Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > સ્પેનને ૧૬ વર્ષે અને આર્જેન્ટિનાને બૅક-ટુ-બૅક ટ્રોફી જીતવાની તક

સ્પેનને ૧૬ વર્ષે અને આર્જેન્ટિનાને બૅક-ટુ-બૅક ટ્રોફી જીતવાની તક

Published : 19 July, 2026 10:11 AM | IST | New York
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે ફુટબૉલ વર્લ્ડ કપની ફાઇનલ

લિયોનેલ મેસ્સી અને લેમિન યમાલ

લિયોનેલ મેસ્સી અને લેમિન યમાલ


લમિન યમાલ વિશ્વના શાનદાર ફુટબૉલર્સમાંથી એક છે : લીઅનલ મેસી 

૨૦૦૭માં આર્જેન્ટિનાના લીઅનલ મેસીએ સ્પેનના પાંચ મહિનાના લમિન યમાલ સાથે એક ચૅરિટી ફોટોશૂટ કરવ્યું હતું. એ સમયે ૨૦ વર્ષના લીઅનલ મેસીએ વિચાર પણ કર્યો નહીં હોય કે ૧૯ વર્ષ પછી એ જ બાળક ફુટબૉલ વર્લ્ડ કપ ફાઇનલમાં તેની સામે રમશે. 
ફાઇનલ દરમ્યાન ૩૯ વર્ષના લીઅનલ મેસી અને ૧૯ વર્ષના લમિન યમાલની રમત પર આખા વિશ્વની નજર રહેશે. ફાઇનલ પહેલાં મેસીએ ૨૦૦૭ના એ જૂના ફોટો પર રીઍક્શન આપતાં કહ્યું, ‘આ ફોટો અતુલ્ય છે. તે હાલમાં વિશ્વના શાનદાર ફુટબૉલર્સમાંથી એક છે. હું તેને શુભેચ્છા પાઠવું છું. હું તેની રમત જોઉં છું કારણ કે તે હાલમાં મારી ભૂતપૂર્વ અને સૌથી પ્રિય ફુટબૉલ કલબ બાર્સેલોના માટે રમે છે. તે એક વૈશ્વિક સ્ટાર છે અને જીવનમાં ઘણી સિદ્ધિ મેળવશે. જોકે આ વખતે અમે તેની ટીમને ચૅમ્પિયન બનતાં અટકાવીશું.’



આજે મધરાતે ૧૨.૩૦ વાગ્યે ન્યુ યૉર્કમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ૨૩મા ફુટબૉલ વર્લ્ડ કપની ફાઇનલ મૅચ રમાશે. બન્ને ટીમો પોતાની આ વર્લ્ડ કપની સતત ૭ મૅચમાં અપરાજિત રહીને અહીં સુધી પહોંચી છે. ઇન્ટરનૅશનલ ફુટબૉલમાં સ્પેન રેકૉર્ડ ૩૭ મૅચોથી અને આર્જેન્ટિના ૧૧ મૅચોથી અપરાજિત છે.  
સ્પેનની ટીમ વર્લ્ડ કપ ફાઇનલમાં માત્ર એક વાર ૨૦૧૦માં રમી હતી. સાઉથ આફ્રિકામાં આયોજિત આ વર્લ્ડ કપમાં સ્પેનની ટીમે નેધરલૅન્ડ્સ સામે ૧-૦થી જીત નોંધાવી હતી. આર્જેન્ટિનાની ટીમ ૬ વર્લ્ડ કપ ફાઇનલમાં રમી છે; જેમાંથી ૧૯૭૮, ૧૯૮૬ અને ૨૦૨૨ની ફાઇનલમાં જીત મળી હતી અને ૧૯૩૦, ૧૯૯૦ અને ૨૦૧૪ની ફાઇનલ મૅચ હારીને આ ટીમ રનર-અપ રહી હતી.


બૅક-ટુ-બૅક બે ફાઇનલ મૅચોમાં એન્ટ્રી કરનાર ટીમો  

ઇટલી : ૧૯૩૪ અને ૧૯૩૮ 
બ્રાઝિલ : ૧૯૫૮ અને ૧૯૬૨
નેધરલૅન્ડ્સ : ૧૯૭૪ અને ૧૯૭૮
આર્જેન્ટિના : ૧૯૮૬ અને ૧૯૯૦ 
ફ્રાન્સ : ૨૦૧૮ અને ૨૦૨૨ 
આર્જેન્ટિના : ૨૦૨૨ અને ૨૦૨૬ 


અગાઉ ઇટલી અને બ્રાઝિલે ડિફેન્ડ કર્યું હતું ટાઇટલ

આર્જેન્ટિનાની ટીમ મેન્સ ફુટબૉલ વર્લ્ડ કપમાં ટાઇટલ ડિફેન્ડ કરનાર ત્રીજી ટીમ બની શકે છે. ઇટલીએ ૧૯૩૪, ૧૯૩૮ના વર્લ્ડ કપમાં અને બ્રાઝિલે ૧૯૫૮, ૧૯૬૨માં બૅક-ટુ-બૅક ટાઇટલ જીત્યાં હતાં.

