છેલ્લી ૩.૫ ઓવરમાં ૫૬ રન બન્યા હતા
રાજસ્થાનના ઓપનર યશસ્વી જયસ્વાલે જયપુરમાં છગ્ગા-ચોક્કાની રમઝટથી ૭૭ રન ખડકી દીધા. તસવીર એ.એફ.પી.
જયપુરમાં ગઈ કાલે ચેન્નઈ સામેની મૅચમાં યજમાન રાજસ્થાન રૉયલ્સને ઓપનર યશસ્વી જયસ્વાલ (૭૭ રન, ૪૩ બૉલ, ચાર સિક્સર, આઠ ફોર)એ છેલ્લી ઓવર્સમાં તેમ જ ધ્રુવ જુરેલ (૩૪ રન, ૧૫ બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) અને દેવદત્ત પડિક્કલે (૨૭ અણનમ, ૧૩ બૉલ, પાંચ ફોર) ૨૦૦-પ્લસનો સ્કોર અપાવવામાં સફળતા મેળવી હતી.
૨૧ વર્ષનો યશસ્વી જયસ્વાલ ઉત્તર પ્રદેશનો છે, પણ નાનપણથી મુંબઈમાં રહે છે. ક્રિકેટર બનતાં પહેલાં તે આઝાદ મેદાનની નજીક એક સ્ટૉલ ઊભો કરીને પાણીપૂરી વેચતો હતો અને સ્થાનિક ક્રિકેટ ટીમોના કેટલાક ખેલાડીઓ ત્યારે તેની પાણીપૂરી અચૂક ખાતા હતા. હવે યશસ્વી આઇપીએલમાં રમીને કરોડપતિ થઈ ગયો છે. યશસ્વી ૧૭મી ઓવરમાં તુષાર દેશપાંડેના બૉલમાં રહાણેના હાથમાં કૅચઆઉટ થયો ત્યારે ટીમ-સ્કોર ૧૪૬ રન હતો અને ત્યારે એવું લાગતું હતું કે રાજસ્થાન ૨૦૦ રન સુધી નહીં પહોંચી શકે. જોકે છેલ્લી ૩.૫ ઓવરમાં ૫૬ રન બન્યા હતા અને રાજસ્થાનનો સ્કોર ૨૦૨/૫ રહેતાં ચેન્નઈને ૨૦૩ રનનો મોટો ટાર્ગેટ મળ્યો હતો.


