ગઈ કાલે અમદાવાદથી મુંબઈ પાછા ફર્યા બાદ સૂર્યકુમારે આ બાબતે કહ્યું હતું
સૂર્યાએ ૨૦૨૪ના પોઝને કર્યો રિપીટ : કૅપ્ટન સૂર્યકુમાર યાદવે સોમવારે સોશ્યલ મીડિયામાં પત્ની દેવિશા અને ટ્રોફી સાથે સૂતો હોય એવો ફોટો શૅર કર્યો હતો. ૨૦૨૪માં પણ વેસ્ટ ઇન્ડીઝમાં T20 વર્લ્ડ ચૅમ્પિયન બન્યા બાદ તેણે આવો જ ફોટો શૅર કર્યો હતો. જોકે બન્ને ફોટોમાં ફરક માત્ર એ હતો કે ૨૦૨૪માં તે ટ્રોફીની જમણી બાજુ સૂતો હતો જ્યારે આ વખતે ડાબી બાજુ સૂતો છે.
રવિવારે ન્યુ ઝીલૅન્ડને હરાવીને ભારતીય ટીમે ત્રીજી વાર T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી લેતાં દેશભરમાં ઉત્સવનો માહોલ બની ગયો હતો. અનેક જગ્યાએ મોડી રાત સુધી લોકો રસ્તા પર સેલિબ્રેટ કરતા જોવા મળ્યા હતા. ભારતીય ટીમે પણ સતત બીજી વાર અને રેકૉર્ડબ્રેક કુલ ત્રીજી વાર આ કારનામાની દિલ ખોલીને ઉજવણી કરી હતી. કૅપ્ટન સૂર્યકુમારે આ બાબતે ખુલાસો કરતાં કહ્યું હતું કે ટીમે તેમનું સેલિબ્રેશન સવાર સુધી ચાલુ રાખ્યું હતું.
ગઈ કાલે અમદાવાદથી મુંબઈ પાછા ફર્યા બાદ સૂર્યકુમારે આ બાબતે કહ્યું હતું કે ‘હું ઇચ્છુ છું કે એ રાત્રે ચૅમ્પિયન બન્યા બાદ અમે જે પણ કર્યું એ બધું શૅર કરું, પણ હું એમ નહીં કરી શકું. હું તમને જરૂર કહીશ કે અમે દિલથી ઉજવણી કરી અને સવારે ૮ વાગ્યા સુધી બધા જાગતા હતા.’
ADVERTISEMENT
રવિવારના કારનામા બાદ હવે રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની સાથે તેની સરખામણી થવા લાગવા વિશે તેણે કહ્યું હતું કે મને ગર્વ થઈ રહ્યો છે કે હું તે લેજન્ડ સાથે જોડાઈ રહ્યો છું. વધુમાં તેણે કહ્યું હતું કે વર્લ્ડ કપ પહેલાં હું ધોનીને મળ્યો હતો અને ICC ટુર્નામેન્ટમાં કેવી રીતે રમવું એ વિશે પૂછ્યું હતું. તેમણે મને કહ્યું હતું કે આપણી ટીમ ખૂબ સારી છે. આપણે ફક્ત નીડર રહેવાની જરૂરી છે અને આપણે જરૂર ચૅમ્પિયન બનીશું.’
