આમિર ખાનને ત્રીજાં લગ્ન પછી લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના સભ્યો દ્વારા સોશ્યલ મીડિયા પર ધમકી આપવામાં આવી
લૉરેન્સ બિશ્નોઈ
સલમાન ખાન બાદ હવે આમિર ખાન પણ લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના ટાર્ગેટ પર હોવાનો દાવો સામે આવ્યો છે. આરઝૂ બિશ્નોઈ અને ટાયસન બિશ્નોઈના નામે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ અને કથિત ઑડિયો-ક્લિપ જાહેર કરીને આમિરને ધમકી આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પોસ્ટમાં આમિર પર ‘લવ જેહાદ’ને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સાથે જ ધમકીભરી ભાષામાં આમિર સામે કાર્યવાહી કરવાની વાત પણ લખવામાં આવી છે. જોકે આ પોસ્ટ ખરેખર લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ દ્વારા જ જાહેર કરવામાં આવી છે કે નહીં એની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
આ મામલે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હોવાની માહિતી મળી છે. આ વાઇરલ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ‘હું આરઝૂ બિશ્નોઈ અને ટાયસન બિશ્નોઈ (લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ). આપણા દેશમાં આપણી સંસ્કૃતિ વિરુદ્ધ આમિર ખાન જેવા લોકો ‘લવ જેહાદ’ના નામે આવી બાબતોને પ્રોત્સાહન આપી રહ્યા છે. અમે આ સહન નહીં કરીએ અને એનો જવાબ ખૂબ જલદી આપવામાં આવશે. આ સનાતન ધર્મ અને દેશ વિરુદ્ધ છે. અમે અમારા ભાઈ-બહેનો અને દેશવાસીઓને વચન આપીએ છીએ કે જે કોઈ પણ આવી હરકતોને પ્રોત્સાહન આપશે તેમને અમે અમારી રીતે જવાબ આપીશું. જે લોકો સ્ટારડમના નામે આ બાબતને આગળ ધપાવી રહ્યા છે તેમના શ્વાસ અટકાવી દેવામાં આવશે.’
આ મહિનાની શરૂઆતમાં આમિરે પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૅટ સાથે પોતાના નિવાસસ્થાને સાદા રજિસ્ટર્ડ સમારંભમાં લગ્ન કર્યાં હતાં. ત્યાર બાદ તેનાં ત્રીજા લગ્નને લઈને વિવાદ ઊભો થયો હતો. કેટલાંક હિન્દુ સંગઠનોએ આ લગ્નને ‘લવ જેહાદ’ સાથે જોડ્યાં હતાં અને આમિર વિરુદ્ધ ફતવો જાહેર કરવામાં આવ્યો હોવાના રિપોર્ટ પણ સામે આવ્યા હતા.
આમિર ખાનને મળશે સરકારી સુરક્ષા?
હાલમાં આમિરને સરકાર તરફથી કોઈ સત્તાવાર સુરક્ષા આપવામાં આવી નથી અને તે પોતાની ખાનગી સુરક્ષા-વ્યવસ્થા પર નિર્ભર છે. જોકે જો તપાસ દરમ્યાન જોખમ ગંભીર હોવાનું સામે આવશે તો તેની સુરક્ષા વધારવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. સામાન્ય રીતે કોઈ પણ નાગરિક અથવા સેલિબ્રિટીની સુરક્ષાની જવાબદારી સંબંધિત રાજ્ય સરકારની હોય છે. આમિર મહારાષ્ટ્રના મુંબઈમાં રહેતો હોવાથી તેની સુરક્ષાની સમીક્ષા કરીને એને ‘Y’, ‘Y+’ અથવા ‘Z’ કૅટેગરીમાં અપગ્રેડ કરવી કે નહીં એનો પ્રારંભિક નિર્ણય મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસની થ્રેટ પર્સેપ્શન કમિટી દ્વારા લેવામાં આવી શકે છે.
