પશ્ચિમ બંગાળનો રૂપમ પાલ ૪૭ દિવસ સમગ્ર દેશમાં ફરીને આવ્યો હતો અમદાવાદ

વેસ્ટ બંગાળના કડીમપુરમાં રહેતો રૂપમ પાલ અમદાવાદ આવી પહોંચ્યો હતો
વર્લ્ડ કપમાં ભારતની મૅચો જ્યાં રમાઈ હતી ત્યાં બાઇક લઈને મૅચ જોવા પશ્ચિમ બંગાળનો ક્રિકેટનો ડાઇહાર્ડ ફૅન રૂપમ પાલ પહોંચી જતો હતો અને બાઇક પર કુલ ૧૬,૩૮૦ કિલોમીટરનો પ્રવાસ કરીને આ ક્રિકેટપ્રેમી ફાઇનલ મૅચ જોવા ગઈ કાલે અમદાવાદ આવી પહોંચ્યો હતો.
બંગાળના કડીમપુરમાં રહેતા રૂપમ પાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને બાઇક ચલાવવાનું પૅશન છે અને હું ક્રિકેટ-ફૅન છું. મને ક્રિકેટનો બહુ ક્રેઝ છે એટલે ભારતમાં વર્લ્ડ કપ રમાવાનો હોવાથી મેં પહેલાંથી નક્કી કર્યું હતું કે ભારતની મૅચ જ્યાં રમાશે ત્યાં હું બાઇક લઈને જઈશ. મારા ઘરેથી હું ચોથી ઑક્ટોબરે નીકળ્યો હતો અને અત્યાર સુધી દિલ્હી, ધરમશાલા, લખનઉ અને કલકત્તામાં આપણી મૅચ સ્ટેડિયમમાં બેસીને જોઈ છે. બાકીનાં સ્થળોએ હું ગયો હતો, પણ મને ટિકિટ નહોતી મળી એટલે હું સ્ટેડિયમની બહાર ઊભો રહ્યો હતો.’
ADVERTISEMENT
બ્લડ બૅન્કમાં જૉબ કરતા રૂપમ પાલે ગઈ કાલે સવારે વધુમાં કહ્યું હતું કે ‘ભારત જ્યાં મૅચ રમ્યું છે એ બધાં સ્થળોએ ફરતાં-ફરતાં હું અમદાવાદ આવી પહોંચ્યો અને બાઇક પર આટલું ફરતાં મને કુલ ૧૬,૩૮૦ કિલોમીટર થયાં છે. ૪૭ દિવસથી હું ક્રિકેટ જોવા માટે એકથી બીજા સ્થળે ફરી રહ્યો છું અને હવે ફાઇનલ મૅચ જોવા અમદાવાદ આવ્યો છું. અત્યાર સુધીમાં મારે દોઢ લાખથી વધુનો ખર્ચ થયો છે.’

