ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે કર્યો મોટો ખુલાસો, કહ્યું...
જસપ્રીત બુમરાહ
ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બૅટર દિનેશ કાર્તિક સાથેના એક ઇન્ટરવ્યુમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ટેસ્ટ-કૅપ્ટન્સી વિશે મોટો ખુલાસો કર્યો છે.
ટેસ્ટ-ક્રિકેટમાં ભારતનો ભૂતપૂર્વ કૅપ્ટન અને વાઇસ-કૅપ્ટન રહેલો બુમરાહ કહે છે કે ‘આમાં કોઈ કાલ્પનિક વાર્તા નથી. એવો કોઈ વિવાદ કે કોઈ હેડલાઇનિંગ નિવેદન નથી કે મને બરતરફ કરવામાં આવ્યો છે. રોહિત અને વિરાટે ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ લેતાં પહેલાં મેં IPL દરમ્યાન ક્રિકેટ બોર્ડ સાથે આગામી સિરીઝ સંદર્ભે મારા વર્કલોડ વિશે વાત કરી હતી અને પછી અમે એવા નિષ્કર્ષ પર આવ્યા હતા કે મારે થોડું સ્માર્ટ બનવું પડશે. સિરીઝની પાંચેપાંચ મૅચ રમી શકું એમ ન હોવાથી મેં ક્રિકેટ બોર્ડને કહ્યું હતું કે હું પોતાને કૅપ્ટનની ભૂમિકામાં જોવા નથી માગતો.’
ADVERTISEMENT
તે આગળ કહે છે કે ‘હું હંમેશાં ટીમને પ્રાથમિકતા આપવા માગતો હતો, ભલે હું ટીમમાં પ્લેયર તરીકે જોડાયો હોઉં, કૅપ્ટન તરીકે નહીં. જો હું સાવચેત ન રહું તો મને ભવિષ્ય વિશે ખબર નથી અને હું એવી પરિસ્થિતિમાં પડવા માગતો નથી જ્યાં મને અચાનક આ ફૉર્મેટથી દૂર જવું પડે. મને કૅપ્ટન્સી કરતાં ક્રિકેટ વધુ ગમે છે એથી હું એક ક્રિકેટર અને પ્લેયર તરીકે ભારતીય ટીમમાં વધુ યોગદાન આપવા માગું છું.’
ઇંગ્લૅન્ડ ટેસ્ટ-સિરીઝમાં બુમરાહ પાંચમાંથી ઓછામાં ઓછી ત્રણ ટેસ્ટ-મૅચ રમે એવી સંભાવના છે.

