Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

હાઉસફુલ અમદાવાદ

Published : 08 October, 2023 02:16 PM | Modified : 08 October, 2023 02:45 PM | IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

વર્લ્ડ કપ હોય અને ભારત-પાકિસ્તાનની મૅચ હોય એટલે હાઈ વૉલ્ટેજ ડ્રામા ન થાય તો જ નવાઈ. આ મૅચ જોવા દુનિયાભરના ચાહકોએ અમદાવાદ તરફ કૂચ કરી છે ત્યારે હોટેલો, ગેસ્ટહાઉસો, ફાર્મહાઉસો, કમ્યુનિટી હૉલ્સ, ઘરો અને ડૉર્મિટરીથી માંડીને હૉસ્પિટલોમાં પણ હાઉસફુલનાં..

વર્લ્ડ કપ હોય અને ભારત-પાકિસ્તાનની મૅચ હોય એટલે હાઈ વૉલ્ટેજ ડ્રામા ન થાય તો જ નવાઈ.

વર્લ્ડ કપ હોય અને ભારત-પાકિસ્તાનની મૅચ હોય એટલે હાઈ વૉલ્ટેજ ડ્રામા ન થાય તો જ નવાઈ.


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે ક્રિકેટજગતની કટ્ટર હરીફ ટીમો ટકરાવાની છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅચ હોય અને એ પણ વર્લ્ડ કપની મૅચ હોય ત્યારે એ આખા વર્લ્ડ કપનો ખરો હાઈ પૉઇન્ટ ગણાય છે. આ મૅચની તારીખો જાહેર થઈ ત્યારથી જ જાણે અમદાવાદ એકદમ હૉટ સ્પૉટ બની ગયું હતું. હવે જ્યારે વર્લ્ડ કપનો ખરાખરીનો જંગ શરૂ થઈ ગયો છે અને હાઈ-વૉલ્ટેજ મૅચ ઢૂંકડી છે ત્યારે અમદાવાદની ગલીએ-ગલીએ એનો રોમાંચ વર્તાઈ રહ્યો છે. દેશ અને દુનિયાના કરોડો ક્રિકેટ-ફૅન્સની નજર તો અમદાવાદમાં રમાનારી ભારત-પાકિસ્તાનની હાઈ-વૉલ્ટેજ વન-ડે મૅચ પર મંડાઈ છે અને દુનિયાભરના ક્રિકેટ-ચાહકોએ અમદાવાદમાં રમાનારા આ રોમાંચક અને રોલર કોસ્ટર જેવા દિલધડક મુકાબલાને લાઇવ નિહાળવા અમદાવાદ તરફ દોટ મૂકી છે ત્યારે અમદાવાદમાં રીતસરનો ક્રિકેટ-ફીવર છવાઈ ગયો છે. ભારત-પાકિસ્તાનની મૅચને લઈને અમદાવાદ ટૂરિઝમ માટે સજ્જ થઈ ગયું છે. મુંબઈના ગુજરાતીઓ સહિતના ક્રિકેટ-લવર્સ મોટી સંખ્યામાં અમદાવાદમાં આ મૅચ જોવા જવાના છે. માત્ર મુંબઈ કે ઇન્ડિયામાંથી જ નહીં, કેન્યા અને દુબઈથી પણ મોટી સંખ્યામાં ફૅન્સ મૅચ જોવા અમદાવાદ આવવાના છે ત્યારે હોટેલોમાં જગ્યા ન મળતાં ચાહકોએ ગેસ્ટહાઉસ, ફાર્મહાઉસ, કમ્યુનિટી હૉલ, ઘર, ડૉર્મિટરીથી માંડીને હૉસ્પિટલો સુધી નજર દોડાવી છે અને એકાદ-બે દિવસ રહેવા માટે બુકિંગ પણ કર્યું છે. ચાહકોની ઉત્કંઠા સાથે મોટા પ્રમાણમાં ડિમાન્ડને પગલે શહેરની હોટેલોનાં ભાડાં જ નહીં, ઍર-ફેર પણ આ દિવસોમાં આસમાને પહોંચ્યા છે તો ટ્રેનમાં જગ્યા મળવી મુશ્કેલ થતાં લોકો ટૅક્સી સહિતના પ્રાઇવેટ વેહિકલમાં અમદાવાદ મૅચ જોવા આવવા અધીરા બન્યા છે ત્યારે અમદાવાદમાં તડાકો પડવાનો નક્કી જ છે. 
ટિકિટ મળી ત્યારે લૉટરી લાગ્યા જેટલી ખુશી થઈ

૨૨ જણનું ગ્રુપ
ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચ એકસાથે અચૂક જોવા જતા કાંદિવલીના ક્રેઝી ક્રિકેટ-ફૅન્સ તેમના ગ્રુપ સાથે અમદાવાદ જઈ રહ્યા છે એની વાત કરતાં કાંદિવલીમાં રહેતા હેમાંગ શાહ કહે છે, ‘ભારત-પાકિસ્તાન વચ્ચે જોરદાર રસાકસીવાળી મૅચ રમાવાની હોય ત્યારે કુછ ભી કરકે મૅચ જોવા તો જવું જ પડેને. હું અને મારો દીકરો અયાન તેમ જ આશિષ પંચાલ, મિહિર વોરા, કૌશલ શાહ, રાકેશ છેડા, બંકિમ દોશી, અભય ઝવેરી, શ્રેય શાહ, પિનલ ઠક્કર, જય સલોટ સહિતના અંદાજે પંદરેક મિત્રો સાથે મૅચ જોવા અમદાવાદ જવાના છીએ. મૅચ જોવા આવવાનું હતું જ એટલે ઑનલાઇન ટિકિટ મેળવવા અમે બધા મિત્રોએ ઉજાગરા પણ કર્યા છે. ઑનલાઇન પર પાંચ-પાંચ કલાક સુધી મોબાઇલ અને લૅપટૉપથી લૉગ-ઇન કરીને વેઇટિંગમાં બેઠા હતા. સાંજે ૬ વાગ્યાથી લઈને રાત્રે ૧૨ વાગ્યા સુધી અમે ટ્રાય કરી હતી. અમે ક્યુમાં હતા એટલે હાથમાં લૅપટૉપ અને મોબાઇલ ફોન પકડીને ચાર-પાંચ કલાક ફરતા રહ્યા હતા, પરંતુ જ્યારે ટિકિટ મળી ત્યારે લૉટરી લાગી હોય એવું લાગ્યું અને એની ખુશી કંઈ ઑર જ હતી. ટિકિટ મળી ગઈ એટલે એકસાથે મૅચ જોવા જવાનો આનંદ અમને બહુ જ છે. આમ તો અમારા ગ્રુપના લગભગ ૨૦થી ૨૨ મિત્રો મૅચ જોવા જવાના છીએ, પરંતુ મૅચના આગલા દિવસે અમે પંદરેક મિત્રો મુંબઈથી ટ્રેનમાં અમદાવાદ જવાના છીએ. હોટેલમાં બુકિંગ મળવું મુશ્કેલ હતું, પરંતુ અમદાવાદમાં રહેતા મારા જીજાજીને કહીને હોટેલમાં ટ્રિપલ બેડની પાંચ રૂમ બુક કરાવી છે જેનું રૂમદીઠ ૯,૦૦૦ રૂપિયા ભાડું ચૂકવવાના છીએ. મારા ઘણા રિલેટિવ્સ અમદાવાદમાં રહે છે એટલે હું અને મારો સન મારા કઝિનને ત્યાં રોકાઈશું. હોટેલનાં ઊંચાં ભાડાં અને હોટેલમાં જગ્યા ન મળતાં અન્ય મિત્રો પણ તેમના રિલેટિવ્સને ત્યાં રોકાવાના છે. બીજા દિવસથી નવરાત્રિ હોવાથી મૅચ જોઈને અમે બધા રાતે જ મુંબઈ આવવા નીકળી જઈશું.’ 



અમે લકી છીએ કે ટિકિટ મળી 
ભારત-પાકિસ્તાન વચ્ચેની એક્સાઇટિંગ ક્રિકેટ-મૅચ જોવા ઉત્સુક વિલે પાર્લેમાં રહેતા શ્રેય શાહ કહે છે, ‘ઑનલાઇન ટિકિટ મેળવવા અમે બહુ મહેનત કરી હતી. હું મુંબઈથી અને મારો ભાઈ પર્વ અમદાવાદથી ઑનલાઇન લૉગ-ઇન કરીને મૅચની ટિકિટ મેળવવાના પ્રયાસ કરી રહ્યા હતા. અમને ત્રીજી ટ્રાયમાં ટિકિટ મળી ત્યારે અમારી ખુશીનો કોઈ પાર ન રહ્યો. અમે ટિકિટ માટે મહેનત કરી રહ્યા હતા, વેઇટિંગમાં હતા અને સામેથી યુ આર ઇન ક્યુ કહી 
રહ્યા હતા ત્યારે થતું કે ટિકિટ મળશે કે કેમ? જોકે ફાઇનલી અમને ટિકિટ મળી. કરોડો ફૅન્સમાં 


અમે લકી છીએ કે અમને ભારત-પાકિસ્તાન મૅચની ટિકિટ મળી. હું મારી જાતને લકી એટલા માટે માનું છું કે હવે ભારતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારે મૅચ રમાય એ નક્કી નથી તેમ જ ભારત-પાકિસ્તાન વચ્ચે ભારતમાં વર્લ્ડ કપની મૅચ ક્યારે આવે? પછી તો આપણે ભારતની બહાર જઈને મૅચ જોવી પડે. એના કરતાં ભારતમાં જ ભારત-પાકિસ્તાનની મૅચ જોવા મળે એ તો સૌથી બેસ્ટ છે.’  

ભારત માટે આવશે છેક દુબઈથી 
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ-મૅચ દેશવિદેશના ચાહકો માટે હંમેશાં આકર્ષણનું કેન્દ્ર બનતી આવી છે ત્યારે છેલ્લાં ૨૩ વર્ષથી ભારતને સપોર્ટ કરવા મૅચ જોવા દુનિયાભરમાં ફરતા અને વર્લ્ડ કપનો ભારત-પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો જોવા તથા ભારતને સપોર્ટ કરવા દુબઈથી અમદાવાદ આવી રહેલા વૈષ્ણવ ભાટિયા એવા ક્રિકેટ-ફૅન ભીષ્મ જાવા કહે છે, ‘ભારત-પાકિસ્તાન વચ્ચેની આ મારી દસમી મૅચ છે જે જોવા હું અમદાવાદ આવી રહ્યો છું. હું કૉલેજમાં હતો ત્યારે ૨૦૦૦ની સાલમાં શારજાહમાં રમાયેલી ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચ જોવા ગયો હતો. ત્યારથી મને ચસકો લાગ્યો કે ભારતની પાકિસ્તાન સાથેની મૅચ જોવાની મજા કંઈક ઑર જ છે અને એટલે હું ભારત-પાકિસ્તાનની મૅચ જોવા જાઉં છું. હવે મૅચ જોવા અમદાવાદ આવી રહ્યો છું. ખાસ તો ભારતને સપોર્ટ કરવા આવવું જ પડે. અમદાવાદમાં મૅચ જોવાની મજા કંઈક જુદી જ છે. મને અમદાવાદમાં મૅચ જોવા આવ્યાને ઘણાં વર્ષો થઈ ગયાં. છેલ્લે ૨૦૧૧માં વર્લ્ડ કપમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની મૅચ જોવા આવ્યો હતો. એ સમયે વર્લ્ડ કપની ભારતની તમામ મૅચ મેં જોઈ હતી એટલે આ વખતે પણ ભારતને સપોર્ટ કરવા હું આવી રહ્યો છું. અમદાવાદના સ્ટેડિયમનાં વખાણ મેં સાંભળ્યાં છે કે એનું એન્વાયર્નમેન્ટ અલગ જ હશે. નવા સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચ જોવાનો અનુભવ થશે અને મારા મતે ભારત જીતશે.’ 
ભીષ્મ જાવા દુબઈમાં ક્રિકેટ પણ રમે છે અને તેઓ દુબઈ બુર્જ ટીમના કૅપ્ટન પણ છે. તેઓ તેમની ટીમ માટે ઘણી ટુર્નામેન્ટ રમીને ટ્રોફી જીત્યા છે. તેઓ વિરાટ કોહલીના જબરદસ્ત ફૅન છે, પણ સચિન તેન્ડુલકરને ક્રિકેટનો ભગવાન માને છે. તેઓ કહે છે, ‘હું સચિન તેન્ડુલકરને ત્રણ વાર મળ્યો છું. સચિન તેન્ડુલકર લૉર્ડ્સમાં જે બૅટથી રમ્યા હતા એ બૅટ હું એક ચૅરિટી ઑક્શનમાં જીત્યો હતો. દુબઈમાં ૨૦૧૧માં યોજાયેલા એક ચૅરિટી ઑક્શનમાં મેં સચિન તેન્ડુલકરનું બૅટ લીધું હતું જે મને ખુદ સચિન તેન્ડુલકરે આપ્યું હતું.’ 


