Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > માત્ર ૩૦ સેકન્ડમાં કામ તમામ

માત્ર ૩૦ સેકન્ડમાં કામ તમામ

Published : 19 July, 2026 10:15 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હી પોલીસ સંસદના ચોમાસુ સત્ર માટેની મૉક ડ્રિલના નામે ત્રાટકી, સ્ટેજ પર સફેદ ચાદરોનો પડદો કરીને સોનમ વાંગચુકને પરાણે ઉપાડીને હૉસ્પિટલભેગા કરી દીધા

ગઈ કાલે​ દિલ્હીના જંતરમંતર પર સફેદ ચાદરની આડશ કરીને દિલ્હી પોલીસે સોનમ વાંગચુકને પરાણે ઉપાડી લીધા હતા અને રાહ જોતી અૅમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર કરીને તેમને સફદરજંગ હૉસ્પિટલમાં દાખલ કરી દીધા હતા.

ગઈ કાલે​ દિલ્હીના જંતરમંતર પર સફેદ ચાદરની આડશ કરીને દિલ્હી પોલીસે સોનમ વાંગચુકને પરાણે ઉપાડી લીધા હતા અને રાહ જોતી અૅમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર કરીને તેમને સફદરજંગ હૉસ્પિટલમાં દાખલ કરી દીધા હતા.


દિલ્હીના જંતરમંતર ખાતે છેલ્લા ૨૧ દિવસથી ભૂખહડતાળ પર ઊતરેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને ગઈ કાલે વહેલી સવારે ૬.૩૦ વાગ્યે દિલ્હી પોલીસે એક ખાસ ઑપરેશનમાં ઉઠાવીને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરી દીધા હતા. ૨૦ જુલાઈએ સંસદ તરફ કૂચ કરવાની જાહેરાતને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. પોલીસનું કહેવું છે કે સોનમ વાંગચુકને તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હૉસ્પિટલમાં લઈ જવા જરૂરી હતા. આ ઘટનાના પગલે કૉક્રોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકેએ પોતે ભૂખહડતાળ શરૂ કરી હતી. .

ત્રણ વાગ્યાથી ઑપરેશન શરૂ
સોનમ વાંગચુકને જંતરમંતરથી દૂર કરવામાં આવ્યા એના લગભગ ચાર કલાક પહેલાં શનિવારે વહેલી પરોઢે સવારે ૩ વાગ્યે નવી દિલ્હી જિલ્લા પોલીસના બધા કર્મચારીઓ સંસદના મૉન્સૂન સત્ર પહેલાંની મૉક ડ્રિલના નામે સ્થળ પર ભેગા થયા હતા.  



ફોન-જૅમર લગાવી દીધાં
મૉક ડ્રિલ માટે આવેલા પોલીસોને મંદિર માર્ગ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમને જાણ કરવામાં આવી કે સોનમ વાંગચુકને ૩૦ સેકન્ડમાં જંતરમંતર પરથી દૂર કરવામાં આવશે. સોનમ વાંગચુકને હટાવવાની થોડી મિનિટો પહેલાં પોલીસે આ વિસ્તારમાં ફોન-જૅમર લગાવી દીધાં હતાં જેથી કોઈ આ વિસ્તારમાંથી ફોન કરીને કોઈને જાણ ન કરી શકે. મંદિર માર્ગ પોલીસ સ્ટેશનને સૂચના આપવામાં આવી હતી કે તેઓ અભિજિત દીપકેની હિલચાલ પર નજર રાખશે.


અભિજિત ગયો, પોલીસ આવી
અભિજિત દીપકે સવારે ફ્રેશ થવા માટે સ્ટેજ પરથી નીચે ઊતર્યો હતો. તે સ્ટેજ પરથી નીચે ઊતરતાંની સાથે જ પોલીસો સાદા ડ્રેસમાં સ્ટેજ પર ગયા અને તેમના હાથમાં સફેદ ચાદરો હતી. ચાદરો પાછળ પોલીસે સોનમ વાંગચુકને ઉપાડ્યા અને કેરલમ હાઉસ પાસે પહેલાંથી જ ઊભી રાખવામાં આવેલી ઍમ્બ્યુલન્સમાં સફદરજંગ હૉસ્પિટલમાં મોકલી દીધા હતા. આ બધું એટલી ઝડપથી પાર પડ્યું કે કોઈને ખબર પણ પડી નહીં.

પોલીસે રાતોરાત તૈયારી કરી 
સોનમ વાંગચુકની તબિયત સતત બગડતી રહી હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ શુક્રવારે રાત્રે નિર્ણય લીધો કે સોનમ વાંગચુકને વિરોધ સ્થળથી હૉસ્પિટલ લઈ જવાની જરૂર છે. જોકે ત્યાં એકઠા થયેલા સેંકડો વિરોધીઓની ભીડ વચ્ચે તેમને ખસેડવાનું મુશ્કેલ હતું. તેથી મૉક ડ્રિલના નામે આ ઑપરેશન પાર પાડવામાં આવ્યું હતું.


પહેલાં પોલીસ-કમિશનરને હટાવ્યા
કેન્દ્ર સરકારે દિલ્હીના પોલીસ-કમિશનર સતીશ ગોલછાને સ્થાને અનુરાગ કુમારની એક દિવસ પહેલાં નિમણૂક કરી હતી. ગોલછાએ વિરોધ-પ્રદર્શન અટકાવવા માટે પૂરતાં પગલાં લીધાં નહીં હોવાથી તેમની બદલી કરી નાખવામાં આવી હોવાનું મનાય છે. અનુરાગ કુમારે વિરોધ-પ્રદર્શનની સમીક્ષા કરી હતી અને સવારના સમયે જ્યારે CJPનો સ્થાપક અભિજિત દીપકે ફ્રેશ થવા જાય ત્યારે ઑપરેશન પાર પાડવાનો પ્લાન બનાવ્યો હતો.

સરકાર સોનમ વાંગચુકના જીવનને જોખમમાં મૂકવા ન દેઃ BJPના પ્રવક્તા અમિત માલવિયા
સોનમ વાંગચુકને જંતરમંતર પરથી હટાવવા પર સરકારની પહેલી પ્રતિક્રિયામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના અમિત માલવિયાએ કહ્યું હતું કે એક જવાબદાર સરકાર દિલ્હી હાઈ કોર્ટના નિર્દેશોને અવગણી શકે નહીં અથવા તેમના જીવનને જોખમમાં મૂકવા ન દે.
અમિત માલવિયાએ સોનમ વાંગચુકની નિષ્ઠા અને CJPના સોશ્યલ મીડિયા અભિયાન પર શંકા વ્યક્ત કરી હતી. માલવિયાએ આરોપ લગાવ્યો કે વાંગચુકને સ્થળ પરથી હટાવવામાં આવ્યા ત્યારે વિરોધ-પ્રદર્શનના આયોજકો હાજર નહોતા અને તેઓ એકલા પડી ગયા હતા, આંદોલન ચલાવનારાઓ દિલ્હીમાં ઘરે આરામથી બેઠા હતા.

NCP-SPના પ્રવક્તાના ઘરે ગયો હતો અભિજિત દીપકે
પોલીસ ત્રાટકી ત્યારે અભિજિત દીપકે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ 
પાર્ટી-શરદ પવાર (NCP-SP)ના પ્રવક્તા અનિશ ગાવંડેના ઘરે ગયો હતો. પોલીસે ત્યાં પહોંચીને તેની અટકાયત કરી હતી. 

અભિજિત દીપકે પર મહિલાએ શાહી ફેંકી
જંતરમંતર પર એક મહિલાએ ગઈ કાલે અભિજિત દીપકે પર શાહી ફેંકી હતી. વાઇરલ થયેલા વિડિયોમાં દેખાય છે કે આ મહિલાએ દીપકે પર શાહી ફેંકી હતી જે તેના ચહેરા પર અને અન્ય વિરોધકના શર્ટ પર પડી હતી. વિરોધ-સ્થળ પર અંધાધૂંધી ફેલાતાં લોકોએ મહિલાને પકડી હતી.

અભિજિત દીપકેની માગણી ઃ હવે નરેન્દ્ર મોદી રાજીનામું આપે
સોનમ વાંગચુકને પોલીસ દ્વારા જંતરમંતર પરથી હટાવીને હૉસ્પિટલમાં લઈ જવા પર પ્રતિક્રિયા આપતાં અભિજિત દીપકેએ કહ્યું હતું કે ‘જો તેઓ વિચારે છે કે સોનમને લઈ જવાથી આ આંદોલન સમાપ્ત થઈ જશે તો તેઓ ભૂલ કરી રહ્યા છે. અમે અહીં જ રહીશું અને ૨૦ જુલાઈએ સંસદ તરફ કૂચ કરીશું. અત્યાર સુધી અમે શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી કરી રહ્યા હતા, પરંતુ આ ઘૃણાસ્પદ કૃત્ય પછી અમે હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની માગણી કરીશું.’

