મૅચ માટે ખરીદેલી દરેક ટિકિટમાંથી ૧૦૦ રૂપિયાનું યોગદાન રાજસ્થાનની ગ્રામીણ મહિલાઓના જીવનપરિવર્તન માટે કરવામાં આવશે.
મેટા ઑફિસ ખાતે રાષ્ટ્રપતિ પુરસ્કાર વિજેતા સોલર એન્જિનિયર થાવરી દેવી સાથે કુમાર સંગકારા. રાજસ્થાનની જર્સી પર ‘ઔરત હૈ તો ભારત હૈ’ના સ્લોગન સાથે પ્રતિષ્ઠિત મહિલાઓનાં નામ હશે.
ગઈ કાલે ઇન્ટરનૅશનલ વિમેન્સ ડેના અવસર પર રાજસ્થાન રૉયલ્સે પિન્ક પ્રૉમિસ જર્સી લૉન્ચ કરી હતી. ‘ઔરત હૈ તો ભારત હૈ’ જેવા સ્લોગન અને પ્રતિષ્ઠિત મહિલાઓનાં નામવાળી આ જર્સી પહેલી મેએ જયપુરમાં મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચ દરમ્યાન પહેરવામાં આવશે. આ મૅચ માટે ખરીદેલી દરેક ટિકિટમાંથી ૧૦૦ રૂપિયાનું યોગદાન રાજસ્થાનની ગ્રામીણ મહિલાઓના જીવનપરિવર્તન માટે કરવામાં આવશે. આ મૅચમાં કોઈ પણ ટીમ દ્વારા ફટકારવામાં આવેલા દરેક છગ્ગા માટે રાજસ્થાન રૉયલ્સ ફાઉન્ડેશન સાંભર વિસ્તારમાં છ ઘરોને સૌર ઊર્જાથી પ્રકાશિત કરવા માટે પ્રતિબદ્ધ રહેશે.
ગઈ કાલે રાજસ્થાન રૉયલ્સ ફાઉન્ડેશને મેટા ઇન્ડિયાની ઑફિસમાં વિકેટકીપર-બૅટર ધ્રુવ જુરેલ અને ફ્રૅન્ચાઇઝીના ડાયરેક્ટર ઑફ ક્રિકેટ કુમાર સંગકારાની હાજરીમાં ‘ઔરત હૈ તો ભારત હૈ’ નામની એક ફિલ્મ પણ લૉન્ચ કરી હતી. આ ઇવેન્ટમાં રાજસ્થાનનાં રાષ્ટ્રપતિ પુરસ્કાર વિજેતા સોલર એન્જિનિયર થાવરી દેવી અને સોશ્યલ મીડિયાના ક્રીએટર્સ હાજર રહ્યાં હતાં.