સુપર કમ્પ્યુટર અનુસાર આર્જેન્ટિના સામે સ્પેન બાજી મારશે

ઑપ્ટા ઍનલિસ્ટના સુપર કમ્પ્યુટરે ફુટબૉલ વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન આર્જેન્ટિનાની સ્પેન સામે હરવાની શક્યતાની આગાહી કરી છે. સ્પેનની ટ્રોફી જીતવાની શક્યતા ૫૬.૦૫ ટકા છે, જ્યારે આર્જેન્ટિનાની જીતની શક્યતા ૪૩.૯૫ ટકા છે. 

લમિન યમાલનો હેરડ્રેસર રોલ્સ-રૉયસ કારમાં આવ્યો

સ્પૅનિશ યંગ ફુટબૉલર લમિન યમાલનો હેરડ્રેસર વર્લ્ડ કપ 2026ની ફાઇનલ પહેલાં તેના વાળ કાપવા માટે રોલ્સ-રૉયસ કારમાં આવ્યો હતો. વાઇરલ થયેલા એક વિડિયોમાં ૧૯ વર્ષના લમિન યમાલનો હેરડ્રેસર આ લક્ઝરી કારમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. નવી હેરકટ મેળવ્યા બાદ લમિન યમાલે આ હેરડ્રેસરને ઑટોગ્રાફવાળી જર્સી ભેટમાં આપી હતી.

વર્લ્ડ કપમાં બન્ને ટીમની એકમાત્ર ટક્કર ૧૯૬૬માં થઈ હતી

સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે ઇન્ટરનૅશનલ ફુટબૉલમાં ૧૯૫૨થી ૨૦૧૮ વચ્ચે ૧૪ મૅચો રમાઈ છે. એમાંથી સ્પેન ૬ મૅચ અને આર્જેન્ટિના ૬ મૅચ જીત્યું છે. બે મૅચ ડ્રૉ રહી હતી. 
માર્ચ ૨૦૧૮ની છેલ્લી મૅચમાં સ્પેન ૬-૧થી જીત્યું હતું. એ પહેલાં બન્ને સપ્ટેમ્બર ૨૦૧૦માં સામસામે રમ્યાં હતાં જ્યાં આર્જેન્ટિનાએ ૪-૧થી જીત નોંધાવી હતી. ફુટબૉલ વર્લ્ડ કપમાં બન્નેની એકમાત્ર મૅચ ૧૯૬૬માં ગ્રુપ-સ્ટેજ મૅચમાં થઈ હતી. એમાં આર્જેન્ટિનાએ ૨-૧થી જીત નોંધાવી હતી. 

ફુટબૉલ વર્લ્ડ કપની ટ્રોફીમાં છે ૬.૧ કરોડ રૂપિયાનું ગોલ્ડ

ફુટબૉલ વર્લ્ડ કપની વર્તમાન આઇકૉનિક ટ્રોફી ૧૯૭૪થી વિજેતા ટીમને આપવામાં આવે છે. આ મૂળ વર્લ્ડ કપ ટ્રોફીને સ્વિટ્ઝરલૅન્ડમાં સ્થિત ઇન્ટરનૅશનલ ફુટબૉલ ફેડરેશનના મ્યુઝિયમમાં રાખવામાં આવે છે. વર્લ્ડ કપ જીતનારી દરેક ટીમને અલગથી આવી જ ટ્રોફી મળે છે. દરેક ટુર્નામેન્ટ પછી મૂળ ટ્રોફીમાં એક નવી બૉટમ ડિસ્ક બનાવવામાં આવે છે જેના પર નવા વિજેતાનું નામ લખેલું હોય છે.
ફુટબૉલ વર્લ્ડ કપની ટ્રોફીમાં ૧૮ કૅરૅટ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેની હાલની કિંમત આશરે ૬.૧ કરોડ રૂપિયા છે. આ ટ્રોફી ૩૬.૮ સેન્ટિમીટર ઊંચી છે અને ૬.૧૭૫ કિલો વજન ધરાવે છે. 

ફાઇનલની ૯૦ મિનિટ પહેલાં શરૂ થશે ક્લોઝિંગ સેરેમની, પહેલી વખત હાફ-ટાઇમ શો યોજાશે

આજે ૧૯ જુલાઈએ મોડી રાતે ૧૧ વાગ્યાથી ફુટબૉલ વર્લ્ડ કપ ફાઇનલ મૅચની ૯૦ મિનિટ પહેલાં ક્લોઝિંગ સેરેમનીની શરૂઆત થશે. વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વખત હાફ-ટાઇમ શો પણ યોજાશે. બે હાફ વચ્ચે લગભગ ૩૦ મિનિટનો બ્રેક રાખીને ૧૭ મિનિટનો પર્ફોર્મન્સ દેખાડવાનું આયોજન છે. 
આ રંગારંગ કાર્યક્રમોમાં હૉલીવુડ ઍક્ટર ટૉમ ક્રૂઝ, ગ્લોબલ સિંગર શકીરા, સુપરસ્ટાર જસ્ટિન બીબર, ઇંગ્લૅન્ડનું કોલ્ડપ્લે ગ્રુપ અને સાઉથ કોરિયાનું લોકપ્રિય બૉયબૅન્ડ BTS સહિતના કલાકારો શાનદાર પર્ફોર્મન્સ આપશે.

Whatsapp-channel Whatsapp-channel

19 July, 2026 10:11 AM IST | New York | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK