Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બે બેસ્ટ ટીમ વચ્ચે આજથી ‘અલ્ટિમેટ ટેસ્ટ’

બે બેસ્ટ ટીમ વચ્ચે આજથી ‘અલ્ટિમેટ ટેસ્ટ’

Published : 07 June, 2023 02:31 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લંડનના ઓવલમાં નંબર-વન ભારત અને નંબર-ટૂ ઑસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ ઃ બપોરે ૩.૦૦ વાગ્યાથી લાઇવ

ગઈ કાલે ડબ્લ્યુટીસીની ટ્રોફી સાથે રોહિત શર્મા અને પૅટ કમિન્સ (તસવીર : એ. એફ. પી.)

WTC 2023

ગઈ કાલે ડબ્લ્યુટીસીની ટ્રોફી સાથે રોહિત શર્મા અને પૅટ કમિન્સ (તસવીર : એ. એફ. પી.)


ટેસ્ટના વર્લ્ડ નંબર-વન ભારત અને નંબર-ટૂ ઑસ્ટ્રેલિયા વચ્ચે આજે લંડનના કેનિંગ્ટન ઓવલમાં ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ (બપોરે ૩.૦૦ વાગ્યાથી લાઇવ) શરૂ થશે. ૧૧ જૂન સુધી ચાલનારા આ નિર્ણાયક જંગ માટે ૧૨ જૂનનો રિઝર્વ-ડે રાખવામાં આવ્યો છે. લંડનમાં આ ટેસ્ટ દરમ્યાન થોડો વરસાદ પડવાની સંભાવના છે. ઓવલનાં ૧૪૩ વર્ષના ઇતિહાસમાં પહેલી જ વખત જૂન મહિનામાં ટેસ્ટ-મૅચ રમાવાની છે.

આજે શરૂ થનારો જંગ ‘અલ્ટિમેટ ટેસ્ટ’ તરીકે પણ ઓળખાય છે. બે વર્ષ સુધી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી) ચાલી અને આજે એનો ફાઇનલ મુકાબલો શરૂ થવાનો છે. ભારતને આ ફાઇનલનો અગાઉ અનુભવ થઈ ચૂક્યો છે, પરંતુ ઑસ્ટ્રેલિયા પહેલી જ વખત ડબ્લ્યુટીસીની ફાઇનલ રમશે. ૨૦૨૧માં રમાયેલી સૌપ્રથમ ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડ સામે ભારતનો પરાજય થયો હતો.



આજે શરૂ થતી ટેસ્ટમાં રમનારા કુલ બાવીસ ખેલાડીઓમાંથી કેટલાક પ્લેયર્સ માટે આ મૅચ ટેસ્ટ-કરીઅરને નવી દિશા અપાવનારી બનશે તો અમુક પ્લેયર્સની ટેસ્ટ-કારકિર્દી પર થોડા જ સમયમાં પૂર્ણવિરામ મુકાઈ શકે. ૩૩ વર્ષની આસપાસની ઉંમરના ભારતીય ખેલાડીઓ જેમ કે વિરાટ, અશ્વિન, જાડેજા, પુજારા, રહાણે, ઉમેશ તેમ જ મોહમ્મદ શમી તેમ જ ઑસ્ટ્રેલિયાના પ્લેયર્સ ડેવિડ વૉર્નર, સ્ટીવ સ્મિથ, ઉસ્માન ખ્વાજા, નૅથન લાયન અને મિચલ સ્ટાર્ક ૫૦ કે વધુ ટેસ્ટ રમ્યા છે.


ભારત ૧૦ વર્ષથી આઇસીસી ટ્રોફી નથી જીતી શક્યું, પરંતુ આ ટેસ્ટની ટ્રોફી એ દુકાળનો અંત લાવશે એવું માનવામાં આવે છે. જોકે ઑસ્ટ્રેલિયાની ટફ ટીમ સામે જીતવું ભારત માટે અઘરું તો છે જ.

કૅપ્ટન રોહિત અને સુકાની કમિન્સ, બન્નેની ૫૦મી ટેસ્ટ


ભારતનો કૅપ્ટન રોહિત શર્મા આજે રમશે તો એ તેની કરીઅરની ૫૦મી ટેસ્ટ કહેવાશે. ૨૦૧૩થી ૨૦૨૩ સુધીની ૪૯ ટેસ્ટમાં તેણે ૯ સેન્ચુરી અને ૧૪ હાફ સેન્ચુરીની મદદથી ૩૩૭૯ રન બનાવ્યા છે. ૨૧૨ રન તેનો હાઇએસ્ટ સ્કોર છે અને ૪૫.૬૬ તેની બૅટિંગ-ઍવરેજ છે. ઑસ્ટ્રેલિયાના સુકાની પૅટ કમિન્સની પણ આજે ૫૦મી ટેસ્ટ છે. તેણે ૨૦૧૧થી ૨૦૨૩ સુધીની ૪૯ ટેસ્ટમાં ૨૧૭ વિકેટ લીધી છે. ૨૧.૫૦ તેની બોલિંગ-ઍવરેજ છે અને ૨૩ રનમાં ૬ વિકેટ તેનો એક ઇનિંગ્સનો બેસ્ટ પર્ફોર્મન્સ છે.

બન્ને દેશની ૧૫-૧૫ ખેલાડીઓની ટીમમાં કોણ?

ભારત - રોહિત શર્મા (કૅપ્ટન), શુભમન ગિલ, શ્રીકાર ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા, રવિચન્દ્રન અશ્વિન, અક્ષર પટેલ, શમી, સિરાજ, ઉમેશ યાદવ, ઉનડકટ અને શાર્દુલ.

ઑસ્ટ્રેલિયા - પૅટ કમિન્સ (કૅપ્ટન), ઉસ્માન ખ્વાજા, ડેવિડ વૉર્નર, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, ઍલેક્સ કૅરી (વિકેટકીપર), કૅમેરન ગ્રીન, ટ્રેવિસ હેડ, માર્કસ હૅરિસ, જૉસ ઇંગ્લિસ (વિકેટકીપર), સ્કૉટ બૉલેન્ડ, સ્ટાર્ક, માઇકલ નેસર, નૅથન લાયન અને ટૉડ મરફી.

ઇંગ્લૅન્ડની પિચ પર વિકેટકીપિંગમાં સફળ થવા માટે શું કરવું એ વિશે એમએસ ધોની પાસેથી મને થોડા દિવસ પહેલાં આઇપીએલ દરમ્યાન ઘણું નવું અને ઉપયોગી જાણવા મળ્યું હતું : શ્રીકાર ભરત

 ટેસ્ટની ફાઇનલનો મુકાબલો ઓવલમાં રમાવાનો છે એ બદલ ભારતીય ટીમે ખુશ થવું જોઈએ. મૅચ આગળ વધશે એમ પિચ સ્પિનર્સને વધુ ફાયદો અપાવશે. પિચ હંમેશાં ટર્નિંગ જ હોય એ જરૂરી નથી. ક્યારેક થોડા બાઉન્સથી પણ લાભ થાય. યાદ છેને, છેલ્લે આપણી ટીમ અહીં જીતી હતી. : સચિન તેન્ડુલકર

Whatsapp-channel Whatsapp-channel

07 June, 2023 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK