પ્રતિ કિલોમીટર અને પ્રતિ વિદ્યાર્થીદીઠ બેઝ-ભાડું નક્કી કરવામાં આવશે : CCTV કૅમેરા, સીટ-બેલ્ટ અને GPS ફરજિયાત
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સરકારે સ્કૂલ-બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને મનસ્વી ભાડાંની વસૂલાત પર લગામ લગાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે રીજનલ ટ્રાન્સપોર્ટ ઑથોરિટી (RTA)ને સ્કૂલ-બસનું બેઝ ભાડું નક્કી કરવાની સત્તા આપી છે. આ સાથે જ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સ્કૂલનાં વાહનોમાં CCTV કૅમેરા, સીટ-બેલ્ટ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) ટ્રૅકિંગ સિસ્ટમ અને પૅનિક બટન જેવા કડક નિયમો ફરજિયાત બનાવીને પ્રથમ વખત સ્કૂલ-બસનાં ભાડાંને સરકારી નિયંત્રણ હેઠળ લાવવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ૧૬ જુલાઈએ મહારાષ્ટ્ર મોટર વ્હીકલ (રેગ્યુલેશન્સ ફૉર સ્કૂલ-બસિસ)ના નિયમો અંતર્ગત ૨૦૧૧ના જૂના નિયમોમાં ફેરફારો કરવામાં આવ્યા છે. આ નવા નિયમો સ્કૂલ-બસ, સ્કૂલ-વૅન અને શૈક્ષણિક સંસ્થાઓનાં તમામ વાહનોને લાગુ પડશે. નિયમો અનુસાર હવે RTA દ્વારા પ્રતિ કિલોમીટર અને પ્રતિ વિદ્યાર્થીદીઠ બેઝ-ભાડું નક્કી કરવામાં આવશે.
ADVERTISEMENT
સુધારેલા નિયમમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માસિક અથવા ત્રિમાસિક ધોરણે વસૂલવામાં આવતું ભાડું નક્કી કરાયેલા દર કરતાં ૧૦ ટકાથી ઓછું કે ૧૦ ટકાથી વધુ હોઈ શકશે નહીં. સ્કૂલની સ્કૂલ ટ્રાન્સપોર્ટ કમિટી ભાડાના આ નિયમોનું પાલન થાય છે કે નહીં એની ચકાસણી કરશે અને વાલીઓની ફરિયાદોનો નિકાલ કરીને દર ૩ મહિને ડિસ્ટ્રિક્ટ સ્કૂલ-બસ સેફ્ટી કમિટીને એનો અહેવાલ સુપરત કરશે.
વિદ્યાર્થીઓની સેફટી માટે અન્ય મહત્ત્વના નિયમો
વિદ્યાર્થીઓની સુરક્ષા માટે GPS-બેઝ્ડ લાઇવ ટ્રૅકિંગ, CCTV સર્વેલન્સ અને ડિજિટલ અટેન્ડન્સ સિસ્ટમ લગાવવી પડશે.
CCTV ફુટેજ ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી સુરક્ષિત રાખવાનું રહેશે અને વાલીઓને મોબાઇલ ઍપ દ્વારા એનું ઍક્સેસ આપવાનું રહેશે.
દરેક વાહનમાં સીટ-બેલ્ટ અને વ્હીકલ લોકેશન ટ્રૅકિંગ ડિવાઇસ (VLTD)ની સાથે ઇમર્જન્સી માટે પૅનિક બટન લગાવવું અનિવાર્ય રહેશે.
બસના એન્જિન અને ઇમર્જન્સી એક્ઝિટની નજીક ફાયર ડિટેક્શન ઍન્ડ અલાર્મ સિસ્ટમ (FDAS) ઇન્સ્ટૉલ કરવી પડશે.
નવા નિયમો અંતર્ગત સ્કૂલ-બસની પરમિટેડ એજ-લિમિટ ૧૫ વર્ષથી વધારીને ૨૦ વર્ષ કરવામાં આવી છે.
બસના ડ્રાઇવર અને અટેન્ડન્ટનું પોલીસ વેરિફિકેશન અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
પાંચમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ જે બસમાં મુસાફરી કરતા હોય એમાં મહિલા અટેન્ડન્ટ (લેડી કન્ડક્ટર/આયા)ની હાજરી અનિવાર્ય રહેશે.
દિવ્યાંગ બાળકો માટે બસમાં વિશેષ વ્યવસ્થા કરવી પડશે અને વિદ્યાર્થીઓના બસમાં ચડવા-ઊતરવાનો રોજેરોજનો ડિજિટલ રેકૉર્ડ રાખવો પડશે.
હાલ કાર્યરત તમામ સ્કૂલ-વાહનોને આ નવા નિયમોનું પાલન કરવા માટે ૩ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. જો ૩ મહિના બાદ નિયમોનું ઉલ્લંઘન જણાશે તો વાહનોની પરમિટ સસ્પેન્ડ અથવા રદ કરવામાં આવશે.
