પૉન્ટિંગના મતે ‘ઑસ્ટ્રેલિયાના લેફ્ટ-હૅન્ડર્સ સામે વર્લ્ડ નંબર વન અશ્વિન અસરદાર નીવડ્યો હોત’ ઃ માંજરેકરે કહ્યું કે ‘અશ્વિન બૅટિંગમાં પણ ખૂબ કામ લાગ્યો હોત’
રવિચન્દ્રન અશ્વિન
લંડનના ઓવલમાં ગઈ કાલે શરૂ થયેલી ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં ટૉસ ઉછાળ્યા બાદ સૌથી વધુ ચર્ચા ઑફ-સ્પિનર અને ટેસ્ટ-રૅન્કિંગના નંબર-વન બોલર રવિચન્દ્રન અશ્વિનને ભારતની પ્લેઇંગ-ઇલેવનમાં ન સમાવવામાં આવ્યો એ વિશેની હતી. અશ્વિન જેવા ટોચના સ્પિનરને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્યિપનશિપની ફાઇનલ જેવી સર્વોચ્ચ મૅચમાં ન રમાડવામાં આવ્યો એ બદલ ભારતીય ટીમ-મૅનેજમેન્ટની ટીકા થઈ રહી છે. ઓવલની પિચ સમય જતાં સ્પિનર્સને વધુ ફાવશે એવું સચિન તેન્ડુલકરે મંગળવારે જ કહ્યું હતું. જોકે ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગ, ભૂતપૂર્વ ઓપનર મૅથ્યુ હેડન તેમ જ ભૂતપૂર્વ ભારતીય બૅટર સંજય માંજરેકરે અશ્વિનની બાદબાકીને વખોડી છે.
આ મૅચમાં લેફ્ટ-આર્મ સ્પિનિંગ ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા એકમાત્ર ભારતીય સ્પિનર છે.
ADVERTISEMENT
ઑસ્ટ્રેલિયાએ ટોચના સાત બૅટર્સમાં ચાર લેફ્ટ-હૅન્ડરને સમાવ્યા છે. એમાં ઉસ્માન ખ્વાજા, ડેવિડ વૉર્નર, ટ્રેવિસ હેડ અને વિકેટકીપર ઍલેક્સ કૅરીનો સમાવેશ છે. આઇ.એ.એન.એસ.ના અહેવાલમાં પૉન્ટિંગ તેમ જ માંજરેકરનાં મંતવ્યોને સમાવતાં પહેલાં એવું જણાવાયું હતું કે આ ચારમાંના પહેલા બે બૅટર્સ પ્રથમ સેશનમાં જ વિકેટ ગુમાવી બેઠા હતા. પહેલી ત્રણેય વિકેટ પેસ બોલર્સે લીધી હતી. ખાસ કરીને શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવનો ઇલેવનમાં કરાયેલો સમાવેશ ચર્ચામાં છે. પહેલી ત્રણ વિકેટમાંથી ડેવિડ વૉર્નર (૪૩ રન, ૬૦ બૉલ, આઠ ફોર)ની મહત્ત્વની વિકેટ શાર્દુલે લીધી હતી. જોકે એ ત્રણ વિકેટમાંથી શમી અને સિરાજને મળેલી એક-એક વિકેટનો સમાવેશ હતો, પરંતુ ઉમેશ યાદવને ૧૪ ઓવરમાં ૫૪ રનના ખર્ચે એકેય વિકેટ નહોતી મળી.
ઑફ સ્પિનર અશ્વિનની બાદબાકી વિશે કોણે શું કહ્યું?
મૅથ્યુ હેડન : ભારતે અશ્વિનને ઇલેવનમાં ન સમાવીને ભૂલ કરી. ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે ટેસ્ટ-સિરીઝમાં અશ્વિનનો પર્ફોર્મન્સ (૭ ટેસ્ટમાં ૩૭ વિકેટ) સારો હતો. માત્ર એ દેખાવને જ ધ્યાનમાં લીધો હોત તો પણ ઇલેવનમાં અશ્વિનના સમાવેશને યોગ્ય ઠરાવી શકાયો હોત.
રિકી પૉન્ટિંગ : અશ્વિનને પ્લેઇંગ-ઇલેવનમાં ન સમાવીને ભારતે ભૂલ કરી. ટીમ ઇન્ડિયાએ નવા બૉલથી ઑસ્ટ્રેલિયાની બૅટિંગ લાઇન-અપમાં મોટું નુકસાન કરવાનું વિચાર્યું હશે. જોકે મૅચ આગળ વધશે એમ પિચ પર વધુ ને વધુ ટર્ન મળતો જશે ત્યારે અશ્વિનની ગેરહાજરી જરૂર વર્તાશે, કારણ કે તેના અવે ફ્રોમ ધ સ્ટમ્પ્સ બૉલ લેફ્ટ-હૅન્ડર્સને વધુ મુસીબતમાં મૂકી દીધા હોત. પિચમાં ઘાસની નીચેનો ભાગ થોડો સૂકો છે એ જોતાં ભારતે જો અશ્વિનને ઇલેવનમાં સમાવ્યો હોત તો એને ફાયદો થાત.
સંજય માંજરેકર : મને લાગે છે કે ભારતીય ટીમે માની જ લીધું છે કે ઓવલની પિચ ખૂબ જ સીમ-ફ્રેન્ડ્લી છે. જોકે અશ્વિન છેલ્લી થોડી મૅચોથી વિદેશી ધરતી પર બહુ સારું રમ્યો છે. તેને લેવો જોઈતો હતો. પિચ ઘણી ગ્રીન લાગે છે, પરંતુ નીચેનો સફેદ ભાગ દર્શાવે છે કે અંદર ઘણો સૂકો હિસ્સો પણ છે. ખરેખર તો ઓવલની પિચ ક્યારેય સીમ-તરફી પિચ રહી જ નથી. મને લાગે છે કે ૨૦૨૧ની પ્રથમ ટેસ્ટ-ફાઇનલ સાઉધમ્પ્ટનમાં રમાઈ હતી અને ત્યાંની ફાસ્ટ બોલિંગને વધુ માફક આવતી પિચ પર અશ્વિન અસરદાર નહોતો એટલે જ કદાચ તેને આ વખતની ફાઇનલમાં નથી રમાડવામાં આવ્યો. લેફ્ટ-હૅન્ડર્સ સામે જાડેજા પણ અસરદાર બની શકે, પરંતુ અશ્વિનને પણ લેવો જોઈતો હતો, કારણ કે તે બૅટિંગમાં પણ ઘણો કામ લાગ્યો હોત. તેના છેલ્લી કેટલીક ટેસ્ટના દેખાવો ધ્યાનમાં લેવા જોઈતા હતા.