સોનમ વાંગચુકે હૉસ્પિટલમાં સારવાર લેવાનો કર્યો ઈનકાર
૨૦ દિવસની ભૂખહડતાળ બાદ ડિહાઇડ્રેટેડ અને નબળા બનેલા સોનમ વાંગચુકે હૉસ્પિટલમાં સારવાર લેવાનો ઇનકાર કર્યો હોવાનું હૉસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું. ગઈ કાલે બપોરે સફદરજંગ હૉસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં જણાવાયું હતું કે ‘સોનમ વાંગચુકે નસમાં પ્રવાહી અને ડૉકટરો દ્વારા સૂચવવામાં આવેલી અન્ય કોઈપણ દવાનો ઇનકાર કર્યો છે. નસ દ્વારા પ્રવાહી લેવાની સલાહ આપવામાં આવી હોવા છતાં દરદીએ ઇન્ટ્રાવીનસ લિક્વિડ, ઓરલ રિહાઇડ્રેશન સૉલ્યુશન અને અન્ય કોઈ પણ દવાનો ઇનકાર કર્યો છે. તેમના સ્વાસ્થ્યના હિતમાં તેમની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને તેમને સારવાર સ્વીકારવા માટે સલાહ આપવામાં આવી રહી છે.’

સોનમ વાંગચુકને સફદરજંગ હૉસ્પિટલમાંથી બીજે ખસેડવાની પત્ની ગીતાંજલિની માગણી

ટ્રાન્સપરન્સીનો અભાવ છે એમ કહીને સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ જે. અૅન્ગ્મોએ તેમને સફદરજંગ હૉસ્પિટલમાંથી અન્યત્ર ખસેડવાની માગણી કરી છે. ગીતાંજલિએ સફદરજંગ હૉસ્પિટલમાં પહોંચીને કહ્યું હતું કે ‘પરિવારની સંમતિ વિના તેમને કંઈપણ આપવું જોઈએ નહીં. અમારો પરિવાર થર્ડ-પાર્ટી ટેસ્ટ કરાવવાની માગણી કરી રહ્યો છે. વાંગચુક હજુ પણ હડતાળ પર છે અને તેમને તાત્કાલિક રજા આપવી જોઈએ.’
ગીતાંજલિએ સફદરજંગ હૉસ્પિટલને પત્ર લખીને તેમને તેમની પસંદગીના મેડિકલ સેન્ટરમાં ખસેડવાની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘પારદર્શિતાના અભાવે હૉસ્પિટલ પરનો મારો વિશ્વાસ ડગમગી ગયો છે. હૉસ્પિટલે સોનમ વાંગચુકના મેડિકલ રિપોર્ટ્સ શૅર કર્યા નથી અને તેમની મેડિકલ ટીમને તેમને જોવાની મંજૂરી આપવામાં આવી રહી નથી.’
સોનમ વાંગચુકની તબિયત વિશે બોલતાં ગીતાંજલિએ કહ્યું હતું કે ‘સોનમને અથવા મને જાણ કર્યા વિના તેઓ તેને જંતરમંતર પરથી અહીં લાવ્યા હતા. શુક્રવારે સાંજે સફદરજંગ હૉસ્પિટલના ડોકટરોએ જ તેને તપાસ્યા હતા અને તેનાં તમામ પૅરામીટર સામાન્ય હતાં, પરંતુ હવે તેઓ અમને કહી રહ્યા છે કે તેનું પોટૅશિયમ ઘટી ગયું છે અને એ જીવલેણ છે.’
હૉસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે સોનમ વાંગચુક ભાનમાં છે અને તેમની તબિયત સ્થિર છે અને સતત તબીબી નિરીક્ષણ હેઠળ છે.

સોનમ નહીં આવી શકે તો ૨૦ જુલાઈએ હું કૂચનું નેતૃત્વ કરીશઃ ગીતાંજલિ
સોનમ વાંગચુકને તેમની ભૂખહડતાળના એકવીસમા દિવસે દિલ્હી પોલીસ હૉસ્પિટલમાં લઈ ગઈ એ પછી તેમની પત્ની ગીતાંજલિએ હૉસ્પિટલની બહાર જણાવ્યું હતું કે ‘સોનમ હજુ પણ ભૂખહડતાળ પર છે, જો સોનમ ૨૦ જુલાઈએ સંસદ તરફ કૂચ કરવામાં અસમર્થ રહેશે તો હું કૂચનું નેતૃત્વ કરીશ. આ કૂચ સોમવારે યોજના મુજબ થશે. તેઓ સોનમને બળજબરીથી હૉસ્પિટલમાં લાવ્યા છે, તેઓ તેને રોકી શકશે નહીં.’

Whatsapp-channel Whatsapp-channel

19 July, 2026 10:15 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK