Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > લીઅનલ મેસીના બે અસિસ્ટ ગોલની મદદથી આર્જેન્ટિનાની સાતમી વખત ફાઇનલમાં એન્ટ્રી

લીઅનલ મેસીના બે અસિસ્ટ ગોલની મદદથી આર્જેન્ટિનાની સાતમી વખત ફાઇનલમાં એન્ટ્રી

Published : 17 July, 2026 11:09 AM | IST | Atlanta
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦ જુલાઇએ આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ફાઇનલ રમાશે, ૧૯ જુલાઇએ ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સ વચ્ચે થર્ડ પ્લેસ માટેની મૅચ રમાશે : ઇંગ્લૅન્ડ સામે ૨-૧થી વિજય નોંધાવીને સતત છઠ્ઠી સેમી-ફાઇનલમાં અપરાજિત રહ્યું આર્જેન્ટિના

લીઅનલ મેસીને રોકવા ઇંગ્લૅન્ડના ખેલાડીઓએ ભારે મહેનત કરવી પડી હતી

લીઅનલ મેસીને રોકવા ઇંગ્લૅન્ડના ખેલાડીઓએ ભારે મહેનત કરવી પડી હતી


કી હાઇલાઇટ્સ

  1. ડિફેન્ડિંગ ચૅમ્પિયને સતત ૧૩મી વર્લ્ડ કપ મૅચમાં બે કે એથી વધુ ગોલ કર્યા
  2. ઇંગ્લૅન્ડને હરાવ્યા બાદ આર્જેન્ટિનાએ વિવાદિત બૅનર લહેરાવ્યું
  3. પેનલ્ટી શૂટઆઉટમાં ગોલ બચાવવા કાપલીઓ તૈયાર કરે છે ગોલકીપર્સ

ઍટલાન્ટા સ્ટેડિયમમાં ગઈ કાલે આર્જેન્ટિના અને ઇંગ્લૅન્ડ વચ્ચે ફુટબૉલ વર્લ્ડ કપની બીજી રસપ્રદ સેમી-ફાઇનલ મૅચ રમાઈ હતી. ડિફેન્ડિંગ ચૅમ્પિયન આર્જેન્ટિનાએ આ મૅચ ૨-૧થી જીતીને સાતમી વખત ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. આર્જેન્ટિના પોતાની ૬ વર્લ્ડ કપ સેમી-ફાઇનલમાં અપરાજિત રહ્યું છે.

ઇંગ્લૅન્ડના ઍન્થની ગૉર્ડને પંચાવનમી મિનિટે મૅચનો પહેલો ગોલ કર્યો હતો. ત્યાર બાદ આર્જેન્ટિનાના ઍન્ઝો ફર્નાન્ડિઝે ૮૫મી મિનિટે અને સ્ટૉપેજ ટાઇમમાં ૯૨મી મિનિટે માર્ટિનેઝે ગોલ કરીને જીત સુનિશ્ચિત કરી હતી. ટીમના કૅપ્ટન લીઅનલ મેસીએ આ બન્ને ગોલ અસિસ્ટ કર્યા હતા એટલે કે ગોલ કરનાર બન્ને ખેલાડીઓ સુધી છેલ્લે બૉલ પાસ કરનાર ખેલાડી મેસી હતો.
આર્જેન્ટિનાએ સતત ૧૩ વર્લ્ડ કપ મૅચોમાં બે કે એથી વધુ ગોલ કર્યા છે જે ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી લાંબો સિલસિલો છે. ૧૯૩૦થી ૧૯૫૪ વચ્ચે સતત ૧૧ મૅચોમાં આ કમાલ કરીને ઉરુગ્વે બીજા ક્રમે છે.



ભારતીય સમય અનુસાર ૨૦ જુલાઈએ રાત્રે અઢી વાગ્યે ન્યુ યૉર્કમાં સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે ફાઇનલ મૅચ રમાશે. સ્પેન બીજી વખત અને આર્જેન્ટિના સાતમી વખત ફાઇનલ રમશે. જોકે એ પહેલાં માયામી સ્ટેડિયમમાં ૧૯ જુલાઈએ ફ્રાન્સ અને ઇંગ્લૅન્ડ વચ્ચે ત્રીજા સ્થાન માટે જંગ થશે. 


લીઅનલ મેસીને ખભા પર ઉપાડીને જીતની ઉજવણી કરી હતી આર્જેન્ટિનાની ટીમે


39 વર્ષ અને ૨૧ દિવસની ઉંમરે ફુટબૉલ વર્લ્ડ કપ સેમી-ફાઇનલમાં રમનાર ઓલડેસ્ટ આઉટફીલ્ડ ખેલાડી બન્યો આર્જેન્ટિનાનો લીઅનલ મેસી.

વર્લ્ડ કપની નૉકઆઉટ મૅચોમાં 10 અસિસ્ટ ગોલ કરનાર પહેલો ખેલાડી બન્યો લીઅનલ મેસી. વર્લ્ડ કપ ઇતિહાસમાં મેસી સૌથી વધુ ૧૨ અસિસ્ટ ગોલ નોંધાવી ચૂક્યો છે. 

પેનલ્ટી શૂટઆઉટમાં ગોલ બચાવવા આવી કાપલીઓ તૈયાર કરે છે ગોલકીપર્સ

ગઈ કાલે જીત બાદ લીઅનલ મેસી સહિતના આર્જેન્ટિનાના ખેલાડીઓના હાથમાં ઇંગ્લૅન્ડના ગોલકીપર જૉર્ડન પિકફોર્ડની પાણીની બોટલ જોવા મળી હતી. આ બોટલ પર પેનલ્ટી શૂટઆઉટ માટેની નોટ્સ ચોંટાડેલી હતી. ફુટબૉલની રમતમાં આવા અખતરા સામાન્ય થઈ ગયા છે. આર્જેન્ટિનાનો કયો ખેલાડી કઈ દિશામાં ગોલ કરવાનો પ્રયાસ કરશે એનું રિસર્ચ કરીને ગોલકીપરને આપવામાં આવ્યું હતું. એક સમયે જીતની ઉજવણી છોડીને આર્જેન્ટિનાના ખેલાડીઓએ આ બૉટલનો ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો હતો.  

ઇંગ્લૅન્ડને હરાવ્યા બાદ આર્જેન્ટિનાએ વિવાદિત બૅનર લહેરાવ્યું

આર્જેન્ટિના અને ઇંગ્લૅન્ડ ૨૧ વર્ષે સામસામે ફુટબૉલના મેદાન પર રમ્યાં હતાં. ઇંગ્લૅન્ડને કચડ્યા બાદ આર્જેન્ટિનાની ટીમે એક વિવાદિત બૅનર લહેરાવ્યું હતું. જીતની ઉજવણી દરમ્યાન મેદાન પર લહેરાવવામાં આવેલા આ બૅનર પર લખ્યું હતું, ‘ફૉકલૅન્ડ આઇલૅન્ડ્સ આર્જેન્ટિનાના છે.’ આ બૅનર માટે ઇન્ટરનૅશનલ ફુટબૉલ ફેડરેશન કાર્યવાહી કરી શકે છે. આર્જેન્ટિનાની નજીક આવેલા ફૉકલૅન્ડ ટાપુઓ પર રાજ કરવા બ્રિટને ૧૯૮૨માં આક્રમણ કર્યું હતું. ૭૪ દિવસના યુદ્ધ દરમ્યાન આર્જેન્ટિનાના ૩૨૩ સહિત ટોટલ ૬૪૯ લોકોએ જીવ ગુમાવ્યો હતો. એ સમયે આર્જેન્ટિનાએ પીછેહઠ કરવી પડી હતી. જોકે 1 હજુ પણ ટાપુઓ પર દાવો કરે છે જે બ્રિટિશ નિયંત્રણ હેઠળ છે.

૫૦૦ કિલો બીફ લઈને વર્લ્ડ કપ રમવા આવી છે આર્જેન્ટિનાની ટીમ

આ વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાના અજેય અભિયાન અને ખેલાડીઓની શાનદાર ફિટનેસ માટે રસપ્રદ અહેવાલ સામે આવ્યા છે. આર્જેન્ટિનાની ટીમ વર્લ્ડ કપ માટે એના કૅન્સસ સિટી બેઝ કૅમ્પ પર ૫૦૦ કિલો પરંપરાગત બીફ કટ લઈને આવ્યા છે, જેથી ખેલાડીઓને પરિચિત પોષણ અને ઘર જેવું વાતાવરણ મળી રહે. અમેરિકામાં કડક સૅનિટરી અને કસ્ટમ્સના નિયમોને કારણે આ બીફના શિપમેન્ટ માટે મહિનાઓ પહેલાં આયોજન કરવું પડ્યું હતું.

૨૦૦૭માં જે બાળક સાથે ફોટોશૂટ કરાવ્યું હતું એ જ લમિન યમાલ સામે ફાઇનલ રમશે લીઅનલ મેસી

આર્જેન્ટિના અને સ્પેનની ફુટબૉલ વર્લ્ડ કપની ફાઇનલ મૅચ નક્કી થઈ એ પછી સોશ્યલ મીડિયા પર લીઅનલ મેસી અને લમિન યમાલનો ૨૦૦૭નો એક ફોટો વાઇરલ થયો છે. એ સમયે ૨૦ વર્ષની ઉંમરે મેસી બાર્સેલોના ફુટબૉલ ક્લબ માટે રમી રહ્યો હતો. તેણે એક ચૅરિટી કૅલેન્ડર ફોટોશૂટ દરમ્યાન પાંચ મહિનાના લમિન યમાલને બાથટબમાં નવડાવ્યો હતો. ૧૯ વર્ષ પછી આ જ બાળક ફુટબૉલનો રાઇઝિંગ સ્ટાર બનીને ફુટબૉલ વર્લ્ડ કપની ફાઇનલ મૅચમાં લીઅનલ મેસીનો કટ્ટર હરીફ બનીને રમશે. પહેલી વખત બન્ને ખેલાડીઓ ફુટબૉલના મેદાન પર સામસામે રમશે. આ વર્લ્ડ કપમાં ૩૯ વર્ષનો લીઅનલ મેસી ૮ ગોલ અને ૪ અસિસ્ટ ગોલ સાથે ગોલ્ડન બૂટ જીતવાની રેસમાંથી સૌથી આગળ છે. સ્પેનના ૧૯ વર્ષના લમિન યમાલે ૭ મૅચોમાં માત્ર એક ગોલ કર્યો છે. 

Whatsapp-channel Whatsapp-channel

17 July, 2026 11:09 AM IST | Atlanta | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK