કોચ, ચીફ સિલેક્ટર ફીલ્ડિંગ કરવા ઊતર્યા, ૧૦ ઓવરમાં ટાર્ગેટ હાંસલ કર્યો
ફાઇલ તસવીર
T20 વર્લ્ડ કપની શરૂઆત પહેલાં ઑસ્ટ્રેલિયાએ અેની પહેલી વૉર્મ-અપ મૅચમાં નામિબિયાને ૭ વિકેટે હરાવીને વિજયી શરૂઆત કરી હતી. આ મૅચની વિશેષતા એ હતી કે ઑસ્ટ્રેલિયાની ટીમના મહત્ત્વના પ્લેયર્સ મેદાનમાં નહોતા અને ટીમના સપોર્ટ-સ્ટાફને ફીલ્ડિંગ કરવા મેદાનમાં ઊતરવાનો વારો આવ્યો હતો. માત્ર નવ મેમ્બરની બનેલી ઑસ્ટ્રેલિયાની ટીમે વિજય મેળવ્યો એમાં ડેવિડ વૉર્નરની હાફ સેન્ચુરી અને જોશ હેઝલવુડની ખતરનાક બોલિંગનો ચમત્કાર હતો. જોશ હેઝલવુડે નવા બૉલથી સેન્સેશનલ સ્પેલ નાખતાં પહેલી ત્રણ ઓવરમાં એક પણ રન આપ્યા વિના બે વિકેટ લીધી હતી. ટ્રિનિડૅડના ક્વીન્સ પાર્ક ઓવલ મેદાનમાં આ મૅચ રમાઈ હતી. ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન મિચલ માર્શે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ઑસ્ટ્રેલિયાની ટીમના પૅટ કમિન્સ, ટ્રૅવિસ હેડ, મિચલ સ્ટાર્ક, કેમરન ગ્રીન, માર્કસ સ્ટોઇનિસ અને ગ્લેન મૅક્સવેલ હમણાં સુધી IPLમાં વ્યસ્ત હતા એટલે વૉર્મ-અપ મૅચ રમવા પહોંચ્યા નહોતા. વર્લ્ડ કપ પહેલાં તેમને આરામ અપાયો હતો. આ ટીમ મેમ્બરોની ગેરહાજરીમાં તેમના સપોર્ટ-સ્ટાફને ફીલ્ડિંગ કરવા ઊતરવું પડ્યું હતું જેમાં હેડ કોચ ઍન્ડ્રુ મૅક્ડોનલ્ડ, તેમના અસિસ્ટન્ટ્સ બ્રૅડ હોઝ અને ઍન્ડ્રે બોરોવૅક તથા નૅશનલ સિલેક્ટર જ્યૉર્જ બેઇલીનો સમાવેશ છે.
ADVERTISEMENT
નામિબિયાએ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૧૯ રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયાને ૧૨૦ રન ચેઝ કરવાના હતા અને ડેવિડ વૉર્નર અને કૅપ્ટન મિચલ માર્શે પાવરપ્લેમાં નામિબિયાના બોલરોને ઝૂડી કાઢ્યા હતા. માર્શ રનઆઉટ થયો હતો, પણ વૉર્નરે ૨૦ બૉલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. તેણે તાન્ગેની લુન્ગામેનીને ત્રણ સિક્સર ફટકારી હતી. IPLમાં વૉર્નર ઈજાગ્રસ્ત હતો એથી આ ઇનિંગ્સે તેની વાપસી કરાવી હતી. જોસ ઇન્ગલિસ અને ટિમ ડેવિડ સસ્તામાં આઉટ થયા, પણ ઑસ્ટ્રેલિયા માત્ર ૧૦ ઓવરમાં આ મૅચ જીતી ગયું હતું. ગુરુવારે ઑસ્ટ્રેલિયા વેસ્ટ ઇન્ડીઝ સામે વૉર્મ-અપ મૅચ રમશે.