અમદાવાદ મૅચ જોવા જશે મુંબઈના આ ગુજરાતી ફૅન્સ.

શહેરની હોટેલોમાં રૂમ ખાલી જ નથી 
અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની મૅચ જોવા માટે અકલ્પનીય ધસારો થયો છે ત્યારે અમદાવાદની બહાર રહેતા અને મૅચ જોવા માગતા ક્રિકેટ-ફૅન્સ માટે ક્યાં રહેવું એવો પ્રશ્ન ઊભો થાય એટલી હદે શહેરની હોટેલોમાં રૂમોનું ઍડ્વાન્સ બુકિંગ થયું છે. જે દિવસે ભારત-પાકિસ્તાનની મૅચ છે એ દિવસ અને એના આગલા દિવસ માટે અમદાવાદની લગભગ તમામ હોટેલો તો બુક છે જ; પરંતુ કમ્યુનિટી હૉલ, ગેસ્ટહાઉસ, ફાર્મહાઉસ પણ લોકોએ ભાડે રાખ્યાં છે એની વાત કરતાં અમદાવાદની માન રેસિડન્સી હોટેલના ઓનર રાહુલ ભોજવાણી કહે છે, ‘મૅચને લઈને અમદાવાદમાં હોટેલની રૂમોની એટલી બધી ડિમાન્ડ છે કે શહેરની હોટેલોમાં રૂમ જ ખાલી નથી. ભારત-પાકિસ્તાન વચ્ચે મૅચ રમાવાની છે અને બહારગામથી લોકોની રિક્વાયરમેન્ટ મોટી છે એટલે હોટેલોના બધા જ રૂમ લગભગ ફુલ છે. મારે ત્યાં રૂમ માટે મુંબઈ, બૅન્ગલોર, દિલ્હી, ઉત્તરાખંડ, સોમનાથ, ભરૂચ, દ્વારકાથી પણ ઇન્ક્વાયરી થઈ રહી છે. રૂમનો ચાર્જ પર ડે ૧૧,૦૦૦થી ૧૨,૦૦૦ તેમ જ સ્વીટરૂમનો ચાર્જ ૨૦,૦૦૦થી ૨૫,૦૦૦ રૂપિયા છે. મારી થ્રીસ્ટાર હોટલ છે, પરંતુ ફાઇવસ્ટાર હોટેલોમાં મૅચ દરમ્યાન રૂમનું ભાડું આનાથી વધુ હશે. નૉર્મલ ડેમાં જે ભાડું મળે એનાથી બમણું કે એનાથી પણ વધુ ભાડું હશે. હોટેલો બુક થઈ જતાં અમદાવાદના કમ્યુનિટી હૉલ, ડૉર્મિટરી, ગેસ્ટહાઉસ તેમ જ ફાર્મહાઉસ પણ પૅક થયાં છે. લોકોએ એ પણ ભાડે રાખ્યાં છે.’  
હૉસ્પિટલમાં મૅચ ‘ચેક-અપ’ 

અમદાવાદમાં વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચ જોવા માટે એટલો બધો ધસારો છે કે હોટેલમાં રૂમો ન મળતાં હેલ્થ ચેક-અપ કરાવવાની સાથે હેલ્ધી થઈને મૅચની મોજ માણવા પણ કેટલાક ચાહકો ઉત્સુક છે એની વાત કરતાં અમદાવાદ પાસે આવેલી અપોલો હૉસ્પિટલના ગુજરાત રીજનના ચીફ ઑપરેટિંગ ઑફિસર નીરજ લાલ કહે છે, ‘અમારી હૉસ્પિટલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લગભગ બે કિલોમીટર દૂર છે. અમારી હૉસ્પિટલમાં વન-ડે હેલ્થ ચેક-અપનું પૅકેજ ઘણા સમયથી છે. એક દિવસ માટે ૨૪ કલાક એક સગા સાથે હૉસ્પિટલમાં રહેવાનું અને જનરલ, ઑર્થો તેમ જ ફિઝિશ્યન સર્જ્યનની અન્ડરમાં પૂરું બૉડી ચેક-અપ સ્કૅન થાય છે. બીજા દિવસે ડિસ્ચાર્જ આપવામાં આવે છે. અમે જોયું છે કે વન-ડે હેલ્થ ચેક-અપ પૅકેજ માટે ઑક્ટોબરની ૧૨, ૧૩ અને ૧૪ તારીખે અમારે ત્યાં સૌથી વધુ ૨૫ રૂમ બુક થઈ છે. કેન્યા અને યુ.કે.થી મોટા ભાગે નૉન-ગુજરાતી રેસિડન્ટ્સે હેલ્થ ચેક-અપ પૅકેજમાં રૂમ બુક કરાવી છે. હેલ્થ ચેક-અપ કરાવવા માટે રૂમ બુક કરનારા અમને પૂછી રહ્યા છે કે સ્ટેડિયમ તમારી હૉસ્પિટલથી દૂર કેટલું છે? હેલ્થ ચેક-અપ કેટલા વાગ્યે કમ્પ્લીટ થશે? બે વાગ્યા પહેલાં કમ્પ્લીટ થશે? એટલે અમને લાગી રહ્યું છે કે ભારત-પાકિસ્તાનની મૅચને લઈને રૂમ બુક કરાવી હોઈ શકે છે. ૯૦ ટકા લોકો એવા હોઈ શકે છે જેઓ મૅચ જોવા આવ્યા હશે. અમને લાગે છે કે મૅચને કારણે રૂમ બુક કરાવે છે એટલે અત્યારે અમે બુકિંગ બંધ કરી દીધું છે, કારણ કે આ પેશન્ટ કૅર માટે છે એટલે અમે રૂમ બુક કરતા નથી. તેમને લાગે છે કે અહીં રૂમ મળી ગઈ, હેલ્થ ચેક-અપ થઈ ગયું તો હેલ્ધી થઈને મૅચ જોવા જઉં.’ 

ચાર્ટર્ડ પ્લેનની સંખ્યામાં વધારો  
જે લોકોનું અમદાવાદમાં હોટેલમાં કે અન્ય કોઈ જગ્યાએ મૅચના દિવસે કે એના આગલા દિવસે રૂમનું બુકિંગ નથી થઈ શક્યું તેઓ મૅચના દિવસે અમદાવાદ આવવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી કે વિદેશથી આવતા ક્રિકેટ-ચાહકો માટે ટ્રેનમાં બુકિંગ ફુલ થઈ ગયું છે. મૅચના દિવસે તેમ જ આગળ-પાછળના દિવસે ઍર-ફેર પણ આસમાને પહોંચી રહ્યાં છે ત્યારે અમદાવાદ ઍરપોર્ટ પર મૅચના દિવસે મુસાફરોની સંખ્યા વધી શકે છે તેમ જ ઍરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેન આવવાની સંખ્યા રોજ કરતાં વધી શકે છે એવું અનુમાન ઍરપોર્ટના સત્તાવાળાઓ લગાવી રહ્યા છે. જોકે અમદાવાદ ઍરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેન માટે પાર્કિંગ-સ્પેસ છે એટલે કોઈ સમસ્યા નહીં રહે એવો અંદાજ છે.
જીસીએના હોદેદ્દારોના 

રણકતા ફોન 
ભારત-પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં વર્ષો પછી મૅચ રમાવા જઈ રહી છે ત્યારે ઑનલાઇન ટિકિટ-બુકિંગ નથી થઈ શક્યું એવા અગણિત ચાહકો ટિકિટ મેળવવા માટે તમામ પ્રકારે ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે. અમદાવાદમાં મૅચ રમાવાની હોવાથી ગુજરાત ક્રિકેટ અસોસિએશન (જીસીએ)ના હોદ્દેદારોના ફોન રણકી રહ્યા છે અને ચાહકો તેમની પાસે ટિકિટ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. ઘણા ચાહકો તો ડબલ ભાવ ચૂકવીને પણ ટિકિટ લેવા તત્પર બન્યા છે એવો જબરદસ્ત ક્રેઝ ભારત-પાકિસ્તાનની મૅચને લઈને ઊભો થયો છે.

Whatsapp-channel Whatsapp-channel

08 October, 2023 02:45 PM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK