબળું લિસ્ટિંગ, એટેન પેપર્સમાં લિસ્ટિંગ લૉસ : નેસ્લેમાં બોનસ માટે ૨૬ જૂને બોર્ડ-મીટિંગ, જિયો ફાઇનૅન્શિયલ સર્વિસિસ નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર : રેર-અર્થની રામાયણમાં બજાજ ઑટો તથા હીરો મોટોકૉર્પમાં માનસ ખરડાયું

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


ઈરાન-ઇઝરાયલના યુદ્ધને મામલે દરમ્યાનગીરી કરવી કે નહીં એનો નિર્ણય લેવાનું ટ્રમ્પે હાલ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે એના પગલે બ્રેન્ટ ક્રૂડ જે ૭૯ ડૉલર નજીક ગયું હતું એ સવાબે ટકા ગગડી ૭૭ ડૉલરની અંદર આવી ગયું છે. એશિયન બજાર શુક્રવારે બહુધા સુધારામાં બંધ થયાં છે. સાઉથ કોરિયા દોઢ ટકો અને હૉન્ગકૉન્ગ એકાદ ટકો વધી એમાં મોખરે હતા. સામે ઇન્ડોનેશિયા અડધો ટકો તો જપાન અને ચાઇના નહીંવત્ નરમ હતા. યુરોપ રનિંગમાં પોણાથી એકાદ ટકો ઉપર દેખાયું છે. લંડન ફુત્સી અડધા ટકાથી નીચે પ્લસ હતો. બિટકૉઇન રનિંગમાં એક ટકો વધીને ૧૦૫૭૦૧ ડૉલર વટાવી ગયો છે. છેલ્લા ૩-૪ દિવસથી સાંકડી રેન્જ સાથે ધીમા ઘટાડામાં રહેલો સેન્સેક્સ આગલા બંધથી પરચૂરણ ઘટાડે ૮૧૩૫૫ ખૂલી છેવટે ૧૦૪૬ પ્રૉઇન્ટની મજબૂતીમાં ૮૨૪૦૮ તથા નિફ્ટી ૩૧૯ પ્રૉઇન્ટ ઊંચકાઈને ૨૫૧૧૨ ગઈ કાલે બંધ રહ્યો છે. નેગેટિવ બાયસમાં ખૂલ્યા પછી શૅરઆંક નીચામાં ૮૧૩૨૩ થઈ ઝડપથી બાઉન્સબૅક થયો હતો. ક્રમશઃ વધતો રહી ઉપરમાં ૮૨૪૯૪ વટાવી ગયો હતો. સેન્સેક્સ નિફ્ટીના સવા ટકાના સુધારા સામે સ્મૉલ કૅપ ઇન્ડેક્સ અડધો ટકો વધી માર્કેટ અન્ડરપર્ફોર્મર રહ્યો છે. મિડકૅપ ૧.૨ ટકા અને બ્રૉડર માર્કેટ ૧.૨ ટકા અપ હતું. બન્ને બજારનાં તમામ સેક્ટોરલ પ્લસ હતાં. સનટીવીની નરમાઈ વચ્ચે નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ નહીંવત્ સુધર્યા છે. નોંધપાત્ર વધવામાં ટેલિકૉમ ઇન્ડેક્સ ૨.૭ ટકા, રિયલ્ટી ૨.૨ ટકા, પાવર દોઢ ટકો, યુટિલિટીઝ ૧.૬ ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી ૧.૬ ટકા, ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧.૪ ટકા, નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૧.૯ ટકા, કૅપિટલ ગુડ્સ ૧.૨ ટકા મુખ્ય હતા. આઇટી ઇન્ડેક્સ ૫૯માંથી ૪૨ શૅર વધવા છતાં અડધો ટકો સુધર્યો છે. એકંદર સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૯૧૨ શૅરની સામે ૯૬૩ શર ડાઉન હતા. બજારનું માર્કેટકૅપ ૫.૦૪ લાખ કરોડ વધીને ૪૪૭.૫૮ લાખ કરોડ થયું છે. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૧૨૮૯ પ્રૉઇન્ટ કે ૧.૬ ટકા અને નિફ્ટી ૩૯૪ પ્રૉઇન્ટ કે ૧.૬ ટકા વધીને બંધ રહ્યો છે.


