૬૦ રનમાં ૯ વિકેટ ગુમાવીને સનરાઇઝર્સ હૈદરાબાદે આપ્યો હતો ૧૬૬ રનનો ટાર્ગેટ, કોલકાતા નાઇટ રાઇડર્સે ૧૮.૨ ઓવરમાં ૩ વિકેટે ૧૬૯ રન કરીને જીત મેળવી હતી
૨૮ બૉલમાં ૬૧ રન કરનાર હૈદરાબાદના ટ્રૅવિસ હેડને કૅચઆઉટ કરાવીને સાંત્વન આપતો સ્પિનર વરુણ ચક્રવર્તી, ૩૬ રન આપીને ૩ વિકેટ લેવા બદલ તે પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં ગઈ કાલે બપોરે મોટો અપસેટ સર્જાયો હતો. સતત પાંચ મૅચથી જીતી રહેલા સનરાઇઝર્સ હૈદરાબાદને એક સમયની તળિયાની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ૭ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ટ્રૅવિસ હેડની ફિફ્ટીની મદદથી હૈદરાબાદ ૧૯ ઓવરમાં ૧૬૫ રનના સ્કોરે ઑલઆઉટ થઈ ગયું હતું. કલકત્તાએ અંગક્રિશ રઘુવંશીની ફિફ્ટીના આધારે ૧૮.૨ ઓવરમાં ૩ વિકેટે ૧૬૯ રન કરીને ૧૬૬ રનનો ટાર્ગેટ સહેલાઈથી ચેઝ કરી લીધો હતો.
વર્તમાન સીઝનમાં સતત ત્રીજી મૅચ જીતનાર કલકત્તાએ હૈદરાબાદ સામે ૩૨ મૅચમાં ૨૧મી જીત નોંધાવી હતી. અગાઉ આ ટીમે પંજાબ કિંગ્સ સામે ૩૬ મૅચમાં સૌથી વધુ ૨૧ જીત નોંધાવી હતી. સીઝનની પહેલી ટક્કરમાં હૈદરાબાદે કલકત્તાને ૬૫ રને માત આપી હતી.
ADVERTISEMENT
હૈદરાબાદના ઓપનર ટ્રૅવિસ હેડે ૨૮ બૉલમાં ૯ ફોર અને ૩ સિક્સની મદદથી ૬૧ રન ઝૂડી નાખ્યા હતા. ત્રીજા ક્રમના બૅટર ઈશાન કિશને ૪ ફોર અને બે સિક્સ ફટકારીને ૨૯ બૉલમાં ૪૨ રનનું યોગદાન આપ્યું હતું. ૮.૬ ઓવરથી ૧૮.૬ ઓવર સુધીમાં આ ટીમે ૬૦ રન કરીને ૯ વિકેટ ગુમાવી દીધી હતી. કલકત્તા માટે સ્પિનર વરુણ ચક્રવર્તીએ ૪ ઓવરમાં ૩૬ રન આપીને ૩ વિકેટ લીધી હતી. કાર્તિક ત્યાગી અને સુનીલ નારાયણને બે-બે સફળતા મળી હતી. કૅમરન ગ્રીન, વૈભવ અરોરા અને અનુકુલ રૉયે ૧-૧ વિકેટ લીધી હતી.
રન-ચેઝ સમયે ઓપનર્સ અજિંક્ય રહાણેએ ૩૬ બૉલમાં ૪૩ રન અને ફિન ઍલને ૧૩ બૉલમાં ૨૯ રન કર્યા હતા. વિકેટકીપર-બૅટર અંગક્રિશ રઘુવંશીએ ૪૭ બૉલમાં પાંચ ફોર અને બે સિક્સની મદદથી ૫૯ રનનું મોટું યોગદાન આપ્યું હતું. રિન્કુ સિંહે ૧૧ બૉલમાં ૨૨ રન કરીને શાનદાર અંદાજમાં મૅચ ફિનિશ કરી હતી. હૈદરાબાદ માટે પૅટ કમિન્સ, સાકિબ હુસેન અને શિવાંગ કુમારે એક-એક વિકેટ લીધી હતી.
વિરાટ-રોહિતની જેમ મનીષ પાંડે પણ સતત ૧૯મી સીઝનમાં રમ્યો
ગઈ કાલે કલકત્તા તરફથી ૩૬ વર્ષના બૅટર મનીષ પાંડેને સીઝનની પહેલી મૅચ રમવાની તક મળી હતી. જોકે તે બૅટિંગ માટે આવે એ પહેલાં ટાર્ગેટ ચેઝ થઈ ચૂક્યો હતો. વિરાટ કોહલી અને રોહિત શર્મા બાદ મનીષ પાંડે IPLની સતત ૧૯ સીઝનમાં એક મૅચ રમનાર ત્રીજો ખેલાડી બન્યો હતો. ૭ ટીમ માટે ૧૭૫ મૅચમાં મનીષ પાંડે ૧ સદી અને ૨૨ ફિફટીના આધારે ૩૯૪૨ રન કરી ચૂક્યો છે.
IPL મૅચમાં ત્રીજી વખત પહેલો બૉલ રમ્યો અને ફેંક્યો પણ અભિષેક શર્માએ
IPL ઇતિહાસમાં ૧૨ વખત એક મૅચમાં કોઈ પ્લેયર બૅટર તરીકે ઇનિંગ્સનો પહેલો બૉલ રમ્યો અને બોલર તરીકે ઇનિંગ્સનો પહેલો બૉલ ફેંક્યો પણ છે. હૈદરાબાદના ઓપનર અભિષેક શર્માએ ગઈ કાલે રેકૉર્ડ ત્રીજી વખત આ કમાલ કરી હતી. એના સિવાય ભારતીય તરીકે પ્રવીણ કુમાર અને અંકિત શર્મા એક-એક વખત આવું કરી ચૂક્યા છે. અભિષેક શર્માએ ગઈ કાલે ૧૦ બૉલમાં એક ફોર અને એક સિક્સની મદદથી ૧૫ રન કર્યા હતા. જોકે સ્પિનર તરીકે બે ઓવરમાં ૧૪ રન આપીને તે વિકેટલેસ રહ્યો હતો.
IPLમાં ૨૦૦ વિકેટ લેનાર પહેલો વિદેશી બોલર બન્યો સુનીલ નારાયણ
૩૭ વર્ષનો સુનીલ નારાયણ ગઈ કાલે હૈદરાબાદના સલિલ અરોરાને આઉટ કરીને IPLમાં ૨૦૦ વિકેટ લેનાર પ્રથમ વિદેશી બોલર બન્યો હતો. તેના પહેલાં ભારતના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે આ સિદ્ધિ મેળવી હતી.
૨૦૧૨થી સુનીલ નારાયણ કલકત્તા માટે ૧૯૭ મૅચમાં રમ્યો છે. ૬.૭૯ના ઇકૉનૉમી-રેટથી રન આપીને તેણે ૭ મૅચમાં ૪ વિકેટ અને એક મૅચમાં પાંચ વિકેટ લીધી છે. વર્તમાન સીઝનની ૮ મૅચમાં તેણે ૯ વિકેટ લીધી છે.
આ કૅરિબિયન સ્પિનર IPLમાં એક ટીમ માટે ૨૦૦ વિકેટ લેનાર પ્રથમ બોલર પણ બન્યો હતો. કોઈ પણ ફ્રૅન્ચાઇઝી લીગમાં આ સિદ્ધિ મેળવનાર તે પહેલો સ્પિનર છે. અગાઉ ફાસ્ટ બોલર ડેવિડ પેન અને ક્રિસ વુડે T20 બ્લાસ્ટમાં એક જ ટીમ માટે ૨૦૦+ વિકેટ લીધી હતી.
કાવ્યા મારન સાથે હૈદરાબાદી ટીમને સપોર્ટ કરવા પહોંચી હતી પી. વી. સિંધુ
ભારતની બૅડ્મિન્ટન-સ્ટાર પી. વી. સિંધુ ફૅમિલી સાથે હૈદરાબાદની ટીમને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચી હતી. હૈદરાબાદી ટીમની ઑનર કાવ્યા મારન સાથે તે ટીમને જબરદસ્ત સપોર્ટ કરતી જોવા મળી હતી. તેણે મૅચ દરમ્યાનના ફોટો શૅર કરીને લખ્યું હતું, ‘મારું દિલ હંમેશાં બૅન્ગલોર અને હૈદરાબાદની ટીમ વચ્ચે વિભાજિત રહે છે. છેલ્લે જ્યારે હું IPL મૅચ જોવા ગઈ હતી ત્યારે બૅન્ગલોરની ટીમ મૅચ હારી ગઈ હતી, પણ પછીથી સીઝનમાં એ ટીમ વિજેતા રહી હતી. આજની મૅચમાં મારી હાજરી બાદ તમે કોઈ પણ મતલબ કાઢી શકો છો.’
