સિરીઝમાં પાછળ ચાલી રહેલી ટીમ ઇન્ડિયા વિશે તેઓ કહે છે, ‘શુભમન ગિલને સમય આપો, કૅપ્ટન તરીકે આ તેની પહેલી સિરીઝ છે
કપિલ દેવ
ભારતના વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન કપિલ દેવે ઇંગ્લૅન્ડ-ટૂર પર ગયેલી યુવા ભારતીય ટીમનું સમર્થન કર્યું છે. સિરીઝમાં પાછળ ચાલી રહેલી ટીમ ઇન્ડિયા વિશે તેઓ કહે છે, ‘શુભમન ગિલને સમય આપો, કૅપ્ટન તરીકે આ તેની પહેલી સિરીઝ છે. તે ભૂલો કરશે અને એમાંથી શીખશે. જો તે શીખી રહ્યો છે તો કોઈ સમસ્યા નથી. ભૂલોમાંથી શીખવું મહત્ત્વપૂર્ણ છે. આ યુવા ટીમ છે. વિશ્વની કોઈ પણ નવી ટીમને સેટ થતાં વાર લાગે છે.’
હરિયાણાના ફાસ્ટ બોલર અંશુલ કમ્બોજે ડેબ્યુ-ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં ૧૮ ઓવરમાં ૪.૯૦ની ઇકૉનૉમીથી ૮૯ રન આપી માત્ર એક વિકેટ લીધી હતી. તેના વિશે વાત કરતાં કપિલ દેવ કહે છે, ‘તમે નવોદિત પ્લેયર પાસેથી શું અપેક્ષા રાખો છો? ૧૦ વિકેટ લેવી? તમારે તેની ક્ષમતાનું મૂલ્યાંકન કરવું પડશે. જો સારું પ્રદર્શન કરશે તો તે વાપસી કરશે. દરેક વ્યક્તિ પોતાની પહેલી મૅચમાં નર્વસ હોય છે. પરિણામ આદર્શ ન હોઈ શકે, પરંતુ મારું માનવું છે કે ક્ષમતા વધુ મહત્ત્વપૂર્ણ છે.’
ADVERTISEMENT
જસપ્રીત બુમરાહના વર્લ્ડલોડ મૅનેજમેન્ટના સવાલ પર તેઓ કહે છે, ‘મને લાગે છે કે બધા લોકો અલગ છે. સમય બદલાયો છે, શરીર અલગ છે. તેઓ અલગ રીતે કામ કરી રહ્યા છે. એનો નિર્ણય કરવો મુશ્કેલ છે. બુમરાહ આપણા ઝડપી બોલરોમાંનો એક છે, પરંતુ તેની ઍક્શન ખૂબ જ વિચિત્ર છે અને એને જાળવી રાખવી મુશ્કેલ છે. મને નહોતું લાગતું કે તે આટલા લાંબા સમય સુધી રમી શકશે, કારણ કે તે શરીર પર ઘણું પ્રેશર આપે છે, પરંતુ તેમ છતાં તે ભારતીય ટીમ માટે સારું કરી રહ્યો છે એથી તેને સલામ.’
કપિલ દેવે ઇંગ્લૅન્ડના બેન સ્ટોક્સની સરખામણીમાં ભારતના રવીન્દ્ર જાડેજાને વધુ સારો ઑલરાઉન્ડર ગણાવ્યો હતો.


