આઇપીએલની ૧૬મી સીઝનમાં ગિલે ત્રણ સદી સહિત સૌથી વધુ ૮૯૦ રન બનાવીને ઑરેન્જ કૅપ જીતી હતી
આઇપીએલનો સુપરસ્ટાર શુભમન ગિલ ગઈ કાલે સાતમી જ ઓવરમાં સ્કૉટ બોલૅન્ડેના ધારદાર બૉલમાં બોલ્ડ થઈ ગયો હતો. તસવીર એ.એફ.પી.
એક સમયે હાઇએસ્ટ ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ-સ્કોર (૨૦૦૩-’૦૪માં પર્થમાં ઝિમ્બાબ્વે સામે ૩૮૦ રન)નો વિશ્વવિક્રમ ધરાવનાર ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર મૅથ્યુ હેડનનું એવું માનવું છે કે શુભમન ગિલ ક્રિકેટજગતનો નેક્સ્ટ સુપરસ્ટાર છે. જોકે ગઈ કાલે તે ઑસ્ટ્રેલિયા સામેની અલ્ટિમેટ ટેસ્ટના પ્રથમ દાવમાં નજીવું યોગદાન આપી શક્યો એ બદલ તેઓ નારાજ છે. તાજેતરની આઇપીએલની ૧૬મી સીઝનમાં ત્રણ સદી સહિત સૌથી વધુ ૮૯૦ રન બનાવીને ઑરેન્જ કૅપ જીતનાર ગિલે (૧૩ રન, ૧૫ બૉલ, બે ફોર) ભારતના માત્ર ૩૦ રનના સ્કોર પર વિકેટ ગુમાવી દીધી હતી. તે અનેક ડૉટ-બૉલ બાદ ફાસ્ટ બોલર સ્કૉટ બોલૅન્ડના બૉલમાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો.
ADVERTISEMENT
હેડને ‘મિડ-ડે’ને ગઈ કાલે કહ્યું કે ‘બોલૅન્ડના બૉલને ગિલ સમજી જ ન શક્યો. મિસજજમેન્ટને કારણે ક્લીન બોલ્ડ થઈ ગયો. જોકે બોલૅન્ડને પૂરો જશ આપવો જોઈએ. તેના બૉલ ધારદાર અને બરાબર લેન્ગ્થમાં હતા. ભારતને મોટી ભાગીદારીઓની જરૂર છે.’ હેડનના મતે ‘ઑસ્ટ્રેલિયનો આ ટેસ્ટ જીતી શકે એમ છે અને એવું થશે તો આ જ મહિને ઇંગ્લૅન્ડ સામે શરૂ થઈ રહેલી ઍશિઝ સિરીઝ માટે એ બહુ સારી પૂર્વતૈયારી બની રહેશે. એટલું જ નહીં, ઍશિઝમાં પણ તેઓ મોટી સિદ્ધિઓ મેળવી શકશે.’