ઓસવાલ પમ્પ્સ એકના શૅરદીઠ ૬૧૪ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટ ખાતે છેલ્લે બોલાતા ૪૧ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૬૩૨ ખૂલી ઉપરમાં ૬૪૯ વટાવી અંતે ૬૨૫ બંધ થતાં એમાં ધારણાથી નબળો એવો ૧.૮ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. SME કંપની એટેન પેપર્સ શૅરદીઠ ૯૬ની ઇશ્યુ પ્રાઇસ સામે ડિસ્કાઉન્ટમાં ૯૦ ખૂલી પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૮૫.૫૦ થઈ ત્યાં જ બંધ થતાં એમાં ૧૧ ટકાની લિસ્ટિંગ લૉસ મળી છે. ગુરુવારે ૭૦ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૨૪૩ બંધ રહેલી મોનોલિથિક ઇન્ડિયા ૨૫૩ના બેસ્ટ લેવલે જઈ મંદીની સર્કિટમાં ૨૩૧ નીચે જઈ ત્યાં જ બંધ રહી છે. જૈનિક પાવર સતત ચોથા દિવસની મંદીની સર્કિટમાં ૭૧ના વર્સ્ટ લેવલે જઈ ૭૫ બંધ આવી છે. રોકાણકારોના અહીં રીતસર ૧૦૦ના ૬૦ થઈ ગયા છે.



ભારતી ઍરટેલ અને ભારત ઇલેક્ટ્રિક નવા બેસ્ટ લેવલે


BSE તરફથી આગામી સોમવારથી અમલી બને એ રીતે સેન્સેક્સના ૩૦ શૅરોમાંથી નેસ્લે તથા ઇન્ડસઇન્ડ બૅન્કને બાકાત કરી એના સ્થાને ટ્રેન્ટ તથા ભારત ઇલેક્ટ્રિકનો સમાવેશ કરવાનો નિર્ણય લેવાયો છે. ગઈ કાલે ઇન્ડસઇન્ડ બૅન્ક સામાન્ય સુધારે ૮૪૦ બંધ હતી. નેસ્લેમાં ૨૬ જૂને બોનસ માટે બોર્ડ મીટિંગ નક્કી થઈ છે. શૅર બે ટકા વધીને ૨૩૬૫ હતો. ભારત ઇલેક્ટ્રૉનિકસ ૪૧૦ના બેસ્ટ લેવલે જઈ ૨.૪ ટકા વધીને ૪૦૮ બંધ આવી છે. ટ્રેન્ટ ૩.૨ ટકા અપ હતી. ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૯ અને નિફ્ટીના ૫૦માંથી ૪૬ શૅર પ્લસ હતા. ભારતી ઍરટેલ સારા વૉલ્યુમ સાથે ૧૯૪૯ની ઑલટાઇમ હાઈ બનાવી ૩.૩ ટકાની મજબૂતીમાં બંધ હતી. એની સબસિડિયરી ભારતી હેક્સાકૉમ ૪.૫ ટકા અને ઇન્ડસ ટાવર ૩.૮ ટકા મજબૂત હતી. મહિન્દ્ર સુધારાની હૅટ ટ્રિક આગળ ધપાવતાં ત્રણ ટકા ઊંચકાઈ ૩૧૮૨ થયો છે. HDFC બૅન્ક દોઢ ટકો વધી ૧૯૬૬ના બંધમાં બજારને ૨૦૨ પ્રૉઇન્ટ ફળી છે. રિલાયન્સે ૨.૨ ટકા વધી ૧૪૬૫ બંધમાં ૧૮૧ પ્રૉઇન્ટ પ્રદાન કર્યા છે. નિફ્ટી ખાતે જિયો ફાઇનૅન્સ સાડાત્રણ ટકાની મજબૂતીમાં ૨૯૪ બંધ આવી છે. બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવનારી અન્ય જાતોમાં પાવરગ્રિડ ૨.૪ ટકા, સ્ટેટ બૅન્ક દોઢ ટકો, HCL ટેક્નૉ દોઢ ટકો, ICICI બૅન્ક એક ટકો, એટર્નલ ૧.૬ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ૨.૨ ટકા, HDFC લાઇફ સવાબે ટકા, સિપ્લા એક ટકો, હિન્દાલ્કો સવા ટકો, અદાણી એન્ટરપ્રાઇઝિસ ૧.૨ ટકા, SBI લાઇફ સવા ટકો વધીને મુખ્ય હતી.

નિફ્ટી ખાતે બજાજ ઑટો દોઢ ટકો કે ૧૨૫ રૂપિયા અને હીરોમોટો એક ટકાના ઘટાડે નરમાઈમાં મોખરે હતી. મારુતિ સુઝુકી માત્ર અઢી રૂપિયા નરમ હતી. એટર્નલની હરીફ સ્વિગી દોઢા વૉલ્યુમે ૪.૨ ટકા વધી ૩૯૦ બંધ થઈ છે. આગલા દિવસની ટૉપલૂઝર અદાણી પોર્ટ એક ટકો વધી ૧૩૫૦ રહી છે. વોડાફોન જે ગુરુવારે ઐતિહાસિક તળિયે ગઈ હતી એ ગઈ કાલે ૩.૬ ટકા સુધરી છે. ઇન્ફોસિસ નજીવી સુધરી હતી. ટીસીએસ ૦.૩ ટકા વધી ૩૪૩૪ રહી છે. સીમેન્સ એનર્જી અઢી ટકા તથા સિમેન્સ લિમિટેડ બે ટકા માઇનસ હતી. મુરાસોલી મારને ખડા કરેલા બિઝનેસ એમ્પાયરમાં વર્ચસ્વ માટે મારન-બંધુ કલાનિધિ અને દયાનિધિ વચ્ચે કાનૂની જંગ શરૂ થતાં સનટીવી ૬ ગણા વૉલ્યુમે નીચામાં ૫૮૧ થઈ એક ટકો ઘટી ૬૦૭ બંધ રહી છે. સનટીવીમાં હાલ કલાનિધિ મારન એકમાત્ર પ્રમોટર તરીકે ૭૫ ટકાનું હોલ્ડિંગ ધરાવે છે. કંપનીનું માર્કેટકૅપ ૨૩૯૧૩ કરોડ રૂપિયાનું છે. ૨૦૨૪ની ૯ ઑગસ્ટે ભાવ ૯૨૧ના શિખરે હતો, જે ૭ એપ્રિલે ઘટીને ૫૦૬ના ઐતિહાસિક તળિયે ગયો હતો. પાંચની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવૅલ્યુ ૨૮૭ રૂપિયા છે. બજાર બંધ થવાના ટાંકણે સનટીવી તરફથી વિખવાદને રદિયો અપાયો હતો.


આગામી સપ્તાહે કુલ ૧૨ ભરણાં, પ્રાઇમરી માર્કેટ ધમધમશે

પ્રાઇમરી માર્કેટમાં ૩ SME IPO ખૂલ્યા છે. થાણેની સેફ એન્ટરપ્રાઇઝિસનો પાંચના શૅરદીઠ ૧૩૮ની અપર બૅન્ડવાળો ૧૬૧ કરોડનો NSE SME ઇશ્યુ પ્રથમ દિવસે QIBના જોરમાં કુલ ૬૦ ટકા ભરાયો છે. પ્રીમિયમ ૨૪નું છે. અંધેરી-ઈસ્ટની આકાર મેડિકલ ટેક્નૉલૉજીઝનો ૧૦ના શૅરદીઠ ૭૨ની અપર બૅન્ડવાળો ૨૫૬૪ લાખનો ઇશ્યુ ૩૭ ટકા અને યુપીના ગાઝિયાબાદની માયાશીલ વેન્ચર્સનો ૧૦ના શૅરદીઠ ૪૭ની અપર બૅન્ડવાળો ૨૫૯૨ લાખનો ઇશ્યુ ૨.૮ ગણો ભરાયો છે. માયાશીલમાં ૭નું પ્રીમિયમ છે.

આગામી સપ્તાહે હાલની તારીખે મેઇન બોર્ડમાં પાંચ સહિત કુલ ૧૨ મૂડીભરણાં નક્કી છે. સોમવારે કેરલાની એજેસી જ્વેલ મૅન્યુફૅક્ચરિંગ ૧૦ના શૅરદીઠ ૯૫ના ભાવથી ૧૪૫૯ લાખનો BSE SME IPO કરશે. મંગળવારે મેઇન બોર્ડમાં ગ્લોબ સિવિલ પ્રોજેક્ટ્સ ૧૧૯ કરોડનો, એલનબેરી ઇન્ડ ગૅસિસ ૮૫૨ કરોડનો તથા કલ્પતરુ લિમિટેડ ૧૫૯૦ કરોડનો ઇશ્યુ કરશે. આ ઉપરાંત અબરામ ફૂડ્સ, આઇકૉન ફેસિલેટર્સ અને શ્રીહરે ક્રિશ્ના સ્પૉન્જ આયર્નના SME IPO પણ એ જ દિવસે ખૂલશે, ત્યાર બાદ ૨૫ જૂને બુધવારે HDB ફાઇ સર્વિસિસ ૧૨૫૦૦ કરોડનો અને સંભવ સ્ટીલ ટ્યુબ્સ ૫૪૦ કરોડનો ઇશ્યુ મેઇન બોર્ડમાં કરવાની છે અને સનટેક ઇન્ફ્રાનો ૪૨૧૬ લાખનો SME IPO પણ બુધવારે જ આવશે. ગુરુવારે એઇસ અલ્ફા ટેક તથા પ્રો-ફેક્સ ટેકનાં SME ભરણાં નક્કી છે. હાલ ગ્રેમાર્કેટમાં ૧૦ના શૅરદીઠ ૭૪૦ની અપર બૅન્ડવાળી HDB ફાઇમાં ૮૮ રૂપિયા, AJC જ્વેલમાં ૯ રૂપિયા, ગ્લોબ સિવિલમાં ૧૩ રૂપિયા, આઇકૉનમાં ૪ રૂપિયા, સંભવ સ્ટીલમાં ૯ રૂપિયા, સનટેક ઇન્ફ્રામાં ૨૧ રૂપિયાનું પ્રીમિયમ બોલાય છે. સોમવારે પાટીલ ઑટોમેશન તથા સમય પ્રોજેક્ટનું લિસ્ટિંગ છે. પાટીલમાં ૨૦નું પ્રીમિયમ ચાલે છે.

MCX નવી વિક્રમી સપાટીએ, BSE લિમિટેડ ૭ દિવસ બાદ સુધરી

સ્મૉલકૅપ ફિનટેક કંપની તરફથી એક રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરદીઠ ૧૦ના ભાવે ૭૦૦ કરોડનો રાઇટ ઇશ્યુ નક્કી થયો છે, જે ૩ જુલાઈએ ખૂલશે. રાઇટનો રેશિયો ૨૬૭ શૅરદીઠ ૬૭ શૅરનો છે. રેકૉર્ડ ડેટ ૨૬ જૂન ઠરાવવામાં આવી છે. શૅર ગઈ કાલે ઉપરમાં સવાબાવીસ રૂપિયા નજીક જઈ છેવટે સવાબે ટકા ઘટીને ૨૧ રૂપિયા બંધ થયો છે. નૉર્ધર્ન આર્ક કૅપિટલ રોજના સરેરાશ ૭૨ હજાર શૅરની સામે ગઈ કાલે ૯૨ લાખ શૅરના જંગી વૉલ્યુમે નીચામાં ૧૯૫ બતાવી અઢી ટકા ઘટી ૨૦૯ બંધ રહી છે. BSE લિમિટેડ સળંગ ૭ દિવસની નરમાઈ બાદ ગઈ કાલે નીચામાં ૨૫૭૧ થઈ ૩.૬ ટકાના સુધારે ૨૬૮૮ બંધ આવી છે. MCX ૮૧૦૮ની સર્વોચ્ચ સપાટી નોંધાવી ૪.૨ ટકા કે ૩૨૩ રૂપિયાની તેજીમાં ૮૦૮૬ બંધ હતી. ઇન્ડિયન એનર્જી એક્સ બે ટકા તથા CDSL ત્રણ ટકા પ્લસ હતી.

ડિફેન્સમાં ઍક્સિસ કેડસ ૧૪૭૯ના બેસ્ટ લેવલે જઈ નહીંવત્ ઘટાડે ૧૪૧૦ રહી છે. હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ દોઢ ટકો, પારસ ડિફેન્સ સવા ટકો, યુનિમેક ઍરોસ્પેસ દોઢ ટકા, ભારત ડાયનૅમિક્સ એક ટકો, આઇડિયા ફોર્જ બે ટકા, પ્રીમિયર એક્સ્પ્લોઝિવ્સ પોણો ટકો, GOCL બે ટકા સુધરી હતી. તાજેતરની તેજી બાદ સિકા ઇન્ટર પ્લાન્ટ સાડાચાર ટકા ગગડી ૧૪૭૭ રહી છે. ગાર્ડનરીચ ૪.૮ ટકા કે ૧૫૦ રૂપિયા, કોચીન શિપયાર્ડ સાડાચાર ટકા, માઝગાવ ડૉક એક ટકો, અપોલો માઇક્રો ત્રણ ટકા મજબૂત હતી. વ્હર્લપૂલ ઇન્ડિયામાં વિદેશી પ્રમોટર્સ પાસેથી ૩૧ ટકા હિસ્સો હસ્તગત કરવા રિલાયન્સ ઉપરાંત હેવેલ્સ ઇન્ડિયા પણ મેદાનમાં હોવાના અહેવાલ છે. હેવેલ્સ ગઈ કાલે સવા ટકો વધી ૧૫૩૬ હતી. વ્હર્લપૂલ પોણો ટકા ઘટી છે. સ્પાઇસ જેટ ૩૯ની અંદર નવું ઐતિહાસિક બૉટમ બનાવી નજીવી ઘટી ૪૦ બંધ થઈ છે. ભારત અર્થમૂવર આઠ ટકા કે ૩૪૦ રૂપિયાના જમ્પમાં ૪૬૨૭ થઈ છે. મિશ્ર ધાતુ નિગમ ૭ ટકા ઊછળી ૪૪૩ હતી.

Whatsapp-channel Whatsapp-channel

23 June, 2025 06:56 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK